Wednesday, February 20, 2013

સોમનાથના સંદર્ભમા ઇતિહાસ અને ઇતિહાસકારો : પ્રોફે. મહેબૂબ દેસાઈ


કમ નસીબે ઈતિહાસ વિષયની સ્થિત વર્ષોથી ગરીબની જોરુ જેવી રહી છે. દરેક તેને પોતાની રીતે ઓળખાવે છે. તેનું અર્થઘટન કરે છે. વળી, ઇતિહાસ જાણનાર અને ન જાણનાર બધા ઐતિહાસિક ઘટના અંગે  અભિપ્રયા આપવાનો પોતાને અબાધિત અધિકાર છે, તેમ દ્રઢ પણે માને છે. જો કે અન્ય શાસ્ત્રો કે વિષયો પરત્વે લોકોમાં આવું સરળ વલણ નથી. અન્ય શાસ્ત્ર કે વિષયમાં પ્રવેશતા પૂર્વે સૌ કોઈ થોડો વિચાર અને મર્યાદા રાખે છે. પણ ઇતિહાસ અંગે તેમ થતું નથી. તેનો એક કિસ્સો મને યાદ આવે છે. ૨૦૦૨ પછીના સમયમાં ભાવનગરના લોક મિલાપમાં થોડા મિત્રો હિંદુ મુસ્લિમ સંબધોમાં વ્યાપેલ અવિશ્વાશને નિવારવા અંગે વિચારણા કરવા ભેળા થયા હતા. એ બેઠકમાં શ્રી ગોપાલ મેઘાણી અને શ્રી ગુણવંત શાહ સાથે એક અન્ય જાણીતા બુદ્ધિજીવી પણ હતા. તેમણે ઇતિહાસના પોતાના જ્ઞાનને અભિવ્યક્ત કરતા કહ્યું,

“ભારતીય સમાજમાં અછુત અને અસ્પૃશ્યોનો જન્મ મોઘલ શાસનકાલમાં થયો હતો. જે લોકોએ ઇસ્લામનો અંગીકાર ન કર્યો, તેને સમાજમાં ઉતરતી કક્ષાનું કામ અને સ્થાન આપવામાં આવ્યા”

આ બેઠકમાં હું પણ હાજર હતો. ઇતિહાસના અધ્યાપક તરીકે ઈતિહાસની આવી હત્યા મારાથી સહન ન થઇ. એટલે મેં કહ્યું,
“આ સત્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં વર્ણ વ્યવસ્થા છેક પ્રાચીન સમયથી ચાલી આવી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને તેમના કાર્યને અનુરૂપ સામાજિક દરજ્જો મળ્યો હતો. એટલે મોઘલ સમયમાં ઇસ્લામ અંગીકારણ કરનારને શુદ્રનું સ્થાન મળ્યું તે ઐતિહાસિક દ્રષ્ટિએ અસત્ય છે”

મારી આ દલીલથી તે મહાનુભાવ ગુસ્સે થયા. અને થોડું એલફેલ બોલી બેઠક છોડી ચાલ્યા ગયા. આ ઘટનના સાક્ષી ઉપરોક્ત બંને મહાનુભાઓએ એ પછી મારી ક્ષમા માંગી. 

આમ ઇતિહાસ વિષયમાં દરેકને બોલવાનો કે પોતાનો અભિપ્રાય આપવાનો અબાધિત અધિકાર છે. પણ કોઈ વિદ્વાનને ઇતિહાસકાર કે સંશોધક તરીકે સ્વીકારવામાં આપણે જરા પણ ઉતાવળ કરતા નથી.પછી ભલેને તેણે અઢળક સંસોધન કાર્ય કર્યું હોય કે ઇતિહાસના અનેક નોંધનીય ગ્રન્થો લખ્યા હોય. પણ તેને આપણે સરળતાથી ઇતિહાસકાર તરીકે સ્વીકારતા નથી કે તેના સંશોધાનની મહત્તાને પણ સ્વીકારતા નથી. પછી ભલેને તે રોમિલા થાપર કેમ ન હોય ?
પ્રા. રોમિલા થાપરના આગમન અને વ્યાખ્યાન પછી ચાલેલ ચર્ચામાં આ વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વારંવાર વ્યક્ત થતી જોવા મળી છે. પ્રા. રોમિલા થાપરના મત મુજબ ભારતનો પ્રાચીન ઇતિહાસ કડીબદ્ધ ઉપલબ્ધ નથી. વિદેશી લેખકોના વૃતાન્તો અને શાસકોના લખાયેલા સાહિત્યમાંથી તારવીને પ્રાચીન ભારતના ઈતિહાસની કડીઓ મેળવવામાં આવી છે. પરિણામે તેના તારણો અને અર્થઘટનો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે.એ જ રીતે ભારતના મધ્યકાલનો ઇતિહાસ પણ ઐતિહાસિક દ્રષ્ટિએ લખવા કરતા શાસકોના લહિયાઓ કે રાજ્ય આશ્રિત વિદ્વાનો દ્વારા લખ્યો હોય, તેનું વિશ્લેષણ અને અર્થઘટન ઇતિહાસકારો માટે કસોટી રૂપ બની રહ્યું છે. આપણા રાષ્ટ્રીય ઇતિહાસકારો જેવા કે જદુનાથ સરકારે લખેલ મુસ્લિમ શાસનનો અને ખાસ ઔરંગઝેબનો ઇતિહાસ તેના કારણે જ વારંવાર વિવાદનો મુદ્દો બન્યો છે. જયારે અંગ્રજ શાસનનો ઇતિહાસ તો બ્રિટીશ હકુમતને પોષતો અને ખુશામત કરતો જ લખાયો છે.  જેમાં આપણે વારંવાર વિદ્યાર્થીને ભણાવીએ છીએ કે ભારતમાં સતી પ્રથાની નાબુદી લોર્ડ વિલિયમ બેન્તિકે કરી. પણ એ સત્ય વિસરી જઈએ છીએ કે સતી પ્રથાની નાબુદી ધારો ઘડવાથી ન થાય. તેના માટે સામજિક ક્રાંતિ કરવાનું મૂળભૂત કાર્ય રાજા રામ મોહન રાયે કર્યું હતું. અંગ્રેજોના આવા ઈતિહાસને કારણે જ ભારતના ઇતિહાસમાં પુનઃ સંશોધન અને અર્થઘટનને હંમેશા અવકાશ રહ્યો છે.

આ સ્થિતિમાં પ્રા. રોમિલા થાપારનું સોમનાથ અંગેનું સંશોધન અવશ્ય વિચારણા માંગી લે છે. રોમિલા થાપર અને એ પહેલાના આપણા રાષ્ટ્રીય ઈતિહાસકારોએ સ્વીકારેલા સમાન મુદ્દાઓ પર સૌ પ્રથમ નજર કરીએ. જેમાં કોઈ વિવાદ કે ચર્ચાને અવકાશ નથી. જેમ કે
૧. મહમુદ ગઝની કોઈ શાસક ન હતો.
૨. સોમનાથ પરનું તેનું આક્રમણ એક રાજકીય મુત્સદી તરીકે ન હતું. પણ એક લુંટારા તરીકે હતું.
૩. સોમનાથને તોડવા અને લુંટવા પાછળ મહમુદ ગઝનીનો હેતુ હિંદુ મુસ્લિમ કોમવાદને પ્રસરાવવા કરતા વિશેષ ધન પ્રાપ્તિનો હતો. ઇસ્લામના પ્રચાર પ્રસારનો હેતુ તેમાં કયાંય દ્રષ્ટિગોચર થતો નથી.
૪. મહમુદ ગઝનીની લુંટની અસર ભારત અને ખાસ સોમનાથ પર વધુ સમય ટકી ન હતી. જેના પુરાવાઓ મોટે ભાગે તમામ ઈતિહાસકારોએ આપ્યા છે.

આટલી સામાન્ય સમજ ને સ્વીકારી મહમૂદના સોમનાથ આક્રમણનું વિશ્લેષણ કરીશું તો તેમા રહેલ અર્કને અવશ્ય પામી શકીશું. ભારતમાં મુસ્લિમોના આગમનનો પ્રારંભ ઇસ્લામના ઉદય પછી થયો છે. પણ તેમાં ક્યાંય ઇસ્લામના પ્રચાર પ્રસારનો ઉદેશ જોવા મળતો નથી. છેક પ્રાચીન કાળમાં ગુજરાતના ઘોઘા બંદરે મુસ્લિમ વેપારીઓના જહાજો ખજુર ભરીને આવતા અને છ છ માસ સુધી તે ત્યાં લંગારેલા રહેતા. મુસ્લિમ વેપારીઓના આવા લાંબા રોકાણને કારણે જ ઘોઘામાં એક અંત્યત પ્રાચીન મસ્જિત આજે પણ ખંડેર હાલતમાં હયાત છે. જેનો કિબલો અર્થાત નમાઝ પઢવાની દિશા જેરુસાલેમ તરફ છે.એ પછી મહમંદ સાહેબે નમાઝ માટેનો કિબલો કાબા તરફ રાખવાનો ખુદાનો આદેશ જાહેર કર્યો. અને પછી દરેક મુસ્લિમ કાબા તરફ મુખ રાખીં નમાઝ પઢવા લાગ્યો. આ બાબત દર્શાવે છે કે મુસ્લિમોના આગમન માટે ઇસ્લામના પ્રચાર કરતા તેનો ભારત સાથેનો વેપાર કેન્દ્રમાં હતો. એ સમયે પણ ભારત સમૃદ્ધિના શિખરે હતું. દેશ વિદેશના વેપારીઓ માટે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. પરિણામે પોતાના વેપારની વૃદ્ધિ માટે સૌ ભારતમાં આવતા. મધ્યકાલમા તુર્કો-અફઘાનો અને મોઘલો પણ ભારતની સમૃદ્ધિથી આકર્ષાયને જ ભારતમાં આવ્યા હતા. પણ ભારત પરના વિજય પછી તેમણે ભારતને પોતાનો દેશ ગણી તેના પર શાસન કર્યું. મધ્યયુગનો દરેક મુસ્લિમ શાસક ભારતમાં જ જીવ્યો અને ભારતમાં જ મર્યો. ભારતમાં જ તેની કબર બની. અને તેણે ભારતની સમૃદ્ધિનો ઉપયોગ ભારતને જ સમૃદ્ધ કરવા માટે કર્યો હતો. ટૂંકમાં મુસ્લિમ શાસકોએ ભારતની સમૃદ્ધિનો ઉપયોગ પોતાના વતનને સમૃદ્ધ કરવા માટે કદાપી કર્યો નથી. એ પછી આવેલા પોર્ટુગીઝો, ડ્ચો અને અંગ્રેજો પણ ભારતની સમૃદ્ધિથી પ્રભાવિત થઇ ને જ ભારતમાં આવ્યા હતા. તેમણે ભારતને પોતાનું વતન કયારે ન બનાવ્યું. પરિણામે એક પણ ગવર્નર જનરલ કે વાઇસરોયની કબર ભારતમાં જોવા મળતી નથી. બલકે દરેક ગવર્નર જનરલ કે વાઇસરોયએ ભારતની સમૃદ્ધિનો ઉપયોગ પોતાને અને પોતાના દેશને સમૃદ્ધ કરવા માટે જ કર્યો. એ હકીકતની અવગણના કોઈ ઇતિહાસ અભ્યાસુ નહિ કરી શકે. ઇતિહાસના આ સનાતન સત્યને સ્વીકારીએ તો મુસ્લિમ શાસકોના ભારત પ્રત્યેના વલણોને સમજવા અને તેનું વિષ્લેષણ કરવામાં આપણે થોડા તટસ્થ અવશ્ય રહી શકીશું.

હવે કોમવાદના પ્રચાર પ્રસારની થોડી વાત કરીએ. ઇતિહાસના અભ્યાસુ તરીકે એટલું તારણ હું અવશ્ય આપી શકીશ કે ભારતમાં કોમવાદના વિકાસમાં કોઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું હોય તો તે, ન તુર્કો હતા કે ન મોઘલો હતા. પણ મુત્સદી અને લુચ્ચા  અંગ્રેજો  હતા. તુર્ક-અફઘાન કે મોઘલ શાસનકાળમાં જે મઝહબી એખલાસ હતો. તેને બાકાયદા ખંડિત કરી પોતાના શાસનના પાયાને મજબુત કરવાનું કાર્ય અંગ્રેજોએ કર્યું હતું. તેમની ભાગલા પાડીને શાસન કરવાની કુટનીતિને કારણે જ ભારતના ઇતિહાસમા કોમવાદના બીજ રોપાયા અને ઉછર્યા. એ જ નીતિને કારણે જ ભારતના ભાગલા પણ પડ્યા તે સ્વીકારવા જેટલા બૌદ્ધિક આપણે છીએ. અને એજ કોમવાદને કેન્દ્રમાં રાખી તેમણે ઇતિહાસ લેખન અને સર્જન પણ કર્યું.

અને અંતે, મારે ઇતિહાસકાર તરીકે પ્રા. રોમિલા થાપરની ભૂમિકાની થોડી વાત કરવી છે. ઇતિહાસકાર માટે ઇતિહાસ લેખન એ અત્યંત જવાબદારી પૂર્ણ રચનાત્મક કાર્ય છે. ઇતિહાસ સંસ્કૃતિના સંવર્ધન અને સંયોજન માટે લખાવો જોઈએ. સમાજમાં કોમી વિખવાદ કે વિસંવાદિતા પ્રસરાવવા લખાતો ઇતિહાસ સમાજના ઘડતર કરતા તેના ખંડનમા વધુ સહાયક બને છે. પ્રા. રોમિલા થાપર એક જાગૃત ઇતિહાસકાર છે. તેમણે સોમનાથના પોતાના સંશોધન દ્વારા સમાજમાં સંવાદિતતા અને એખલાસને પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. અલબત્ત તેમના એ સંશોધનમા ચર્ચા અને દલીલોને અવકાશ હોય શકે. પણ તેમની ઇતિહાસકાર તરીકે નિષ્ઠા અને કર્તવ્ય પ્રત્યે માન પણ અનિવાર્ય છે. ઇતિહાસ માત્ર વિચારો નથી, પણ સમાજના ધડતરનું, આચારણનું ઉત્તમ માધ્યમ પણ છે. તે એવું માધ્યમ છે જેનો ઉપયોગ સમાજમાં એખલાસ પણ પ્રસરાવી શકે છે અને સમાજમાં વિખવાદ પર પ્રસરાવી શકે છે. આટલી સાદી સમાજનો સ્વીકાર કરી આપણે સૌ ઇતિહાસની ઘટનાઓનું વિષ્લેષણ કરીએ તો, કદાચ આપણે પણ એક સાચા ઈતિહાસકારની ફરજ બજાવ્યાનો ગર્વ લઇ શકીશું.
----------------------------------------------------------------------------
* પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ.

1 comment:

  1. I am person of philosophy. In philosophic context I am agree, about your saying.....but will you please agree ? That, Religion as such has brought humanity to the state of constant war and terror of war ? The war leader used to claim--Their is ''Religious War--Jihad...

    I will quote such arguments, from non-religious group, yet more blind then religious group.....I meant Nazi and Naxalist--which has proved that they are totally blind about human life here on earth.

    What will be remedy ?

    I will suggest, A philosophic Revoluaton--or What Johan Lock had suggested ? State, not as a welfare but police state....and total Individualism ? A capitalism /

    I know, 'Sir'--India is too far from such discussion....right ?

    Me
    Bharat Mehta.

    ReplyDelete