Tuesday, March 18, 2014

શ્રી રતીલાલ ઘેલાભાઈ મહેતા અને ગાંધીજી : ડૉ. મહેબૂબ દેસાઈ


આપણે આપણા ઇતિહાસ અને તેના દસ્તાવેજોને જાળવવામાં હંમેશા ઉપેક્ષિત રહ્યા છીએ. ગાંધીજી તો હજુ હમણાં આપણી સાથે હતા. છતાં તેમના અંગે પણ પૂર્ણ તથ્યો આપણી પાસે નથી. આજે પણ તેમના અંગેની અનેક બાબતો ઇતિહાસમાં દટાયેલી પડી છે. જેમ કે ગાંધીજી ઇ.સ. ૧૮૮૮મા એક ટર્મ અર્થાત છ માસ માટે ભાવનગરની સામલાદાસ આર્ટસ કોલેજમાં ભણ્યા હતા. એ છ માસનો આધારભૂત ઇતિહાસ આપણી પાસે નથી. જેમ કે,

૧. ભાવનગરમાં ગાંધીજી કયા વિસ્તારમાં રહેતા હતા ? કયા મકાનમાં રહેતા હતા ? ૨. તેઓ એકલા રહેતા હતા કે તેમની સાથે કોઈ રહેતું હતું ? અને જો તેમની સાથે કોઈ રહેતું હતું તો તે કોણ ?

૩. એ સમયે સામળદાસ કોલેજ ક્યાં ચાલતી હતી ?

આજે ભાવનગરની જુદીજુદી ત્રણ સંસ્થાઓમાં તકતીઓ મુકવામાં આવી છે. જેમાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે ગાંધીજી અહિયાં ભણતા હતા. ઈતિહાસની કરુણતા એ છે કે હજુ સુધી આપણે એ નક્કી કરી નથી શક્યા કે ગાંધીજી ભણતા હતા ત્યારે સામળદાસ કોલેજ કયા મકાનમાં ચાલતી હતી.અને કયા મકાનમાં ગાંધીજી ભણવા જતાં હતા. અલબત્ત સામળદાસ કોલેજ અંગે ગાંધીજીએ પોતાની આત્મકથામા એકાદ ફકરો લખ્યો છે. જેમા તેમણે લખ્યું છે,

"મુંબઈમા પણ કોલેજ અને ભાવનગરમાં પણ કોલેજ, ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કોલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કઈ આવડે નહિ, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોના વ્યાખ્યાનોમાં ણ પાસે રસ કે ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કોલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ પૂરી કરી ઘેર આવ્યો" (સત્યના પ્રયોગો, પૃ.૩૨, આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૨)

ગાંધીજીના આ વિધાન સિવાય સામળદાસ કોલેજનો ગાંધીજી સાથે સંકાયએલો કોઈ ઇતિહાસ કે દસ્તાવેજ ઉપલબ્ધ થતો નથી. ગાંધીજી સાથે એક સત્ર ભણનાર વિદ્યાર્થીઓની સામાન્ય યાદીથી પણ આપણે વાકેફ નથી. હાલમાં જ મારી પીએચ.ડી.ની એક વિદ્યાર્થીની કુ. કમળા વાઢેરએ "સામળદાસ કોલેજ : એક ઐતિહાસિક અધ્યન" વિષય પર સંસોધન કરેલ છે. જેમાં ઇ.સ.૧૮૮૮મા સામળદાસ કોલેજના પ્રથમ સત્રમાં ગાંધીજી સાથે પ્રિવીયસ વર્ષ અર્થાત પ્રથમ વર્ષમાં ભણતા કુલ ૪૯ વિદ્યાર્થીઓની નામાવલી તેમના થીસીસમા આપી છે. એ તમામ નામો અત્રે આપવાનું પ્રયોજન નથી. પણ જેઓ આ અંગે વધુ અભ્યાસ કરવા માંગતા હોય તેઓ તે મહાનિબંધ મેળવીને જોઈ શકે છે. એ ૪૯ નામોમાં એક નામ રાજકોટના વતની અને ગાંધીજીના પરમ મિત્ર છગનલાલ ઘેલાભાઈ મહેતાનું છે. કેટલાક આધારોમાં તે નામ રતિલાલ ઘેલાભાઈ મહેતા આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રકાશિત થયેલ અંગ્રેજી પુસ્તક "મહાત્મા ગાંધી એઝ એ સ્ટુડન્ટ" લેખક જે. એમ. ઉપાધ્યાયમા ગાંધીજીના સહધ્યાય તરીકે રતિલાલ ઘેલાભાઈ મહેતાનું નામ આપવામાં આવેલા છે. જયારે સામળદાસ કોલેજના આધારોમાં છગનલાલ ઘેલાભાઈ મહેતા નામ આપવામાં આવેલ છે. આપણે ગાંધીજીના સહઅધ્યાય અને મિત્ર તરીકે રતિલાલ ઘેલાભાઈ મહેતાનું નામ સ્વીકારીને ચાલ્યે તો આ બંને મિત્રો રાજકોટની કાઠીયાવાડ સ્કુલ જેને પછીથી આલ્ફ્રેડ હાઇસ્કુલ તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેમાં પણ સાથે ભણતા હતા. અને ભાવનગરની સામળદાસ કોલેજમાં પણ સાથે ભણતા હતા. અને એટલે જ બંને અભ્યાસકાળ દરમિયાન સાથે જ ભાવનગર-રાજકોટ વચ્ચે આવન જાવાન કરતા હતા.

રાજકોટ શહેરના સદર વિસ્તારમા આવેલ પંચનાથ રોડ પર વૈષ્ણવ હવેલી પાસે શ્રી રતિલાલ ઘેલાભાઈ મહેતાનું મકાન હતું. એ સ્થાને આફ્રિકાવાળા શેઠ શ્રી સવચંદભાઈ હરજીભાઈ પારેખે "શ્રી નિવાસ" નામનું મકાન બનાવ્યું હતું. એક ટર્મ ભાવનગરની સામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યા પછી ગાંધીજી બેરિસ્ટરનો અભ્યાસ કરવા વિદેશ ગયા. અને તેમના મિત્ર શ્રી રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં હેડ માસ્ટર અને બાહોશ કેળવણીકર તરીકે પ્રસિદ્ધ થયા. આ મિત્રતાનો સીલસીલો અહીંયા અટકતો નથી. ગાંધીજી ઇ.સ. ૧૮૯૧ની પાંચમી જુલાઈએ લંડનથી બેરિસ્ટર બની મુંબઈ આવ્યા. અને ૧૦ જુલાઈ ૧૮૯૧ના રોજ રાજકોટમાં આવ્યા ત્યારે તેમની ઈચ્છા વકીલાતના વ્યવસાઈમા સ્થિર થવાની હતી. એટલે મુંબઈ અને રાજકોટ બંને શહેરોમાં વકીલાતનું બોર્ડ તેમણે માર્યું. એવું જ એક બોર્ડ "બેરિસ્ટર મોહનલાલ કરમચંદ ગાંધી - વકીલ" નું રાજકોટના સદર વિસ્તારમા આવેલ પંચનાથ રોડ પર વૈષ્ણવની હવેલી પાસેના બે માળના મકાન પર લગાડવામાં આવ્યું હતું. પોતાના લંગોટિયા મિત્ર રતિલાલ ઘેલાભાઈ મહેતાના મકાનમાં જ પોતાની વકીલાતની ઓફીસ ખોલવા પાછળ પણ વર્ષોની મિત્રતા કારણભૂત હોય તે સ્વભાવિક છે.

"મહાત્મા ગાંધી એઝ એ સ્ટુડન્ટ" પુસ્તકમાં રતિલાલ ઘેલાભાઈ મહેતા સાથેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કરતા લખવામા આવ્યું છે,

"ગાંધીજી ક્રિકેટની રમતના આગ્રહી ટેકેદાર હતા. એટલું જ નહિ પણ આ રમતમા ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હતા"

શ્રી રતિલાલ મહેતાના આ કથન પરથી ગાંધીજી અંગેની એક નવી વાત જાણવા મળે છે. રતિલાલ મહેતા આગળ લખે છે.

" ભાગ્યે જ કોઈ જાણતું  હશે કે ગાંધીજી ક્રિકેટની રમતમાં બહુ રસ લેતા અને પાણીદાર ક્રિકેટર હતા અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા છીએ અને મને ખ્યાલ છે કે બોલિંગ અને બેટિંગ બંનેમા ગાંધીજી સારો દેખાવ કરતા હતા"

No comments:

Post a Comment