Sunday, February 17, 2013

આપણી ધાર્મિક સમરસતાનો અજાણ્યો ઇતિહાસ : ડો. મહેબૂબ દેસાઈ


ભારતમાં હિંદુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે સંવાદિતતા અને સમરસનો આરંભ ભારતમાં મુસ્લિમોના આગમન સાથે થયો હતો. પણ તેનો ઇતિહાસ આપણા અભ્યાસક્રમોમા ક્યાંય જોવા મળતો નથી પરિણામે હિંદુ મુસ્લિમ સમસ્યાઓ દેશના વિકાસમાં હંમેશાં આડખીલી રૂપ બનતી રહી છે. બંને ધર્મોના વિદ્વાનો અને વિચારકોએ હિંદુ અને ઇસ્લામ ધર્મના વિચારોને સાહિત્ય અને સમભાવ સાથે આચારણમાં મુકવા કરેલા પ્રયાસો એ સમરસતાનું ઉમદા વાતાવરણ સર્જ્યું હતું. પરિણામે સંવાદિતતાની મહત્વની પરંપરાએ દેશ અને દુનિયામાં એક આદર્શ દ્રષ્ટાંત ઉપસાવ્યું હતું.
એ યુગમા ઇસ્લામનું કેન્દ્ર બગદાદ હતું. બગદાદના વિદ્વાનોને ભારતના હિંદુધર્મ, તેનો ઇતિહાસ અને આધ્યાત્મિક જ્ઞાનમાં અત્યંત રસ હતો. તેથી બગદાદના પ્રવાસીઓ અન્ય માધ્યમો દ્વારા ભારત વિષે જાણવા સક્રિય પ્યાસો કરતા હતા. એ સમયના કેટલાક મુસ્લિમ ઇતિહાસકરો જેવા કે બલાજરી, યાકુબ અને મુકીદસીના ગ્રંથોમાં ભારતનું વર્ણન જોવા મળે છે. રબ્નેનદીમના ગ્રંથ "અલ ફહીરસ્ત"મા હિંદુ ધર્મ અંગે એક આખું પ્રકરણ આલેખવામાં આવ્યું છે. એ સમયે બગદાદમાં કેટલાક હિંદુ પંડિતો અને નવ મુસ્લિમો પણ વસતા હતા. સૈયદ સુલેમાન નદવીએ એ અંગે લખ્યું છે,
"એ સમયે બગદાદમાં અનેક હિંદુ પંડિતો મૌજૂદ હતા. તેમાના કેટલાકના નામો આજે પણ ઇતિહાસના પડળમા દટાયેલા પડ્યા છે. જેમા પંડિત કનક, પંડિત મનકા અને પંડિત કપિલરાય મુખ્ય હતા"
આ પંડિતોએ કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા હતા. એ પહેલા આર્યભટ્ટના ગ્રંથ
"બ્રહ્મ સિદ્ધાંત"નો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની મદદથી અરબી ભાષામાં કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન બીજા કેટલાક હિંદુ ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં થયાના પુરાવાઓ મળે છે.

આવા અનુવાદો અને મૌખિક માધ્યમો દ્વારા ભારતીય ધર્મો પ્રત્યેની અરબોની જાણકારી વિસ્તૃત થતી જતી હતી. તે અલ્બેરુની અને જાહીજ જેવા પ્રવાસીઓના વર્ણનો દ્વારા જાણી શકાય છે. પરંતુ ભારત અંગે પ્રત્યક્ષ અને આધારભૂત માહિતી મેળવવાનો આરંભ અલ્બેરુનીથી થયો હતો. અલ્બેરુની ભારતમાં લગભગ ચાલીસ વર્ષો રહ્યો હતો. તેણે બાકાયદા સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું પાયાનું જ્ઞાન તેણે હિંદુ ધર્મ ગ્રંથોમાંથી મેળવ્યું હતું. તેના આધારે તેણે "તહ્કીકુલ માહિન્દ" નામક ગ્રંથ લખ્યો હતો. જેમાં સહજ અને સહકારાત્મક શૈલીમાં તેણે હિંદુધર્મ અને સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. આ ગ્રંથ અરબી ભાષામાં ભારતશાસ્ત્રનો પરિચય કરાવતો સૌ પ્રથમ અને આધારભૂત ગ્રંથ હતો. આ ગ્રંથમા અલ્બેરુનીએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કર્યો હતો. અને તેમાં ઇસ્લામ અને હિંદુ ધર્મના મૌલિક અંતરને વ્યક્ત કરતા લખ્યું હતું,
"હિંદુ ધર્મને સમજવામાં મુસ્લિમોને આ મૌલિક અંતરને કારણે જ તકલીફ પડે છે. જેથી તેનું સકારાત્મક વિષ્લેષણ અનિવાર્ય છે."
આ સમગ્ર યુગ દરમિયાન હિંદુ વિદ્વાનોના લખાણો દ્વારા ઇસ્લામને સમજવાની કોશીશ થતી રહી હતી. સિંધ અને બગદાદમાં આ અંગે અનેક ધર્મચર્ચો યોજાતી રહેતી હતી. કુરાન-એ-શરીફનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ આ જ સમય દરમિયાન થયો હતો. હિન્દુસ્તાનમાં ઇસ્લામિક શિક્ષણ પ્રથા ઉપર ઘણા પુસ્તકો લખાયા હતા. અનેક હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. અને તેના દ્વારા ઇસ્લામને સમજવાના ભરપુર પ્રયાસો થયા હતા.
આ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો અવશ્ય મહેસુસ થશે કે આજે જે બે ધર્મો વચ્ચે સમરસતાની વાત થાય છે તે તો ભારતની પુરાતન પરંપરાનો એક ભાગ છે. અને તે કોઈ એક તરફી પ્રયાસો ન હતા. બલકે બંને ધર્મોના અનુયાયીઓ, વિદ્વાનો એક બીજાના ધર્મ અને પરંપરાને સમજવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા. એ વાતનો અહેસાસ ભારતના સુલતાનોના શાસનકાળમા દરમિયાન ઉડીને આંખે વળગે છે. એ યુગમાં મુસ્લિમ સૂફી સંતો, હિંદુ સંતો અને કવિઓએ બંને ધર્મના વચ્ચે સેતુનું કાર્ય કર્યું હતું. સૂફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદ (તૌહીદ)ને અદ્વેત્વાદ તરીકે રજુ કર્યો. તેમાં હિંદુ વિદ્વાનોએ હિંદુ ધર્મની "વેદાંત" વિચારધારાની ઝલક અનુભવી. જયારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલન દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના સિદ્ધાંતો અને રીતરીવાજો વચ્ચેની સમરસતા અભિવ્યક્ત કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ સમરસતા ઉજાગર કરવમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન અને તુલસીદાસે અગ્ર ભૂમિકા ભજવી. સૂફી સંતો  હઝરત શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીરુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગરેની ભૂમિકા પણ અગ્ર હતી. અમીર ખુસરો પણ હિંદુ મુસ્લિમ ગંગા-જમુના સંસ્કૃતિના સમન્વય નાયક તરીકે ઉભરી આવ્યા હતા.
મુઘલ કાળમાં આ સમરસતાને ચાલુ રાખવામાંનું કાર્ય મુઘલ શાસકોએ કર્યું. મુઘલ શાસક બાબરે તેના પુત્ર હુમાયુંને નસિયત કરતા ખાસ કહ્યું હતું,
"તારા માટે અનિવાર્ય છે કે તુ તારા હદયમાંથી ધાર્મિક ભેદભરમ દૂર કરી દે. અને દરેક ધર્મના રીતરીવાજ અને સિદ્ધાંતો મુજબ ઇન્સાફ કર. તુ ગાયોની કુરબાની પર પ્રતિબંધ મુક. એ દ્વારા તુ હિન્દુસ્તાનના લોકોના દિલ જીતી શકીશ. અને તેમના દેવસ્થાનોની હિફાઝત કર. એ જ  આદર્શ શાસકની પવિત્ર ફરજ છે"
અકબરના સમયમાં અબુલ ફઝલે તેના પુસ્તક "આયને અકબરી"મા હિંદુ ધર્મનો પરિચય આપતું એક આખું પ્રકરણ આલેખ્યું છે. અકબરે અનેક સંસ્કૃત પુસ્તકોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. એ પછી જુલ્ફીકાર મવદે "દબિસ્તાને મજાહીદ" નામક એક ગ્રંથ લખ્યો. જેમાં બંને ધર્મોના તુલનાત્મક અધ્યયનને હકારાત્મક શૈલીમા રજુ કરવામાં આવ્યા હતા. મોઘલકાળમાં જ દારા શિકોહએ હિંદુ ધર્મ અને ઇસ્લામની સમરસતાની વાતને પોતાના લેખન અને આચરણમાં રજુ કરી હતી. આ જ પરંપરાને શેખ અબ્દુલ કુદ્દુસ ગંગોહી, મિર્ઝા મઝહર ખાનખાના, મૌલાના ફજલુલ રહમાન ગંજ મુરાદાબાદી, મૌલાના ફજલુલ હસન અને હઝરત મોહનીએ ચાલુ રાખી હતી. એજ રીતે અર્વાચીન યુગમાં ભારતના મહાન સુધારક રાજા રામ મોહન રાયએ ચાલુ રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ સમરસતાને વાચા આપતો ગ્રંથ
"તોહાફ્તુલ મોહિદીન" લખ્યો હતો. એકેશ્વરવાદ (તોહીદ)ને વાચા આપતો આ ગ્રંથ રાજા રામ મોહન રાયએ ફારસી ભાષામાં લખ્યો હતો. અને તેની વિસ્તૃત પ્રસ્તાવના અરબી ભાષામાં લખવામાં આવવી હતી. રાજા રામ મોહન રાયનું વ્યક્તિત્વ પણ બહુ ધર્મી હતું, તેમણે પોતાનું શિક્ષણ ઇસ્લામિક મદ્રેસામા લીધું હતું. જયારે હિંદુ ધર્મની શિક્ષા તેમણે ગુરુકુળમાં લીધું હતું. રાજા રામ મોહન રાય પછી વિવેકાનદે પણ સમરસતાની એ પરંપરાને જીવંત રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ કોમના સંગમને વાચા આપતા કહ્યું હતું,
"હુંદુ અને ઇસ્લામ ભારતીય શરીરના બે અંગો છે. જેમાં બુદ્ધિ અર્થાત વેદાંત અને શરીર એટલે ઇસ્લામ છે"
તેમણે યથાર્થવાદી અને સહિષ્ણુતાનો પરિચય આપતા કહ્યું હતું,
"ભારત પર મુસ્લિમોનો વિજય ગરીબ અને કચડાયેલા લોકો માટે મુક્તિનો માર્ગ સાબિત થયો છે"
એ પછીના યુગમાં વિનોબા ભાવે અને પંડિત સુંદરલાલે હિંદુ મુસ્લિમ સમરસતાની પરંપરાને આગળ વધારી હતી. વિનોબાજીએ "રુહુલ કુરાન" અને પંડિત સુંદરલાલએ "ગીતા અને કુરાન" જેવા ગ્રંથો દ્વારા 
બંને ધર્મની બુનિયાદી એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતની આવી સમરસતા ભારતના ઇતિહાસમાં દટાયેલી પડી છે. તેને આપણા અભ્યાક્રમોમા ક્યાંય સ્થાન કે માન નથી. પરિણામે આજે પણ આપણે તેના માઠા પરિણામો ભોગવી રહ્યા છીએ. 

No comments:

Post a Comment