Monday, December 26, 2011

પ્રભુથી ડરનારને જગતનો ડર નથી : પ્રભાશંકર પટ્ટણી : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં આવી રહી છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯). ગુજરાત રાજ્ય આ ત્રણે મહાનુભાવોની જન્મ શતાબ્દી ઉજવવા આતુર છે. આમા સર્વ પ્રથમ પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન અને ગાંધીજીના પરમ મિત્ર જ ન હતા, પણ આધ્યત્મિક જ્ઞાનના ઉપાસક અને ઊંડા ચિંતક પણ હતા. એક આદર્શ શાસક તરીકે તેમનું જેટલું પ્રદાન ઇતિહાસમાં નોંધાયું છે, તેટલું જ તેમના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે."જોઈએ છીએ" એવા મથાળા નીચે તેઓ હંમેશા લખતા,
"મારે એ મિત્ર જોઈએ છીએ, જે પોતાનો બધો પત્ર વ્યવહાર ખુલ્લા પોસ્ટકાર્ડમા જ હંમેશા લખતો હોઈ, તેણે જ અરજી કરવી"
અને અટેલે જ ખુલ્લા પોસ્ટકાર્ડમાં હંમેશા લખતા ગાંધીજી તેમના પરમ વડીલ મિત્ર હતા. વ્યક્તિની જીંદગી ખુલ્લી કિતાબ જેવી હોવી જોઈએ એવું દ્રઢપણે માનતા પટ્ટણી સાહેબ કહે છે,
"તમારી ટપાલ બીજો કોઈ ઉઘાડી શકે નહિ, એમ તમારો નિયમ હોઈ તો તમે તમારી પોતાનાથી જ બીહતા રહેજો. તમારે કઈ છુપાવવાનું છે,એવો એનો અર્થ છે. પ્રભુ એ છુપું દેખે છે, ને કોઈ દિવસ તે ખુલ્લું કરશે. જે પ્રભુને બતાવતા ડરતો નથી તેથી જ લોક ડરે છે. પ્રભુથી ડરનારને જગતનો ડર નથી"
કુશળ શાસક તરીકે ભાવનગર રાજ્યને દેશી રાજ્યોમાં "મીઠા રાજ્ય" તરીકે સ્થાન અપાવનાર પટ્ટણી સાહેબ વહીવટને નિર્જીવ નહોતા માનતા. વહીવટ આત્મા કે હદયની ભાવના વગર ન થઈ શકે એમ સ્પષ્ટ માનનાર પટ્ટણી સાહેબ કહે છે,
"વહીવટ, કાગળ ઉપર લખી નાખેલા નિયમો પ્રમાણે નહિ પણ વહીવટ ચલાવનાર મનુષ્યની સારી નરસી હદયભાવના ઉપર આધાર રાખે છે"
ભાવનગર સમાચારના દીપોસ્વી અંક : ૧૯૭૦મા જામે જમશેદ પટ્ટણી સાહેબનો એક પ્રસંગ ટાંકતા લખે છે, મુંબઈના માર્ગ પર એકવાર પટ્ટણી સાહેબ તેમના એક મિત્ર સાથે જઈ રહ્યા હતા. પાછળથી એક અવાજ સંભાળ્યો,
"એય દિવાન પટણા, ઉભો રહે"
પટ્ટણી સાહેબે પાછળ ફરી ફરીને જોયુ. સંપૂર્ણ ચીથરેહાલ ભિખારી જેવો દેખાતો એક માણસ ઉભો હતો. તેની પાસે જઈ પટ્ટણી સાહેબે અત્યંત નમ્રભાવે પૂછ્યું,
"શું છે ભાઈ ?" પેલાએ એ જ તોછડી ભાષામાં કહ્યું,
"હું તારા ગામનો છું. પણ મુંબઈમાં અત્યંત દુ:ખી છું. મને કઈક આપ પટણા"
પટ્ટણી સાહેબે પોતાના ખિસ્સામાંથી સો સોની બે નોટો કાઢી એ માનવીના હાથમાં મૂકી. અને કહ્યું,
"ભાઈ અત્યારે મારી પાસે આટલા જ રૂપિયા છે. આટલાથી તારું કામ રોડવી લે જે"
"સારું સારું" એમ કહી પેલા માણસે હાથની મુઠ્ઠીમાં બંને નોટ દબાવી ચાલતી પકડી.
સાથેનો મિત્ર ચકિત થઈ પટ્ટણી સાહેબને જોઈ રહ્યો. અને બોલ્યો,
"પટ્ટણી સાહેબ,આવા તોછડા માણસને આટલા બધા રૂપિયા ન અપાય"
પટ્ટણી સાહેબ બોલ્યા, "મારી પ્રજા મને ગમે તેવી રીતે બોલાવે પણ તેને મદદ કરવાની મારી પવિત્ર ફરજ છે"
આવા શુદ્ધ હદયથી શાસન કરનાર પટ્ટણી સાહેબ ઉમદા કવિ પણ હતા. રાજા અને પ્રજાના સંબધોને વાચા આપતું તેમનું એક કાવ્ય આધ્યત્મિક મૂલ્યોને વળગીને શાસન કરવા ઇચ્છતા સૌ શાસકો માટે આજે પણ માર્ગદર્શક સમાન છે.

"મિત્રો એ શત્રુના જેવા, મનથી ભાસતા હશે;
રાજ્યનો સર્વથા નાશ, ખાસ ત્યારે જ થતો હશે ;

પ્રજાભાવ પ્રજામાંથી, લુપ્ત જયારે થઈ જશે,
બાદશાહતના નામો, નામ માત્ર રહી જશે ;

પ્રજા બાળકની પેઠે, પાળતા ભૂલ જ્યાં થશે,
સમ્રાટને નરેશોના, રાજ્ય શાસન ડગી જશે ;

એ પરસ્પરની ગ્રંથી, જો સાચી સમજાય તો,
પ્રજા સુખી રહે, રાજા સદા નિર્ભય થાય તો"

ઈ.સ. ૧૯૨૫મા ભાવનગરમા કાઠીયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન મળવાનું હતું. એ વખતે પટ્ટણી સાહેબ ભાવનગર રાજ્યના કારભારી હતા. કાઠીયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભાવનગરમાં ન મળે તેની ખાસ તકેદારી રાખવાની સુચન અંગ્રેજ સરકારે રાજ્યના કારભારી પટ્ટણી સાહેબને આપી હતી. પટ્ટણી સાહેબે ગાંધીજીને કાઠીયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભાવનગરમાં ન ભરવા વિનંતી કરી. પણ ગાંધીજી મક્કમ હતા. એટલે બે શરતોને એ અધિવેશન ભરવાની પટ્ટણી સાહેબે મંજૂરી આપી.
૧. અંગેજ સરકાર કે બીજા દેશી રાજ્યો વિરુદ્ધ કોઈ ઠરાવો પસાર ન કરવા
૨. પરિષદનું પ્રમુખ સ્થાન ગાંધીજીએ લેવું.
આ શરતો સાંભળી ગાંધીજી મલકાયા. અને બોલ્યા.
"ધારો કે મારા પ્રમુખપદે પરિષદ ભરાય અને તેમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ પસાર થાય તો તમે શું કરો ?" હોઠો પર સ્મિથ પાથરતા પટ્ટણી સાહેબ બોલ્યા,
"તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવુંને તેમાં આપને પધરાવું, અને હું આપની તહેનાતમાં ઉભો રહું"
આવ કર્મનિષ્ઠ, માનવીય, નમ્ર,પ્રજાની મુશ્કેલીઓને નમ્ર ભાવે દૂર કરનાર પ્રજાસેવક પટ્ટણી સાહેબને તેમની જન્મ શતાબ્દીના આરંભે શત શત સલામ.

No comments:

Post a Comment