Monday, June 17, 2013

રમઝાનની રૂહાની અને જિસ્માની તૈયારીઓ : ડૉ. મહેબૂબ દેસાઈ

જુલાઈ માસના બીજા સપ્તાહથી ઇસ્લામના પવિત્ર રમઝાન માસનો આરંભ થઇ રહ્યો છે. પણ તેની તૈયારી રૂપે મોટાભાગના મુસ્લિમો કશું કરતા નથી. રહીમભાઈના પુત્રના નિકાહ હોય તો રહીમભાઈ એક વર્ષ અગાઉથી હોલ બુક કરાવવાની ચિંતા કરશે. અને તેની તૈયારીમાં લાગી જશે. મુસાભાઈની  સાલગિરાહ આવે તો સૌ સાલગિરાહની ઉજવણીનું અગાઉથી આયોજન કરવામાં લાગી જશે.પણ ઇસ્લામના અમુલ્ય પવિત્ર માસ રમઝાન માટે આપણે કયારેય કોઈ પૂર્વ તૈયારી કરતા નથી. રમઝાન માસની બે રીતે પૂર્વ તૈયારી થઇ શકે. રૂહાની અને જિસ્માની.
રૂહાની તૈયારી એટલે મન હદયથી ઈબાદતમાં  લાગી જવાની તૈયારી. રમઝાન એક એવો માસ છે, જેમાં દરેક મુસ્લિમ તન, મન અને ધનથી અઢળક પુણ્ય કમાવા પ્રયાસ કરે છે. પણ એ માટે બિલકુલ તૈયારી કરતો નથી. પવિત્ર રમઝાન માસમાં પુણ્ય કમાવાના બે માર્ગો છે. એક ઈબાદત અને બીજો સદ્કાર્યો. ઈબાદત માંગે છે એકાગ્રતા અને પાબંદી. ઇબાદતમાં નમાઝ અને કુરાને કુરાનેશરીફની તિલાવત (કુરાનેશરીફનું પઠન) મુખ્ય છે. આખું વર્ષ ઝીંદગીના માર્ગમાં ભાગતો રહેલો માનવી એકદમ રમઝાન માસના આરંભ સાથે નમાઝ અને કુરાને કુરાનેશરીફની તિલાવત જેવી ઇબાદતમાં પલોટાઈ જાય એ કહેવામા સરળ લાગે છે. પણ હકીકતમાં એ અત્યંત મુશ્કેલ છે. રમઝાન માસના એકાદ માસ કે સપ્તાહ પૂર્વે દરેક મોમીને પોતાની જાતને દુનિયાદારીના વાતાવરણમાંથી મુક્ત કરી, નમાઝ અને  કુરાને શરીફની તિલાવતમાં સક્રિય કરવાની કોશિશ કરવી જોઈએ. અલબત્ત તેના એ પ્રયાસમાં તેને ધીમે ધીમે સફળતા મળશે. અને જયારે રમઝાન માસ શરુ થશે ત્યારે તે તેના આધ્યત્મિક વાતાવરણમાં પોતાની જાતને ઢાળવામાં સફળ થશે. પરિણામે ઇબાદતમાં એક્ગ્રતા કેળવાશે. અને સમગ્ર રમઝાન માસ દરમિયાન પાંચ વક્તની નમાઝ અને કુરાને કુરાનેશરીફની તિલાવત એકાગ્રચિતે અદા કરી શકશે.
ઈબાદત સાથે સદવર્તન અને સદ્કાર્ય પણ રમઝાન માસમાં અત્યંત અનિવાર્ય છે. સદવર્તન માટે બુરા મત દેખો, બૂરા મત સૂનો, બૂરા મત સોચો અને બૂરા મત કહોનો મંત્ર કેન્દ્રમાં છે. રોઝા દરમિયાન રોઝદારે આ ચારે ગુણો ફરજીયાત પાળવા પડે છે. અને એ માટે રમઝાન પૂર્વે તેની તૈયારી કરવી જરૂરી છે. માનવી પોતાની સારી નરસી આદતોમાંથી તુરત મુક્ત થઈ શકતો નથી. કારણ કે શૈતાનને બાંધવો મુશ્કેલ છે, પણ તેને મુક્ત કરવો સહેલો છે. આપણે સૌ આપણા મન હદયને પૂછીએ કે આપણે રમઝાન પૂર્વે શૈતાનને બાંધવાની કોશિશ કરીએ છીએ ખરા ?   
જિસ્માની અર્થાત ભૌતિક તૈયારીઓ. જેમાં માનવીની દિનચર્યાથી માંડીને રમઝાન માસમા કરવાના  અને ન કરવાના કાર્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે દરેક મુસ્લિમની દિનચર્યામા વ્યવસાય-નોકરી, સામાજિક વ્યવહાર અને આરામ કેન્દ્રમાં હોય છે. આવી રોજની દિનચર્યામા મોટે ભાગે કોઈ નિયમિતા કે પાબંદી નથી હોતા. સામાન્ય સંજોગોમાં દરેક મુસ્લિમ પોતાની અનુકુળતા મુજબ દિવસનું આયોજન કરતો હોય છે. પણ રમઝાન વિશિષ્ટ માસ છે. પાબંદી સાથેની ઈબાદતનો માસ છે. તેમાં વ્યક્તિની સમગ્ર દિનચર્યામા આમુલ પરિવર્તન આવે છે. દરેક મુસ્લિમની દિનચર્યામાં એક પ્રકારની નિયમિતતા અને નૈતિકતા આવે છે. કારણ કે આખા માસ દરમિયાન ઈબાદત કેન્દ્રમાં હોય છે. શક્ય તેટલું પુણ્ય કમાવાની જીજીવિષ હોય છે. આ માસમાં સહેરી (રોઝા પૂર્વેનું વહેલી સવારનું ભોજન) માટે સવારે વહેલા ઉઠવાથી માંડીને રાત્રે સુવા સુધી દરેક મુસ્લિમ ઈબાદત અને સત્કાર્યોમાં ગુંથાયેલો રહે છે. પણ એ માટે ન તો તેણે અગાવથી આયોજન કયું હોય છે, ન  તો તેણે પોતાની જાતને એ માટે માનસિક રીતે તૈયાર કરી હોય છે. જેમ કે,             
૧. રમઝાનના આગમન પૂર્વે સમાન્ય રીતે આપણને વહેલા ઉઠવાની આદત હોતી નથી. અને ફઝર(પ્રભાત)ની નમાઝ માટે ઉઠીયે તો પણ નમાઝ પછી પાછા એકાદ ઊંઘ લઇ લેતા હોઈએ છીએ. રમઝાન માસ ઈબાદત અને તપનો માસ છે. તેમાં ઊંઘ અને આરામ કરતા અવિરત ઈબાદત અનિવાર્ય છે. રમઝાન પૂર્વે દરેક મુસ્લિમે એ માટે પોતાની જાતને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવી જરૂરી છે.
૨. વહેલા ઊઠવા માટે આનુસંગિક વસ્તુઓની તૈયાર પણ જરૂરી છે. જેમ કે વહેલા ઊઠવા માટે મોટે ભાગે આપણે સૌ એલાર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આખું વર્ષ આપણે તેની સામે પણ જોયું હોતું નથી. તેના સેલ અને તેની કન્ડીશન તપાસી હોતી નથી. અને રમઝાન માસ શરુ થાય ત્યારે આપણેને તેનો ખ્યાન આવે છે. માટે રમઝાનના આગમન પૂર્વે એલાર્મ જેવી આનુસંગિક વસ્તુઓ કાર્યરત કરી લો.
૩.  સહેરીના એકાદ કલાક પહેલા ઉઠવાનો આગ્રહ રાખો. જેથી સહેરી પૂર્વે તહજ્જુદની નમાઝ અદા થઇ શકે. એ માટે પણ મન અને શરીરને તૈયાર કરો.
૪.  નોકરી-ધંધામાં કે વ્યવસાયના વ્યવહારો જાળવવા ક્યારેક અસત્ય આચવું કે બોલવું પડે છે. એવા સંજોગો રમઝાન માસમાં ન ઉદભવે તેનું અગાઉથી આયોજન કરો.
૫.  રમઝાન માસ દરમિયાન ટાળી શકાય તેવા વેપારીક કે નોકરીને લગતા પ્રવાસો માર્યાદિત કરો. કારણ કે આપણા પ્રવાસો આપણા રોઝા અને ઇબાદતમાં ખલેલ કરે છે. અગાઉથી પ્રવાસના કાર્યોનું એવી રીતે આયોજન કરો કે રમઝાન માસમા આપ તેનાથી મુક્ત રહી ઇબાદતમાં એકાગ્રતા સાધી શકો.
૬.  રમઝાન માસ દરમિયાન દરેક મુસ્લિમ ઝકાત અર્થાત ફરજીયાત દાન કરે છે. રમઝાન માસના આગમન પૂર્વે ઝકાતનું સંપૂર્ણ આયોજન કરી રાખો. દરેક મુસ્લિમ પોતાની આવકના અઢી ટકા ઝકાત (દાન) તરીકે કાઢે છે. દરેક મુસ્લિમે પોતાની સ્થાવર-જંગમ મિલકત અને આવકના અઢી ટકાની રકમ વર્ષ દરમિયાન કેટલી થાય છે, તે રમઝાન પૂર્વે નક્કી કરી લેવું જોઈએ. એ રકમ કેટલી અને કઈ સેવાકીય સંસ્થાઓમાં, ક્યા જરૂરતમંદ જાણીતા કે અજાણ્યા સ્વજનનો આપવાની છે તે પણ નક્કી કરી લેવું જરૂરી છે. જેથી છેલ્લે ઘડીએ દ્વિધા ઉત્પન ન થાય. અથવા ઝકાતની રકમ યોગ્ય સંસ્થા કે માનવી સુધી પહોંચાડવાનું રહી ન જાય.
રમઝાનને હજુ બે સપ્તાહ બાકી છે. ચાલો આપણે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી તેની થોડી તૈયારી કરીએ.



No comments:

Post a Comment