Wednesday, March 28, 2012

જૈનધર્મનો સેવા યજ્ઞ : ડૉ.મહેબૂબ દેસાઈ

ભાવનગરથી અમદાવાદ વાયા ધંધુકા જતા માર્ગમાં અનેક જૈન મંદિરો અને ઉપાશ્રયો આવે છે. કલાત્મક અને આલીશાન મંદિરો જોઈ સૌ કોઈને તેમાં પ્રવેશવાની અને તેને જોવાની ઈચ્છા થઈ આવે એ સ્વાભાવિક છે. મને પણ માનવસહજ એમ જ થતું. પણ સમયની પાબંદી ને કારણે તે શક્ય બનતુ નહી. પણ આજથી સાતેક વર્ષ પહેલા મારી એ ઈચ્છા પૂર્ણ થઈ. એ દિવસે હું સરદાર પટેલ યુનિવર્સિટીના એક કામ અર્થે ભાવનગરથી વલ્લભવિદ્યાનગર જવા સવારે સાડા છ વાગ્યે નીકળ્યો. લગભગ સાડા સાત વાગ્યે વટામણ ચોકડી ના વળાંક પર આવેલા એક વિશાળ અને કલાત્મક જૈન મંદિરમા ડ્રાયવર બકુલે ગાડી વાળી. અને મે પૂછ્યું,
"કેમ બકુલ દર્શન કરવા છે ?"
"સાહેબ,દર્શન તો કરીશું જ પણ સાથે નવકારશી પણ કરી લઈએ"
"નવકારશી એટલે ?" મે તેના આશયને પામવા પૂછ્યું.
"નવકારશી એટલે સવારનો નાસ્તો" બકુલે તેની સમજ મુજબ મને જવાબ આપ્યો.
અને ત્યારે મને જૈન ધર્મના સેવાકીય યજ્ઞનો સાચો અને વાસ્તવિક પરિચય થયો. દરેક જૈન ધર્મ સ્થાનમાં ચાર સેવાકીય બાબતો અનિવાર્ય પણે હોય છે.
૧. સેવા-પૂજા અર્થે જૈન મંદિર
૨. ઉપદેશ અને સાધુઓના ઉતારા માટે ઉપાશ્રય
૩. દરેક યાત્રીઓના ઉતારા માટે ધર્મશાળા
૪. જમવા માટે ભોજનશાળા.
આ ચારે સેવાઓનો લાભ હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ કે કોઈ પણ વ્યક્તિ નાત જાતના કોઈ પણ ભેદ વગર લઈ શકે છે. જૈન ધર્મમાં એ અંગે ખાસ કહેવાયું છે "નાત જાત કે ગચ્છના ભેદ વગર" આવા જૈન સ્થાનો પર સૌને સેવા ઉપલબ્ધ થાય છે. આ વાત સૈધ્ધ્તિક રીતે હું જાણતો હોવા છતાં તેનો જાત અનુભવ કરવાની મને કયારેય તક કે સમય મળ્યો ન હતો. પણ તે દિવસે એ અવસર અનાયસે મને પ્રાપ્ત થયો. જૈનધર્મમા સૂર્યોદય થયા પછી નવકારગણીને નાસ્તો કરવાની ક્રિયાને "નવકારશી" કહે છે. અમે નવકારશી માટે ભોજનાલયમા દાખલ થયા. અને વ્યક્તિ દીઠ માત્ર વીસેક રૂપિયાના પાસમાં અમને મગ, પોવા ખાખરા, પૂરી, મીઠાઈ, ચા,કોફી ,દૂધ કે ઉકાળો અમર્યાદિત માત્રામાં નાસ્તામા ઉપલબ્ધ થયા. ભોજનશાળાની સ્વછતા અને સાત્વિકતા પણ ગમી જાય તેવા હતા. આ જ રીતે જૈન ધર્મમાં સાંજના ભોજનને "ચોવીયાર" કહે છે. જૈન સ્થાનો પર આવેલા ભોજનાલયોમા તેની પણ સગવડતા હોય છે."ચોવીયાર" એટલે સૂર્યાસ્ત પૂર્વેનું ભોજન. ધોરી માર્ગો પર આવેલા જૈન સ્થાઓમાં આપ સાત્વિક સાંજનું ભોજન લેવા ઇચ્છતા હો તો સૂર્યાસ્ત પહેલા આપે ત્યાં પહોંચી જવાનું રહે. તેમાં પણ કોઈ નાત જાતના ભેદભાવ વગર માત્ર સેવાકીય અભિગમથી દરેક વ્યક્તિને ભોજન કરાવવામાં આવે છે.
જૈન ધર્મનો આ સેવા યજ્ઞ બૌદ્ધિક અને વૈચારિક પ્રક્રિયામા પણ અગ્ર રીતે વિકાયો છે. જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ જગત અને જીવ સાચા બ્રહ્મ નથી. મોક્ષ માટે માનવીએ અઢાર દોષો માંથી મુક્ત થવું જોઈએ.. એ અઢાર દોષો એટલે પ્રાનાતિપાત (નાનામા નાની જીવ હિંસા),મૃષાવાદ(જુઠ્ઠું બોલવું),અદત્તાદાન(ચોરી),મૈથુન (વિષયસેવન), પરિગ્રહ (ધન-ધાન્ય સંચય), ક્રોધ ,અહંકાર ,માયા, લોભ ,રાગ, દ્વેષ , કલહ, અભ્યાખ્યાન (કોઈના માથે આળ ચડાવવું), પૈશુન (ચાડી-ચુગલી), રતિ(સુખ-દુઃખ), પરપરિવાદ (પારકી નિંદા),માયા-મૃષાવાદ (કપટ સાથે જુઠ્ઠું બોલવું)અને મિથ્યાત્વ અર્થાત અંધશ્રદ્ધા. આ અઢારે દોષોમાંથી મુક્ત થવા જૈન ધર્મે ચાર ઉપાયો આપ્યા છે. સમ્યકદ્રષ્ટિ, સમ્યકજ્ઞાન, સમ્યકચરિત્ર અને સમ્યકવાણી. ગાંધીજીના ત્રણ બંદરો પણ આવો જ કઇક ઉપદેશ આપે છે. બુરા મત દેખો, બુરા મત કહો , અને બુરા મત સુનો. અલબત્ત તેમાં એક બંદરનો ઉમેરો કરીએ બુરા મત સોચો. તો જૈન ધર્મના સિદ્ધાંતો પૂર્ણ રીતે ગાંધીજીના ચારે બંદરોમાં સાકાર થઈ જાય. જૈનધર્મના સિદ્ધાંતો મુજબ હિંસા કરવી, કરાવવી કે તેનું અનુમોદન કરવું ત્રણે પાપ છે. જેમ કે કીડી માત્રની હત્યા પાપ છે.પણ કીડીની હત્યા સમયે આનંદ કે ઉપેક્ષા સુધ્ધા પણ પાપ છે. ગાંધીજીએ દરેક ધર્મમાંથી સારા તત્વો લીધા હતા. ઈસ્લામમાંથી સમૂહ પ્રાર્થના અને જૈન ધર્મમાંથી અહિંસાને તેમણે પોતાના જીવનમાં ઉતર્યા હતા. પણ જૈન ધર્મની સુક્ષ્મ હિંસાની સાથે ગાંધીજી સંમત ન હતા. જો કે અત્રે તેની ચર્ચા અસ્થાને છે. પણ ઉપરોક્ત સિદ્ધાંતો જોતા એટલું અવશ્ય કહી શકાય કે જૈન ધર્મના આ તમામ સિદ્ધાંતોમાં માનવીને માનવી બનાવવાનો ઉદેશ જ રહેલો છે.

એ જ રીતે જૈનધર્મના પર્યુષણ માસ દમિયાન માત્ર જૈન ધર્મના પ્રચાર પ્રસાર અને તેના ઉપદેશાત્મક વ્યાખ્યાનો જ ઉપાશ્રય અને જાહેરમા યોજાતા નથી. પણ દરેક ધર્મના ઉમદા સિદ્ધાંતોને આમ સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય પર્યુષણ માસ દમિયાન વર્ષોથી થાય છે. જેનું ઉમદા દ્રષ્ટાંત ૩ ફેબ્રુઆરી ૧૯૨૯મા સ્થપાયેલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છે. પંડિત સુખલાલજી ૧૯૩૧મા અમદાવાદથી મુંબઈ આવ્યા અને તેમના વ્યાખ્યાનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મુંબઈમાં પયુષણ વ્યાખ્યાનમાળાનો આરંભ થયો. આ વ્યાખ્યાનમાળામાં આજ દિન સુધી કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુનશી,સરલાદેવી સારાભાઈ, સ્વામી અખંડ આનંદ, ઝવેરચંદ મેઘાણી, મોરારજી દેસાઈ,પૂ. મોરારીબાપુ જેવા અનેક જાણીતા મહાનુભાવો સર્વધર્મ સમભાવ પર વ્યાખ્યાનો આપી ચુક્યા છે. ઇસ્લામ અને અહિંસા, ખ્રિસ્તી ધર્મ, જરથોસ ધર્મ, ગીતા અને કુરાન જેવા સર્વધર્મના વ્યાખ્યાનો તેમાં અવારનવાર યોજાય છે.અને આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ છે. જૈન ધર્મનો આ સેવાયજ્ઞ દરેક ધર્મ, સમાજ અને સામજિક સંગઠન માટે આદર્શ છે. તેનું હુબહુ અનુકરણ ન થાય તો કઈ નહિ. પણ તેમાંથી થોડી પ્રેરણા પણ આપણે મેળવીશું, તો ધર્મના વાડાઓની કાંટાળી વાડના થોડા કાંટા દૂર કરવાનો સંતોષ અવશ્ય મેળવી શકીશું.

No comments:

Post a Comment