Wednesday, April 4, 2012

પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ

(સર પ્રભાશંકર પટ્ટણી ઓપેન વિન્ડો ચેરી ટેબલ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા ૬,૭,અપ્રિલ ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે યોજાયેલ પરિસંવાદ "સર પ્રભાશંકર પટ્ટણી : જીવન અને કવન"મા તા. ૭ એપ્રિલના રોજ આપેલ વ્યાખ્યાન)

ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં ઉજવાઈ રહી છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯). ગુજરાત રાજ્ય આ ત્રણે મહાનુભાવોની જન્મ શતાબ્દી ઉજવવા આતુર છે. આમાં સર્વ પ્રથમ પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન અને ગાંધીજીના પરમ મિત્ર જ ન હતા, પણ આધ્યત્મિક જ્ઞાનના ઉપાસક અને ઊંડા ચિંતક પણ હતા. એક આદર્શ શાસક તરીકે તેમનું જેટલું પ્રદાન ઇતિહાસમાં નોંધાયું છે, તેટલું જ તેમના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે. તેઓ ઉમદા કવિ અને ઉંચા દરજાના વિચારક હતા. આ બધા તેમના વ્યક્તિત્વના ઉમદા પાસાઓ પર ઘણું લખાયું છે. પણ એક આમ આદમીના સીનામાં જે દિલ ધડકે છે તેવું જ બલકે તેથી વધુ સંવેદનશીલ હદય પટ્ટણીસાહેબ ધરાવતા હતા. એ તેમના જીવનના અનેક પ્રસંગોમાંથી ટપકે છે. ભાવનગરની સામળદાસ આર્ટસ કોલેજના ગુજરાતીના પ્રોફેસર શ્રી રવિશંકર જોશીએ "પટ્ટણીનું લોકોત્તર વ્યક્તિત્વ" નામક લેખ વર્ષો પૂર્વે લખ્યો હતો. જેમાં તેમના વિરલ વ્યક્તિત્વને સુંદર રીતે રજુ કરવામા આવ્યું હતું. પટ્ટણી સાહેબમા રહેલા એક સંવેદનશીલ માનવીને ઉભારતા રવિશંકર જોશી લખ્યું હતું,
"ગરીબો માટે, વિદ્યાર્થીઓ માટે, યુરોપ કે જર્મની,ઇંગ્લેન્ડ કે અમેરિકામાં મુશ્કેલીમાં અટવાવેલા લોકો માટે, નાદારી લેવી પડે તેવા વ્યાપારીઓ માટે પટ્ટણી સાહેબ જેવી દાનધારા વિરલ સ્થળે જ નિહાળી શકાય. તારીખ પહેલીથી દસમી સુધીમા તેમના પગારમાંથી દુ:ખીજનોની સહાય માટે કેટલા ચેકો અને કેટલા મનીઓર્ડર જતા એ તો તેમના મંત્રીઓ જ જાણે છે. ઘરનો કોઈ નોકર સોનાની સાંકળી ચોરે તો સામા જઈ, તેને મુશ્કેલી હશે તેથી ચોર્યું હશે એમ વિચારી તેને પચાસ રૂપિયાની મદદ આપે ! આવા તો અનેક દ્રષ્ટાંતો તેમની જીંદગીમાં પગલે પગલે વેરાયેલા પડ્યા છે. આવા પ્રસંગોનો સંગ્રહ બહાર પડે તો માનવજાતીને લોકોત્તર માનવતાનો અવનવો પાઠ જાણવા મળે"૧
આવા માનવીય અભિગમના પ્રખર આગ્રહી પટ્ટણી સાહેબ "જોઈએ છીએ" એવા મથાળા નીચે હંમેશા લખતા,
"મારે એ મિત્ર જોઈએ છીએ, જે પોતાનો બધો પત્ર વ્યવહાર ખુલ્લા પોસ્ટકાર્ડમા જ હંમેશા લખતો હોઈ, તેણે જ અરજી કરવી"
ગાંધીજી જેમ જ પોતાનો મોટાભાગનો પત્રવ્યવહાર ખુલ્લા પોસ્ટ કાર્ડમા કરતા પટ્ટણી સાહેબ દ્રઢપણે માનતા કે ,

"તમારી ટપાલ બીજો કોઈ ઉઘાડી શકે નહિ, એમ તમારો નિયમ હોઈ તો તમે તમારી પોતાનાથી જ બીહતા રહેજો. તમારે કઈ છુપાવવાનું છે,એવો એનો અર્થ છે. પ્રભુ એ છુપું દેખે છે, ને કોઈ દિવસ તે ખુલ્લું કરશે. જે પ્રભુને બતાવતા ડરતો નથી તેથી જ લોક ડરે છે. પ્રભુથી ડરનારને જગતનો ડર નથી"૨
કુશળ શાસક તરીકે ભાવનગર રાજ્યને દેશી રાજ્યોમાં "મીઠા રાજ્ય" તરીકે સ્થાન અપાવનાર પટ્ટણી સાહેબ વહીવટને નિર્જીવ નહોતા માનતા. વહીવટ આત્મા કે હદયની ભાવના વગર ન થઈ શકે એમ સ્પષ્ટ માનનાર પટ્ટણી સાહેબ કહે છે,
"વહીવટ, કાગળ ઉપર લખી નાખેલા નિયમો પ્રમાણે નહિ પણ વહીવટ ચલાવનાર મનુષ્યની સારી નરસી હદયભાવના ઉપર આધાર રાખે છે"
અર્થાત સારો ઇન્સાન જ સારો વહીવટ કર્તા બની શકે એ વાતને પટ્ટણી સાહેબે પોતાના જીવનમાં સાકાર કરી હતી. મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી સગીર હોવાને કારણે તેમણે ૧૨ વર્ષ સુધી ભાવનગર રાજ્યનો વહીવટ કર્યો હતો. પછી કૃષ્ણકુમારસિંહજી પુક્ત થતા તેમનો રાજ્યાભિષેક યોજાયો. અને ત્યારે રાજ્યની સીલ મુદ્રા કૃષ્ણકુમારસિંહજી ને સોંપતા પટ્ટણી સાહેબે કરેલ વિધાનમા એક માનવીની નૈતિકતા અને આધ્યાત્મિકતા પ્રગટ થાય છે,
"આ સીલ પેશ કરતા જે બધું સંભાળવાની ફરજ મારા પર હતી તે બધું આપ નામદારને હું સુપ્રત કરું છું. સુવ્યવસ્થિત રીતે ચાલેલું રાજય સોપું છું. ભક્ત અને સુખી પ્રજા સોપું છું. અને આપ નામદાર સાથેના મિત્ર રાજ્યોના સ્નેહ ભરેલા સબંધો, માત્ર અવિરત નહિ પણ આશા રાખું છું કે વધારે ઘટ થયેલા મિત્રાય ભરેલા સબંધ સોપું છું. અને આપને અત:કરણ પૂર્વક આશીર્વાદ આપું છું. તથા ફત્તેહમંદ રાજનીતિ માટે અનેક શુભેચ્છા દર્શાવું છું."૩
પોતાની પ્રજાને પોતાના સંતાન માનનાર અને તેમના સારા નરસા વ્યવહારને હસ્તેમુખે સેહનાર પટ્ટણી સાહેબનો એક સુંદર પ્રસંગ જામે જમશેદે ટાંકયો છે,
"મુંબઈના માર્ગ પર એકવાર પટ્ટણી સાહેબ તેમના એક મિત્ર સાથે જઈ રહ્યા હતા. પાછળથી એક અવાજ સંભાળ્યો, "એય દિવાન પટણા, ઉભો રહે. મારી સામે તો જો. મારા ચીથરે હાલ કપડા અને તારા ઉજળા કપડા જો તો ખરો. બસ લહેરથી મુંબઈમાં આંટા જ મારવા છે. હું તારા જ ગામનો છું. મુંબઈમાં ખુબ દુખી છું. મને કઈ આપ પટણા"
પટ્ટણી સાહેબે પાછળ ફરી ફરીને જોયુ. સંપૂર્ણ ચીથરેહાલ ભિખારી જેવો દેખાતો એક માણસ ઉભો હતો. પટ્ટણી સાહેબે તેને અત્યંત નમ્રભાવે પૂછ્યું, "શું છે ભાઈ ?" પેલાએ એ જ તોછડી ભાષામાં કહ્યું,
"હું તારા ગામનો છું. પણ મુંબઈમાં અત્યંત દુ:ખી છું. મને કઈક આપ પટણા"
પટ્ટણી સાહેબે પોતાના ખિસ્સામાંથી સો સોની બે નોટો કાઢી એ માનવીના હાથમાં મૂકી. અને કહ્યું,
"ભાઈ અત્યારે મારી પાસે આટલા જ રૂપિયા છે. આટલાથી તારું કામ રોડવી લે જે"
"સારું સારું" એમ કહી પેલા માણસે હાથની મુઠ્ઠીમાં બંને નોટ દબાવી ચાલતી પકડી.
સાથેનો મિત્ર ચકિત થઈ પટ્ટણી સાહેબને જોઈ રહ્યો. અને બોલ્યો,
"પટ્ટણી સાહેબ,આવા તોછડા અને ભિખારી જેવા માણસને આટલા બધા રૂપિયા ન અપાય"

પટ્ટણી સાહેબ બોલ્યા,"મારી પ્રજા મને ગમે તેવી રીતે બોલાવે પણ તેને મદદ કરવાની મારી પવિત્ર ફરજ છે"૪
પટ્ટણી સાહેબને ભાવનગર રાજ્યના વહીવટ કર્તા તરીકે અત્યંત માનસિક યાતનાઓ આપનાર અંગ્રેજ અધિકારી મી.કીલી ઇતિહાસમાં જાણીતા છે. પણ એ જ મી. કીલી નિવૃત્તિ થયા પછી ઇંગ્લેન્ડમા બેહાલ
હતા. ત્યારે એક દિવસ ઈંગ્લેન્ડમાં તે પટ્ટણી સાહેબની નજરે ચડી ગયા. પટ્ટણી સાહેબે પોતાની સાથે ભોજન માટે તેમને નિમંત્રણ પાઠવ્યું. ભોજન પછી મિ. કીલીના બાળકોના અભ્યાસ માટે પટ્ટણી સાહેબે આર્થિક સહાય કરી. અને ત્યારે મી. કીલી ગળગળા થઈ ગયા અને બોલ્યા,
"પ્રભાશંકર, મે તમને બહુ હેરાન કર્યા છે. આજે મને તેનો અફસોસ થાય છે."
ત્યારે પટ્ટણી સાહેબે અત્યંત હળવાશથી કહ્યું હતું,
"એ સમયે આપ આપની ફરજ સમજીને કામ કરતા હતા. અને હું મારી સમજ પ્રમાણે વર્તતો હતો" અને પટ્ટણી સાહેબ મી.કીલીને વળાવવા છેક દરવાજા સુધી આવ્યા. પોતાની મોટર મી.કીલીને ઘરે સુધી પહોંચાડવા મોકલી.૫
આવા શુદ્ધ હદયના પટ્ટણી સાહેબને એકવાર એક કોલસાની ખાણના માલિક મળવા આવ્યા.તેઓ ભાવનગર રાજ્યની રેલવેને કોલસો પુરો પાડવાનો સોદો કરવા આવેલા.પટ્ટણી સાહેબ તેમને પોતાના ઘરે જમવા લઈ ગયા. જમવા બેઠા ત્યારે પિત્તળની થાળીઓ મુકાઈ. એ જોઈ ધનાઢ્ય બોલી ઉઠ્યા.
"મેડમ રમાબહેન (પટ્ટણી સાહેબના પત્ની),આપને ત્યાં તો ભાવનગરનું આખું રાજ્ય છે. એટલે તમારે ત્યાં તો સોના રૂપાની થાળીઓ હોવી જોઈએ"
પ્રભાશંકર પાસે જ બેઠા હતા. સહેજ સ્મિત કરી તેઓ બોલ્યા,
"સોના રૂપાની થાળીઓ મારે ત્યાં હોત તો હું પ્રભાશંકર ન હોત. મારા દાદા તાંબડી લઈને લોટ માંગવા જતા. ત્યારે મને સાથે લઈ જતા. એ તાંબડી આજે પણ મારી સામે અભરાઈ પર રાખી છે.મારે સોના રૂપાની થાળીની જરૂર પણ નથી અને જોઈતી પણ નથી. બીજાને ખવડાવીને ખાવાથી મને વધારે પચે છે. મારે ઘેર ગારે બેસીને પતરાવળામા ખાવા રાજી હોઈ એવા મેહમાનની હું હંમેશા રાહ જોવું છું."૬
આ પ્રસંગમા એક શાસક ઉજાગર નથી થતો. પણ એક પ્રેષિત વ્યક્તિ અભિવ્યક્ત થાય છે. આ પ્રસંગ વાંચી મને મહંમદ સાહેબના જીવનનો એક પ્રસંગ યાદ આવી જાય છે. મહંમદ સાહેબને અવારનવાર સોનું ચાંદી અને કીમતી ચીજ વસ્તુઓની ભેટો મળતી રહેતી.પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહિ. વસ્તુઓ જેવી આવે કે તુરત તેને જરૂરતમંદોમા તકસીમ (વહેચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડ્યું. કઈ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું,
"આપણી છત નીચે પૈસા કે કઈ સોના ચાંદી નથી ને ?"
આયશાને યાદ આવી જતા બોલી ઉઠ્યા,
"અબ્બા (અબુબકર)ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડ્યા છે."
મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,
"અત્યારેને અત્યારે તે પૈસા જરૂરતમંદોમા વહેંચી આવ. તને ખબર નથી પ્રેષિતોની છત નીચે ધન ન હોઈ."૭

રાજ્યના ધનને પોતાના માટે હરામ માનનાર પટ્ટણી સાહેબ જેવો ઓલિયો જ એક સામન્ય ફકીર સાથે રસ્ત્તા પર જરૂરતમંદોને પૈસા વહેચવા, માન મોભાની પરવા કર્યા વગર બેસી જાય.એ ઘટના પણ જાણવા જેવી છે. એક વખત મહારાજા ભાવસિંહજી ધરમપુરમાં પોલો રમતા ઘોડા પરથી પડી ગયા. અને બેભાન થઈ ગયા. તેનો તાર પ્રભાશંકરને મળ્યો. અને એક હજાર રોકડા ભરેલી ત્રણ થેલીઓ લઈ પ્રભાશંકર ધરમપુર આવ્યા. ધરમપુરમાં પ્રવેશતા જ થેલીના રૂપિયા રસ્ત્તામાં મળતા ગરીબોને આપતા
ગયા. રસ્ત્તામાં એક અંધ ફકરી મળ્યો. પ્રભાશંકરે ખોબો છલકાય જાય તેટલા રૂપિયા તેના હાથમાં મુક્યા. રૂપિયાનો અવાજ સાંભળી અંધ ફકીર બોલી ઉઠ્યો,
"યા અલ્લાહ કોન હૈ ?"
પ્રભાશંકરે પોતાનો પરિચય આપ્યો. અને પોતાના મહારાજા અંગે દુવા (પ્રાર્થના)કરવા વિનંતી કરી. ફકીર બોલ્યો,
"અચ્છા બચ્ચા જા, તેરે પહોંચને કે બાદ આધે ઘંટે મે તેરા બાદશાહ હોશ મે આ જાયગા ગા. લેકિન તુઝે મેરે પાસ બેઠના પડેગા"
"અત્યારે મને જવા દો બાબા, પણ પાછા ફરતા હું અવશ્ય આપની પાસે બેસીને જ ભાવનગર પરત જઈશ"
એમ કહી પટ્ટણી સાહેબ ઉતાવળ પગે મહારાજા સાહેબ પાસે પહોંચ્યા. પેલા અંધ ફકીરે કહ્યું હતું તેમ જ થયું. મહારાજા સાહેબ અડધી કલાકમાં તો હોશમાં આવી ગયા. અને પ્રભાશંકર સાથે નિરાતે વાતો કરી. પ્રભાશંકરને ફકીરની વાત યાદ આવી ગઈ. વળતી વખતે તેઓ ફકીર પાસે ગયા. અને ત્યારે પટ્ટણી સાહેબના આશ્ચર્ય વચ્ચે ફકીરે પેલા સિક્કા પટ્ટણી સાહેબને પરત કરતા કહ્યું,
"ઇસે મે ક્યાં કરુંગા. લે ઇસે વાપિસ લે લે"
"પણ હું તે પાછા ન લઈ શકું" પટ્ટણી સાહેબ બોલ્યા.
"ફિર તું મેરે પાસ બેઠ ઔર યે પૈસે જરૂરતમંદો મેં બાંટ દે"
અને ભાવનગર રાજ્યના દીવાન-વહીવટ કર્તા પોતાના રુતબાને ઓગાળી અંધ ફકીર સાથે રસ્ત્તાની ફૂટપાથ પર બેઠા અને એક એક સિક્કો ગરીબોને વેહેચતા રહ્યા.બધા સિક્કા પુરા થઈ ગયા પછી પ્રભાશંકરે પેલા અંધ ફકીરની વિદાય લીધી. ત્યારે એ ફકીર બોલી ઉઠ્યો,
"આજ એક ફકીર કો ફકીર મિલા હૈ. વહી બડા દિન હૈ"
પ્રભાશંકરે તે દિવસે એક કડી લખી "પ્રભુના દર્શન આજ થયા"૮
ગરીબ માનવીમાં પ્રભુને પામનાર પ્રભાશંકર પટ્ટણી ઉમદા કવિ પણ હતા. પણ તેમની રચાનોમાં મુખત્વે માનવી અને માનવતા કેન્દમાં રહેતા. તેમની એક રચના એ દ્રષ્ટિએ માણવા જેવી છે.

"દુ:ખી કે દર્દી કે ભૂલેલા માર્ગ વાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી

ગરીબીની દાદ સંભાળવા, અવરના દુઃખને દળવા
તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી,

પ્રણયનો વધારો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હદયની ઉઘાડી રાખજો બારી,

થયેલા દુષ્ટ કર્મોના છુટા જંજીર થી થાવા
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી"૯

સ્થાન, મોભો, મોટાઈ,અભિમાન કે દંભ જેવા સામાન્ય માનવીમાં પ્રસરેલા દુર્ગુણોથી પર આવો
સંતશાસક એ સમયે કદાચ સમગ્ર ભારતમાં ન હતો. ચારેકોર તેમની સુવાસ પ્રસરેલી હતી. આમ છતાં તેમણે તેમની માનવતા જીવનના અંતિમ ક્ષણ સુધી જીવંત રાખી હતી.તેમની વહીવટી સુઝ અને કાયદાકીય કાબેલિયતથી પ્રભાવિત થઈ એકવાર કાશ્મીરના મહારાજાએ તેમને પોતાના રાજ્યના ઉચ્ચ હોદ્દા પર નિમંત્રણ પાઠવતા કહ્યું,
"ભાવનગર ખાબોચિયા જેવું છે. આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક રૂપિયા પાંચ હજારથી ઓછા નહિ આપું. અને આપની યોગ્ય કદર પણ કરીશ."
પ્રભાશંકર બોલ્યા, " તો પછી આપે મારા પર વિશ્વાસ ન રાખવો જોઈએ"
મહારાજાએ પૂછ્યું, "કેમ ?"
પ્રભાશંકર બોલ્યા,
"ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો. એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી, ફગાવીને કાશ્મીર આવું, તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ"૧૦
આવું અદભૂત વ્યક્તિત્વ ઊંચનીચ, અમીરગરીબ અને નાના મોટા હોદ્દાના ભેદભરમથી પર હતું. અને એટલે જ જિંદગીના અંતિમ દિવસોમાં પટ્ટણી સાહેબે ભાવનગર રાજ્યના રેવન્યુ કમિશનરના હોદ્દા પર કાર્ય કરવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. આ કાર્ય માટે મહિનો દોઢ મહિનો રાજ્યના ગામડાઓમાં એકધારી મુસાફરી કરતા. આ શ્રમે તેમના સ્વસ્થ પર માઠી અસર કરી. અને શિહોર મહાલની મુસાફરી દરમિયાન ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ સવારે ૯ વાગ્યે તેમની ઈચ્છા પ્રમાણે કામ કરતા કરતા કર્તવ્ય પરાયણ સ્થિતિમાં જ આ વિરલ વ્યક્તિત્વ એ દેહ છોડ્યો. આવ માનવીય પ્રજાસેવક પટ્ટણી સાહેબને તેમની જન્મ શતાબ્દીની ઉજવણી ટાણે શત શત સલામ.

***************************************

પાદટીપ

1. પારાશર્ય મુકુન્દરાય, પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન,ગુજરાત સાહિત્ય પરિષદ,અમદાવાદ, ત્રીજી આવૃત્તિ ૨૦૦૨, પૃ. ૧૧૫
2. પટ્ટણી પ્રભાશંકર, એક વૃદ્ધની વિચારપોથીમાંથી,ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય,અમદાવાદ,૨૦૦૯, ૩૩૨
3. ભાવનગર સમાચાર, દીપોસ્વી અંક , પ્ર. શ્રી જયંતીલાલ મોરારજી મહેતા,ભાવનગર, ૧૯૬૭, પૃ. ૨૮
4. ભાવનગર સમાચાર, દીપોસ્વી અંક , પ્ર. શ્રી જયંતીલાલ મોરારજી મહેતા,ભાવનગર, ૧૯૭૦, પૃ. ૪૭
5. પારાશર્ય મુકુન્દરાય, પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન ગ્રંથમાં "સર પ્રભાશંકર પટ્ટણી અને મિ. કીલી"નામક આખું પ્રકરણ માણવા જેવું છે.
6. પારાશર્ય મુકુન્દરાય,પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૯૧-૯૨.
7. દેસાઈ મહેબૂબ, અલખને ઓટલે, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ,૨૦૦૯, ૩૮.
8. પારાશર્ય મુકુન્દરાય, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૯૪.
9. પારાશર્ય મુકુન્દરાય, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૬૦.
10. પારાશર્ય મુકુન્દરાય, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૭૪.

No comments:

Post a Comment