Sunday, May 18, 2014

જન્નત માના ચરણોમાં છે : મહંમદ સાહેબ : ડૉ. મહેબૂબ દેસાઈ


હમણાં આપણા યુવાનોં "મધર્સ ડે"ની ઉજવણી કરી. વિશ્વના રાષ્ટ્રોમાં મધર્સ ડેની ઉજવણી જુદાજુદા દીવસે થાય છે. મોટે ભાગે દર વર્ષના મેં માસના બીજા રવિવારને "મધર્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે. દિવસે માની મહત્તાને સ્વીકારી તેને માનપાન આપવાનો રીવાજ દરેક દેશમાં વિકસ્યો છે. પણ એક દિવસનું માન માનું ઋણ ચૂકવવા પૂરતું નથી. સનાતન સત્યનો સ્વીકાર દરેક સમાજ અને ધર્મમાં કરવામાં આવ્યો છે. ડૉ ઇકબાલના એક ફારસી કાવ્યની પંક્તિ માના સદર્ભમાં જાણવા જેવી છે. "માદરી અઝ હિસ્સાએ પયગમ્બરી" અર્થાત માતાપણું કે માતૃત્વ પયગમ્બરના કાર્યનો ભાગ છે. જેમ યતીમો અનાથો અને ગરીબો સાધનહીનો માટે મહંમદ સાહેબનું હદય દ્રવિત થતું, તેમ બીમારો વયોવૃદ્ધો માટે પણ તેમણે ખુબ લાગણી હતી. માબાપ પણ ઉંમર મોટી થતા શારીરિક આર્થિક પરવશતા અનુભવે છે. એવા સમયે તેમની સામે "ઉફ" પણ કરવાની ઇસ્લામમાં આજ્ઞા છે. ઇસ્લામમા ખુદા પછીનું સ્થાન માને આપવામાં આવ્યું છે. મહંમદ સાહેબને એક સહાબીએ પૂછ્યું,
"સ્વર્ગ કયા છે ?" મહંમદ સાહેબે ફરમાવ્યું,
"સ્વર્ગ અર્થાત જન્નત માના ચરણોમાં છે"  
માનવીના સર્જનની પ્રક્રિયાની મા સહભાગી છે. મા એવી વિભૂતિ છે જે નવ માસ સુધી તેના ઉદરમાં બાળકને ઉછેરે છે, તેના જન્મની અઢળક પીડા સહે છે. અને બાળકને દુનિયા દેખાડે છે. જો કે અહિયાં માનું કાર્ય પૂર્ણ થતું નથી. બાળકને દુનિયા દેખાડવાની સાથે તેની પરવરીશ કરી, તેને દુનિયામાં રહેવા લાયક પણ મા બનાવે છે. તેમા સંસ્કારોનું સિંચન કરે છે. વિનોબાજીના માતા કહેતા,
"વિદ્યા દે એ દેવ થાય અને રાખે એ રાક્ષસ થાય"
એ જ રીતે દિલ્હીના જાણીતા સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા ઘણી ગરીબીમાં ઉછર્યા હતા. બાળક નિઝામુદ્દીનના ઘરમાં ઘણીવાર ભોજન ન હોય. અને ભૂખ્યા જ રહેવાની બને. ત્યારે બાળક નિઝામુદ્દીનની માતા તેમને કહેતા,
"બેટા, આજે આપણે ખુદા મહેમાન છીએ" અને બાળક નિઝામુદ્દીન તે દિવસે મા પાસે ભોજન ન માંગતા. પણ જયારે ઘરમાં લાગલગાટ રસોઈ બનતી ત્યારે બાળક નિઝામુદ્દીન ભોળપણમાં માતાને પૂછતાં,
"મા આપણે ખુદના મહેમાન કયારે થઈશું ?"
આવા સંસ્કારોનું સિંચન માતા સિવાય કોણ કરી શકે ?
ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ(...)ની માતાનું નામ આમેના બિન્તે વહબ હતું. મહંમદ સાહેબ(...)ને જન્મ આપી માતા આમેના તો ધન્ય થઈ ગયા. પણ મહંમદ સાહેબના જીવનમાં માતાનું સુખ ઝાઝું હતું. મહંમદ સાહેબને જન્મ આપનાર આમેના બિન્તે વહબ એટલા બીમાર રહેતા હતા કે બાળક મહંમદને સાત દિવસથી વધુ દૂધપાન કરાવી શક્યા નહિ. પરિણામે અબ્દૂલ મુત્તલીબના બીજા પુત્ર અબુ લહબની દાસી સુબીયાહએ બાળક મહંમદ સાહેબને સાત દિવસ સુધી પોતાનું દૂધ પીવડાવ્યું. પછી "સાદ" કબીલાની હલીમા નામક સ્ત્રી બાળક મહંમદ સાહેબને પોતાના ઘરે લઈ ગઈ. અને પાંચ વર્ષ સુધી તેમનું પાલન પોષણ કર્યું. પછી હલીમા મહંમદ સાહેબને માતા આમેનાને આપી આવ્યા. બાળક મહંમદ માતા આમેનાની કોખમાં વધુ રમે પહેલા બીજા વર્ષે . ૫૭૬મા માતા આમેના અવસાન પામ્યા. આમ મહંમદ સાહેબ(...)માના પ્રેમને ઝંખતા રહ્યા. જેનો ગમ જીવનની અંતિમ પળ સુધી મહંમદ સાહેબે(...)ને રહ્યો હતો. અને કદાચ એટલે માના પ્રેમથી વંચિત રહેલા મહંમદ સાહેબ માના પ્રેમનું મુલ્ય બરાબર સમજતા હતા. મહંમદ સાહેબ(...)ના જીવન અને ઇસ્લામના ગ્રંથોમા માના મહત્વને અભિવ્યક્ત કરતા અનેક દ્રષ્ટાંતો નોંધાયેલા છે. એકવાર હઝરત મહંમદ સાહેબ (...) એક અનુયાયીએ પૂછ્યું,
મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?” મહંમદ સાહેબે (...) કહ્યું,
તારી માને
માતા પછી કોને ?”
તારી માને
પછી કોણ?”
તારા પિતાને અન્ય એક હદીસમાં મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"
તેનું નાક ધૂળમાં રાગદોળાશે" એક સહબીએ પૂછ્યું,
"
કોનું ?" આપ (...) ફરમાવ્યું,
"
જે પોતાના માતા પિતા બંને અથવા તેમાંથી કોઈ એકની વૃધ્ધા અવસ્થામા સેવા નથી કરતા, તેને જન્નતમા સ્થાન નથી મળતું" માત્ર જન્મ આપનાર મા માન મરતબાને કાબેલ છે એમ ઇસ્લામે નથી કહ્યું. જન્મ આપનાર મા જેટલા માન મરતબાની અધિકારી પાલન પોષણ કરનાર મા   પણ છે. હઝરત મહંમદ સાહેબના દૂધમાતા બીબી હલીમા કે જેમણે પોતાનું દૂધ પાઈને મહંમદ સાહેબને પાંચ વર્ષના કર્યા હતા. તેમની પણ મહંમદ સાહેબ ખુબ ઈજ્જત કરતા હતા. જ્યારે પણ આપના દૂધમાતા હલીમા રૂમમાં પ્રવેશતા ત્યારે આપ ઉભા થઈ, તેમને આવકાર આપતા. અને પોતાની જગ્યાએ તેમને બેસાડતા. રીતે પોતાને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર સુબીયાહને પણ મહંમદ સાહેબ જીવન ભર ભૂલ્યા હતા. મહંમદ સાહેબ નિકાહ પછી પણ સુબીયાહને અવારનવાર ભેટ સોગાદો મોકલતા રહેતા હતા. હિજરતના સાતમાં વર્ષે સુબીયાહના અવસાનના સમાચાર જાણી આપ ગમગીન થઈ ગયા હતા. અવસાન પછી સુબીયાહની બધી કૌટુંબિક જવાબદારીઓ મહંમદ સાહેબે અદા કરી હતી. આમ માનો મરતબો ઇસ્લામમાં જન્નત (સ્વર્ગ)ના દરવાજાને આસનીથી ખોલી નાખે તેવો માતબર છે. "મા"ની દુવા (આશીર્વાદ)નું મુલ્ય ઇસ્લામમાં નહિ સમગ્ર માનવજાતમા હજારો-લાખો કે કરોડો રૂપિયા કરતા પણ વિશેષ છે. અને દુનિયાની હયાતી સુધી કાયમ રહેશે. એટેલે "મધર્સ ડે"ની ઉજવણી માતા ને એકાદ ભેટ આપીને કે તેને એકાદ દીવસ મનપાન આપવા જેટલી સીમિત નથી. તે તો જીવનભરનું ઋણાબંધન છે. તે માટે જીવનભર "મધર્સ ડે"ની ઉજવણી અનિવાર્ય છે.