Friday, December 21, 2012

શેખાદમ આબુવાલાની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ



"કોઈની આંખનું ન અંજન છે
 કોઈના ગાલ પર ન ખંજન છે
 સન્ત શોધી રહ્યા છે શા માટે ,
 એ નિરાકાર છે નિરંજન છે"
સૂફી પરંપરામાં ખુદાને માશુકા માની પ્રેમ અને ઈબાદત કરના અનેક સૂફી સંતોના વિચારોનો પડઘો શેખાદમ અબુવાલાના ઉપરોક્ત શેરમાં અનુભવાય છે. મારા એક મિત્ર અને જુના પુસ્તકોના ચાહકના નાનકડા ગ્રંથાલયમાંથી હાલમાંજ ઈ.સ. ૧૯૮૬મા મિત્ર શ્રી ચિનુ મોદી સંપાદિત "આદમથી શેખાદમ સુધી" નામક શેખાદમ અબુવાલાનો નાનકડો ગઝલ સંગ્રહ મળી આવ્યો. કોઈ માનવીને અનાયાસે ધૂળમાંથી સોનાનો કણ મળી આવે અને જે ખુશી તે અનુભવે તેવી ખુશી તે દિવસે મેં અનુભવી.એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીને અર્પણ કરેલ આ ગઝલ સંગ્રહમા શેખાદમ આબુવાલાનો શાયરાના મિજાજ અને તેમના હદયમાં ધબકતા અધ્યાત્મિક સૂફી વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યક્ત થયા છે. પુસ્તકની પ્રસ્તાવનાના આરંભમાં જ ચિનુ મોદીએ એ વાતનો સ્વીકાર કરતા લખ્યું છે,
"સાધુ-સંતો-ઓલિયા-પીરની સાવ સાદી લાગતી વાણીનો મર્મ, જીવનના કોઈ ગહન અનુભવને વાચા આપી દેતો હોય છે-એમ શેખાદમની ગઝલના કેટલાક શેર ઉપરની સાદગીથી ન છેતરાવતો, ઝેનબુદ્ધિઝમના ઊંડાણ,આપણ શેખાદમના કેટલાક શેર દાખવી શકયા છે"
"ગુનગુનાતી હૈ, ન ગાતી હૈ, ન ચિલ્લાતી હૈ
 મૌત આતી હૈ તો ચુપકે સે ચલી આતી હૈ"
મૌતની ફિતરતને બખૂબી આલેખતા આ શેરમાં શેખાદમની સરળ શબ્દો સાથેની અસરકારક રમત જોવા મળે છે. મૌત માનવ જીવન માટે સનાતન સત્ય છે. કુરાને શરીફમાં કહ્યું છે, "દરેક જીવને મૌતનો સ્વાદ ચાખવાનો છે" મૌતના આગમન,તેના સમય અને સ્થિતિથી પામર માનવી કદાપી વાકેફ થઇ શકતો. જીવનના એ સત્યને શેખાદમે તેના ઉપરોક્ત શેરમાં આબદ રીતે સાકાર કર્યું છે.મૌતની અનિશ્ચિતતા છતાં જીવનને પળપળ માણી લેવાની ખેલદિલી પણ સૂફી પરંપરાનો એક ભાગ છે. કેટલાક સૂફી સંતો ખુબ જ સગવતા ભર્યા જીવનને જીવ્યા છે. એ જ ભાવોને વ્યક્ત કરતો શેખાદમનો એક શેર માણવા જેવો છે.
"કયાં હજુ મોત છે થયું પગભર
 જિંદગી ચાલ જીવીએ ક્ષણભર"  
મૌતની આવી અનિશ્ચિતતાનો દરેક સામાન્ય માનવી ભય રાખે છે. જયારે સૂફીસંત અનિશ્ચિત મૌતના આગમનને ઉજવણી સમજે છે. સૂફીસંતોની મઝારો પર ઉજવાતા ઉર્શો તેની સાક્ષી છે. એજ રીતે માનવીના દુનિયામાં આગમન અને વિદાયની પળ મોહમાયા અને સબંધોના તાણાવાણામા આપણને વસમી લાગે છે. પણ સૂફીસંત માટે તો તે એક સામાન્ય ઘટના છે. જે જન્મ્યું છે, તેનો નાશ સ્વાભાવિક છે. બંને ઘટનાઓમાં આઘાત કે પ્રત્યાઘાતને બિલકુલ સ્થાન નથી. એ વિચારને સાકાર કરતા શેખાદમ લખે છે,
"ફૂલ ખીલે કે ખરે, પંખી જીવે કે મારે
 બાગને સરખું બધું, ના "અહો" ના "અરે"
પાપ અને પુણ્યનું તત્વ જ્ઞાન દરેક ધર્મના પાયામાં છે. પુણ્ય અર્થાત સારા કર્મો માનવીને જન્નત કે સ્વર્ગમાં લઇ જાય છે. જયારે ખરાબ કે અનૈતિક કર્મો માનવીને દોઝક કે નર્કમાં લઇ જાય છે. સામાન્ય માનવી તેના ડરને કારણે સત્કાર્યો તરફ વળે છે. મુલ્યનિષ્ઠ સમાજની રચના માટે તે જરૂરી છે.પણ સૂફી વિચાર સત્કાર્યો માટે ડરને કેન્દ્રમાં નથી રાખતો. તે તો કહે છે માનવીનો જન્મ જ માનવ સેવા અને મુલ્યોના જતન માટે થયો છે. તે તેની પવિત્ર ફરજ છે. ખુશી હોય કે ગમ, બહાર હોય કે પાનખર  જીવનના દરેક તબક્કામાં સત્કાર્યોના માર્ગને પકડી રાખો. તો પાપ ધોવા ન ગંગાની જરૂર પડશે, ન ઝમઝમની જરૂર પડશે. શેખાદમ તેના એક શેરમા અખાની શૈલીમાં લખે છે,
"ફૂલોનું શું થશે અને ફોરમનું શું થશે
 ઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે
 હું પાપ ના કરું એ ખરું પણ જરી વિચાર
 ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે"
શેખાદમની કેટલીક રચનાઓએ તેમને ઘણીવાર કટ્ટરપંથી મોલવીના રોષનો ભોગ બનાવ્યા હતા. શ્રી ચિનુ મોદી આ અંગે લખે છે,
"શેખાદમની અમુક રચનોથી ઉશ્કેરાઈ, એક ધર્મના વડાએ એને "કાફર" ગણેલા.
 "નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો
  એ રીતે કૈકવાર અકારણ ખુદા મળ્યો
  પયગંબરી નથી મળી તો પણ થઇ કમાલ
  ઊંચું હશે અમારું ય ધોરણ ખુદા મળ્યો
  આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે
  નાસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો"
આવી બેબાક સૂફી રચનાઓના નાયક શેખાદમ આબુવાલાએ ગુજરાતી ગઝલને આમ વર્ગ સુધી પહોચાડવામાં પાયાના પથ્થરનું કાર્ય કર્યું છે. આજે ખુદાના દરબારમાં શેખાદમ બેઠા હશે અને ત્યાં પણ  ખુદાને સંબોધીને કહેતા હશે,
"શૂન્યતા છે એટલે હોવાની વાત
હું કરું છું કયાં તને જોવાની વાત"

No comments:

Post a Comment