Tuesday, May 1, 2012

મૌતને નજીકથી નિહાળનાર : સ્ટીવ જોબ્સ ; ડૉ.મહેબૂબ દેસાઈ



મૃત્યું એ જીવનની સચ્ચાઈ છે. સામાન્ય માનવી માટે તે વિરહ છે.  જ્યારે સંતો માટે તે મુક્તિનો આનંદ છે. અને મહાન કે વિશિષ્ટ માનવીઓ માટે તે એક ઝિન્દગીનો સામાન્ય દસ્તુર છે. જેનાથી તેઓ ન તો ચલિત થાય છે, ન ગમગીન બને છે. બલકે મૌતને તેઓ જીવનનો સામાન્ય ક્રમ માની તેમના લક્ષમાં મડ્યા રહે છે. ડિજિટલ યુગની એવી જ એક વિભૂતિ છે સ્ટીવ જોબ્સ.
ઈશ્વરે બે બાબતો માનવીના હસ્તક નથી રાખી. જન્મ અને મૃત્યું. જન્મ અને મૃત્યુંનો સમય અને સ્થાન માનવી જાણી શકતો નથી. એટલે જ ઈશ્વર કે ખુદાના અસ્તિત્વને માનવી આજે પણ સ્વીકારે છે. મૃત્યુનો ભય દુનિયાના બધા ભયો કરતા અત્યંત તીવ્ર છે. મૌતના વિચાર માત્રથી માનવી ધ્રુજી જાય છે. પણ જે માનવી પોતાના મૌતને નજીકથી જોઈ લે છે. અને છતાં તે પોતાના જીવન કાર્યને વળગી રહે છે. તે સાચ્ચે  જ મહાન છે, વિશિષ્ટ છે. સ્ટીવ જોબ્સ એવી જ એક વિશિષ્ટ વ્યક્તિ હતા. ડિજિટલ વિશ્વના પિતામહ સ્ટીવ જોબ્સનું વોલ્ટર અઈઝેકસંન લખેલું જીવનચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું. મૌતની સામે બાથ ભીડી પોતાના લક્ષ માટે સતત સક્રિય રહેનાર સ્ટીવને કેન્સર હોવાની પ્રથમવાર જાણ થઈ ત્યારે તેણે સૌ પ્રથમ ફોન તેના મિત્ર લેરી બ્રિલીયેનટ ને કર્યો. તેની સાથે તેની પ્રથમ મુલાકાત ભારતના એક આશ્રમમાં થઈ હતી. સ્ટીવે તેને પ્રથમ પ્રશ્ન કર્યો,
"તમે હજુ પણ ઈશ્વરમાં માનો છો ?"
બ્રિલીયેનટે કહ્યું, "હા , હિંદુ ગુરુ નીમ કરોલી બાબા કહે છે તે પ્રમાણે ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે"
પછી તેણે સ્ટીવને પૂછ્યું,
"કોઈ સમસ્યા છે સ્ટીવ ?" જરા પણ તાણ વગર સ્ટીવ બોલ્યો,
"હા, મને કેન્સર છે"
પોતાને પ્રથમ ચરણનું કેન્સર હોવા છતાં સ્ટીવને તે વાત પ્રથમ તબક્કે જાહેર કરવાની જરૂર ન લાગી. અને અત્યંત સ્વસ્થ રીતે તે પોતાનું કાર્ય કરતો રહ્યો. તે પોતાના શરીર પર કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવવા ઇચ્છતો ન હતો. તેથી તેણે કેન્સરના ઉપચાર તરીકે શાકાહારી ભોજન લેવાનું શરુ કર્યું. અને ભારતીય આયુર્વેદિક ઉપચારો શરુ કર્યા. પોતાને થયેલ કેન્સરની વાત તેણે સૌ પ્રથમ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સંભારંભમા કરી. અને તે પણ વ્યાખ્યાનના ત્રણ મુદ્દામાંના એક મુદ્દા તરીકે.

જુન ૨૦૦૫મા તેણે સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સંભારંભમા વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું.તે વ્યાખ્યાન સારું તૈયાર થયા એ માટે તેણે એરોન સોરકીન નામના વ્યવસાઈ લેખકને તે કાર્ય સોંપ્યું. પણ એરોન સોરકીને વ્યાખ્યાન સમયસર તૈયાર કરી ન શક્યા. પરિણામે સ્ટીવે વ્યાખ્યાન પોતાની રીતે આપ્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમા સ્ટીવ જોબ્સે આપેલ એ વ્યાખ્યાન સ્ટીવના યાદગાર વ્યાખ્યાનોમાંનું એક છે. કેમ કે તેમા સ્ટીવે દિલ ખોલીને હદય સપર્શી વાતો કરી હતી. તેણે કહ્યું હતું,
"આજે હું મારા જીવનની ત્રણ બાબતો કહેવા માંગું છું.સૌ પ્રથમ મારે જે કલાસ (વર્ગ)મા ભણવું જરૂરી હતું, તેમાં હું જતો ન હતો. અને મને રસ પડે તે વર્ગમાં જઈ હું બેસતો હતો. બીજું, મને એપલમાંથી દૂર કરવામાં આવ્યો તે મારા માટે ફાયદાકારક સાબિત થયું. સફળતાનો ભાર મારા માથે હતો તે દૂર થી ગયો. અને ફરીથી શરૂઆત કરવાની છે, તે સમજ સાથે ભાર વગર શરૂઆત કરી શક્યો. અને ત્રીજી બાબત મને કેન્સરનું નિદાન થયું છે, તેના કારણે મૌત પ્રત્યે આવેલી મારી સભાનતા"
એ પછી સ્ટીવે મૌત પ્રત્યેની પોતાની સભાનતા વ્યક્ત કરતા કહ્યું,
"થોડા સમયમાં જ હું મૃત્યું પામવાનું છું તેનું મને ભાન થયું છે. તેના કારણે જીવનમાં કેટલાક મોટા નિર્ણયો કરવામાં મને બહુ મોટી સહાય મળી છે.મૌતની વાત આવે એટલે બધું જ દૂર થઈ જાય- બાહ્ય અપેક્ષાઓ, અભિમાન, નિષ્ફળતાનો ડર, સંકોચ બધું જ. ફક્ત રહી જાય છે એ જ બાબત જે અગત્યની છે. આપણે કશું ગુમાવી બેસીશું તે ભાવનામા આપણે અટવાઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવી જવાનો શ્રેષ્ટ માર્ગ એ યાદ રાખવાનો છે કે આપણે એક દિવસ અહીંથી જતા રહેવાનું છે. તમે નિર્વાણ થઈ જવાના છો, દિલની વાતો ન માનવાનું હવે તમારી પાસે કોઈ કારણ રહેતું નથી"
કેન્સરના બીજા ચરણમાં પણ સ્ટીવની માનસિક સ્થિતિ સામાન્ય જ હતી. તે પોતાનું કામ કર્યે જતો હતો. અલબત્ત મિત્રો અને સ્નેહીઓના આગ્રહ આગળ તેને નમતું મુંકવું પડ્યું હતું. તે પોતાના શરીર પર
શસ્ત્રક્રિયા કરાવવા સંમત થયો હતો. ઓપરેશન સફળ રહ્યું.પણ સમગ્ર લીવરમાં કેન્સરનું ટ્યુમર પ્રસરી હતું. ડોકટરો માટે તે ગંભીર બાબત હતી. આ અંગે સ્ટીવ કહે છે,
"તે લોકોને લાગતું હતું હું રાત નહિ ખેંચું.મારા સંતાનો પણ માનતા હતા કે ડેડને છેલ્લીવાર હોશમાં જોવાની આ રાત છે. પણ હું બચી ગયો"
આમ મૃત્યુંને નજીકથી નિહાળનાર સ્ટીવ કહે છે,
"આ પ્રકારના રોગ સાથે જીવવું અને પીડા સહન કરાવી, તેનાથી તમને રોજ રોજ એ યાદ આવે છે કે તમે કેટલા નશ્વર છો. ધ્યાન ન રાખીએ તો મગજ ભમી જાય. આપણે એક વર્ષથી વધારે આયોજન કરવાનું બંધ કરી દઈએ છીએ. તે ખોટું છે. તમારે એમ વિચારીને જ જીવવું જોઈએ કે મારે તો હજુ ઘણાં વર્ષો કાઢવાના છે"
જુલાઈ ૨૦૧૧ સુધીમાં તો કેન્સર તેના હાડકા સુધી ફેલાઈ ગયું હતું. હાડકા બહુજ કળતા હતા. ઊંઘ અનિયમિત થઈ ગઈ હતી. તેણે ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. અને ત્યારે પોતાની જીવન કથાના લેખક વોલ્ટર અઈઝેકસંનને બોલાવીને સ્ટીવ કહે છે,
"મારી ઈચ્છા છે કે મારા બાળકો મને જાણે હું કાયમ અહી રહેવાનો નથી. હું ઈચ્છું છું કે તેઓ સમજે કે મેં શું કર્યું છે. બીજું મને કેન્સર થયું ત્યારે મને લાગ્યું કે બીજા લોકો મારા અવસાન પછી મને જાણ્યા વગર પુસ્તક લખવાના જ છે. તો પછી તમે મને સંભાળીને લખો એ વધારે સારું છે"
જીવનને ભરપુર જીવનાર અને ડિજિટલ વિશ્વમાં કાંતિ કરનાર સ્ટીવ જોબ્સનું ૫ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અવસાન થયું હતું.

No comments:

Post a Comment