Tuesday, July 31, 2012

હઝરત અલી (ર.અ.) : ડૉ. મહેબૂબ દેસાઈરમઝાન માસ માત્ર આસમાની કિતાબોના અવતરણ, ઈબાદત અને રોઝા,મહંમદ સાહેબ (સ.અ.વ.)પર  વહી(ખુદાનો સંદેશ)ઉતરવાનો આરંભ ઉપરાંત હઝરત અલી (અ.સ.)ના અવસાન માટે પણ જાણીતો છે. અબુ તાલિબ અને ફાતિમા બિન્તે અસદના પુત્ર અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ૧૩ રજ્જબ હિજરી સન ૨૪, ઓક્ટોબર ૨૩ ઈ.સ.૫૯૮મા કાબામા થયો હતો. ઇસ્લામી ઇતિહાસમાં અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ. ઈમાન, અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રધ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા (ઈ.સ.૬૫૬ થી ૬૬૧) પણ હતા. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ તેમના માટે હંમેશા કહેતા,
"અલી મારો બંધુ અને ધર્માધિકારી છે"
હઝરત અલીની હત્યાની માનવીય કથા ઇસ્લામિક ગ્રંથોમાં હદય સ્પર્શી રીતે આલેખવામા આવેલી છે.ખ્વારીજ અબ્દ-અલ-રહેમાન ઇબ્ન મુલજિમ નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો. એ યુવતી બની તમીમ કબીલાની હતી. તેના પિતા,ભાઈ અને નજીકના સ્વજનો હઝરત અલીના સમયમાં થયેલ નહરવાનના યુદ્ધ (ઈ.સ.૬૫૯ ઈરાક)મા મરાયા હતા. તેથી તે હઝરત અલીને નફરત કરતી હતી. પોતાના સ્વજનોના મૌતનો બદલો લેવા માંગતી હતી. એટલે તેણે પોતાના પ્રેમી ઇબ્ન મુલજિમને કહ્યું,
"જો તું મારી સાથે નિકાહ કરવા ઇચ્છતો હોઈ તો, હઝરત અલીનું માથું લાવીને મને આપ"
આમ હઝરત અલીના કત્લની સાઝીશ રચાય. જેમાં બીજી બે વ્યક્તિઓ પણ જોડાઈ. ત્રણેએ પોતાની તલવારોને ઝેરથી તરબતર કરી અને કુફાની એ મસ્જિતમા આવી સંતાયા, જ્યાં હઝરત અલી નિયમિત નમાઝ પઢવા જતા હતા. એ દિવસે હઝરત અલી ફજર (પ્રભાત)ની નમાઝ પઢાવા મસ્જીતના આંગળામાં પ્રવેશ્યા કે તુરત ત્રણે હુમલાખોરોએ હઝરત અલી પર ઘાતકી હુમલો કર્યો. હઝરત અલી ગંભીર રીતે ઘવાયા. આ ઘટનાને કારણે આસપાસના માણસો ભેગા થઈ ગયા. લોકોએ એક હત્યારાને ત્યાં જ મારી નાખ્યો. ઇબ્ન મુલજિમ પકડાયો. તેને ઘાયલ હઝરત અલી સામે લાવવામાં આવ્યો. તેને હુમલો કરવાનું કારણ પૂછવામાં આવ્યું. પણ તેને તેના અપકૃત્યનો જરા પણ અફસોસ ન હતો. તેણે હઝરત અલી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હઝરત અલી શાંતચિત્તે તેની વાણીમાં વ્યક્ત થતા ઝેરને સાંભળી રહ્યા. પછી જરા પણ ક્રોધિત થયા વગર પોતાના પુત્ર હઝરત હસનને કહ્યું,
"ઇબ્ન મુલજિમને સુરક્ષિત જગ્યાએ રાખજો. તેના ઉપર કોઈ જુલમ કે સખ્તી ન કરશો. જો મારું અવસાન થાય તો, ઇસ્લામિક કાનુન મુજબ તેની હત્યા કરજો. પણ તેના મૃતક શરીરનું અપમાન ન કરશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે તેમ કરવાની મનાઈ કરી છે"
અને આમ ૧૭ રમઝાન હિજરી ૪૦, જાન્યુઆરી ૨૫ ઈ.સ.૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન થયું. કરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે. હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદયાતો-ઉપદેશો દ્વારા આપણી સાથે છે. ચાલો, તેનામાં જીવનમાં ઉતારવા લાયક થોડા સુવચનોને મમળાવીએ.
"જ્યારે દુનિયાનો માલ-દોલત તારી પાસે આવે ત્યારે તું તે તમામ દોલત જરૂરતમંદ લોકોમાં ઉદારતાથી ખર્ચ, કારણ કે દોલત તો ચંચળ છે, અસ્થિર છે. જે આજે તારી પાસે છે કાલે બીજા પાસે હશે"
"ઇન્સાનની સંપતિની વિપુલતા તેના દોષોને ઢાંકી દે છે. તે જુઠો હોવા છતાં તે જે કઈ કહે તે સૌ સાચું માને છે"
"વસ્ત્રોના શણગારથી તારી ખુબસુરતી કે સૌંદર્ય વધવાના નથી. પરંતુ સાચું સૌંદર્ય તો ઇલ્મ (જ્ઞાન) અને ઉચ્ચ અખ્લાસ (સદાચાર) વડે દીપે છે"
"અજ્ઞાનતાને કારણે ઉચ્ચ કુળ અને ખાનદાન માટે અભિમાન કરનાર એ ઇન્સાન, લોકો બધા એક જ માબાપથી જન્મ્યા છે"
"તું ચાહે તેનો પુત્ર બન. પણ ઉચ્ચ અખલાક હાંસલ કર, કારણ કે તે એ વસ્તુ છે જે અપનાવ્યા પછી તને ખાનદાનના નામની જરૂર નહિ રહે"
"જો તું એમ ઈચ્છતો હોઈ કે તારો મિત્ર તારાથી કંટાળી જાય, તો એને રોજ મળતો રહેજે. પરંતુ જો દોસ્તી વધારે મજબુત કરવાની ખ્વાહિશ હોય તો એકાદ દિવસને આંતરે તેને મળતો રહેજે"

હઝરત અલી(ર.અ.)ના ઉપદેશાત્મક વિધાનોમાં કડવી સત્યતા અને જીવન માર્ગને સંવારવાની ચાવી ડોકયા કરે છે.
"દુનિયાથી વફાદારીની ઉમ્મીદ રાખનારો એવો છે, જે ઝાંઝવાના જળથી મૃગજળની આશા રાખે છે"
"ફક્ત ઇલ્મ (જ્ઞાન) ધરાવનાર લોકો જ શ્રેષ્ટ છે. કારણ કે હિદાયત લેનારાઓને તેઓ સાચો માર્ગ ચીંધે છે"
"જાહિલ લોકોનો સંગ તું કદાપી ન કરીશ. બલકે હંમેશા તેનાથી દૂર રહેજે, ડરતો રહેજે"
"દરેક જખ્મ (ઘાવ) માટે કોઈને કોઈ ઈલાજ મળી રહે છે. પણ દુરાચાર જેવા જખ્મ માટે કોઈ ઈલાજ નથી"
અત્યંત જ્ઞાની હઝરત અલીને તેમના રાહબર મહંમદ સાહેબ(સ.અ.વ.)એ જીવનની અંતિમ પળોમા ઉપદેશ આપતા ફરમાવ્યું હતું,
"ખુદાના વાસ્તે બાંદીઓ અને ગુલામોના હક્કોનો પુરતો ખ્યાલ રાખજો. એમણે પેટ ભરીને ખાવાનું આપજો.સારા વસ્ત્રો પહેરા આપજો. અને તેમની સાથે હંમેશ નરમી અને સ્નેહપૂર્વક વ્યવહાર કરજો"

આવા મહંમદ સાહેબ(સ.અ.વ.)ના નિકટના સાથી ઇસ્લામી શાશનના ચોથા ખલીફા યુગપુરુષ હઝરત અલી(ર.અ.)ને તેમની પુણ્ય તીથી નિમિત્તે આપણા સૌના કોટી કોટી વંદન.

લખ્યા તા.૧૫ જુલાઈ ૨૦૧૨                                           પ્રસિદ્ધિ તા ૨ ઓગસ્ત ૨૦૧૨
2 comments:

  1. H. ali a.s. NI Shahadat ni tarikh 21 Ramzan chhe.
    10 varas ni umar ma islam angikar nahoto karyo, islam upar hovanu elan karyu hatu. Aape potana janamta ni sathe j mohammad paygambar na hath ma, 3 divas ni umar ma quran na nazil thava pahela quran nu pathan karyu hatu.

    ReplyDelete
  2. Yes, Above comment are true , I am agree with Gulzarbhai, jajakallah

    ReplyDelete