Tuesday, September 27, 2011

ઇસ્લામિક ટોપી અર્થાત તાકીયાહ : ડૉ.મહેબૂબ દેસાઈ

આજકાલ ઇસ્લામિક ટોપી કાફી ચર્ચામા છે. મા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના ઉપવાસના બીજા દિવસે વડોદરાના એક મૌલવીસાહેબએ નરેન્દ્રભાઈને ઇસ્લામિક ટોપી પહેરાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. તેમના એ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ પણ નમ્રભાવે નિષ્ફળ બનાવ્યો હતો. જો કે આ ઘટનાને લીધે ગુજરાતના સમગ્ર મુસ્લિમ સમાજમા "કોઈ નહિ હૈ હમારા" જેવી ભાવના ગંઠીત થતા ઘેરા દુઃખની લાગણી પ્રસરી છે. તેની પાછળની એક માત્ર દલીલ સમગ્ર મુસ્લિમ સમાજમાં એવી થઈ રહી છે કે મા. મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ દરેક સમાજની ટોપી ધારણ કરી છે. તેની સાક્ષી પુરતી અનેક તસ્વીરો અખબારોના પાનાઓ પર પ્રસિદ્ધ થઈ ચુકી છે.તો પછી માત્ર ઇસ્લામિક ટોપી પ્રત્યે આવો પક્ષપાત શા માટે ? અને તે પણ ગુજરાતમાં સદભાવના કે ભાઈચારો પ્રસરાવવાના હેતુથી જ્યારે તેમણે ખુદે આટલું ભવ્ય આયોજન કર્યું હતું એ જ મંચ ઉપરથી શા માટે મુખ્યમંત્રીશ્રી એ આવી ચેષ્ટ કરી ? તેનો જવાબ કોઈ સામાન્ય નાગરિક આપી શકે તેમ નથી. તેનો જવાબ તો મુખ્યમમંત્રીશ્રી ખુદ જ આપી શકે. એટલે મુસ્લિમ સમાજની એ વ્યથાને માત્ર સ્પર્શી આજે મારે અત્રે ઇસ્લામિક ટોપીના મૂળ અને ઉદેશ અંગે થોડી વાતો કરવી છે.
ઇસ્લામિક ટોપી માટે એરેબીક ભાષામાં "તાકીયાહ" શબ્દ પ્રયોજાયો છે. મુસ્લિમો તાકીયાહ ગમે તે રંગની ધારણ કરી શકે છે. કારણ કે ઇસ્લામમાં એ અંગે કોઈ રૂઢ આદેશ નથી. વળી, ટોપીના આકાર બાબત પણ ઇસ્લામમાં કોઈ નિશ્ચિત ઉલ્લેખ જોવા મળતો નથી. આમ છતાં ભારતમાં ઇસ્લામના અનુયાયીઓ સફેદ, લીલી કે કાળી ગોળ ટોપી મોટે ભાગે ધારણ કરે છે. ભારત સિવાય વિશ્વના અન્ય મુસ્લિમ રાષ્ટ્રોમાં જુદા જુદા પ્રકારની ઇસ્લામિક ટોપી ધારણા કરવામા આવે છે. જેમાંની એક છે તુરબન કેપ. જે ગોળ અને ઉંચી હોય છે. ઇસ્લામિક હદીસમાં અબુ દાઉદનું એક અવતરણ છે કે,
"મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે સામાન્ય મુસ્લિમ અને આલીમ વચ્ચેનો ભેદ ટોપીને કારણે વ્યક્ત થાય છે. આલીમ તુરબન ટોપી ધારણ કરે છે જ્યારે સમાન્ય મુસ્લિમ ગોળ અને માથાને બંધ બેસતી ટોપી પહેરે છે."
ટોપી ફરજીયાત ધારણ કરવા બાબત પણ ઇસ્લામમાં કોઈ આદેશ નથી. મક્કા અને મદીનાની મારી હજ યાત્રા દરમિયાન સાઉદીવાસીઓ ઉપરાંત અનેક વિદેશી મુસ્લિમોને મેં ટોપી વગર નમાઝ અદા કરતા મક્કા અને મદીનામાં મેં જોયા છે.પણ ભારતમાના ઇસ્લામ અને મહંમદ સાહેબના અનુયાયીઓ ટોપી કે માથું ઢાંક્યા વગર નમાઝ કે કુરાને શરીફ પઢતા નથી. માથાને ઢાંકવા માટે ભારતના મુસ્લિમો રૂમાલનો ઉપયોગ પણ કરતા જોવા મળે છે. કારણે કે તેમના માટે ટોપી કે રૂમાલ દ્વારા માથું ઢાંકવું એ ખુદાની બંદગી અને કુરાને શરીફના અધ્યયન માટે માનસુચક ક્રિયા છે. વિશ્વના મોટાભાગના મુસ્લિમો આ બાબતને સ્વીકારે છે. અને એટલે જ ભારતના મુસ્લિમો ટોપી ધારણ કરી મુસ્લિમ હોવા અંગેની પોતાની ઓળખ ગર્વથી વ્યક્ત કરે છે.

જો કે અરબસ્તાનમા ઇસ્લામિક સંસ્કારોના આગમન પૂર્વે પણ ટોપી કે કપડાથી માથું ઢાંકવાની પ્રથા પ્રચલિત હતી. એ માટે ત્યાની ભૌગોલિક સ્થિતિ જવાબદાર છે. અરબસ્તાન એ ખુલ્લા રણની તપતી રેતીનો પ્રદેશ છે. ત્યાંની ગરમીથી માથાને બચાવવા કે પવન ને કારણે ઉડતી ગરમ રેતીથી મો અને માથાને રક્ષવા માટે ટોપી રાખવાની પ્રથા વર્ષોથી અસ્તિત્વમાં છે. જો કે સાઉદી અરેબીયા જેવા રણ પ્રદેશમાં ટોપીના સ્થાને માથાને ઢાંકવા "ઇગાલ"નો ઉપયોગ વિશેષ થાય છે. માથા પર રંગીન રૂમાલી ઓઢી તેના પર કાળી રેશમી દોરી બાંધવાની ક્રિયાને ઇગાલ કહે છે.આરબો ઇગાલ સાથે તોપ પહેરે છે. તોપ એટલે મોટો ઝભો(ફફની). પણ આ ઝભો છેક પગ સુધી લાંબો હોય છે. સંપૂર્ણ શરીરને ઢાંકી દે છે. તેની પાછળનો ઉદેશ પણ અરબસ્તાનની ગરમ રેતીથી શરીરને બચાવવાનો જ છે.

વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોમાં ઇસ્લામના અનુયાયીઓ જુદા જુદા પ્રસંગે ટોપીનો ઉપયોગ કરે છે. ઈંગ્લેન્ડમાં તેને પ્રાર્થના ટોપી કહે છે. જે નમાઝ સમયે પહેરવામા આવે છે. મલેશિયામાં બનેલી મશીનમાં ગૂંથીને તૈયાર થયેલી કાપડની સફેદ ટોપીનો ઉપયોગ ઈંગ્લેડ અને વિશ્વના મુસ્લિમ દેશોમાં વિશેષ થાય છે.ખુદા પ્રત્યેના લગાવ અને પ્રેમને અભિવ્યક્ત કરવા પણ કેટલાક મુસ્લિમો ટોપી નિયમિત ધારણ કરે છે. જેમ કે પાંચ સમયની નમાઝ નિયમિત અદા કરતા મુસ્લિમ ચોવીસે કલાક ટોપી પહેરી રાખે છે. ઇસ્લામમાં નમાઝ ઉપરાંત અન્ય ધાર્મિક પ્રસંગોમાં પણ ટોપી ધારણ કરવામા આવે છે. જેમકે નિકાહ કે જનાજાને કાંધો આપતી વખતે ટોપી પહેરવાની પ્રથા છે. તેમાં પણ મુખ્યત્વે પ્રસંગની ગરીમા જાળવવાનો ઉદેશ સમાયેલો છે.
ઇસ્લામિક ટોપીને જુદા જુદા દેશોમાં ભિન્ન નામો પ્રદાન થયા છે. ઈગ્લેન્ડમાં તેને પ્રાથના ટોપી કહે છે. અફઘાનિસ્તાનમાં તેને પાકોમ કહે છે. જે મોટે ભાગે સલવાર –કમીઝ કે સુટ પર પહેરવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં તેને પીકી કહે છે. તેનો સમાવેશ રાષ્ટ્રીય પોશાક તરિકે કરવામા આવે છે.માલવ દેશમાં તેને થોપી કહે છે. જ્યારે ચીનમાં તેને હુઈ કહે છે. મલેશિયામાં બાજુમેલાયુ તરીકે તે જાણીતી છે.

આ તમામ બાબતો ઇસ્લામિક ટોપીને માન અભિવ્યક્ત કરવાના માધ્યમ તરીકે રજુ કરે છે. તેમાં કયાંય રૂઢીચુસ્ત ઇસ્લામિક વિચારને સ્થાન નથી.

No comments:

Post a Comment