Sunday, December 16, 2012

હઝરત ઈસા મસીહા અર્થાત ભગવાન ઈસુ : ડૉ. મહેબૂબ દેસાઈ



૨૫ ડીસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ  ક્રિસમસ અથવા નાતાલનો ઉત્સવ ઉજવ્યો.ભગવાન ઈસુ જેમને ઇસ્લામમાં હઝરત ઈસા મસીહા અને "કલિમતુમમીનલ્લાહ" તરીકે ઓળખવામાં આવે છે. "કલિમતુમમીનલ્લાહ" અર્થાત પ્રકૃતિ વિરુદ્ધના અલ્લાહના આદેશનું પરિણામ. ભગવાન ઇસુનો જન્મ ખુદા કે ઈસુના આદેશ માત્રથી થયો હતો. માટે જ તેમને ઈશ્વરના પુત્ર કહેવામા આવ્યા છે. કુરાને શરીફમાં હઝરત ઈસા કે ભગવાન ઇસુના જન્મનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે. કુરાને શરીફના પારા ત્રણમા સુરતુલ આલે ઈમરાનમા હઝરત ઈસા (ઈસુ)ના જન્મની વિગતો આપતા કહેવામાં આવ્યું છે,
"હે મરિયમ, અલ્લાહ તને પોતાના એક ફરમાનની ખુશખબરી આપે છે. તને એક પુત્રનો જન્મ થશે. તેનું નામ મસીહ ઈસા ઇબ્ને મરિયમ હશે. અને તે આખિરતમાં સન્માનિત થશે. અલ્લાહના સમવર્તી બંદામાં તેને માનવમાં આવશે. લોકો સાથે તે પારણામાં પણ વાત કરશે. અને મોટી વયે પહોંચીને એક સદાચારી પુરુષ બની રહેશે"
આ સંભાળી મરીયમે કહ્યું,
"પરવરદિગાર, મને બાળક કેવી રીતે થઇ શકે ? મને કોઈ પુરુષે હાથ સુધ્ધા નથી લગાડ્યો"
ઉત્તર મળ્યો,
"આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે. તે જયારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર કહે છે "કુન" અર્થાત "થઇ જ" અને તે થઇ જાય છે"
કુરાને શરીફની આ ઘટના જેવી જ ભગવાન ઇસુના જન્મ અંગે ખ્રિસ્તી ધર્મના ગ્રંથોમાં પણ એક કથા છે. "ભગવાન ઈસુ" (અનુવાદક : રમણલાલ સોની અને ઈસુદાસ કવેલી, પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પ્રકાશન,અમદાવાદ) નામક પુસ્તકમાં ઇસુના જન્મનું વર્ણન આપતા લખવામા આવ્યું છે,
"પ્રણામ  હે મરિયમ, તું પ્રસાદ પાત્ર છે. પ્રભુ તારી સાથે છે. જગતની સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે"
દેવદૂતના આવા વચનો સાંભળી મરિયમ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ કેવા પ્રકારના પ્રણામ ! ત્યારે દેવદૂતે કહ્યું,
"ગભરાઈશ નહિ મરિયમ, ઈશ્વર તારા પર પ્રસન્ન છે. તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે. તેનું નામ ઈસુ રાખજે. એ મહાન થશે. અને પરમાત્માનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાઉદનું રાજસિંહાસન આપશે. અને તે યુગોના યુગો સુધી ઇઝરાઇલની પ્રજા પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત  નહિ"
આ વિધાન સત્ય સાબિત થયું. અને જગતમાં ઈસા મસીહાનું આગમન થયું. પણ દરેક ધર્મ પુરુષને પોતાના વિચારો અને ઉપદેશો લોકોને સમજાવવામાં પ્રારંભિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમ ભગવાન ઇસુના જીવનમાં પણ બન્યું. ભગવાન ઈસુને પોતાના શિષ્યોને પ્રારંભમા ઉપદેશ આપતા ઘણી મુશકેલીઓ સેહવી પડી. તેથી ઘણીવાર તેમને એક જ ઉપદેશ વારંવાર આપવો પડ્યો હતો. એમાંનો એક ઉપદેશ એ હતો કે,
"મારે અને જિંદગીમા મારા ભાગીદાર થનારાઓએ દુઃખનો જામ પીવો પડશે. અને મૃત્યુની દીક્ષા લેવી પડશે. એ અનુભવ ગમે તેટલા આકરા હોય પણ તેનો સ્વાદ સૌએ ચાખવાનો છે"
આમ જગતમાં ખુદાના પુત્ર ભગવાન ઈસુ (હઝરત ઈસા મસીહા)એ  જગતને સત્ય, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો. તેમના ઉપદેશો અને આચરણમા માત્રને માત્ર સત્ય જ હતું. તેઓ કહેતા,
"મુર્ખાઓ જ્ઞાન અને શિક્ષણને તુચ્છ માને છે"
"તું તારી સ્ત્રીમાં જ હંમેશા સંતોષી અને આનંદિત રહે. પર સ્ત્રી પર આશક થવું યહોવાહને છેતરવા સમાન છે"
"જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને રોટલી આપ. અને તરસ્યો હોય તો પાણી આપ"
"તું તારા પુત્રને શિક્ષા કરીને પણ સત્યના રસ્તે ચડાવ. મોટો થઇ તે તને દુવા આપશે"
 એકવાર એક યુવાન ભગવાન ઈસુ પાસે આવ્યો. અને બોલ્યો,
"હે ખુદા, નાનપણથી હું ધર્મના નૈતિક મૂલ્યોને વળગી રહ્યો છું. જેમ કે ખુન ન કરવું. વ્યભિચાર ન કરવો. ચોરી ન કરવી. મા-બાપણે માન આપવું. છતાં મને આત્મ સંતોષ નથી"
ઈસુએ તે યુવાન સામે જોયું. તેના વૈભવી લિબાસ અને આભૂષણો જોઈ ઈસુ બોલ્યા,
"તારી પાસે જે કઈ છે તે બધું વેચી નાખ અને જે કઈ ઉપજે તે ગરીબોમાં વહેચી દે. એ જ તને સંતોષ આપશે"
ઇસુના ઉપદેશોમાં રહેલ આવી માનવતા અને તેના આચરણ અંગે ઘણા અગ્રેજ ચિંતકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. એ મુજબ "ધી કોડ ઓફ ક્રાઈસ્ટ" ગ્રંથમા જીરાલ્ડ હર્લ્ડે લખે છે,
"ઇસુના ઉપદેશોની વાતો સાચી માનવી આપણને વસમી લાગે છે. કારણકે એ ઉપદેશો આપણા ચારિત્રની કસોટી કરવા માંગે છે. સૌથી મોટી અને મુખ્ય સમસ્યા તો ઇસુના ગીરી પ્રવચનની છે. એ ગીરી પ્રવચન સાચું હતું, એમ આપણે માની શકીએ. આપણા વર્તમાન જીવનમાં તેનો અમલ કરવામાં અડચણ ન આવે, તો ઇસુની સુવાર્તાઓના બાકીના બધા કથનો તો એના કરતા ઘણા ઓછા અસંભવિત લાગે એમા શંકા નથી"
ભગવાન ઇસુના ઉપદેશો અંગે જાણીતા ચિંતક બર્નાડ શો કહે છે,
"ઇસુના ઉપદેશમાં વિદ્યુત જેવી શક્તિ છે. તેને માટે યોગ્ય યંત્ર શોધવાની જરૂર છે. એવું યંત્ર કે જે તેમના ઉપદેશોને માનવજાતિના કલ્યાણ માટે વ્યવહારમાં મૂકી શકે. અને તેના પરિણામે માનવા સમાજમાં ભારે ક્રાંતિ સર્જાય"
આવા નીતિ વચનોના પોષક હઝરત ઈસા મસીહા અર્થાત ભગવાન ઈસુનું સમગ્ર જીવન માનવ સેવામા વ્યતીત થયું હતું. અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન ક્રિસમસની સાચી ઉજવણી તેમના ઉપદેશોના આચરણમાં રહેલી છે.

1 comment:

  1. jo tme isha nabi ne allah na son tarike manta hov to saheb tme koi angle thi musalman kehvana layak nathi & tme phd kari che pan reserch ane vanchan kachu lage che . jo hitory vanchi hoi to mubahela no prasang yaad hovo joiye na na vanchi hoi to jarur vanch jo ...karanke rasulekhuda tyare aa vaat upar j mubahela na medan ma gya hta...jethi khota par laanat mokli shke ane ante khristio e piche hath kari hti ....saheb khotu lakhvama to had kri tme ...saram aavi joiye ke muslim lekhak thai ne pan loko ne khoti mahiti pirsi rahya cho.

    ReplyDelete