Friday, April 13, 2012

મોદીજી અને ગુજરાતના મુસ્લિમો : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતની ચુંટણીઓ નજીક આવતી જાય છે તેમ મોદીજી અને ગુજરાતના મુસ્લિમો વચ્ચેના સમીકરણો અંગે ચર્ચાઓ ગરમ થતી જાય છે. હાલમાં જ આપણા ૬૩મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ભાવનગર મુકામે થઈ. તેમાં ભાવનગરના ૧૨ જેટલા પ્રતિષ્ઠિત નાગરિકોના રાજ્યપાલ અને મુખ્ય મંત્રીશ્રી દ્વારા સન્માન થયા. એ યાદીમાં શિક્ષણ ક્ષેત્રમાંથી મારા નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે મારા માટે તે આશ્ચર્ય સાથે આનંદની વાત હતી. છેલ્લા ત્રીસેક વર્ષોથી શિક્ષણ, લેખન અને મુસ્લિમ સમાજમાં નિસ્વાર્થ પણે સક્રિય હોવા છતાં આવા કોઈ સન્માનની કયારેય અપેક્ષા રાખી ન હતી. બલકે ઘણાં પ્રસંગોમાં તો મારા સમાજના રોષનો ભોગ પણ મારે બનવું પડ્યું હતું. એવી સ્થિતિમાં ગુજરાત સરકારે સન્માન કર્યું તે અવશ્ય મારા માટે આનંદની ઘટના છે. જો કે કેટલાકના મતે આ પણ આગામી ચુંટણીનું એક સમીકરણ જ છે. પરિણામે મોદીજી અને ગુજરાતના મુસ્લિમો વચ્ચેના બદલાતા જતા સમીકરણોની ચર્ચામા ભરતી આવી છે.
સન્માનની આ ચેષ્ટા અન્વયે મને મળેલા કેટલાક પ્રતિભાવો જાણવા જેવા છે. હિંદુ સમાજના કેટલાક મિત્રો કહે છે, "આ તો કામ કરતા અધ્યાપકની કદર છે" જ્યારે કેટલાક હિંદુ મિત્રો તેને "મોદીના મુસ્લિમ રાજકારણનો ભાગ" માને છે. સન્માન સમયે મને મળેલ અભિનંદનમા પણ ભાજપના કેટલાક ઉદારમતવાદી સભ્યોને બાદ કરતા સામાન્ય કાર્યકરોમા બહુ ઝાઝો ઉત્સાહ ન લાગ્યો. જ્યારે મારા મુસ્લિમ સમાજમાં પણ બે મતો પ્રવર્તતા હતા. એક "તમારું સન્માન એ સમાજનું સન્માન છે." બીજું, "મોદીજીની મુસ્લિમ તૃષ્ટિકરણની આ નીતિ છે" આ મંતવ્યો સાંભળ્યા પછી મોદીજી અને મુસ્લિમો અંગે થોડી વિચારણા માંગી લે છે. અલબત્ત આ વિચારણા મારા સન્માનથી બિલકુલ પ્રભાવિત નથી.

૧. શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો ગુજરાતના મુસ્લિમોનો ૨૦૦૨ પછીનો બદલાતો જતો અભિગમ
૨. ગુજરાતના મુસ્લિમો પ્રત્યેનો શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બદલાતો જતો અભિગમ

સૌ પ્રથમ મોદીજી પ્રત્યે ગુજરાતના મુસ્લિમોની બદલાયેલી નીતિની વાત કરીએ. ૨૦૦૨ ની ઘટના પછી ગુજરાતનો સમગ્ર મુસ્લિમ સમાજ ભયના ઓથારા નીચે જીવિત હતો.એ યુગમાં દરેક મુસ્લિમને દેશદ્રોહીની નજરે જોવાની એક પ્રથા પડી ગઈ હતી. એવા સમયે રાષ્ટ્રીય શિક્ષિત અને નિર્દોષ મુસ્લિમ માટે પણ પોતાની જાતને રાષ્ટ્રવાદી સ્થાપિત કરવા સઘન પ્રયાસો કરવા પડતા. મહોરમ કે ઈદે મિલાદના ધાર્મિક જલુસોમાં પણ રાષ્ટ્ર ધ્વજ સાથે કાઢવાના અનેક પ્રસંગો મેં જોયા છે. કોઈ પણ અસામાજિક પ્રવૃતિના કેન્દ્રમાં મુસ્લિમ સમાજ હોવા અંગેની દ્રઢતા અંધશ્રદ્ધા જેટલી પ્રબળ હતી.અત્યંત ભયભીત અવસ્થામાં જીવતા મુસ્લિમ સમાજ માટે અવશ્ય એ કપરો કાળ હતો. એ યુગના પોલીસ એન્કાઉન્ટરમા પણ મુસ્લિમ સમાજ કેન્દ્રમાં હતો. આજે હવે એ એન્કાઉન્ટરની સત્યતા ધીમે ધીમે પ્રકાશિત થઈ રહી છે. એ યુગમાં મેં લખેલ એક લેખ "શુક્રિયા, મૌલાના નરેન્દભાઈ મોદી" કાફી ચર્ચાયો હતો. મા. પ્રોફે. પ્રવીણભાઈ શેઠે તેમના પુસ્તક" બદલાતા જતા પરિમાણો ગુજરાત અને નરેન્દ્ર મોદી" પુસ્તકના પરિશિષ્ટમા છેલ્લી ઘડીએ એ લેખ મુક્યો હતો. મા. પ્રવીણભાઈ શેઠે એ પૂર્વે લગભગ વીસેક મીનીટ મારી સાથે ફોન પર એ લેખ અંગે ચર્ચા કરી હતી. તેમની ચર્ચાનો સૂર એ હતો કે,
"નરેન્દ્રભાઈને મૌલાના કહેવા પાછળનો મારો આશ્રય મોનાલિસાના હાસ્ય જેવો લાગે છે." તેના જવાબમાં મેં એટલું જ કહ્યું હતું,
"મુસ્લિમ સમાજ પ્રત્યેની સખ્તીએ અવશ્ય સમાજમા મૂલ્યોનું સિંચન કર્યું છે. મોટા મોટા મૌલવીઓના ઉપદેશો જે કાર્ય ન કરી શકાય તે નરેન્દ્રભાઈની સખતાઈએ કરી બતાવ્યું છે."

ટૂંકમાં એ યુગમાં મુસ્લિમ સમાજ પ્રત્યેની પ્રતિકુળતા જ તેના શૈક્ષણિક,વ્યવસાયિક અને નૈતિક વિકાસનું પ્રખર પરિબળ બન્યા હતા. પણ એ પછી રાજકીય વાતાવરણ અને અભિગમ બદલાયા. મુસ્લિમ સમાજના વિકાસનો નારો લઈને છેક આઝાદીની પ્રાપ્તિથી ફરતા કોંગ્રસની વોટ બેન્ક નીતિ મુસ્લિમ સમાજ અને તેના આગેવાનોમાં ચર્ચાવા લાગી. છેક ૧૯૪૭ થી ૨૦૦૨ના મુસ્લિમ સમાજના વિકાસનો ગ્રાફ બહુ ઝાઝો ઉંચો ગયેલો નથી ભાસતો. શિક્ષણ અને વ્યવસાયિક પ્રગતિમા પણ સમગ્ર સમાજનું ચિત્ર યથાવત હતું. પરિણામે ૨૦૦૨ ની ઘટના પછી દુભાયેલા કચડાયેલા ગુજરાતના મુસ્લિમ સમાજની દશા ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટકા જેવી થઈ ગઈ હતી. કોંગ્રસ ન તો તેમને સુરક્ષા આપી શકી, ન તેના વિકાસમાં સહભાગી બની શકી. પરિણામે મુસ્લિમ સમાજની કોંગ્રેસના વિકલ્પની શોધ ભાજપ તરફ મંડાઈ. અને આમ સુરક્ષા અને વિકાસના વિકલ્પ તરીકે સૌ પ્રથમ મુસ્લિમ સમાજના શિયાપંથીઓ ભાજપ તરફ વળ્યા. જેમાં શિયા વોરા અને ખોજાઓનો મોટો સમુદાય ભાજપ તરફી વલણ ને જાહેરમાં વ્યક્ત કરતો થયો. એ પરંપરા અટકી નહિ. શિયા મુસ્લિમ સમાજ પછી સુન્ની અને તબલીગી મેમણો પણ ભાજપ તરફ વળ્યા.૨૦૦૫ સુધીમાં તો આ સંખ્યા વધી. છેલ્લી વિધાનસભાની ચુંટણીઓ વિકાસના મુદ્દા પર લડાઈ. તેમાં ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કેટલાક મુસ્લિમ બુદ્ધિજીવીઓએ નરેન્દ્રભાઈને ખુલ્લે આમ ટેકો આપ્યો. આજે ૨૦૧૨મા વિકાસ અને સદભાવના નામે મુસ્લિમ સમાજને આકર્ષવામાં નરેન્દ્ર ભાઈના પ્રયાસોની અનુભૂતિ સદભાવના ઉપવાસમાં મુસ્લિમ સમાજની હાજરીના દ્રશ્યો બખૂબી અભિવ્યક્ત કરે છે.
હવે આપણે બીજા મુદ્દા પર આવીએ. ગુજરાતના મુસ્લિમો પ્રત્યેનો શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બદલાતો જતો અભિગમ. એ અભિગમ ચુંટણી લક્ષી છે કે હદય પરિવર્તન છે. તે તો સમય જ બતાવશે. પણ ગુજરાતના મુસ્લિમ સમાજ પ્રત્યે નરેન્દ્રભાઈ મોદીની બદલાયેલી નીતિની નોંધ લેવાઈ રહી છે. ૨૦૦૨ની ઘટના પછીનો માહોલ મુસ્લિમ સમાજ માટે ભય અને અસુરક્ષાનો હતો. પણ કોઈ પણ લોકશાહી શાસન ભય અને અસુરક્ષાના ઓથાર નીચે વધુ સમય ચાલી શકે નહિ. એ બાબત કુશળ રાજકારણી શ્રી નરેન્દ્રભાઈ મોદી ન સમજી શકે એ સંભવિત નથી. અને માટે જ તેમણે ૨૦૦૨ના વિશ્વ વ્યાપી દાગમાંથી ગુજરાતને મુક્ત કરવા વિકાસના મુદ્દાને કેન્દ્રમા આણ્યો. અને ૨૦૦૨ને મુસ્લિમ સમાજના માનસમાંથી ભૂસી નાખવા માટેના આયોજન બધ્ધ પ્રયાસો આરંભ્યા. અલબત્ત એ પ્રયાસો છેલ્લા બે એક વર્ષમાં વધુ સઘન બન્યા છે. હાલમાં જ ટાઈમ મેગેઝીનના ૧૬ માર્ચના મુખપૃષ્ઠ પર નરેન્દ્રભાઈની તસવીર સાથે જ્યોતિ થોટ્ટમએ લખેલ લેખમાં મુસ્લિમ ફેક્ટરનો ખાસ ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે,
"મોદીને મુસ્લિમોના સમર્થનની જરૂર તો છે જ. મોદી પર આરોપો થાય છે કે મુસ્લિમો પ્રત્યે તેઓ ઉદ્ધતાઈથી અને સખ્તાઈથી વર્તે છે, પણ મોદીને આ આરોપો સામે વાંધો નથી. જે વાત તેમને ખટકે છે તે એ છે કે મુસ્લિમો તેમના રાજમાં ખુશ અને સંતુષ્ટ નથી એવો એક મત પ્રવર્તે છે. તેમણે ટાઈમને મુસ્લિમો અંગેનું એક પેમ્પલેટ બતાવ્યું, તેમાં મોટા મથાળે કાંઈક અસ્વાભાવિક લાગતી વાત કરવામા આવી હતી. "અમને ગુજરાતમાં હોવાનું ગૌરવ છે... અહી અમે ખુશાલ છીએ" આવા લખાણ સાથે તેમાં એક ખુશહાલ મુસ્લિમ પરિવારનો ફોટો હતો. ગુજરાતના ઝડપી વિકાસ અને સુશાસનને તોડી પાડવા માટે ફેલાવવામાં આવતા દુર્ભાવનાયુક્ત જુઠ્ઠાણઓને તેમાં વખોડી કાઢવામા આવ્યા હતા"

માર્ચ ૨૦૧૧ના અંતિમ સપ્તાહમાં મારે મોદીજી સાથે તેમની ચેમ્બેરમાં ૩૧ મીનીટ મુલાકાત થઈ હતી. અલબત્ત એ સમયે મારી સાથે મારા સ્વજનો સિવાય કોઈ રાજકીય કે સામજિક સેવક ન હતા. અને ત્યારે મોદીજીએ મને કહેલું,
"મને મુસ્લિમ વિરોધી શા માટે ગણવામાં આવે છે ? મેં જેટલા હિંદુ મંદિરો તોડ્યા છે તેટલા અન્ય કોઈ મુખ્યમંત્રીએ નહિ તોડ્યા હોય ? વળી, મારો વિરોધ દેશદ્રોહી મુસ્લિમો પ્રત્યે જ રહ્યો છે. રાષ્ટ્રવાદી મુસ્લિમોને હું આવકારું છું."
આગામી ચુંટણીઓના સંદર્ભમાં ટાઈમના એ લેખમાં જ્યોતિ થોટ્ટમએ મુસ્લિમો પ્રત્યેના મોદીજીના વલણને સ્પષ્ટ કરતા લખ્યું છે,
"મોદીને ખાતરી છે કે હવે તેઓ પહેલેથી કોંગ્રેસને જ મત આપતા મુસ્લિમોનો પ્રેમ સંપાદન કરી રહ્યા છે. આ વર્ષના અંતે તેમણે રાજ્યની ચુંટણીઓનો સામનો કરવાનો છે. અને ભાજપની મતસંખ્યા ઘટી રહી છે. સ્થાનિક કક્ષાએ ૧૪૦ મુસ્લિમ ઉમેદવારોને જીતાડવામાં પાર્ટી સફળ થઈ છે. જેના કારણે થોડા ઘણાં મુસ્લિમ મતદાતાઓ આર્થિક ઉદ્ધારને ખાતર ભૂતકાળને ભુલી જવા તૈયાર છે......તો પછી તેમને અપનાવી શા માટે ન લેવા"
બંને પક્ષોના વિચારો અને અભિગમને જોતા ગુજરાતમાં ઉપરના સ્તરે મુસ્લિમો પ્રત્યેનો મોદીજીનો બદલાયેલો મૂડ જોઈ શકાય છે. અલબત્ત લોકોના હદય કે મનમાં ૨૦૦૨એ ઉભી કરેલી દિવારને ધરાશય થતા હજુ ઘણીવાર લાગશે. પણ મોદીજીના મુસ્લિમો પ્રત્યેના બદલાયેલા અભિગમની અસર આગામી ચુંટણીઓ પર અવશ્ય થશે. જો કે તેની માત્રા કેટલી હશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. તે તો ચુંટણીના પરિણામો જ બતાવશે. પણ મને એટલું ચોક્કસ લાગે છે કે આગામી ચુંટણીઓમા મોદીજીનો મુસ્લિમ આધાર થોડો ઘણો પણ અવશ્ય વધશે.

No comments:

Post a Comment