Thursday, July 26, 2012

લૈલતુલ કદ્ર : ડૉ. મહેબૂબ દેસાઈઇસ્લામ અને આમ હિંદુ સમાજમાં રમઝાન માસના ૨૭મા રોઝાનું ઘણું મહત્વ છે. એટલે સુધી કે ઇસ્લામને ન માનનાર હિન્દુઓ પણ ૨૭મુ મોટું રોઝુ રાખવમાં ગર્વ અને આસ્થાન અનુભવે છે. પણ તેની પાછળના  ઉદેશથી મોટે ભાગે તેઓ અજાણ હોય છે. રમઝાન માસના ૨૭મા રોઝાની રાતે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના અવતરણનો આરંભ થયો હતો. જો કે કુરાને શરીફનું અવતરણ રમઝાન માસની કઈ રાત્રે થયું હતું, તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. કુરાને શરીફમાં પણ તે અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. અલબત્ત એટલું નિશ્ચિત છે કે એ રાત્રી રમઝાન માસના અંતિમ દિવસોમાં આવે છે. અંતિમ ખંડમા આવે છે. ઇસ્લામના આલિમો, મોલવીઓ અને જ્ઞાનીઓ રમઝાન માસની ૨૭મી રાતને મોટે ભાગે કુરાને શરીફના અવતરણ માટેની રાત ગણે છે.
ઇસ્લામમાં રમઝાન માસના ૨૭મા રોઝાની રાતને લૈલતુલ કદ્ર કહે છે. લૈલતુલ કદ્ર મૂળ અરબી ભાષાનો શબ્દ છે. લૈલ એટલે રાત્રી અને કદ્ર એટલે મહત્વની કે સન્માનીય રાત્રી. આ રાત્રી શબે કદ્ર તરીકે પણ ઓળખાય છે. એ એરેબીક ભાષાનો શબ્દ છે. શબ્ એટલે રાત્રી અને કદ્ર અર્થાત સન્માનીય. એ અર્થમા શબે કદ્ર એટેલે પણ સન્માનીય રાત્રી. આ રાત્રે ઇસ્લામના અંતિમ પયગમ્બર મહંમદ સાહેબ (સ.અ.વ.) પર કુરાને શરીફ ઉતરવાનો આરંભ થયો હતો. એ રાત્રે પણ હંમેશના નિયમ મુજબ મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ) મક્કામા આવેલ જબલે-નૂરની ટોચની નીચે ગારે હીરામાં ખુદાની યાદમાં લીન બેઠા હતા.ત્યારે અલ્લાહના ફરિશ્તા હઝરત જિબ્રીલ ત્યાં આવી આપ (સ.અ.વ.)ને કહ્યું, "ઇકરાઅ" અને એ સાથે સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ પર નાઝીલ થઈ. એ સુર: અલકની આયાતમા કહ્યું હતું,
"પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધી તેને શીખવી છે"
કુરાને શરીફમાં આ આયાત પછી તુરત “સુરતુલકદ્ર”ની આયાત આવે છે જેમાં કુરાને શરીફના અવતરણની રાત્રીની મહત્તા બયાન કરવામા આવી છે. તેમાં ફરમાવ્યું છે,
"અમે આ કુરાનને કદ્રની રાત્રીમાં ઉતાર્યું છે. અને તમે શું જાણો કે કદ્રની રાત શું છે ? કદ્રની રાત હજાર માસ કરતા વધુ બહેતર છે. ફરિશ્તાઓ અને રૂહો તેમાં પોતાના રબની મંજુરીથી દરેક માટે આદેશ લઈને ઉતરે છે. પરોઢના ઉદય સુધી તે રાત્રે દરેક માટે શાંતિ અને સલામતી છે"
એ જ રીતે કુરાને શરીફની  "ઇન્ના અન્ઝલના"સુરતમાં ફરમાવ્યું છે,
 “એ રમઝાન માસનો મહિનો છે, જેમાં કુરાન ઉતારવાનું શરુ થયું. જે માર્ગદર્શક લોકો માટે. જે હિદયાતની રોશન સચ્ચાઈઓ ઘરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે. અમે આ કુરાન કદ્રની રાત્રે ઉતાર્યું છે. આપને શું ખબર હે નબી કે શું છે એ કદ્રની રાત”
આ સૂરતોનો ભાવાર્થ જાણવા જેવો છે. સૌ પ્રથમ તો કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં થયાનું પ્રથમ આયાતમાં સ્પષ્ટ પણે કહેવામા આવ્યું  છે. વળી, કુરાને શરીફ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક અને  હિદાયત છે.  જે સત્યને અને અસત્યથી અલગ કરી લોકો સમક્ષ મુકે છે. અને એટલેજ આવા મહાન ગ્રંથના અવતરણની રાત્રી અન્ય સામાન્ય રાત્રી જેવી ન હોય શકે. એ વિશિષ્ટ અને આદરણીય છે. મહાન દરજ્જા અને સન્માનની રાત્રી છે. ઈજ્જતવાળી રાત્રી છે. કારણ કે આ રાતે માનવીના ભવિષ્ય અર્થાત તકદીરનો નિર્ણય કરવામા આવે છે. માનવીના કિસ્મતને બનાવવાની આ રાત છે. આ રાતે થયેલું કુરાને શરીફનું ઉતરાણ દુનિયાની તકદીર બદલી નાખનારું છે. અને એટલે જ તે હજારો મહિનાઓથી વધુ સારી રાત્રી છે. માનવીની ભલાઈ માટે હજારો મહિનાઓમાં જે કાર્ય નહોતું થયું, તે આ રાત્રીમા કુરાને શરીફના અવતારના આરંભથી થયું છે. અને એટલે તેનું મહત્વ અનેક ગણું છે. આ રાત્રીમાં ફરિશ્તાઓ અને હઝરત જિબ્રીલ ખુદાની આજ્ઞાથી દરેક માટે હુકમ લઈને આવે છે. તેઓ સાંજથી બીજા દિવસની સવાર સુધી લોકો ઉપર શાંતિ અને સુરક્ષા વરસાવતા રહે છે. તેમાં બુરાઈને કોઈ સ્થાન નથી. કારણ કે અલ્લાહના સર્વ નિર્ણયો માનવજાતની ભલાઈ માટે જ હોય છે.  
શબે કદ્ર અંગે એક હદીસમાં મહંમદ સાહેબે ફર્માયું છે,
“આ રાત્રે ધરતી પર આવતા ફરિશ્તાઓની સંખ્યા રેતીના કણોની સંખ્યા કરતા પણ વધારે હોય છે”
ધરતી પર ઉતારી આવતા આ કરોડો ફરિશ્તાઓ દરેક માનવીને તેની ઈબાદત અને સદ્કાર્યોનો અનેક ગણો બદલો આપે છે. એ રાત શાંતિ અને સલામતીની રાત છે. ખુદના ફરિશ્તા સવાર સુધી લોકો પર શાંતિ , સલામતી અને પુણ્યનો વરસાદ વરસાવતા રહે છે. એમ માનવામાં આવે છે કે આ રાત્રે ખુદા દરેક માનવીનો આવતા વર્ષનો હિસાબ તૈયાર કરે છે. ટૂંકમાં તેના ભાગ્યનો નિર્ણય કરે છે. અને એટલા માટે જ આ આખી રાત મુસ્લિમો નમાઝ, કુરાને શરીફના પઠન અને અન્ય ઇબાદતમાં રત રહે છે. આ રાત્રે મસ્જિતમા ભારે ભીડ હોય છે. પરિણામે કેટલાક મુસ્લિમ બિરાદરો ફર્ઝ અને નીફલ નમાઝો મસ્જિતમા અદા કરી પોતાના ઘરોમાં એકાંતમાં ખુદાની ઇબાદતમાં લાગી જાય છે. એક હદીસમાં ફરમાવ્યું છે,
“જેણે આ રાતે જાગીને ખુદાની ઈબાદત કરી તેના એક વર્ષના ગુનાહ અલ્લાહ માફ કરે છે”
સાચા અર્થમાં જોઈએ તો આ રાત આધ્યાત્મિક જાગૃતિની રાત છે. પોતાના હદયમાં ખુદાને વસાવવાની રાત છે. નાનકડી ઈબાદત કે ભક્તિનો મોટો બદલો લેવાની રાત છે. આ રાત્રી અંગે ઇસ્લામિક ગ્રંથ
“તરગીબ વ તરહીબ” મા લખ્યું છે,
“લૈલતુલ કદ્રની રાતે હઝરત જિબ્રીલ જેની સાથે હાથ મિલાવે છે તે મોમીનનું હદય ગુલાબની પાંખડીઓ જેવું કોમળ બની જાય છે. તેની આંખોમાંથી વહેવાવાળા આંસુઓની સંખ્યા બમણી થઈ જાય છે”
અર્થાત  હઝરત જિબ્રીલ જેના પર પોતાની રહેમત વરસાવે છે તે માનવી ભાવવિભોર બની જાય છે. અને તેનું ભવિષ્ય ઉજ્વળ બની જાય છે.
ટૂંકમાં આ રાતે હદય પૂર્વક ઈબાદત કરનાર માનવી વધુ કોમળ, પ્રેમાળ અને પવિત્ર બની જાય છે. કારણ કે ખુદાના ફરિશ્તાની સતત રહેમત તેના પર વરસતી રહે છે.

No comments:

Post a Comment