Friday, April 20, 2012

મૌલવી અબ્દૂલ ગફુર : ગુજરાતનો વિખ્યાત દરિયાઈ વેપારી : ડૉ. મહેબૂબ દેસાઈ

ફતેહ-ઈ-ગંજ, અહમદી, ફતેહ-ઈ-મુરાદ, ગંજે જોહર, ફતેહ, ફતેહ-ઈ-બક્ષી, હુસૈની, ફૈઝબક્ષ, કરીમી, ફતેહ-ઈ-મુહમદી અને ગંજ-ઇ-બક્ષ જેવા ૧૪૦૦ થી ૬૦૦ ટનના અગિયાર માલવાહક દરિયાઈ જહાજોના માલિક મૌલાના અબ્દૂલ ગફુર (૧૬૨૨-૧૭૧૮)ને ગુજરાતનો આમ અને ખાસ મુસ્લિમ ઓળખતો નથી. ગુજરાતના દરિયાઈ વેપારના ઇતિહાસમાં પોતાનું આગવું નામ અને પ્રતિમા ઉભી કરનાર મૌલવી અબ્દૂલ ગફુર અંગે ગુજરાતના ઇતિહાસકાર ડૉ. મકરંદ મહેતાના હાલમાં જ પ્રસિદ્ધ થયેલા "ગુજરાત અને દરીયો" (દર્શક ઇતિહાસ નિધિ)નામક પુસ્તકમા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. આમ તો મૌલવીનું મુખ્ય કાર્ય મસ્જિતમા નમાઝ પઢાવવાનું અને મુસ્લિમ બાળકોને મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ આપવાનું જ હોય છે. સમાજ તેથી વધુ અપેક્ષા તેની પાસે નથી રાખતો. પણ મૌલવી અબ્દૂલ ગફૂરે પોતાના માર્યાદિત કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળી મદ્રેસામાં બાળકોને શિક્ષણ આપતા આપતા એક વિશાળ વેપારી સામ્રાજ્ય ઉભું કર્યું હતું. ઈ.સ. ૧૭૦૭મા સમગ્ર સુરત બંદર ઉપર પોતાની ધાક જમાવનાર મૌલવી અબ્દૂલ ગફૂરના પૂર્વજો મૂળ અણહીલવાડ પાટણના પટણી સુન્ની વહોરા હતા. મહંમદ બેગડાના સમય( ૧૪૫૯-૧૫૧૧)મા પાટણમા આવી વસ્યા હતા. એ જ સમય દરમિયાન સુરતનો એક બંદર તરીકે વિકાસ થયો. તેનો લાભ લેવા સુન્ની વહોરા પટણીઓએ શાહજહાના સમયમાં ઈ.સ. ૧૬૫૨મા સુરતમાં સ્થળાંતર કર્યું. અને પોતાના ધાર્મિક શિક્ષણ અને નમાઝ પઢાવવાના કાર્ય દ્વારા જીવન નિર્વાહ કરવા લાગ્યા. અબ્દૂલ ગફૂરના વંશજો પણ આ જ કાર્ય કરતા હતા. પરિણામે તેમના નામ આગળ હંમેશા "મૌલવી" શબ્દનો પ્રયોગ થતો રહ્યો. મૌલવીના કાર્યને અંજામ આપતા આપતા અબ્દુક ગફૂરે દરિયાઈ માર્ગે માલની હેરફેર કરવાનું કાર્ય નાના પાયે શરુ કર્યું. અને જોત જોતામાં તે ૧૧ દરિયાઈ માલ વાહક જહાજોનો માલિક બની ગયો.તેના જહાજો ઇસ્ફ્હાન, અબ્બાસ, મસ્કત, જિદ્દાહ, એડન, સોકોત્રા, મોચા, અને છેક કોન્સ્ટેટીનોપોલ જેવા દૂર રાતા સમુદ્રમા આવેલા બંદરો સુધી માલ લઈને જતા. વળી, પૂર્વ આફ્રિકાના બંદરો સાથે પણ તેના ઘાટા વેપારી સંબંધો હતા. મૌલવી અબ્દૂલ ગફૂરના અંગ્રેજી મિત્ર એલેક્ઝાન્ડર હેમિલ્ટન આ અંગે લખે છે, "મૌલવી અબ્દૂલ ગફુર મારો મિત્ર છે. તે ૧૯ વાહણોનો માલિક છે. તે હિન્દી મહાસાગરમાં ઘૂમ્યા કરે છે. તે ડચ અને અંગ્રેજ પ્રતિસ્પર્ધીઓને હંફાવે છે. તેની નોકરીમાં અસંખ્ય નાખુદાઓ છે. એકલા અબ્દૂલ ગફૂરનો વેપાર ઈસ્ટ ઈન્ડીયા કંપનીના સઘળા વેપાર કરતા વધારે બહોળો છે." મુઘલ બાદશાહ ઔરંગઝેબએ અબ્દૂલ ગફુરનું મહત્વ સ્વીકારી તેને "માલેકુલ-તુજ્જર" અર્થાત સર્વશ્રેષ્ઠ શક્તિશાળી વેપારી(બિઝનેસ ટાયકુન)નો ખ્તાબ આપ્યો હતો. અંગ્રેજ અને ડચ દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થતી માહિતીના આધારે આસીન દાસ ગુપ્તાએ પણ તેમના ગ્રંથમા લખ્યું છે, "હિંદી મહાસાગરમાં મૌલવી અબ્દુલના ગફૂરના વહાણો પ્રવૃત હતા. સમગ્ર સુરત બંદર ઉપર અબ્દૂલ ગફૂરનું પ્રભુત્વ હતું. ઈ.સ. ૧૭૦૧મા તેના કુલ વહાણોમાંથી ૧૧ના જ નામો આજે ઉપલબ્ધ છે" ગુજરાતના ઇતિહાસમાં દરિયાઈ જહાજોના વેપારી તરીકે વીરજી વોરા અને ભીમજી પારેખના નામો બહુ જાણીતા છે. તેમની સાથેના મૌલવી અબ્દૂલ ગફૂરના સંબંધો અત્યંત સુમેળ ભર્યા હતા.વેપારની અનેક બારીકીઓથી આ બંને વેપારીઓને સજાગ રાખનાર મૌલવી અબ્દૂલ ગફુર અંગે કમનસીબે ગુજરાતના ઇતિહાસમાં બહુ અલ્પ નોંધ લેવાઈ છે. મૌલવી હોવા છતાં અબ્દૂલ ગફૂરે વેપાર અને રાજકારણ સાથે અદભુદ સુમેળ સાધ્યો હતો. વીરજી વોરાની જેમ જ અબ્દૂલ ગફૂરે પણ તેના સમયના રાજકારણીઓ સાથે નજીકના સંબંધો જાળવી રાખ્યા હતા. જયારે તેમના કેટલાક જહાજો લુંટાયા, ત્યારે મૌલવી અબ્દુલે મુઘલ વહીવટી તંત્રની મદદથી ઈ.સ. ૧૬૯૩, ૧૬૯૯, ૧૭૦૧ અને ૧૭૦૬મા ડચ અને અગ્રેજ વેપારીઓને કેદમાં પુરાવી દરિયાઈ લુંટ બદલ વળતરની મોટી રકમ વસુલ કરી હતી. મૌલવી અબ્દૂલ ગફૂરે તાપી નદી પાસે એક મહોલ્લો વિકસાવ્યો હતો. જે આજે પણ સુરતમાં "મુલ્લા ચકલા" તરીકે જાણીતો છે. તેણે સુરતના ભાગોળ તરફ વિશાળ અને સુંદર બગીચો પણ બનાવ્યો હતો. ડુમસ, અઠવા અને સુંવાળી બંદરના ઓવારા પાસે વહાણો લંગારવા માટે તેણે ધક્કા બંધાવ્યા હતા. દરિયાઈ વેપારમાં એ સમયે કરોડપતિ તરીકે ગુજરાતના બે જ વેપારીઓના નામો અગ્ર હતા. વીરજી વોરા અને મૌલવી અબ્દૂલ. એ સમયે વીરજી વોરાની એકથી દોઢ કરોડ અને અબ્દૂલ ગફૂરની મિલકત ૮૫ લાખની હતી. ૯૬ વર્ષની વયે ૩ જાન્યુઆરી ૧૭૧૮ના રોજ તેમનું અવસાન થયું ત્યારે કોઈ પણ જાતના નાતજાત કે ધર્મના ભેદભાવ વગર સમગ્ર સુરતે તેમના જનાજાને કાંધો આપ્યો હતો. એ દિવસે સમગ્ર શહેર ઘેરા શોકમાં ડૂબી ગયું હતું, અંગ્રેજ અને ડચ કોઠીવાલાઓ એ તેમના શોક સંદેશમાં લખ્યું હતું, "સમગ્ર શહેર શોકમાં ગરકાવ થયું છે. અને સુરત બંદર સુનું પાડી ગયું છે" મૌલવી અબ્દૂલ ગફૂરનું અવસાન થતા જ સુરતના મુત્સદી-નવાબ હૈદરકુલીખાને તેમની તમામ મિલકત જપ્ત કરી લીધી. કારણે તેમનો પુત્ર અવસાન પામ્યો હતો. પરતું તેમના પૌત્ર મુલ્લા મોહમદ અલીએ પોતાનો દાવો સુરતના અગ્ર હિંદુ મુસ્લિમ વેપારીઓ અને મહાજન પાસે મુકાયો. તેમજ તેણે મુઘલ બાદશાહ પાસે પણ ઇન્સાફની માંગણી કરી. આમ મૌલવી અબ્દૂલ ગફુરના પૌત્રને તેના દાદાની મિલકત તો મળી પણ ત્યારે સુરતનું ધમધમતા બંદનગર તરીકેનું મહત્વ લુપ્ત થઈ ગયું હતું. ગુજરાતના બંદરીય ઇતિહાસમાં આવી મોટી નામના મેળવનાર મૌલવી અબ્દૂલ ગફુર આજે પણ કાળની ગર્તતામાં ગુમ થયેલા છે. અને ઇતિહાસનું સાચું રાષ્ટ્રીય આલેખન નહિ થયા ત્યાં સુધી રહેશે.

No comments:

Post a Comment