Sunday, February 9, 2014

નવ ઈતિહાસકારોને ઓળખો : ડૉ. મહેબૂબ દેસાઈ

વર્ષો પૂર્વે મેં એક લેખ લખ્યો હતો. જેનું મથાળું હતું “ગુજરાતના યુવા ઈતિહાસકારો : અપેક્ષા અને ઉપેક્ષા”. જેમાં ગુજરાતમાં ઈતિહાસ લેખન પ્રત્યે નવ ઈતિહાસકારો અને તેમના પ્રત્યેનો જૂની પેઢીના ગુજરાતના ઈતિહાસકારોની ઉપેક્ષાની ચર્ચા કરી હતી. ઉત્તમ ઈતિહાસકારના મહત્વના લક્ષણોમાનું એક લક્ષણ ઈતિહાસકારોની નવી પેઢીને ઘડવાનું છે. પ્લેટો અને એરિસ્ટોટલે પોતાની જ્ઞાન પ્રતિભા અને વિચારશક્તિથી અનુયાયીઓ અને વિચારકોનું એક જુઠ ઉભું કર્યું હતું. રાન્કે શિષ્યોનો બહોળો વર્ગ આપતા ગયા હતા. કનિંગહામ અને માર્શલે અન્વેશકોની એક પેઢી તૈયાર કરી હતી. બુહલરના લીપી સંશોધનને અનેક લીપી શાસ્ત્રીઓને ઘડ્યા હતા. ભગવાનલાલ ઇન્દ્રજીએ અનેક સંશોધકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપી ઘડ્યા હતા. પણ ગુજરાતના ઈતિહાસકારોએ ઉપરોક્ત પરંપરાનો જુજ અમલ કર્યો છે. પરિણામે ગુજરતના આજના નવ ઇતિહાસકારોને ઇતિહાસ લેખન માટે ન કોઈ માર્ગદર્શન મળ્યું છે ન કોઈ શીખવા માટે કોઈ પાઠશાળા મળી  છે. અને આમ છતાં નવ ઈતિહાસકરો એ ગુજરાતના ઇતિહાસમાં અનેક  નવ ખેડાણો કરી અને સંસોધનના નવા માર્ગો ખોલ્યા છે.
એક સમયે ઈતિહાસ લેખનમાં અનેક નવા પંથો રત હતા. જેમકે અંગ્રેજ શાશકોએ ૧૮૫૭ની ઘટનાને  પોતાના લખેલા ઇતિહાસમાં "બળવો" કહ્યો. કોમ્યુનિસ્ટોએ તેને વર્ગ વિગ્રહ કહ્યો. જયારે રાષ્ટ્રીય ઇતિહાસકારોએ તેને પ્રથમ મુક્તિ સંગ્રામ તરીકે મૂલવ્યો. એ સાથે રાષ્ટ્રીય ઇતિહાસકારોનો એક નવો ફાલ ભારતીય ઇતિહાસના ફલક પર ઉપસી આવ્યો. જેમાં સર જદુનાથ સરકાર, સર દેસાઈ, આર.સી. મજમુદાર, સુરેન્દ્રનાથ સેન, તારાચંદ, પંડિત સુંદરલાલ વગેરેનો સમાવેશ કરી શકાય. ગુજરાતમાં પણ એ જ રીતે રાષ્ટ્રીય ઇતિહાસ લેખનની પરંપરા રત્ન્મણીરાવ જોટે, એમ.એસ કોમિસેરીયટ, કે. કા.શાસ્ત્રી,  દુર્ગાશંકર શાસ્ત્રી, રસિકલાલ પરીખ શિવપ્રસાદ રાજગોર, મકરંદ મહેતા, શીરીન મહેતા, જય કુમાર શુકલ  જેવા ઈતિહાસકારોં ગુજરાતમા રાષ્ટ્રીય ઇતિહાસ લેખનમાં નક્કર કદમો માંડયા હતા. એ પરંપરાને જીવંત રાખવાનો  પ્રયાસ નવ ઇતિહાસકારોએ પોતાની સુઝ અને સમજ મુજબ કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતના ઈતિહાસને અનેક નવ ઇતિહાસકારો, સંશોધકો  પ્રાપ્ત થયા છે. આ નવ ઇતિહાસકારોના કાર્યનું વિવેચન કરવાની કે તેની નોંધ લેવાની ચેષ્ટા થઇ નથી. પણ એક ઇતિહાસકાર જય કુમાર શુક્લએ ગુજરાતના નવ ઇતિહાસકારોના કાર્ય અને તેમના પરિચયને વાચા આપતું એક પુસ્તક હાલમાંજ સર્જ્યું છે. જેનું નામ છે, “અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસ લેખન”
(પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ, સપ્ટેમ્બર-૨૦૧૩,પૃષ્ટ ૨૧૩) ગુજરાતને આપ્યું છે. એ માટે ડૉ. જય કુમાર શુકલ આકાશભરીને અભિનંદનને પાત્ર છે.
પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. તેના પ્રથમ ભાગમાં ભારતના ૧૨ જેટલા રાષ્ટ્રીય ઇતિહાસકારોનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં સર જદુનાથ સરકાર, સર દેસાઈ, આર.સી. મજમુદાર, સુરેન્દ્રનાથ સેન, ડૉ. રાધાકુમુદ મુખરજી, દામોદર કોસંબી,ડી.આર. ભંડારકર, કાશીપ્રસાદ જયસ્વાલ જેવા ઇતિહાસકારોનો પરિચય આપવામાં આવેલ છે.
જયારે બીજા ભાગમાં ગુજરાતના ઇતિહાસમાં પોતાના સંશોધનઅને લેખન દ્વારા પ્રદાન કરનાર ૩૦ જેટલા ઇતિહાસકારોનો પરિચય આપવામાં આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રદાન કરનાર દુર્ગાશંકર શાસ્ત્રીથી માંડીને ડૉ. મહેબૂબ દેસાઈ સુધીના ઇતિહાસકારોના પ્રદાનને પ્રજા સમક્ષ મુકવાનું કાર્ય સાચ્ચે જ પ્રશંશનીય છે. ઇતિહાસ વિષયમા અભ્યાસ અને સંશોધન કરનાર સંશોધકો માટે આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે. ઇતિહાસના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પોતાના અભ્યાસક્રમમાં અવારનવાર નવ ઇતિહાસકારોના નામ અને તેમના પુસ્તકોના આધારો ટાંકતા હોય છે. પણ તેમના અન્ય પુસ્તકો કે અન્ય ઐતિહાસિક સંશોધનો અંગે તેઓ કશું જાણતા હોતા નથી. આ પુસ્તક પરિચયની એ કડીને જીવંત કરે છે. એ નાતે આ ગ્રંથ નવ ઇતિહાસકારો અને ઇતિહાસ અભ્યાસુઓ વચ્ચે અનુસંધાન સાધે છે. આ પુસ્તકમાં સૌરાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીથી માંડીને શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી, રસિકલાલ પરીખ વગેરેના પ્રદાનની નોંધ અને પરિચય લેખકે કુશળ રીતે આપેલ છે. ગુજરાતના આર્થિક ઈતિહાસને સાકાર કરનાર ડૉ. મકરંદ મહેતા અને ડૉ. શીરીન મહેતાના ઇતિહાસ ખેડાણની પુસ્તકમાં સુંદર રીતે ડૉ. શુકલએ નોંધ લીધી છે. ગુજરાતના ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસના પુસ્તકોનું સર્જન કરનાર ડૉ. આર.કે. ધારૈયાના પ્રદાનને પણ અત્રે ઉજાગર કરવામાં આવેલ છે. ડૉ. સતીશચંદ્ર મિશ્રા એક ઇતિહાસકાર તરીકે ગુજરાતના મુસ્લિમ ઈતિહાસને ઉજાગર કરેલ છે. તેમનો પરિચય પણ અત્રે યોગ્ય જ છે. જો કે ગુજરાતના મુસ્લિમો પર પાયાનું કાર્ય કરી "મહાગુજરાતના મુસ્લિમો" જેવો  આધારભૂતગ્રંથ આપનારા શ્રી કરીમભાઈ વોરનો પુસ્તકમાં ઉલ્લેખ નથી. ગુજરાત અને સૌરાષ્ટ્રના સ્વાતંત્ર સંગ્રામ અંગે સંશોધન કરી ૧૯ જેટલા સંશોધન પુસ્તકો આપનાર ડૉ. મહેબૂબ દેસાઈના પુસ્તકો અને તેમનો પરિચય પણ ડૉ. શુકલએ વિગતે આપ્યો છે. એ જ રીતે ઇતિહાસ સાથે સંસ્કૃતિ અને સ્થાપત્યના ક્ષેત્રમાં પ્રદાન કરનાર અર્વાચીન યુગના સંશોધકો ડૉ.મધુસુધન ઢાંકી, ડૉ. ભારતી શેલત, ડૉ. થોમસ પરમાર અને ડૉ. રામજીભાઈ સાવલીયના પ્રદાનની પણ નોંધ લેવાનું ડૉ. શુકલ ચૂકયા નથી.
ઇતિહાસમા  “માઈક્રો સ્ટડી” નો વિચાર છેલ્લા કેટલાક વર્ષોમાં વિકસ્યો છે. પરિણામે ઇતિહાસ લેખન રાષ્ટ્રીય કક્ષાએથી વિસ્તરી રાજ્ય, જિલ્લા, શહેર,તાલુકા અને ગામડાઓ સુધી વિસ્તર્યું છે. વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગની માર્ગદર્શિકામા પણ સ્થાનિક ઈતિહાસને અભ્યાસક્રમમા દાખલ કરવા પર ભાર મુકવામાં આવેલ છે. પરિણામે ડૉ. પી .જી. કોરાટે ભાવનગર રાજ્યના સ્થાનિક ઇતિહાસના લેખનમાં ખેડાણ કરી “ભાવનગર રાજ્યનો ઇતિહાસ” તૈયાર કર્યો છે. આ પુસ્તક ડૉ. કોરાટના સ્થાનિક ઇતિહાસના પ્રદાનને સવિસ્તાર વ્યક્ત કરે છે. અલબત્ત એ પછી ગુજરાતની અન્ય યુનિવર્સિટીમા પણ પ્રાદેશિક ઈતિહાસને અભ્યાસકર્મોમાં સ્થાન આપવામાં આવ્યું. અને તેને ધ્યાનમાં રાખી સ્થાનિક ઇતિહાસ લેખન આરંભાયું હતું. જેમ કે ડૉ. એસ.વી.જાનીએ  દર્શક ઇતિહાસ નિધિના નેજા તળે “સૌરાષ્ટ્રનો ઇતિહાસ” નામક ઐતિહાસિક ગ્રંથ તૈયાર કર્યો. આ સિવાય પુસ્તકમાં ડૉ. વિજયસિંહ ચાવડા, ડૉ.આર જી પરીખ,
ડૉ. મહેશચન્દ્ર પંડ્યા, ડૉ. મંગુભાઈ પટેલ, ડૉ. ઈશ્વરલાલ ઓઝા, ડૉ.પ્રિયબાળા શાહ, ડૉ. જયકુમાર શુકલનો પણ ઇતિહાસકાર તરીકે પરિચય આપવામાં આવેલ છે.
આવા પુસ્તકની પ્રશંશા સર્જકને શાતા અને આનંદ અર્પે છે. પણ તેની ઉણપો તરફ નિર્દેશ માર્ગદર્શક બને છે. ગુજરાતના નવ ઈતિહાસકારોને ઉજાગર કરવાનું ઉમદા કાર્ય કરનાર ડૉ. જય કુમાર શુકલે અહિયાં ઇતિહાસકારોના માત્ર પરિચયને જ કેન્દ્રમાં રાખેલ છે. વળી, પરિચય પણ સીધી લીટીમાં   આપવામાં આવ્યો છે. ઈતિહાસકારોની ઇતિહાસ લેખન શૈલીની પણ ચર્ચા કરવાનું તેમણે ટાળ્યું છે. ઈતિહાસકારની સંશોધન પદ્ધતિ અને તેની સમાજ ઉપયોગિતા પણ અત્રે ચર્ચામા નથી લેવાયા. જો કે આ પુસ્તક ગુજરાતના જાણીતા "કુમાર" માસિકમાં ચાલેલ ડૉ. શુકલની કોલમનો સંગ્રહ છે. એ નાતે કોલમના સ્વરૂપ અને શબ્દ મર્યાદાને કારણે આ ક્ષતિઓ તેમણે સભાન પણે સ્વીકારી હોવાનું માની શકાય. આમ છતાં ગુજરાતના નવ ઈતિહાસકારો પ્રત્યે સંપૂર્ણ ઉપેક્ષાના યુગમાં ડૉ. જય કુમાર શુકલનું આ પુસ્તક ઇતિહાસના અભ્યાસુઓ અને અધ્યાપકો માટે જણસ સમું છે.

No comments:

Post a Comment