Wednesday, October 12, 2011

વકફ : દાનનો ઇસ્લામી તરીકો : ડૉ.મહેબૂબ દેસાઈ

શિમલામાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી અર્થાત ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાનના પુસ્તકાલયમાંથી આજે એક વિશિષ્ટ ગ્રંથ મળી આવ્યો. કે.પી.શર્માએ લખેલ "મુસ્લિમ વિધિ" નામક આ ગ્રંથમાં ઇસ્લામિક વિધિઓ સાથે વકફ અંગે એક લાંબુ પ્રકરણ છે. આજે ભારતના મોટાભાગના રાજ્યોમાં મુસ્લિમ વકફ બોર્ડની રચના કરવામા આવેલ છે. છતાં આમ મુસ્લિમોમાં તે અંગે સ્પષ્ટ સમજનો અભાવ જોવા મળે છે.
"વકફ" શબ્દની ઉત્પતિ આમ તો ઇસ્લામના ઉદય પછી થઈ છે. વક્ફનો શાબ્દિક અર્થ થાય છે
નિષેધ, રોકવું કે બાંધવું. વકફ સંપતિને એ રીતે રોકે છે, બાંધે છે કે તેની માલિકી માત્ર ખુદાની થઈ જાય છે. એ પછી તે મિલકતની આવક માત્ર પવિત્ર, ધાર્મિક અને સેવાકીય કાર્યો માટે જ વાપરી શકાય છે. જો કે કુરાને શરીફમાં વકફ અંગે કોઈ સીધો ઉલ્લેખ નથી. પણ કુરાને શરીફની કેટલીક આયાતો જે દાન અને ખૈરાત સબંધિત છે તે વક્ફના વિચારના મૂળમાં છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"તેની સંપતિમાં ભિખારીઓ અને જાતી બહિષ્કૃત લોકોનો ઉચિત ભાગ છે"
"તમે સદકાર્યોનું સુખ ત્યાં સુધી નહી મેળવી શકો જ્યાં સુધી તમે જેને ચાહો છો તેને દાન નહી આપો અને તમે જે કઈ આપો છો તેની સચ્ચાઈ ખુદા બખૂબી જાણે છે."
વકફ અંગે એક કથા ઇસ્લામિક ઇતિહાસમાં જાણીતી છે. એકવાર હઝરત ઉમરને ખૈબર (કાબુલ)મા અત્યંત કીમતી જમીનો પ્રાપ્ત થઈ. તેના ઉપયોગ અંગે મશવરો કરવા તેઓ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આવ્યા. અને પૂછ્યું,
"હુઝુર, આ જમીનોનું શું કરીશું ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"એ સંપતિને સ્થિર કરી દો અને તેની આવકને સેવાકીય કાર્યમાં ખર્ચો"
હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું આ નાનકડું વાક્ય વકફના વિચારના મૂળમાં છે. હઝરત ઉમરે મહંમદ સાહેબના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. તે જમીન ન તો તેમણે વેચી, ન દાનમાં આપી, ન તેની કોઈ વસિયત કરી, ન તેનો કોઈ ઉતરાધિકારી રાખ્યો. માત્ર તે જમીન ખુદાના નામે રાખવામા આવી.અને તેની આવકમાંથી નિયમિત જરૂરતમંદોને મદદ કરવામા આવતી. તેમાંથી ગુલામો મુક્ત કરવામા આવતા. યાત્રીઓના આવાસ અને ભોજન માટે ખર્ચ કરવમાં આવતો અને અતિથીઓના સત્કાર માટે પણ તેમાંથી ખર્ચ કરવામાં આવતો.
એ અર્થમાં મુસ્લિમ વકફ વિધિ અધિનિયમ ૧૯૧૩ની ધારા ૨ મુજબ "વકફ"ની સરલ વ્યાખ્યા આપતા કહી શક્ય કે,
"ઇસ્લામમાં ઈમાન રાખનાર કોઈ પણ વ્યક્તિ દ્વારા મુસ્લિમ વિધિ અંતર્ગત માન્ય ધાર્મિક, પવિત્ર અને દાનના ઉદેશ્ માટે પોતાની સંપતિનું સ્થાહી ધોરણે ખુદાના નામે સમર્પણ કરવું." આ વ્યાખ્યાને સ્પષ્ટ કરતા કહી શકાય કે વકફ માટે નીચેની બાબતો આવશ્યક છે.
૧. કોઈ પણ સંપતિનું સ્થાહી સમર્પણ
૨. સંપતિનું સ્વામિત્વ ખુદાના નામે રાખવું.
૩. સંપતિને વકફ કરનાર પુક્ત અને સક્ષમ હોવો જોઈએ
૪. તે વકફ કરનાર સંપતનો કાયદેસરનો વારસદાર હોવો જોઈએ.
૫. વકફ થયેલ સંપતિનું શરતી સ્થળાંતર ન થઈ શકે.
૬. એકવાર વકફ થયેલી સંપતિ પુનઃ પ્રાપ્ત થતી નથી.
૭. વકફ થયેલ સંપતિ હસ્તાંતરિત ન થઈ શકે.
ઇસ્લામમાં વકફ ધર્મ અને સમાજની ઉન્નતી માટે કરવામા આવે છે. આવા ઉદેશ માટે "ધાર્મિક, પવિત્ર અને ખૈરાત" શબ્દો પ્રયોજાયા છે. અલબત વકફ શરિયતના આદેશ મુજબ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. વક્ફના કેટલાક નોંધપાત્ર ઉદેશો નીચે મુજબ આપી શકાય.
૧. મસ્જિત તથા ઉપાસના અર્થાત નમાઝના સ્થાન માટે.
૨. સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે.
૩. જલસેતુ કે પુલ માટે.
૪. ગરીબોને ભિક્ષા કે મક્કાની હજયાત્રા કરવવા સહાય કરવા માટે.
૫. મોહરમના મહિનામાં તાજિયા રાખવા માટે.
૬. મહોરમ માસમાં ઉંટો અને ઘોડા ઉપલબ્ધ કરાવવા માટે.
૭. ઈમામવાડાની મરામત કરવા માટે.
૮. પીર અને સંતોની મૃત્યુતીથી અર્થાત ઉર્ષની ઉજવણી કરવા માટે.
૯. મસ્જિતમા રોશની કરવા માટે.
૧૦. કુરાને શરીફના અધ્યયન માટે.
૧૧. મક્કામા હજયાત્રીઓને વિનામુલ્યે રહેવા માટે મકાન બનાવવા માટે.
૧૨. ફકરો અને ગરીબોને દાન આપવા માટે .
૧૩. દરગાહ કે પીરની કબર માટે.
એકવાર સંપતિ કે મિલકતને વકફ કર્યા પછી તેના માલિકનો તેના પાર કોઈ અધિકાર રહેતો નથી. વકફ સંપતિના વહીવટ માટે મુતવલ્લીની નિયુક્તિ કરવામા આવે છે. મુતવલ્લીના કાર્યોના નિરીક્ષણ અને નિયંત્રણ માટે કાયદામાં કેટલીક જોગવાઈઓ આપવામાં આવી છે. આમ વકફ થયેલ સંપતિનું સંચાલન મુતવલ્લી અને તેના કાયદાઓ દ્વારા થાય છે.
આજે ભારતમાં અનેક વકફ બોર્ડ અસ્તિત્વમાં છે. પણ તેમાં મહદઅંશે કટ્ટરપંથી, અંધવિશ્વાસુ અને અશિક્ષિત મુસ્લિમો હોવાને કારણે વક્ફના નાણા મીઠાઈ વિતરણ, રોશની અને સુશોભન જેવી તુચ્છ બાબતોમાં ખર્ચાય છે. પરિણામે મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક કે શૈક્ષણિક વિકાસ થતો નથી. વક્ફના નાણા શાળા-કોલેજના સંચાલન, વિદ્યાર્થી છાત્રાલયો અને એવા જ સમાજપયોગી કાર્યો પાછળ જયારે ખર્ચતા થશે ત્યારે મુસ્લિમ સમાજના વિકાસ અર્થે અન્ય દિશામાં ચાતક નજરે જોવું નહિ પડે-આમીન.

No comments:

Post a Comment