Sunday, March 16, 2014

નારી તું નારાયણ : વિશ્વ નારી દિવસ : ડૉ. મહેબૂબ દેસાઈ


૮ માર્ચના રોજ વિશ્વમાં આંતર રાષ્ટ્રીય નારી દિવસ ઉજવાયો. વિશ્વના સર્જનમાં નારીનો ફાળો પુરુષ સમોવડીયો છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ મુજબ આદમ અને હવા જન્નત (સ્વર્ગ)માં રહેતા હતા. ખુબ ખુશહાલ હતા. બધા સુખો-સગવડતાઓ તેમને ઉપલબ્ધ હતા. માત્ર એક ફળ  ખાવાની તેમને મનાઈ હતી. એક દિવસ શૈતાને તેમને એ ફળ ખાવા ઉશ્કેરાયા. અને આદમ  અને હવાને તે ફળ ખાવાની ઈચ્છા જન્મી. તેમણે તે ફળનો સ્વાદ ચાખ્યો. અને બંને વચ્ચેનું શરીર પરનું આવરણ અલિપ્ત થઇ ગયું. અને બંને વચ્ચે સહવાસ થયો.પરિણામે ખુદાએ તેમને જન્નતમાંથી કાઢી મુક્યા. અને બંને પૃથ્વી પર આવ્યા. એ જ આદમ અને હવા દ્વારા માનવ સમાજનું સર્જન થયું. એ કથા મુજબ આપણે બધા આદમ અને હવાના સંતાનો છીએ.
આમ માનવ સમાજનું સર્જન થયું. પણ સ્ત્રી અને પુરુષની તુલનામાં માનવસમાજે હંમેશા પુરુષને વિશેષ પ્રધાન્ય આપ્યું છે. છેક આદિ કાળથી માનવસમાજ પુરુષ પ્રધાન રહ્યો છે. દરેક ધર્મ, સમાજ અને રાષ્ટ્રમાં સ્ત્રી કરતા પુરુષનું સ્થાન ઊંચું રહ્યું છે. પરિણામે પુત્રીનો જન્મ ભારણ અને પુત્રનો જન્મ ખુશી બની રહ્યા. ભારતમાં એક સમયે દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા પ્રચલિત હતી. તાજી જન્મેલી પુત્રીને મોટા દૂધ ભરેલા વાસણમાં ડુબાડવામાં આવતી. અને જ્યાં સુધી તેનો શ્વાસ ન રૂંધાય ત્યાં સુધી એ ક્રિયા ચાલુ રાખવામાં આવતી. છેક અર્વાચીન ભારતમાં રાજારામ મોહન રાય જેવા મહા માનવે એ પ્રથા સામે બળવો કર્યો. અને સમાજમાંથી એ પ્રથાને વિદાય આપી. જો કે સ્ત્રીની આ સ્થિતિ માત્ર હિંદુ સમાજમાં હતી એવું નથી. ઇસ્લામના નવસર્જન પૂર્વે અરબસ્તાનમા પણ દીકરીને દાટવાની પ્રથા પ્રચલિત હતી. દીકરીનો જન્મ થાય એટલે પિતા તાજી જન્મેલી પુત્રીને લઈને રણમાં એકલો ચાલી નિકળે. વસ્તીથી દૂર એકાંત રણમાં પહોંચી, રેતીમાં એક ખાડો કરતો અને તાજી જન્મેલી બાળકીને તપતી રેતીમાં દાટીને ચુપચાપ આવતો રહે. આરંભના દિવસોમાં મહંમદ સાહેબ આ જોઈ વ્યથિત થઇ જતાં. અને લોકોને સમજાવતા પણ અરબસ્તાનની જંગલી પ્રજા મહંમદ સાહેબ (સ.અ.વ)ની વાત ન માનતી. મહંમદ સાહેબ પયગમ્બર (સ.અ.વ)થયા પછી ધીમે ધીમે તેઓ પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા.

પ્રાચીન ભારતથી માંડીને આજદિન સુધી માનવસમાજ સ્ત્રીઓના સમાન સામાજિક દરજ્જાની વાત કરતો આવ્યો છે. પણ સ્ત્રીની મહાનતાને પુરુષે હંમેશા પોતાના ત્રાજવે જ તોળવાનો પ્રયાસ કર્યો છે. આપણે રામની પુરષોત્તમ અને સીતાને પતિવ્રતા તરીકે પૂજા કરીએ છીએ. પણ લક્ષ્મણની પત્ની અને સીતાની નાની બહેન ઉર્મિલાના ત્યાગની ખેવના કરતા નથી. ૧૪ ૧૪  વર્ષો સુધી પતિથી અલગ રહી પતિવ્રતા સ્ત્રી તરીકે જીવન વ્યતીત કરનાર ઉર્મિલાને જોઈએ તેવું માન અને સ્થાન નથી મળ્યા. તેની પૂજા નથી કરી. ભગવાન કૃષ્ણની સાથે આપણે રાધાના પ્રેમ અને ભક્તિને મંદિરોમાં સ્થાપી તેની પૂજા કરીએ છીએ. પણ કૃષ્ણ ભગવાનની પત્ની રુકમણીની પૂજા કરતા નથી. કૃષ્ણ ભગવાનની અન્ય સાત પત્નીઓ જામ્બુવંતી, સત્યભામા, ભદ્રા, મિત્રવિન્દા, સત્યા, કાલિંદી લક્ષ્મણા અંગે પણ આમ હિંદુ સમાજ પણ ઝાઝો પરિચિત નથી. એજ રીતે મહંમદ સાહેબની પત્ની હઝરત ખદીજાને શિક્ષિત મુસ્લિમ સમાજ ઓળખે છે. તેમના ત્યાગ અને બલિદાનને માન આપે છે. પણ મહંમદ સાહેબની અન્ય પત્નીઓના ત્યાગ અને બલીદાનની ગાથા શિક્ષિત મુસ્લિમ સમાજમાં પણ ઝાઝી પ્રચલિત નથી.

આપણા ધર્મ ગ્રંથો રામાયણ, મહાભારત કે કુરાને શરીફમા સ્ત્રીઓ અંગેના અનેક શ્લોકો કે આયાતો જોવા મળે છે. જેમાં સ્ત્રીના લગ્ન-નિકાહ, વારસા હક્ક, સ્ત્રીની સાક્ષી, સ્ત્રી સાથેનો વ્યવહાર, છુટાછેડા કે તલાક જેવી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે
પડદાપ્રથા કે બહુપત્નીત્વના રિવાજોને કારણે એમ માની લેવું કે ઇસ્લામમાં સ્ત્રી સ્વાતંત્ર્યને સ્થાન નથી, તે બિલકુલ યોગ્ય નથી. આ બંને સામાજિક રિવાજોના મૂળમાં જે તે યુગની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. એ યુગમાં અવારનવાર યુધ્ધો થતા. યુધ્ધોમાં અનેક સિપાયો શહીદ થતા. પરિણામે તેમની વિધવાઓના નિભાવ અને રક્ષણનો પ્રશ્ન ઉદભવતો. એટલે મહંમદ સાહેબે એક વ્યક્તિ વધુમાં વધુ ચાર નિકાહ કરી શકે તેવો ખુદાનો આદેશ લોકોને સંભળાવ્યો હતો.  હિંદુ સમાજ પણ બહુપત્નીત્વના રિવાજથી મુક્ત નથી. રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી. હિંદુ ધર્મ ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણએ સાત લગ્નો કર્યાના આધારો મળે છે. મહંમદ સાહેબે પણ અગીયાર નિકાહ કર્યાનું ઇસ્લામિક ઇતિહાસમાં નોંધયેલ છે. ટૂંકમાં બહુપત્નીત્વ પ્રથા જે તે યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાત હતી. તેને હિંદુ કે ઇસ્લામ ધર્મ સાથે જોડી તે પરથી સ્ત્રીના સામાજિક દરજ્જાને મુલવવો સ્ત્રીઓને અન્યાય કરવા  સમાન છે.

હિંદુ ધર્મમાં અનેક ધાર્મિક વિદુશીઓએ સમાજમાં આગવું માન અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાગ અને બલિદાનના પ્રતિક સમા મહાભારતના સ્ત્રી પાત્રો પાંચાલી, કુંતી, ગાંધારીને પણ આપણે જોઈએ તવું માન અને સ્થાન આપી શક્યા નથી. કુંતીના મા તરીકેની કર્ણ અને દુર્યોધન સાથેના સબંધી અને તેમાં વ્યક્ત થતી વ્યથાને વાચા આપવામાં ઉણા ઉતર્યા છીએ. પાંચાલીની પાંચ પતિઓને સાચવવાની સમજ અંગે પણ આપણે કયારેય વિચાર સુધ્ધાં કર્યો નથી. આપણા પ્રાચીન સ્ત્રી પાત્રોમા ધર્મ અને સહિષ્ણુતા નીતરે છે. પણ તેની પામવા જેટલો સમય કે સુઝ આજે પણ આપણે કેળવ્યા નથી. આજે એકવીસમી સદીમાં પણ કલ્પના ચાવલા, મધર ટેરેસા અને માર્ગરેટા થેચરની સિદ્ધિઓને સ્ત્રીઓની પ્રગતિ કહી આપણે ગર્વ લઈએ છીએ. પણ તેમણે મંઝીલ પામવા પુરુષ પ્રધાન સમાજમાં કરેલ પડદા પાછળના સંઘર્ષને આપણે પ્રસિદ્ધ કરતા નથી કે તે પ્રત્યે સન્માન પણ વ્યક્ત કરવામા કસર કરીએ છીએ. નારી દિનની સાચી ઉજવણી તો ત્યારે સાચી થઇ ગણાશે, જયારે આપણે સમાજને પુરુષ પ્રધાનના દાયરામાંથી બહાર કાઢી  સ્ત્રી પ્રધાન સમાજનું બહુમાન પ્રાપ્ત કરીશું. અને એ દિવસ દૂર નથી.

No comments:

Post a Comment