Saturday, March 17, 2012

ઇસ્લામ અને તિજારત : ડૉ. મહેબૂબ દેસાઈ

ધર્મ એટલે જીવન દર્શન. ઇસ્લામ અને તેનો ધર્મ ગ્રંથ કુરાને શરીફ તેનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં માત્ર ધર્મ અને તેના નીતિનિયમોની જ વાત નથી. પણ જીવનને સ્પર્શતા અનેક વિષયનું માર્ગદર્શન છે. તેમાનો એક વિષય છે, તિજારત અર્થાત વેપાર. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) ખુદ એક ઉમદા અને ઈમાનદાર વેપારી હતા. હઝરત ખદીજા સાથે નિકાહ થયા એ પૂર્વે વિદેશમાં તેમનો માલ લઈ વેપાર અર્થે મહંમદ સાહેબ (સ.અ.વ.) ગયા હતા. અને હઝરત ખાદીજાને પહેલા કયારેય ન મળ્યો હતો તેટલો નફો હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)એ કરી આપ્યો હતો. હઝરત જાબીરની એક હદીસમા હઝરત મહંમદ સાહેબએ ફરમાવ્યું છે,
"ખરીદી અને વેચાણ સમયે વેપારીએ નમ્રતાથી વર્તવું જોઈએ. કારણ કે તેથી વેપાર વિકસે છે. અને નમ્ર વેપારીથી ખુશ થઈ ગ્રાહક તેણે દુવાથી નવાજે છે"
એક અન્ય હદીસમાં મહંમદ સાહેબ ફરમાવે છે,
"પોતાનો માલ વેચવા માટે વેપારીએ વધુ પડતા સોગંદ ન ખાવ જોઈએ"
કુરાને શરીફમાં પણ કહ્યું છે,
"કોઈ વસ્તુ આપો તો બરાબર માપીને આપો. લોકોને ઓછી આપીને નુકસાન ન કરશો. અને તોલમાં ત્રાજવાની દાંડી સીધી રાખીઓને તોલો અને લોકોને તેની ખરીદીની વસ્તું કયારેય ઓછી ન આપો"
હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"જયારે કોઈ વેપારી વજનમા કે માપમાં ઓછું આપે છે ત્યારે તેની કરજ વધે છે. અને તેના પર આફતોના પહાડ તૂટે છે"
વેપારમાં બેઈમાની કરનાર વેપારીને કુરાને શરીફમાં "મોત ફ્ફેકીન" કહેવમાં આવે છે. હઝરત અબ્દુલ્લાહ ઉમર બિન જ્યારે પણ બજારમાંથી નીકળતા ત્યારે દુકાનો પર ખા ઉભા રહી દુકાનદારને કહેતા,
"વજન અને માપમાં ઓછુ આપવાથી દૂર રહો. અલ્લાહથી ડરો. કરણ કે અંતિમ ન્યાયના દિવસે બેઈમાન વેપારીઓને એવા મેદાનમાં ઉભા રાખવામાં આવશે, જ્યાં સખત ગરમીથી લોકો દરિયાના પાણીની જેમ પસીનાથી ભીંજાઈ જશે. અને તેમનો એ પસીનો વહેતો વહેતો કાનના અર્ધા ભાગ સુધી ગુંગળાવી મારશે"
એ જ રીતે
"માલની ખામીને તેના વેચાણ સમયે છુપાવવી એ પણ ગુનો છે"
"ખાવા પીવાની વસ્તુઓનો સંગ્રહ કરવો તે પણ મોટો ગુનાહ છે"
ઇસ્લામમાં આદર્શ વેપારીના લક્ષણો આપતા કહેવામાં આવ્યું છે,
"સર્વ શ્રેષ્ઠ વેપારી એ છે જે જુઠ્ઠું બોલતો નથી. અમાનાતમાં ખયાનત કરતો નથી. વચનભંગ કરતો નથી. ખરીદી વેળા કોઈ માલની બુરાઈ કરતો નથી. અને જયારે માલ વેચે છે ત્યારે પોતાની વસ્તુ કે માલના ખોટા વખાણ કરતો નથી. અને જો એમની પાસે કોઈનું લેણું નીકળતું હોય તો વિના આનાકાનીએ તેને આપી દે છે. અને પોતાનું બીજા પાસે કોઈ લેણું નીકળતું હોઈ તો વસુલાતમાં તેને હેરાન કરતો નથી. માનસિક કે શારીરિક ત્રાસ આપતો નથી"
વેપારમાં ભાગીદારીને ઇસ્લામે સ્વીકારેલ છે. પણ મૂલ્યોને વળગી રહેવાની તેમાં પણ ખાસ હિદાયત આપવામાં આવે છે. એક હદીસમાં મહમંદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
"અલ્લાહતઆલાનો આદેશ છે કે બે ભાગીદારો વચ્ચે હું ત્રીજો છુ. જ્યાં સુધી એ બેમાંનો કોઈ પોતાના ભાગીગર સાથે અન્યાય ન કરે અને જ્યારે તે અન્યાય કરશે ત્યારે હું એ બંને વચ્ચે રહીશ નહિ"
કુરાને શરીફમાં પણ વેપાર અંગે અનેક હિદયાતો આપવામાં આવી છે. કુરાને શરીફની એક આયાતમાં ફરમાવ્યું છે,
"ખુદાતઆલાએ નૈતિક વેપારને હલાલ અને રીબા (વ્યાજ)ને હરામ ઠેરવ્યા છે" અન્ય એક આયાતમાં કહ્યું છે,
"તમે અંદરો અંદર એકબીજાનો માલ અનૈતિક રીતે ન ખાઓ. પરંતુ વેપારીક મૂલ્યોને જાળવી એકબીજાની સમજુતીથી, રાજીખુશીથી ખાઓ"
માનવીનું એક માત્ર ધ્યેય કમાણીનું નથી.પણ માનવી કમાણી કે નફા માટે ઘેલો બની અલ્લાહ-ઈશ્વરને ભૂલી જાય તે પણ યોગ્ય નથી. આ અંગે કુરાને શરીફમા કહ્યું છે,
"પછી જયારે તમે નમાઝથી પરવારી જાવ ત્યારે અલ્લાહના ફઝલ(કૃપા)ને તલાશ કરવા માટે જમીન પર ફેલાઈ જાવ અને નિષ્ઠાથી અલ્લાહને યાદ કરતા રહો. જેથી તે તમને તમારા વેપારમાં સફળતા અર્પે"
ઇસ્લામમાં ખાસ કહ્યું છે કે વેપારમાં અનૈતિકતાને સ્થાન નથી. જે વેપાર અનૈતિકતાના પાયા પર વિકસે છે તે વેપાર અલ્પજીવી હોઈ છે. તેમાં બરકત નથી હોતી. કોઈ માણસ પાંચ રૂપિયા મણના હિસાબે કોઈ વસ્તુ ખરીદે. બીજો વેપારી આવીને કહે કે હું આ જ વસ્તુ ચાર રૂપિયાએ મણ વેચવા તૈયાર છુ. ઇસ્લામે આ પ્રકારના ખરીદ વેચાણ પર મનાઈ ફરમાવી છે.
આ તમામ બાબતો ઇસ્લામમાં તિજારત અર્થાત વેપારમા નૈતિકતા-મૂલ્યોને વળગી રહેવા પર ભાર મુકે છે. આજનો વેપારી આ બાબતો અપનાવશે તો ગ્રાહક સુરક્ષા કેન્દ્રોનો આપણે જરૂર નહિ રહે.

No comments:

Post a Comment