Wednesday, December 18, 2013

ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સર્વ પ્રથમ કાઠીયાવાડે આપ્યું હતું. : ડૉ. મહેબૂબ દેસાઈજાન્યુઆરી માસ ગાંધીજીના જીવનમાં મહત્વનો રહ્યો છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં તેમનું આગમન થયું. અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેઓ દિલ્હીમાં શહીદ થયા. ભારતની આઝાદીની લડતમાં છેલ્લે સુધી રત રહેનાર ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે માત્ર "ભાઈ" કે "મો.ક.ગાંધી" તરીકે જ ઓળખતા હતા. હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. પણ તેમની ખ્યાતી ભારતના ખૂણે ખૂણે તેમના આગમન પૂર્વે  પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડના સ્વાતંત્ર ઘેલા યુવાનોમાં તેમની ઘેલછા અદભૂત હતી. અને એટલે જ ભારતમાં ગાંધીજીને સૌ પ્રથમ "મહાત્મા" નું  માન આપનાર પણ સૌરાષ્ટ્ર વાસીઓ જ હતા.

ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે ૭.૩૦ કલાકે ઉતર્યા. અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર સંગ્રામમા એક નવા યુગનો આરંભ થયો. ભારતમાં ગાંધીજીના આગમન સમયે હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું નહતું. દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ "ભાઈ" તરીકે સંબોધતા હતા. ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સૌ પ્રથમ કોણે આપ્યું, એ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે. મોટે ભાગે ઇતિહાસના પાનાનો પર ગાંધીજીને "મહાત્મા" સૌ પ્રથમ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર હતા, એમ મનાય છે.પણ એ સત્ય નથી. ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ સન્માન અને માનપત્રોની પરંપરા આરંભાઈ હતી. જે તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. આવા જ સન્માનો અને માનપત્રોમા સૌ પ્રથમ વાર તેમના માટે "મહાત્મા" શબ્દનો ઉપયોગ થયો હતો.  
ભારતમાં ગાંધીજીના આગમન પછી તેમણે સૌ પ્રથમ મુંબઈથી રાજકોટ પ્રયાણ કર્યું હતું. પ્રવાસમાં તેમણે ૨૧ જાન્યુઆરીએ જેતપુર અને ૨૪ જાન્યુઆરીએ ગોંડલની મુલાકાત લીધી હતી. બંને સ્થાનો પર તેમને માનપત્રો આપી સન્માનવામાં આવ્યા હતા. બંને શહેરની પ્રજાએ આપેલા માનપત્રોમા  "મહાત્મા" શબ્દનો પ્રયોગ થયો હતો. મુજબ ૨૧ જાન્યુઆરીની જેતપુરની મુલાકાત દરમિયાન તેમને તથા તેમના ધર્મપત્ની કસ્તુરબાને સન્માનિત કરી માનપત્રો આપવમાં આવ્યા હતા. એ માનપત્રમા સૌ પ્રથમવાર ગાંધીજી માટે "મહાત્મા" શબ્દ પ્રયોજાયો હતો. એ ઐતિહાસિક તથ્ય ભારતના ઇતિહાસમાં બહુ ઝાઝું ઉજાગર થયું નથી.

૨૧ જાન્યુઆરીએ ગાંધીજી ગોંડલ સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પર તેમને સત્કારવામા આવ્યા. ત્યાંથી તેમની ટ્રેન વીરપુર પહોંચી. ત્યાં પણ તેમને સત્કારવામાં આવ્યા. ત્યાંથી ટ્રેન નવાગઢ પહોંચી. નવાગઢ સ્ટેશને ગાંધીજીનું સ્વાગત થયું. ગાંધીજી ત્યાં ઉતરી ગયા. નવાગઢથી મોટર માર્ગે તેઓ જેતપુર આવ્યા. જેતપુરમાં તેમનો ઉતારો શ્રી દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. એ જ દિવસે જેતપુરમાં ગાંધીજીને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ૪૯ નગરજનોની સહી સાથે ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્રના મથાળે લખ્યું હતું,

"શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો"

માનપત્રનું આ મથાળું એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમ  "મહાત્મા"નું બિરુદ આ માનપત્ર દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું હતું. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પયોગ થયાનું કહેવાય છે. એ સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય. એટલે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને  "મહાત્મા" નું બિરુદ આપ્યાની ઉક્તિ યોગ્ય નથી. આ માનપત્રમા આલેખાયેલા વિચારો એ સમયના ગાંધીજી પ્રત્યેના લોક માનસને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેનું આચમન વાચકોને અચૂક ગમશે.

"મહાશય

ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમીમા પધરામણી થતા અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળેલ છે તે માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે. અને તે શુભ પ્રસંગની યાદગીરી રૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ.

કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ રા.રા. કરમચંદ ગાંધીના કુટુંબમાં જન્મ લઇ સારી કેળવણી મેળવી બારિસ્ટર-એટ-લો થઇ પોતાના સ્વાર્થના ભોગે હિન્દુસ્થાન માટે જે જે કર્યું....વિવેચન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઇ જાય,પણ આપના જીવનચરિત્રના પુસ્તકો લખાયેલા છે જેથી આ સ્થળે તે વિષે વધારે લખવું અમને ઉચ્ચીત લાગતું નથી.

નિસ્વાર્થપણે સુખ દુઃખ સહન કરી આત્મભોગ આપવો તથા પૈસા સબંધી પણ ભોગ આપવો તે કોઈ ઓછું કઠીન કાર્ય નથી. હિન્દુધર્મશાસ્ત્રની અંદર યોગીઓએ વર્તવા જે જે કહેણ છે તેમણે કેવી રીતે વર્તવું, તેમનો શું ધર્મ છે તે વિષે જે કહેલું છે તે મુજબ આપ વર્તો છો અને આપના જીવનચરિત્રને એક મહાન યોગીની ઉપમા આપવી તે આપના આત્માના અનુભવ ઉપરથી અમોને જરા પણ અતિશયોક્તિવાળું લાગતું નથી.

છેવટે આપ જેવી રીતે અદ્યાપિ પર્યંત હિંદના ભલા માટે પ્રયત્ન કરો છો તેમ કરીને હિંદને આભારી કરતા રહો તથા આપની તથા આપના પત્નીની શારીરિક સંપતિ સારી રહે અને આપને પરમ કૃપાળુ પરમેશ્વર દીર્ઘાયુષ્ય આપે અને સુખી રાખે તથા આપના  કુટુંબ સહીત આપ સુખશાંતિ ભોગવો એમ અમારી જગત્ નિયંતા પાસે પ્રાર્થના છે. તથાસ્તુ." 

માનપત્રના અંતે જેતપુરના ૪૯ અગ્રગણ્યની સહી છે. જેમાં મુખ્યત્વે દેવચંદ ઉત્તમચંદ પારેખ, રણછોડલાલ લક્ષ્મીદાસ મહેતા, કાલિદાસ કાનજી શેઠ, માધવરાય એન. મહેતા, દિનશાહ બરજોરજી બહેરાનજી, મહેતા મોહનલાલ દામોદર, મણીલાલ હાકેમચંદ ઉદાણી, હાકેમચંદ ખુશાલચંદ,અબ્દુલ્લા અયુબ, મગનલાલ ભીમજી જોષી વગેરેનો સમાવેશ કરી શકાય. ૨૧-૧-૧૯૧૫ના રોજ આપવામાં આવેલ આ માનપત્ર રાજકોટમા છાપવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ માનપત્રના અંતે જોવા મળે છે. ગાંધી સાહિત્યના આધારભૂત ગ્રંથ મહાદેવભાઈની ડાયરી ઈ.સ.૧૯૧૮થી શરુ થતી  હોય આ માનપત્ર અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી. જયારે ગાંધીજીના અક્ષરદેહમાં આ માનપત્ર કે તેનો કોઈ જોવા મળતો નથી. ગાંધીના ભારતમાં આગમનનો આ સૌથી પ્રારંભિક કાળ હોય દરેક ઘટનાનો ઉલ્લેખ અક્ષર દેહમાં ન થયાની શક્યતા નકારી શકાય નહિ. આ માનપત્ર સાથે, જ કસ્તુરબાને પણ માનપત્ર આપવામાં આવ્યું હતું.

જેના મથાળે લખ્યું હતું,

"અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી બહેન કસ્તુરબાઈ"

કસ્તુરબાને મળેલ આ માનપત્રના કેટલાક અંશો પણ જાણવા જેવા છે. માનપત્રના ત્રીજા પેરેગ્રાફમા લખ્યું છે,

"સ્ત્રી જાતીને પોતાનો પતિવૃતા ધર્મ કેવી રીતે પાળવો પોતાના પતિની આજ્ઞા પ્રમાણે કેમ વર્તવું તથા પતિને સુખે સુખી અને તેના દુ:ખે દુઃખી તે જે આપણા શાસ્ત્રનું મહાન વાકય છે તે મુજબ વર્તી ખરેખર પતિ પરાયણ થઇ સ્વદેશની સેવાને માટે જરૂરને વખતે કારાગૃહમા જવાના અને બીજા અનેક દુ:ખોને નહિ ગણકારતા આત્મભોગ આપી આપે જે દાખલો બેસાડ્યો છે તે અનુપમ છે અને આખા સ્ત્રી વર્ગને નમુના રૂપ છે."

માનપત્રની નીચે જેતપુરની ત્રીસ બહેનોની સહીઓ જોવા મળે છે. જેમાં મુખત્વે બાઈ જીવી લાલજી, શીરીનબાઈ મારકર, અંબા, નંદકુવ હરજીવન દોશી વગેરનો સમાવેશ કરી શકાય. આ બંને માનપત્રો કાપડ ઉપર પ્રિન્ટ થયેલા છે. માનપત્રોની ભાષામા લાંબા વાક્યો સાથે અલંકારિક શબ્દોનો પ્રયોગ થયો છે. છ પેરેગ્રાફમા લખાયેલ ગાંધીના માનપત્રમા વિગતોની ભરમાર નથી. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંશા સાથે, આવકાર અને પ્રજાની અપેક્ષા દ્રષ્ટિગોચર થાય છે. આ તમામ વિશિષ્ટતાઓ સાથે સૌથી મહત્વની બાબત તેના મથાળામાં ગાંધીજી માટે વપરાયેલ "મહાત્મા" શબ્દ છે. જે દર્શાવે છે કે ગાંધીજીને "મહાત્મા"નું સૌ પ્રથમ બિરુદ-તખ્લુસ આપનાર પણ તેમની માદરેવતન ધરતી કાઠીયાવાડ જ છે. જે સૌ કાઠીયાવાડીઓ માટે ગર્વની વાત છે અને રહેશે.

 

 

 
 

Tuesday, December 17, 2013

સરખેજનો રોજો અને તળાવ : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલમાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (નાગપુર)ના નિયામક રહી ચુકેલ ગુજરાતના જાણીતા પુરાતત્વવિદ સ્વ. ડૉ. ઝિયાઉદ્દીન અ. દેસાઈએ ૧૯૮૯મા લખેલ અને માર્ચ ૧૯૯૦ના સંશોધન સામાયિક "સામીપ્ય"મા પ્રસિદ્ધ થયેલ "સરખેજ તળાવ : કર્તા અને સમયના પરિપ્રેક્ષ્યમા" નામક સંશોધન લેખ વાંચવામાં આવ્યો. એ લેખમાં સરખેજના સૂફી સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના રોઝા અને તળાવ અંગે અનેક આધારભૂત અને ઐતિહાસિક, છતાં ઓછી જાણીતી વિગતો જાણવા મળી. જે તેમના જ શબ્દોમાં અત્રે રજુ કરું છું.

અમદાવાદને લગભગ અડીને આવેલ ઐતિહાસિક સ્થળ સરખેજ ગામની પશ્ચિમે આશરે દોઢેક કિલોમીટર દૂર દસ્ક્રોય તાલુકાના મકબરા ગામની સીમમાં ૧૪-૧૫મા શતકના મહાન સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો સુંદર અને ભવ્ય રોજો આવેલો છે. ગુજરાતના પહેલા પાંચ સુલતાનોની આદરણીય વ્યક્તિવિશેષના .. ૧૪૪૬મા ૧૧૧ વર્ષની વયે અવસાન પ્રશ્ચાત તેમના અંતિમ વિરામ સ્થાન પર બહુધા અમદાવાદના સ્થાપક અહમદશાહ ૧લા (૧૪૧૨-૪૨)ના પુત્ર મુહંમદ બીજા(૧૪૪૨-૫૧) વિશાળ, સફેદ અને રંગીન આરસના પથ્થરની પીઠ પર બંધાયેલો સંતનો ભવ્ય અને સુંદર રોજો ભારતની મુસ્લિમ ઈમારતોમાં આગવું સ્થાન ધરાવે છે. એ પછી સ્થાનની પવિત્રતાને ધ્યાનમાં રાખી ગુજરાતના મહાન સુલતાનો, અમીરો, કવિઓ, સાક્ષરો વગેરેએ પોતાની આખરી આરામગાહ અહીં બનાવડાવી હતી. સંતની હયાતી તેમજ તેમના અવસાન પછી આજ પર્યંત આસ્થાવાન અને શ્રદ્ધાળુ ભકતો તેમજ જનસમુદાયનું માનીતું મુલાકાતનું સ્થાન રહ્યું છે. એટલું નહિ, પણ તેના નૈસર્ગિક શાંત વાતાવરણ અને સુંદર ખુલ્લી જગ્યાને લઈને અમદાવાદ શહેરના મુસ્લિમ નાગરિકો માટે લોકપ્રિય સહેલગાહની ગરજ સારે છે. સંતના ચરણ સ્થાનને પોતાના અંતિમ વિશ્રામ સ્થાનની પસંદગી કરવાની પહેલ કરનાર સુલતાન મહંમદ બેગડો (૧૪૫૮-૧૫૧૧) તથા તેના બે ઉત્તરાધિકારીઓ સુલતાન મુજફ્ફર બીજો (૧૫૧૧-૨૬) અને સુલતાન મહમુદ ત્રીજો (૧૫૩૮-૫૪) તેમજ તેમની રાણીઓ (જેમાં માત્ર એક બીબી રાણીનું નામ એક કબર પર અંકિત છે) પણ સંતના રોજાની દક્ષિણે દફન થયા છે. જેના પર તેઓ ચીર નિદ્રામા પોઢ્યા છે, તેવા ઝીણા અને અતિ સુંદર ભાતભાતની નકશીવાળા સ્ફટિક આરસના અત્યંત અલંકૃત ઢોલિયા જેવી કબરો પર સુલતાનોના એક, તેમજ તેની દક્ષિણે તળાવમાં ઉતરવાના પગથીયાવાળા ઘટને આવેલ રાણીનો એક એમ સુંદર પથ્થરની ફરસબંધીવાળા ચોક (સહેન)ની ત્રણ બાજુએ ઈમારતો આવેલી છે. જેને ફરતી પૂર્વ અને ઉત્તર એમ બે બાજુએ ઉંચી દીવાલ હતી. આ આખા સંકુલનું મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વમાં આજે પણ વિદ્યમાન છે. આ રોજા-મસ્જિત-મકબરાના સંકુલની દક્ષિણે અડીને સુંદર પથ્થરબદ્ધ પગથીયાવાળું વિશાલ તળાવ છે. તેના દક્ષિણ કાંઠે પશ્ચિમ ભાગમાં સુલતાનના વિશાળ દ્વિમાળી મહેલો આવેલા છે.

સૂફી સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના રોજાનું બાંધકામ સુલતાન મુહંમદ બીજાએ ૧૪૪૬મા કર્યું હતું. અને તેના પુત્ર અને અનુગામી સુલતાન કુત્બુદ્દીન અહમદ બીજા (૧૪૫૧-૫૮)એ નિર્માણ પૂરું કર્યું હતું.  તેમ સાધારણ રીતે માનવામાં આવે છે. મસ્જીતની ઈમારત પણ સંતના રોજા સાથે કે તે પહેલા બંધાઈ હોય તે સંભવિત છે. લોકોક્તિ તો મસ્જિત નિર્માણનું શ્રેય સંતને આપે છે. પણ સંતે પોતાના જે નિવાસસ્થાન પ્રમાણે આ મસ્જિત બંધાવી હતી તે હાલની રોજાવાળી મસ્જિત પાસે નહિ, પણ હાલના સરખેજ ગામની વાયવ્ય દિશાએ આજે પણ વિદ્યમાન પ્રાચીન મસ્જિત હતી. અને આ મસ્જિત સંતે બંધાવી હતી તેવો અમુક વિદ્વાનોનો મત છે. જ્યાં સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના  રોજા અને મસ્જીતના બાંધકામના સમય વિષે માહિતી મળતી ન હોય ત્યાં તળાવ નિર્માણ વિષે માહિતીનો અભાવ સમજી શકાય તેમ છે. તળાવ માટે પણ એમ મનાય છે કે સરખેજ રોજાવાળી જગ્યા સુલતાન મહંમદ બેગડાની માનીતી સહેલગાહ બની, ત્યારથી ત્યાં દેખીતી રીતે જ સંતના રોજા અને મસ્જિત પ્રશ્ચાત ઉક્ત તળાવ તેણે બંધાવ્યું. જોકે તળાવ તો ત્યાં હતું જ પણ તેને વિશાળ પથ્થરબંધ પગથીયાવાળું બનાવી તેને ઉત્તર કિનારે એટલે કે સંતની કબરના ચરણ તરફના કાંઠે પોતાનો અને સંભવત રાણીઓનો મકબરો તેમજ તળાવને સામે દક્ષિણ કાંઠાના પશ્ચિમ ભાગમાં પોતાના ગ્રીષ્મકાલીન આવાસ તેમજ આનંદ પ્રમોદ માટે મહેલો બંધાવ્યાનું મનાય છે. આમ સરખેજ સંતના રોજાનું

"સ્થાપત્ય ઈમારતોનું એક સુંદર સંકુલ જે દ્વારા આ સ્થાન ઘણા શતકો સુધી મહત્વ પ્રાપ્ત થયું, અસ્તિત્વમાં આવ્યું"

રોજા-મસ્જિત-મકબરાના આ આખા સંકુલની ઈમારતોનું નિર્માણ સારી એવી ઉંચી પીઠ પર કરવામાં આવ્યું છે. તેમ જેમ મસ્જિતથી પૂર્વ અને રોજાથી દક્ષિણ દિશાએ આવેલા સુલતાન અને રાણીના બે મકબરાઓની વચ્ચે સરોવરમાં ઉતરવા માટે પગથીયાવાળા ઘાટ છે. તે જ પ્રમાણે મસ્જીતના ખુલ્લા સહેન (ચોક)માંથી પણ તળાવમાં નીચે જવા માટે દક્ષિણ દિશામા વચ્ચે એક ગવાક્ષમાંથી બીજી તરફ નીચે ઉતરતા પગથીયાની સગવડ છે. આ પગથીયા તથા મસ્જીતના મુખ્ય કક્ષની પીઠ નીચેના ભાગે એક શીલા પર ૪૮ સેન્ટીમીટર લંબાઈ અને ૨૧ સેન્ટીમીટર પહોળાઈ જેટલી જગ્યામાં પાંચ પક્તિનો એક લેખ કંડારવામા આવેલો છે. જેનું ભાષાંતર નીચે મુજબ થાય છે.

૧. અહમદસર તળાવ ઉત્તર-દક્ષિણ બાજુ ગજ ૪૨૨ સહી

૨. શ્રી તળાવની પૂર્વ પશ્ચિમ બાજુ ગજ ૨૭૧ સહી

૩. દક્ષિણ તરફ આવેલ પાણીની આમદ (વાવ) વાળું નાળું ગજ ૪૯૯ સહી

૪. સવંત ૧૫૭૧ વર્ષે મહા સુદિ ૫ .... સુલતાન મુઝફ્ફર સાહેબ (મુજફ્ફર ૨જો) ટંકા લાખ નવ ૯૦૦,૦૦૦ સહી.

આમ સરખેજ નું તળાવ વિક્રમ સંવત ૧૫૭૧ મહા સુદ પંચમી એટલે ૩૧ જાન્યુઆરી૧૫૧૪ના દિને બંધાયું હતું.  મહમુદ બેગડાના પુત્ર અને ઉત્તરાધિકારી મુઝફ્ફર ૨જાના રાજયરોહણના લગભગ સવા બે વર્ષ પછી આં નિર્માણ બહુધા થયું હતું. બીજા શબ્દોમાં તળાવ નિર્માણનું કાર્ય મહંમદ બેગડાના સમયમાં નહિ , પણ પુત્ર મુઝફ્ફર -૨જાના રાજ્યકાળ દરમિયાન થયું હતું.

ઇ.સ. ૧૫૯૪-૯૫મા લખાયેલ ગુજરાતના પ્રખ્યાત ફારસી ગ્રંથ "મિરાતે સિકંદરી"ના કથન મુજબ મહમુદ બેગડાએ તેણે પોતે બંધાવેલા મક્બરમાં દફનાવવામાં આવ્યો હતો. અને સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો રોજો મસ્જિત વગેરે બધી ઈમારતોનું સંકુલ મહમુદ બેગડાના અવસાન પૂર્વે નિર્મિત થયું હોવું જોઈએ.

સરદાર પટેલ અને બિન સાંપ્રદાયક મૂલ્યો* : ડૉ. મહેબૂબ દેસાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ(૩૧ ઓકટોબર ૧૮૭૫-૧૫ ડિસેમ્બર૧૯૫૦ )ની ૧૩૯મી જન્મ જયંતિ ૩૧ ઓકટોબરે આપણે ઉજવીશું. સરદાર પટેલના અવસાનને એકસઠ વર્ષ થવા આવ્યા છે. છતાં તેમના સમગ્ર વ્યક્તિત્વને ઉજાગર કરવામા હુજુ આપણે કાચા પડ્યા છીએ. અને એટલે જ આજે પણ સરદાર પટેલ સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક હતા, તેની ચર્ચાઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ વારંવાર થતી રહે છે. સરદાર પટેલ એક તટસ્થ અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રીય નેતા હતા.એ વાત સિદ્ધ કરતા અનેક પ્રમાણો ભારતના સ્વાતંત્ર ઇતિહાસમાં ભંડારાયેલા પડ્યા છે. તેના થોડાક દ્રષ્ટાંતો અત્રે આપવા ઈચ્છું છું. સરદાર પટેલના રાજકીય જીવનના આરંભે જ ૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું, “હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ છે. એને કેટલાય વખત સુધી અતિશય સંભાળથી પોષવું પડશે. હજુ આપણા મન જોઈએ તેટલા સ્વચ્છ નથી. દરેક બાબતમાં એક બીજાનો અવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે. તે નથી જતી. એ એકતાને તોડી પાડવાના પ્રપંચો અને પ્રયત્નો થશે. એ એકતાને કાયમ માટે મજબુત બનાવવાનો રૂડો અવસર હિન્દુઓના હાથમાં આવી પડેલો છે. હિન્દુઓનો ધર્મ છે કે મુસ્લિમ ધર્મનું રક્ષણ કરવામા તેમને અત્યારે આપણે પૂરી મદદ કરવી અને મુસલમાન કોમની ખાનદાની ઉપર વિશ્વાસ રાખવો” સરદાર પટેલના ૯૦ વર્ષ પૂર્વેના આ શબ્દો બે બાબતો સ્પષ્ટ કરે છે. પ્રથમ, સરદાર પટેલની ભારતીય મુસ્લિમો પ્રત્યેની નીતિ. બીજું, આ શબ્દોમાં રહેલી આજના સંદર્ભની યથાર્થતા. સરદાર પટેલને મુસ્લિમ વિરોધી ચિતરનાર સમાજવાદીઓ અને કોમવાદીઓએ સરદારના કોમી એકતાના આ પાસાને ઉજાગર થવા દીધો જ નથી. પરિણામે ભારતીય ઇતિહાસના પાનાઓ પર સરદારના તટસ્થ મુસ્લિમ અભિગમને ઝાઝું સ્થાન નથી મળ્યું. અલબત્ત, એ સત્યને નકારી ન શકાય કે સરદારની ઇસ્લામ ધર્મ અંગેની સમજ અત્યંત માર્યાદિત હતી. ઇસ્લામના સિદ્ધાંતોને સમજવા તેમણે ન તો કોઈ પુસ્તક વાંચ્યું હતું , ન એ માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો હતો. ઇસ્લામ અંગે તેમણે જે કઈ થોડું ઘણું જાણ્યું હતું તે તેમના મુસ્લિમ સાથીઓ સાથેના સંપર્કને કારણે જ. પરતું તેનો અર્થ કદાપી એવો ન થાય કે તેમને ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો પ્રત્યે અરુચિ હતી. આ વાતનું સમર્થન કરતા રાજમોહન ગાંધી લખે છે, “ખુદ સરદારે પોતે પણ મુસ્લિમ સમાજમાં બહુ ઓછું કામ કર્યું હતું. બાકરોલમાં મુસ્લિમ નોકર, કરમસદનો ભાડુત, સાબરમતી આશ્રમના કુરેશી (ગુલામરસુલ કુરેશી),દા. અન્સારી (ડૉ. એસ.એન.અન્સારી), અબ્બાસ સાહેબ, ગફારખાન અને મૌલાના આઝાદ જેવા કેટલાક મુસ્લિમો જ તેમના સંપર્કમાં હતા.” જો કે સરદાર પટેલની મુસ્લિમો પ્રત્યેની વિચારધારાને સ્પષ્ટ અને તટસ્થ કરવામાં ગાંધીજી સાથેનો ૧૬ માસનો યરવડા જેલનો નિવાસ અત્યંત કારણભૂત બન્યો હતો. જેલમાં નિરાંતના સમયે બંને નેતાઓ વચ્ચે થયેલા કેટલાક સંવાદો તેની સાક્ષી પૂરે છે. એકવાર સરદાર પટેલે ગાંધીજીને કહ્યું, “પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે. તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેમ રહી શકાય ?” ગાંધીજીએ સરદારની આ ગેરસમજને દૂર કરતા કહ્યું, “ના, ના. ગુજરાત સિવાય બીજે ક્યાય હિન્દુઓ શાકાહારી હોતા નથી. પંજાબ, સિંધ , ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમા હિન્દુઓ માસ ખાય છે.” એકવાર સરદારે ટકોર કરતા ગાંધીજીને કહ્યું, “એવો કોઈ મુસ્લિમ છે, જે તમારી વાત સાંભળે છે” ગાંધીજીએ અત્યંત સ્વસ્થ સ્વરે કહ્યું, “ભલે કોઈ ન હોઈ. તેથી કશો ફેર પડતો નથી. આપણે આશા રાખીએ કે એ લોકો (મુસ્લિમો)પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવ સ્વભાવ પર વિશ્વાસ મુકવો.” ગાંધીજી અને સરદાર પટેલની આવી ગુફ્તગુ એ સરદારના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સ્પષ્ટ કરવામાં નોંધપાત્ર ભાગ ભજ્વ્યો હતો. પરિણામે સરદાર પટેલની ભારતના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યેની દ્રષ્ટિ તટસ્થ અને સંયમિત બની હતી. ૧૯૩૭ના ડીસેમ્બરમાં મહંમદઅલી જિન્નાએ કોંગ્રસની હિંદુ તરફી નીતિને વ્યક્ત કરતા જાહેરમા કહ્યું, “કોંગ્રસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે” અને ત્યારે સરદાર પટેલે (૨૫.૧૨.૧૯૩૭ના રોજ) રાજપીપળાની જાહેર સભામા તેનો ઉત્તર વાળ્યો હતો, “રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ માત્ર પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા નથી શોધતી. પણ પાંત્રીસ કરોડની આઝાદી માટે લડે છે. જેમાં હિંદુ, મુસ્લિમ,પારસી, ખ્રિસ્તી તમામનો સમાવેશ થાય છે.” સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથેના સરદારના સબંધો પણ પ્રેમાળ અને પ્રોત્સાહક રહ્યા હતા. ધંધુકા જેવા નાનકડા ગામના યુવાન ગુલામ રસુલ કુરેશીને રાષ્ટ્રીય ફલક પર આણવામાં સરદારનો ફાળો નાનો સુનો ન હતો. એકવાર રચનાત્મક કાર્યો માટે માંગેલા રુ.૨૦૦૦ની વ્યવસ્થા કરી આપતા સરદાર પટેલે (૬.૨.૧૯૪૨ના રોજ હજીરાથી) ગુલામરસુલ કુરેશીને લખ્યું હતું, “મુસલમાનોમા તમારે કામ કરવાનું રહ્યું. એટલે એ વિશેની જરૂરિયાત અને મુશ્કેલીઓ તમે જ સમજી શકો. એમાં મારે ખાસ કઈ કહેવાનું ન હોઈ. તમેં માંગો છો તે પ્રમાણે સગવડ કરી દેવી એટલું જ હું કરી શકું. બાકી કામની જવાબદારી તો તમારી જ રહે. તમે ૨૦૦૦નો અંદાજ બતાવ્યો છે.તેટલી રકમ આવતા વર્ષ માટે તમારે જેમ જેમ જોઈએ તેમ તેમ ઉપાડવા માટે માવળંકરદાદાને ત્યાં સગવડ કરી છે. ત્યાંથી તમારી જરૂરિયાત પ્રમાણે ઉપાડજો” ઈ.સ.૧૯૩૮મા સુભાષબાબુ એ કોંગ્રસના પ્રમુખ તરીકે બીજીવાર ચાલુ રહેવાની જાહેરાત કરી. ત્યારે તેનો વિરોધ કરી તેના સ્થાને મૌલાના આઝાદના નામને આગળ કરનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે તે માટે સંમત ન હતા. ગાંધીજીને તેમણે કોંગ્રેસ પ્રમુખ થવાની ના પાડી. ત્યારે મૌલાનાને મનાવવાનું કપરું કાર્ય સરદાર પટેલે ઉપાડી લીધું હતું. આ અંગે રાજેન્દ્રબાબુને લખેલા એક પત્રમાં સરદાર પટેલ લખે છે, “જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાનાને સમજાવી શક્ય છીએ....ઘણો વખત અચકાયા પછી તેમણે વાત કબુલ રાખી છે.” ઈ.સ.૧૯૩૯મા પુનઃ કોંગ્રેસના પ્રમુખપદનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે મહાદેવભાઈ દેસાઈની ઈચ્છા સરદાર પટેલને કોંગ્રસના પ્રમુખ બનાવવાની હતી. પરંતુ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી સરદાર પટેલે પુનઃ મૌલાના આઝાદનું નામ આગળ કર્યું. અને આમ ૧૯.૩.૧૯૪૦ના કોંગ્રસ અધિવેશનના પ્રમુખ મૌલાના આઝાદ બન્યા. ભાવનગર રાજ્ય પરિષદના પાંચમાં અધિવેશનમાં ભાગ લેવા ૧૪ મેં ૧૯૩૯ના રોજ સરદાર પટેલ ભાવનગર આવ્યા હતા. ત્યારે તેમની હત્યાનું કાવતરું રાજ્યના દીવાન દ્વારા ઘડાયું હતું. એ માટે ભાવનગરના ખારગેટ વિસ્તામાં આવેલ નગીના મસ્જીતનો કાવતરાખોરોએ ઉપયોગ કર્યો. સરદાર પટેલનું સરઘસ નગીના મસ્જિત પાસેથી પસાર થયું ત્યારે મસ્જિતમાંથી હથિયાર સાથે સરઘસ પર હુમલો થયો. સરદાર અલબત્ત બચી ગયા. આ ઘટનાને અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સન અને ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ મુસ્લિમોના હુમલા તરીકે ખપાવવા ઘણી કોશિશ કરી. પણ સરદાર પટેલે ૧૬.૫.૧૯૩૯ના રોજ ભાવનગર પ્રજા પરિષદના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યની ગુંડાગીરીને ખુલ્લી પાડતા કહ્યું હતું, “અંદર અંદરના કજિયા કંકાસ સમાવીને આવા તોફાની તત્વોને અલગ કરી દબાવી દેવા કશું ન કરીએ તો આપણા આખા સમાજ પર તે ચડી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યો પર ચડી બેસે છે. આજે બધે વાયુ મંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવી કરેલું કામ નથી. આની પાછળ તો બુદ્ધિ પૂર્વકની ગોઠવણી છે. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં. આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. આજે કેવળ રાજ સત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.” છેક ૧૮૫૭થી આરંભાએલી હિંદુ-મુસ્લિમોને લડાવી “ભાગલા પાડો અને શાસન કરો”ની અંગ્રેજોની કૂટનીતિથી સરદાર પટેલ બખૂબી વાકેફ હતા. અને એટલે જ અંગ્રેજોની અલગ કોમી મતદાર મંડળોની નીતિને ખુલ્લી પાડતા ૧૦.૩.૧૯૪૦ની નવસારીની દુધિયા તળાવની જાહેરસભામાં તેમણે કહ્યું હતું, “અલ્લાહાબાદમાં હિંદુ,મુસ્લિમ,શીખ, ખ્રિસ્તી બધા એક થયા અને ફેસલો કર્યો કે આપણે કોમી મતદાર મંડળો ન જોઈએ. અને મુસલમાનો જે માંગે તે આપવું. પણ તુરત અંગ્રેજોએ મુસ્લિમોને તાર કર્યો કે તમે તેમાં ભળશો નહિ. અમે તમને વધારે આપીશું. અમે તો દાખલા સાથે સિદ્ધ કરીએ છીએ કે અંગ્રેજો જ લડાવે છે. એ તો કહે છે કે તમે બે લડો ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપ્રત કરેલું છે.” ભારતના ભાગલા સમયે પણ ગૃહમંત્રી તરીકેની સરદારની ભૂમિકા અત્યંત સંતુલિત હતી. પતિયાણામા રાજપુર અને લુધિયાણા વચ્ચે, તેમજ રાજપુર અને ભટિંડા વચ્ચે મુસ્લિમોની સામુહિક હત્યા,કતલ અને લુંટફાટના બનાવોની વણઝાર સર્જાય હતી.તેની જાણ સરદાર પટેલને થતા તેમણે પતિયાણાના મહારાજાને ૨૬.૮.૧૯૪૭ના રોજ તે અટકાવવાની સુચના આપતા લખ્યું હતુ, “પરિસ્થિતિ તદન કાબુ બહાર થઈ ગઈ છે.મહેરબાની કરીને કંઇક કરો અને તે તુરત અટકાવો. લઘુમતીઓના રક્ષણ માટે અને તેમનામાં વિશ્વાસ પેદા કરવા તમામ સક્રિય પગલા ભરશો તો આભારી થઇશ.” એજ રીતે રામપુરના નવાબે તેમની પ્રજાનું અશાંત દિલ્હીમાથી રામપુર સ્થળાંતર કરવા સરદારને વિનંતી કરી, ત્યારે પણ સરદારે દિલ્હીના કલુષિત વાતાવરણને ધ્યાનમાં રાખી રામપુરના હજારેક જેટલા મુસ્લિમ નિવાસીઓને સ્પેશિઅલ ટ્રેનમા રામપુર મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભોપાલના નવાબની માંદગીથી પીડાતી દીકરીને અશાંત દિલ્હીમાં શોધીને તેની સારસંભાળ કરવાની તકેદારી પણ સરદાર કરવાનું ચુક્યા ન હતા.મુસ્લિમ હિજરતીઓ સહીસલામત રીતે પાકિસ્તાન પહોચી જાય તેની દરકાર પણ ગૃહમંત્રીએ રાખી હતી. શ્રી.વી.પી.મેનને અમૃતસરમાંથી પસાર થતી હિજરતી મુસ્લિમોની ટ્રેનો પર શીખોના હુમલાઓ અંગે સરદારની ભૂમિકાની પ્રસંસા કરી છે. ત્યારે અમૃતસરમાં વિશાળ સભાને સરદારે સંબોધી હતી. અને પાકિસ્તાન જતા મુસ્લિમો આપણા જ ભાઈઓ છે. તેમની હિંસા એ આપણા જ ભાઈઓની હત્યા છે. એમ એક કલાક લાગણીસભર ભાષણ કરી અમૃતસરના શીખોને શાંત પાડ્યા હતા. અને હિજરતી મુસ્લિમોને સહી સલામત પાકિસ્તાન જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સ્વતંત્ર ભારતના સશક્ત મધ્યમાં તરીકે રેડીઓમાં ઉર્દૂ ભાષાને સ્થાન આપવામા પણ સરદારનો ફાળો અગ્ર હતો. ૧૪.૧૨.૧૯૪૯ન રોજ માહિતી પ્રધાન આર.આર.દિવાકરને સરદાર પટેલે લખે છે, “પણ આપણે રેડિઓને પ્રચારનું, મુસ્લિમો અને નિરાશ્રીતોમાંથી ઘણાં ખરા લોકોને ધર્મનિરપેક્ષ રાજય અને સંસ્કૃતિના આદર્શ માટે પ્રોત્સાહન આપવાનું કામિયાબ સાધન બનાવવા ઇચ્છતા હોઈએ તો હાલ તુરત તો દિલ્હીના કાર્યક્રમમા પણ કેટલોક હિસ્સો ઉર્દુને આપવો પડશે” આજે દિલ્હી રેડિઓ સ્ટેશન પરથી પ્રસારિત થતા ઉર્દૂ કાર્યક્રમો સરદાર પટેલની દેન છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. આમ ભારતના રાષ્ટ્રીય મુસ્લિમો અને ઇસ્લામી સંસ્કૃતિ પ્રત્યેની સરદારની નીતિની નોંધ લેતા અનેક દ્રષ્ટાંતો ભારતના ઇતિહાસમા દટાયેલા પડ્યા છે. આ દ્રષ્ટાંતો જ સરદારને મુસ્લિમ વિરોધી કહેતા જૂથ માટે જવાબ રૂપ છે. ઇતિહાસનું વિશ્લેષણ ઘટનાઓના મૂલ્યાંકન અને તેના નિષ્કર્ષમાંથી થાય છે. એ દ્રષ્ટિએ આ તમામ ઘટનાઓ ઉપર સરદારને મુસ્લિમ વિરોધી કહેતું જૂથ થોડી તવજ્જો આપશે તો સરદારનું ભારતીય મુસ્લિમો પ્રત્યેનું વલણ અવશ્ય પામી શકશે. પણ એ મૂલ્યાંકન વેળાએ એટલી બાબત અચૂક યાદ રાખવી જોઈએ કે સરદારને બે મોઢા રાખી ભારતમાં વિચરતા મુસ્લિમો પ્રત્યે સખત નફરત હતી. તેઓ કહેતા, “ભારતના મુસ્લિમોને મારે એક જ સવાલ પૂછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી ? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી ?... હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ પણ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોઈ તે જઈ શકે છે, અને સુખચેનથી રહી શકે છે” પણ આ સાથો સાથ રાષ્ટ્રીય મુસ્લિમો પ્રત્યે સરદારને અંત્યંત આદર હતો. સ્વાતંત્ર સંગ્રામના તેમના મુસ્લિમ સાથીઓ અને નાનામા નાના રાષ્ટ્રવાદી મુસ્લિમ માટે તેઓ સમાન અને તટસ્થ વ્યવહાર કરવાને પોતાનો ધર્મ માનતા. અને તેમાં ક્યારેય ચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખતા. તેઓ હંમેશા કહેતા, “રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈ પણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે” આવા સરદારને આપણે સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક કહીશું તે વાચકો, વિચારકો અને રાજકારણીઓ પર છોડી દઈએ – અસ્તુ ---------------------------------------------------------- * સરદાર પટેલની ૬૩મી પુણ્યતિથી નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ સોસાઇટી અને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા ૧૫ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ આયોજિત સેમિનારમા ડૉ. મહેબૂબ દેસાઈએ આપેલ વ્યાખ્યાન