Tuesday, November 20, 2012

શિક્ષણ અને ધર્મ : ડો. મહેબૂબ દેસાઈજન શિક્ષણ અંગે વિશાદ છણાવટ કરવા હાલમાં જ ત્રીજી જન શિક્ષા પરિષદ ૧૯ થી ૨૩ નવેંબર દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને લોકભારતી,સણોસરાના ઉપક્રમે યોજાઈ ગઈ. પરિષદમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઇ. શિક્ષણના વ્યવસાયકરણના વિકૃત સ્વરૂપ અંગે પણ છણાવટ થઇ. એક સમયે શિક્ષણ સેવાના સ્વરૂપે પ્રચલિત હતું. આપણી પ્રાચીન શિક્ષણ પ્રથામાં શિક્ષણ ધર્મ અને આશ્રમ શાળાઓ સાથે અતુટ રીતે સંકળાયેલું હતું. પ્રાચીન સમયમાં સમાજમાં ચાર વર્ણો અસ્તિત્વમાં હતા. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. આ વર્ણ વ્યવસ્થા સાથે તેના વ્યવસાયો પણ નિશ્ચિત હતા. એ મુજબ બ્રાહ્મણો ધર્મના અર્થ ઘટનનું અને શિક્ષણનું કાર્ય કરતા હતા. એ જ રીતે એ સમયે વ્યક્તિના જીવન કર્મને પણ ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું હતા. ૧ થી ૨૫ વર્ષ દરમિયાન વ્યક્તિ બ્રમચર્ય વ્રતનું પાલન કરતો. ગુરુના આશ્રમમાં રહેતો. ગુરુની સેવા કરો. આશ્રમનું કાર્ય કરતો. ભિક્ષા માંગવા જતો. અને સાથે સાથે ગુરુ પાસેથી જ્ઞાન પણ મેળવતો. આશ્રમના કુદરતી વાતાવરણમાં મેળવેલ એ જ્ઞાન પુસ્તકિયું જ્ઞાન ન હતું. એ સાચા અર્થમાં જીવન જ્ઞાન હતું. આપણાં જાણીતા શાયર નિદા ફાજલીએ તેમના એક શેરમાં આવી જ કંઈક વિભાવનાને શબ્દ દેહ આપતા લખ્યું છે,

"ધૂપ મેં નીકલો, ઘટાઓ મેં નહાકર દેખો
ઝીંદગી કયા હૈ કિતાબો કો હટા કર દેખો"

પ્રાચીન સમયની આપણી આશ્રમ શાળાઓ આપણી સંસ્કૃતિના અવિભાજ્ય અંગ જેવી હતી. ગાંધીજીએ આપેલ બુનિયાદી શિક્ષણના વિચાર સાથે તે મહંદ અંશે સામ્ય ધરાવે છે. એ પછી મધ્યકાલીન ભારતમાં તુર્ક-અફઘાન શાસન અને મોઘલ શાસનકાળ દરમિયાન મકતબ અને મદરેસાઓ શિક્ષણનું કેન્દ્ર બન્યા. મોટેભાગે આવા મદ્રેસાઓ મસ્જિતમાં ચાલતા. ફજર(પ્રભાત)ની નમાઝ બાદ મદ્રેસા શરુ થતા અને છેક ઝોહર(બપોર)ની નમાઝ સુધી ચાલતા. એમાં ધાર્મિક જ્ઞાન સાથે જુદા જુદા વિષયનું જ્ઞાન પણ આપવામાં આવતું. એ સમયે પણ ઉસ્તાદ કે મૌલવીના શિષ્ય સાથેના સબંધમાં વેતન કેન્દ્રિ સ્થાને ન હતું. ઉસ્તાદ વેતન એટલું જ લેતા જેટલી તેમની જરૂરિયાત હતી. કારણ કે શિક્ષણ સેવા સાથે સંસ્કારો અને મુલ્યોના જતનનું કાર્ય પણ કરતુ હતું. પણ મેકોલ નામના અંગ્રેજે ભારતીય શિક્ષણના સમગ્ર માળખાને બદલી નાખ્યું. જેમાં શિક્ષણ કેળવણી ન રહેતા. માત્ર વહીવટી કારકુનો બનાવવાનું કારખાનું બની ગયું. આજે પણ શિક્ષણનું એ જ માળખું આપણે યથાવત જાળવી રાખ્યું છે.પરિણામે શિક્ષણનો  સેવા,સંસ્કારો અને મુલ્ય સાથે દૂર દૂર સુધીનો નાતો રહ્યો નથી. શિક્ષણના મુલ્યો અને સંસ્કારોને વ્યક્ત કરતા ઇસ્લામ યુગના બે દ્રષ્ટાંતો જાણવા જેવા છે. બે ઉમદા દ્રષ્ટાતો ઇસ્લામ યુગમાં જાણીતા છે.

હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઇમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠયા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડયા અને બંને વરચે ઝઘડો થયો. કોણ ગુરુને ચંપલ પહેરાવે? અંતે ગુરુએ ન્યાય કર્યો બંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હારૂન રશીદને આ ઘટનાની જાણ થઇ. તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઇમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,
આપે મારા રાજકુમારો પાસે ચંપલ ઉપડાવી, તે આપને પહેરાવવાનું કહ્યું હતું?’
હજરત ઇમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઇમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવાર એક નજરે હજરત ઇમામ કસાઈને જૉઈ ખલીફા હારૂન બોલ્યા,
આપે મારા રાજકુમારોને આપના ચંપલ ઉચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઇજજત કરવાના સંસ્કારો આપ્યા છે.
દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જયારે હજરત ઇમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડયો. થોભો, મેં આપને જવાની આજ્ઞા હજુ નથી આપી.
પોતાના આસન પરથી ઊભા થઈ. ખલીફા હારૂન રશીદ ગુરુ પાસે આવ્યા અને તેમને દસ હજાર દિનાર આપતા બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું આછું છે. છતાં સ્વીકારીને આભારી કરો.
દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.
ગુરુની નીતિમત્તા અને મૂલ્યોના જતનનો આવો જ એક અન્ય કિસ્સો માણવા જેવો છે.
અલીગઢના અપાર ધનાઢય મૌલવી ઇસ્માઈલને હદીસનું જ્ઞાન મેળવવાની ઇરછા થઈ. તેમણે અત્યંત વિદ્વાન હજરત મૌલાના કાસીમ નાનોતવીનો સંપર્ક સાઘ્યો. ગુરુ હજરત કાસીમે શિષ્ય ઇસ્માઇલ સામે એક નજર કરી પછી પોતાની શરત સંભળાવતાં કહ્યું,
તમને હદીસનો અભ્યાસ તો કરાવું પણ તનખ્વાહ(વેતન) મારી ઇરછા મુજબ લઈશ.
શિષ્ય ઇસ્માઇલે તરત કહ્યું, ‘આપ કહો તે તનખ્વાહ (વેતન) મને મંજૂર છે. અને ગુરુ-શિષ્યનો નાતો બંધાયો.  એક માસને અંતે વેતન આપવાનો સમય આવ્યો ત્યારે ગુરુ કાસીમે કહ્યું,
 ‘મને માત્ર પંદર રૂપિયા તનખ્વાહ આપો. આ સાંભળી ધનાઢય શિષ્ય ઇસ્માઇલ તો અવાક બની જોઈ રહ્યો. માત્ર પંદર રૂપિયા !. પણ આવા જ્ઞાની ગુરુ પાસે દલીલને અવકાશ ન હતો. એટલે મૌન રહી પંદર રૂપિયા આપી દીધા. એકાદ માસ થયો ત્યાં તો એક દિવસ ગુરુ કાસીમે પોતાના ધનાઢય શિષ્યને કહ્યું, ‘મારે તનખ્વાહ બાબત તારી સાથે વાત કરવી છે.
શિષ્ય ઇસ્માઇલ તો ખુશ થયો. તેને લાગ્યું વેતનમાં વધારો કરવાનો પ્રસ્તાવ ગુરુ મૂકશે. પણ ગુરુ કાસીમ બોલ્યા, ‘આ માસથી મને પંદરને બદલે માત્ર દસ રૂપિયા જ વેતનના આપજો.
હવે ધનાઢય શિષ્યથી ન રહેવાયું, ‘આપ જેવા જ્ઞાની પાસેથી હદીસનું ગૂઢ જ્ઞાન મેળવવું એ તો તકદીરની વાત છે છતાં આપ આટલું ઓછું વેતન શા માટે માગો છો ?’
હજરત કાસીમ બોલ્યા, ‘પંદર રૂપિયા મારી જરૂરિયાત પૂર્ણ કરવા પૂરતા હતા. મારા કુટુંબનું ખર્ચ દસ રૂપિયા અને પાંચ રૂપિયા મારા વાલીદ (પિતા)ને આપતો. પણ ગઈ કાલે તેમનું અવસાન થયું એટલે હવે પાંચ રૂપિયાની મારે જરૂર નથી. જે પૈસાની જરૂર ન હોય તેનો બોજો મારે શા માટે વહન કરવો જૉઈએ?’ આટલું કહી ગુરુ કાસીમે વિદાય લીધી.
આજે શિક્ષણ સેવા ન રહેતા વ્યવસાય બનું ગયું છે. શિક્ષણમાં જ્ઞાન કરતા માહિતીનું મહત્વ વધ્યું છે. ત્યારે ઉપરોક્ત દ્રષ્ટાંતો આપણી આદર્શ શિક્ષણ પરપરાગતના અવશેષો માત્ર બની રહ્યા છે.

Thursday, November 15, 2012

ધંધુકાના સુન્ની મુસ્લિમ દેસાઈ : ડૉ. મહેબૂબ દેસાઈ
ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આગમન પૂર્વે પણ આરબ વેપારીઓનો ગુજરાતના દરિયા કિનારા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો.ખંભાત અમે ઘોઘા જેવા પ્રાચીન બંદરો પર આરબ વેપારીઓ જહાંજોમાં માલ ભરીને આવતા. આવા વેપારીઓને કારણે જ ગુજરાતના બંદરો ઉપર ઇસ્લામિક સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રચાર છેક પ્રાચીન સમયથી થયો હતો. તેનું ઉમદા દ્રષ્ટાંત ઘોઘામાં આવેલ આઠમી સદીની સૌથી પ્રાચીન મસ્જિત છે. જે આજે પણ પ્રાચીન સમયના હિંદુ-મુસ્લિમ સંબંધોની યાદ આપતી ખંડેર હાલતમાં હયાત છે. એ દરમિયાન મુસ્લિમ સંતો અને મુસ્લિમ શાસકોએ ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને સહારે ઇસ્લામનો ફેલાવો ગુજરાતમાં કર્યો હતો. પરિણામે ગુજરાતમાં અનેક જાતિઓએ  સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. તેમાં સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કરનાર "દેસાઈ"અટક ધરાવતા ધંધુકાના મુસ્લિમ સુન્ની વહોરાઓ નોંધપાત્ર છે.

મુસ્લિમ દેસાઈ અટકને આજે પણ હિંદુ સમાજ અચરજની નજરે જુએ છે. કારણે કે મુસ્લિમ સમાજમાં "દેસાઈ" અટક મોટે ભાગે જોવા મળતી નથી.તેથી તેઓ આવી દેસાઈ અટક ધરાવતા મુસ્લિમોને વટાળવૃતિનો ભોગ બનેલા હિંદુઓ તરીકે ઓળખે છે. પણ તે સાચું નથી. વટાળવૃતિમાં ભય અને બળનું તત્વ સમાયેલું હોય છે. જયારે સ્વેચ્છાએ ઇસ્લામ અંગીકાર કરવામાં ઇસ્લામ પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત થાય છે. ઐતિહાસિક આધારોએ સિદ્ધ કર્યું છે કે દેસાઈઓએ સ્વેચ્છિક રીતે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. દેસાઈ અટકની ઉત્પતિ અંગે ઇતિહાસમાં કોઈ સ્પષ્ટ નિર્દેશો જોવા મળતા નથી.પણ તેના શબ્દાર્થને ધ્યાનમાં રાખી તેનું અર્થઘટન કરવામાં આવેલ છે. એ મુજબ "દેસાઈ"નો અર્થ રાજ્યની સેવા બદલ રાજ્યેએ આપેલ બક્ષિશનો માલિક. અથવા રાજ્યની સેવા બદલ રાજ્ય દ્વારા મળતું વર્ષાસન. એ સંદર્ભે દેસાઈ અટક દેસાઈ સમાજના મુસ્લિમ શાસકો સાથેના મીઠાં સંબધો સૂચવે છે. ટૂંકમાં રાજ્ય તરફથી મળેલ બક્ષિશ કે વર્ષાસન મેળવનારને દેસાઈ કહેવામાં આવતા.મોઘલ સમયમાં આવી દેસાઈગીરી મેળવનારા મુસ્લિમો અસ્તિત્વમાં આવ્યા હતા. "દેસાઈગીરી" મેળવનારા પ્રજાએ મોઘલ બાદશાહ જહાંગીરના સમયમાં ઇસ્લામનો સ્વેછીક અંગીકાર કર્યાના આધારો સાંપડે છે.
ઈ.સ. ૧૬૧૭ના ડિસેમ્બર માસમાં જહાંગીર ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. ઈ.સ. ૧૬૧૭ ડીસેમ્બર થી ઈ.સ. ૧૬૧૮ ઓક્ટોબર સુધી તે ગુજરાતમાં રોકાયો હતો.તેની સાથે શાહજહાંની બેગમ મુમતાઝ પણ ગુજરાતમાં આવી હતી. જેણે ૨૪ ઓક્ટોબર ૧૬૧૮ના રોજ ઔરંગઝેબને જન્મ આપ્યો હતો.
બાદશાહ જહાંગીરના ગુજરાતમાં રોકાણ દરમિયાન તેણે રાજ્યના અનેક વફાદાર સેવકોની સેવાને બિરદાવી તેમને જાગીરો, જમીનો તથા ઇનામ ઇકરામ આપ્યા હતા. એટલે કે તેમને "દેસાઈગીરી" બક્ષી હતી. આ દેસાઈગીરી મેળવનારા કેટલાક લોકોએ જહાંગીરની મહોબ્બત અને ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. એ રીતે સુન્ની વહોરા સંપ્રદાયના "દેસાઈ"ઓ અસ્તિત્વમાં આવ્યા હતા. ગુજરાતના મુસ્લિમો પર ઊંડું સંશોધન કરનાર શ્રી કરીમમહમંદ માસ્તર તેમના પુસ્તક "મહા ગુજરાતના મુસલમાનો"માં નોંધે છે,
"ધંધુકા, કાવી અને જંબુસરના કેટલાક સુન્ની વહોરાઓ મૂળ "રાવળિયા" હતા."
રાવળિયા એટલે રાજકીય સબંધ ધરાવનાર. રાવળિયા શબ્દ પરથી રાવલ શબ્દ ઉતરી આવ્યો છે. દેસાઈઓ મુસ્લિમ શાશકોના વફાદાર સેવકો હતા. એટલે જ મુસ્લિમ શાસકોએ તેમને ઇનામ-ઇકરામ આપી દેસાઈગીરી આપી હતી. એ બાબત દેસાઈઓના મુસ્લિમ શાસકો સાથે મીઠાં રાજકીય સબંધો વ્યક્ત કરે છે. પરિણામે તેમને રાવળિયા કહેવામાં આવ્યા હતા.
શ્રી કરીમમહંમદ માસ્તર દેસાઈ આ અંગે આગળ લખતા કહે છે,
"ધંધુકામાં દેસાઈની અટક ધરાવતા કેટલાક સુન્ની વહોરા કુટુંબો ગામડાના સમાન્ય વહોરાથી નિરાલા છે. અલગ છે. દેસાઈ કુટુંબના મૂળ પુરુષ રાજપૂત હતા અને જહાંગીર બાદશાહના વખતમાં સ્વેચ્છાએ મુસ્લિમ થયા હતા.બાદશાહની એ વખતની સનદ હજુ તેમના કુટુંબોએ જાળવી રાખી છે."
 દેસાઈ સુન્ની વહોરાઓના રીતરીવાજો, પહેરવેશ અને ભાષા પર ગુજરાતીપણાની ઘાડ અસર જોવા મળે છે. જેમાં તેમના ગુજરાત પ્રદેશ સાથેના મૂળભૂત સંસ્કારો જોઈ શકાય છે. દેસાઈઓ ઘરમાં ગુજરાતી ભાષા જ બોલે છે. તેમના પહેરવેશમાં સ્ત્રીઓ મોટે ભાગે સાડી પહરે છે. જયારે પુરુષો સામાન્ય ગુજરાતી પોષકને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત દેસાઈના લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી સંસ્કારો જોવા મળે છે. જેમ કે ઇસ્લામમાં મામેરું વગાડવાનો રીવાજ નથી. પણ દેસાઈઓના લગ્નમાં તે જોવા મળે છે. દેસાઈઓ મોટે ભાગે લગ્ન સબંધો દેસાઈઓમાં જ કરવાનું પસંદ કરે છે.  તેઓ મોટે ભાગે કન્યા બહારથી લાવતા નથી કે કન્યા બહાર આપતા નથી. જો કે બદલાયેલા આધુનિક સમયમાં આ નિયમને દેસાઈઓ વળગી રહ્યા નથી.મલેક, શેખ વહોરા જેવી મુસ્લિમ જાતિઓમાં લગ્ન સંબધો બાંધવાનો સિલસિલો હવે શરુ થયો છે.
કરીમ મહંમદ માસ્તર આગળ લખે છે,
"એક વર્ગ તરીકે તેમનું ભાવી ઉજળું છે. તેમનામાં કેટલાક તેમના છોકરાઓને અંગ્રેજી કેળવણી આપતા થયા છે. હવે તો એ સમાજમાં યુનિવર્સિટીની દરેક પદવી ધરાવતા યુવક યુવતીઓ જોવા મળે છે"

આજે તો દેસાઈ કુટુંબમાં શિક્ષણનું પ્રમાણ સ્ત્રી અને પુરુષો બંનેમાં એંસી ટકા જેટલું વધ્યું છે.દેસાઈઓની આજની પેઢીમાં શિક્ષિત વેપારીઓ, દાક્તરો, વકીલો, શિક્ષકો, પ્રોફેસરો, સરકારી કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો મોટો ફાલ જોવા મળે છે. ધંધુકા જેવું નાનકડું ગામ છોડીને ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વસેલા દેસાઈઓ આજે પોતાના સમાજ સાથે રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

(તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અભિનંદન ગ્રંથ "ડો. મહેબૂબ દેસાઈ :વ્યક્તિત્વ અને વાડ્મય"
સંપાદકો : એમ. જે. પરમાર અને અન્ય, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદમાંથી સાભાર)

Saturday, November 10, 2012

વિશ્વના પ્રથમ સત્યાગ્રહી : ઈમામ હુસૈન : ડો. મહેબૂબ દેસાઈ૧૬ નવેમ્બરે મુસ્લિમ માસ મહોરમનો આરંભ થાય છે. મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે દુ:ખ. આ જ માસના ૯ અને ૧૦માં ચાંદે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્ધમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત પગપાળા હજજ કરનાર ઈમામ હુસેનની સખાવત ચોમેર પ્રસરેલી હતી. વયોવૃદ્ધ , અશક્ત અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર અને એક હજાર બકરીઓ વિના હિચકિચાટ તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
" હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર છે."
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
"હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. આપ એમ જ સમજ જો કે આપે સવાલ નથી કર્યો અને મેં આપની આબરુની કિંમત નથી આંકી" આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા.

કુફા શહેરની પ્રજા તાનાશાહ યઝદીના અત્યાચારી શાસનથી ત્રાસી ગયા હતા.કુફાની પ્રજાએ વારંવાર તેની જાણ હઝરત ઈમામાં હુસૈનને કરી હતી. અને યાઝાદીના અત્યાચારોથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી. પરિણામે હઝરત ઇઅમામ હુસૈને તેની તપાસ કરવા જનાબ મુસ્લિમ બિન અકીલ ને કુફા મોકલ્યો.
પ્રજાની ફરિયાદ સાચી લગતા હઝરત ઈમામ હુસૈને  હિજરી સન ૬૧ (ઈ.સ.૬૮૦)મહોરમ માસની બીજી તારીખે પોતાના ૭૨ સાથીઓ સાથે કુફા તરફ પ્રયાણ કર્યું. કરબલાના મૈદાન પાસે "કુરાત"ના કાંઠે સૌએ પડવા નાખ્યો. પણ યઝદીના ૩૬૦૦૦ના લશ્કરે તેમને ઘેરી લીધા.અને હઝરત ઈમામ હુસૈનના પડાવના તંબુઓ તોડી નાખ્યા. છતાં ઇઅમામ હુસૈન અસત્ય અને અત્યાચાર સામે ઝૂકવા તૈયાર ન થયા. અને કહ્યું,
"હું શહદાતમાં મુક્તિ જોવું છું"
મહોરમની દસમી તારીખે હઝરત ઇઅમામ હુસૈન અને તેમના સાથીઓને યુદ્ધ કરવું પડ્યું. એ યુદ્ધ આત્મરક્ષણ માટેનું હતું.  હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ યથાવત હતો. મહોરમ માસની ૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા. છ માસના બાળક અલી અસગર ત્રણ ત્રણ દિવસથી પાણી મળ્યું ન હતું.  ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા.ત્યારે હઝરત ઈમામ હુસૈન બોલી ઉઠ્યા હતા,
"માનવ મુલ્યો અને આદર્શોનો નાશ થઇ રહ્યો છે.સદાચાર અને નીતિમત્તાનું પ્રમાણ ઘડામાં રહેલા પાણીના ટીપા જેટલું જ રહ્યું છે. દુરાચાર અને અનીતિનું આચરણ વ્યાપક છે. આ સ્થિતિમાં સત્યને માર્ગે ચાલનારે પોતાની જાતને વહેલામાં વહેલી તકે અલ્લાહને હવાલે કરી દેવી જોઈએ" ૧૩૬૪ વર્ષ પૂર્વે હઝરત ઈમામ હુસૈને ઉચ્ચારેલા આ એક સત્યાગ્રહીની સાચી મનોદશા વ્યક્ત કરે છે.

અને એટલે જ કરબલાના મૈદાનમાં હિંસાને રોકવા હઝરત ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,
" મને મારી નાખો, કેદ કરી લો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો "
પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. ઈમામ હુસેનના સંતાનો પણ પિતાના આદેશ અનુસાર એક પછી એક મૈદાને જંગમાં અસત્યના યુધ્ધમાં જોડાયા હતા અને શહીદ થયા હતા. જેમકે હઝરત અલીઅકબર. જયારે તેમના પુત્ર હઝરત જૈનુંઅલ આબીદીન બીમારીને કારણે યુધ્ધના મેદાનમાં અવસાન પામ્યા હતા. સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે પડ્યા હતા. અને યઝદીને પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો. યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ. ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.