Tuesday, August 30, 2011

ગીતા અને કુરાન* : ડો. મહેબૂબ દેસાઈ


૧. ભૂમિકા:

વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા.અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,
"આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?"
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,
"આધ્યાત્મ એટલે
૧. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો
૨. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા
૩. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા
૪. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ."(૧)

વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમા આપણા બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે. જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મુલ્ય નિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે. જો કે અત્રે એ વિચારોનો પૂર્ણ તુલનાત્મક અભ્યાસ કરવો સંભવ નથી. પણ તેના થોડા છાંટાઓનું આપને આચમન કરાવવાનું પ્રયોજન છે.

૨. ગ્રંથ અને રચયતા:

ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર(ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં મુલ્યનિષ્ઠધર્મ કેન્દ્રમાં છે. કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ

પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબ પણ માનવજાતીના મસીહા બની
ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. જેમણે અરબસ્તાનની જંગલી અને અંધશ્રદ્ધામાં જીવતી પ્રજાને ખુદાનો સંદેશ સંભળાવી, માનવતાના પાઠ ભણાવ્યા હતા. તેમને ખુદા તરફથી "વહી" દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ. બંને દેવી પુરુષોનું જીવન સામ્ય પણ જાણવા જેવું છે.
શ્રી કૃષ્ણ પૂર્ણ સંસારી હતા. તેમણે ન તો સંસારનો વિરોધ કર્યો હતો, ન સન્યાસ્તની પક્કડમાં આવ્યા હતા. તેમણે આઠ લગ્નો કર્યા હતા. તેમની પત્નીઓના નામ રુકમણી, જાંબુવંતી, સત્યભામા, ભદ્રા, મિત્રવૃંદા, સત્યા, કાલિંદી અને લક્ષ્મણા હતા.(૨) મહંમદ સાહેબ (સ.અ.વ.)પણ સંસારી હતા. તેમણે દસ નિકાહ કર્યા હતા. તેમની પ્રથમ પત્ની ખદીજા તેમના કરતા ઉમરમાં ૧૫ વર્ષ મોટા હતા. એ પછી હઝરત આયશા, હઝરત સવદા, હઝરત હફ્ઝા, હઝરત હિંદ,હઝરત ઝેનબ, હઝરત જુવેરીયા,હઝરત સફિયા, હઝરત ઉમ્મા-હબીબા અને હઝરત મેમુના સાથે તેમના નિકાહ થયા હતા.(૩) મહંમદ સાહેબના પ્રથમ નિકાહને બાદ કરતા બાકીના તમામ નિકાહ એ સમયની સામાજિક અને રાજકીય જરૂરીયાતનું પરિણામ હતા. આમ બંને મહાપુરુષો સંસારી હોવા છતાં તેમની ઈબાદત અને આધ્યાત્મિક ઊંચાઈ અદભૂત હતી. એ તેમના ઉપદેશોમાંથી ફલિત થાય છે.

૩. પ્રથમ શબ્દ અને પ્રથમ શ્લોક:

ગીતાનો આરંભ "ધર્મક્ષેત્ર" અથવા "ધર્મભૂમિ" શબ્દથી થાય છે. જયારે કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ" શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,

"હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?"(૪)

શ્રીમદ્ ભગવદ ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશાદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ " અર્થાત "શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે" એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ

ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે,

"પ્રશંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ,એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી"(૫)

ઉપરોક્ત આયાતમા એક વાક્ય "રબ્બીલ આલમીન" આવે છે. જેનો અર્થ "સમગ્ર સૃષ્ટિનો રબ" થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા "રબીલ મુસ્લિમ" માત્ર "મુસ્લિમોનો ખુદા" શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો છે.

૪. યુધ્ધના સમાન ઉદેશો:

ઇસ્લામના ઇતિહાસમાં કરબલાના યુદ્ધ (ઈ.સ.૬૮૦)નું અત્યંત મહત્વ છે. પણ તેનો ઉલ્લેખ સુધ્ધા કુરાને શરીફમાં નથી. કારણ કે કરબલાનું યુદ્ધ મહંમદ સાહેબના અવસાન (ઈ.સ.૬૩૨) પછી ૪૮ વર્ષે લડાયું હતું. કુરાને શરીફમાં વિસ્તૃત રીતે માત્ર બે જ યુદ્ધોનો ઉલ્લેખ છે. જંગેબદ્ર અને જંગેઅહદ
કુરાને શરીફમાં જેનો સૌ પ્રથમ ઉલ્લેખ છે તે જંગેબદ્ર ૧૩ માર્ચ ઈ.સ. ૬૨૪ (૧૭ રમઝાન હિજરી ૨) બદ્ર (સાઉદી અરબિયા) નામની હરિયાળી ખીણમાં વસંત ઋતુમા લડાયેલ, કુરુક્ષેત્ર જેવું જ યુદ્ધ છે. જે રીતે કૌરવોએ પાંડવો ઉપર અત્યાચારો કર્યા, તેમની મિલકત પડાવી લીધી. તેમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. તેમના ઘરોને આગ લગાડી દીધી. અને ૧૨ વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ એમ ૧૩ વર્ષનો દેશ નિકાલ કર્યો. એ જ પ્રમાણે મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ તથા તેમના અનુયાયીઓને ઉપરોક્ત તમામ યાતનાઓ ૧૩વર્ષ સુધી આપી હતી. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓએ અત્યંત સબ્રથી તે સહન કરી. પણ જયારે અત્યાચારોની પરાકાષ્ટા આવી ગઈ ત્યારે મહંમદ સાહેબે પોતાના અનુયાયીઓ સાથે મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી.(૬) આમ છતાં મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ પર અત્યાચાર કરવાનું ચાલુ રાખું. તેમણે મહંમદ સાહેબે જ્યાં આશ્રય લીધો હતો, તે મદીના પર વિશાળ લશ્કર સાથે ચડાઈ કરી. એ સમયે કુરેશીઓ પાસે ૭૦૦ ઉંટ,૧૦૦ ઘોડા અને ૧૦૦૦ સૈનિકો હતા. જયારે મહંમદ સાહેબના પક્ષે માત્ર ૩૧૫ અનુયાયીઓ હતા.
ગીતામાં કૌરવોને "આતતાયી"(૭) કહેવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં અને અન્ય ગ્રંથોમાં આતતાયી શબ્દ એવા લોકો માટે વપરાયો છે, જેઓ આગ લગાડે છે. ઝેર આપે છે. લુંટ ચલાવે છે. અન્યની ભૂમિ કે સ્ત્રીનું હરણ કરે છે. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓ પર કુરેશીઓએ આવા જ જુલમ કર્યા હતા, તેના માટે કુરાને શરીફમાં "કાફિર" શબ્દ વાપરવામાં આવ્યો છે. કાફિર એટલે નાસ્તિક, નગુણો. ખુદા(ઈશ્વર)ની રહેમતો (કૃપાઓ)નો ઇનકાર કરનાર આવા કાફિરો સામે સૌ પ્રથમવાર યુદ્ધ કરવાની પરવાનગી આપતા કુરાને શરીફમાં કહ્યું છે,

"લડાઈ કાજે જેમના પર આક્રમણ કરવામાં આવે છે તેમને લડાઈ કરવાની પરવાનગી આપવામાં આવે છે. કારણ કે તેમના પર આ જુલમ છે. અને નિસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પુરતો છે." (૮)

બંને લશ્કરો એક બીજા સામે યુદ્ધ કરવા ઉભા હતા. એ સ્થિતિ પણ ગીતા અને કુરાને શરીફની સમાનતાનું ઉત્તમ ઉદાહરણ છે. કૌરવો અને પાંડવો જેમ જ આ બદ્રના યુધ્ધમાં પણ બંને પક્ષે એક બીજાના સગાઓ ઉભા હતા. કોઈના કાકા, મામા, ભાઈ, સસરા દ્રષ્ટિ ગોચર થતા હતા.ગીતામાં પોતાના
સગા સબંધીઓને જોઈ અર્જુનનું હદય દ્રવી ઉઠ્યું હતું. તેણે લડવાની ના પડી દીધી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું,

"હે અર્જુન, આવું નપુંસક વર્તન તારા જેવા વીર પુરુષને શોભતું નથી. તારા જેવા વીરને માટે આ શબ્દો કોઈ પણ સમયે યોગ્ય નથી. આ શુદ્રપણું, આ હદયની દુર્બળતા ત્યજી દે અને યુદ્ધ કરવા માટે ઉભો થા"(૯)
બરાબર એ જ રીતે કુરાને શરીફમાં યુધ્ધની સંમતિ મળવા છતાં અનેક મુસ્લિમોએ પોતાના સગા સબંધીઓ સામે લડવાની મહંમદ સાહેબને ના પાડી દીધી હતી. એ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

"આપના પરવરદિગારે આપને મદીનાથી હિકમત સાથે બદ્ર તરફ મોકલ્યા હતા.પણ મુસલમાનોનું એક જૂથ તેને ના પસંદ કરતુ હતું"(૧૦)

યુદ્ધ માટે ઇન્કાર કરતા અનુયાયીઓને સમજાવવા મહંમદ સાહેબે ઉપવાસ કર્યા, ખુદાને પ્રાર્થના કરી. ત્યારે મહંમદ સાહેબ પર કુરાને શરીફની નીચેની આયાત ઉતરી હતી. જેમાં કહ્યું હતું,

"તમારા પર જિહાદ(ધર્મયુદ્ધ) ફરજ કરવામાં આવેલ છે. તેથી તેનો ઇન્કાર કરવો તે યોગ્ય નથી. સંભવ છે કે જે વાત તમને યોગ્ય ન લાગતી હોય, તે જ વાત તમારા હિતમાં નિવડે અને જે વાત તમને યોગ્ય લાગતી હોઈ તે તમારા માટે અહિતની સાબિત થાય. અલ્લાહ દરેક બાબત સારી રીતે જાણે છે. પણ તમે જાણતા નથી"(૧૧)

"તમે એવા લોકો સાથે કેમ લડતા નથી, જેઓએ પોતાના સૌગંદ તોડી નાખ્યા અને રસુલ (મહંમદ સાહેબ)ને મક્કાથી હાંકી કાઢવાની તજવીજ કરી. અને તેઓ એ જ પ્રથમ લડવાની તમને ફરજ પાડી છે."(૧૨)
અને આમ બદ્રની હરીયાળી ખીણમાં બંને ફોજો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ મહંમદ સાહેબની ફોજમાં ધર્મ અને ન્યાય માટે લડવાનો અદભૂત જુસ્સો હતો. તેનું એક ઉત્તમ ઉદાહરણ ઇસ્લામી હદીસમાં નોંધાયેલું છે. યુધ્ધમાં મહંમદ સાહેબના પક્ષે મુસ્લિમોની સંખ્યા અત્યંત ઓછી હતી. જયારે કુરેશીઓ પાસે સંખ્યા બળ અને લશ્કરી સરંજામ વધુ હતો. એવા સમયે મહંમદ સાહેબના લશ્કરમાં એક

વ્યક્તિ પણ વધે તો તેનું ઘણું મહત્વ હતું. એવા કપરા સમયે બે મુસ્લિમો હિજૈફ બિન યમન અને અબુ હુસૈન મહંમદ સાહેબ (સ.અ.વ.)પાસે આવ્યા. અને કહ્યું,

“હે રસુલ , અમે મક્કાથી આવતા હતા ત્યારે રસ્તામાં અમને કુરેશીઓ એ પકડી લીધા હતા. અમને એ શરતે છોડ્યા છે કે અમે લડાઈમાં આપને સહકાર ન આપીએ. અમે મજબુરીમાં તેમની એ શરત સ્વીકારી હતી. પણ અમે તમારા પક્ષે લડવા તૈયાર છીએ.”

મહંમદ સાહેબ તેમની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી ફરમાવ્યું,

“હરગીઝ નહિ.તમે તમારો વાયદો પાળો. અને યુદ્ધથી દૂર રહો. અમે કાફરો સામે અવશ્ય લડીશું. અમને ખુદા જરૂર મદદ કરશે.”(૧૩)
આમ મુલ્યોના આધારે લડાયેલ આ યુધ્ધમાં કુરેશીઓ પાસે વિશાળ લશ્કર હોવા છતાં તેમને રણક્ષેત્ર છોડી ભાગવું પડ્યું. મહંમદ સાહેબના ૧૪ અને કુરેશીના ૪૯ માણસો યુદ્ધમા હણાયા. અને તેટલા જ કેદ પકડાયા

૫. ઈશ્વર-ખુદાની પરિકલ્પના:

ગીતા અને કુરાનની આટલી પ્રાથમિક ભૂમિકા પછી બંનેના તાત્વિક અને અધ્યાત્મિક વિચારોમાં રહેલ સામ્યતા પર થોડી નજર કરીએ. ગીતા અને કુરાને શરીફમાં ઈશ્વર કે ખુદાના વિચાર અંગેની સમાનતા નોંધનીય છે. ગીતાના અનેક શ્લોકોમાં ઈશ્વર માટે “જ્યોતિષામપિતુજ્જ્યોતિ” (૧૩.૧૭) અર્થાત “પ્રકાશોમાનો પ્રકાશ” શબ્દ વપરાયો છે. કુરાને શરીફમાં “નુરૂનઅલાનુર” (નુર ૩૫) શબ્દ પ્રયોજાયો છે. જેનો અર્થ થાય છે “પ્રકાશનો પ્રકાશ” એ જ રીતે કુરાને શરીફમાં એક જગ્યાએ “નુરસ સમાવત વલ અરદે” શબ્દ પ્રયોજાયો છે. તેમાં ખુદાને “ધરતી અને આકાશનો પ્રકાશ” કહેવામાં આવેલ છે.
ઈશ્વર-ખુદાના કાર્યને વ્યક્ત કરતા ગીતામાં કહ્યું છે,

“હે પાર્થ, તેઓ ઉપર કૃપા કરવાને તેમના અંતકરણમા બેઠેલો હું ઐક્યભાવથી સ્થિર છું. તેના અંતરમાં જો અજ્ઞાન રૂપી તમ ઉત્પન થાય તો હું મારા દિવ્ય તત્વજ્ઞાનના દીપક વડે તે તમસને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશથી જ્યોત પ્રગટાવું છું. જેથી અજ્ઞાનના અંધકારનો નાશ થાય છે” (૧૪)

કુરાને શરીફમાં પણ આ જ વિચારને આગળ ધપાવતા લખ્યું છે,
"જે લોકો ઈમાન લાવે તેમનો સહાયક અલ્લાહ છે. તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ
લઇ આવે છે." (૧૫)
ઉપનિષદમા પણ આ જ વાત કહેવામાં આવી છે. “તમસો મા જ્યોતિર્મય" "અમને તીમીરમાંથી જ્યોતિ
તરફ લઇ જા." મહંમદ સાહેબની પ્રાર્થનામા પણ આ જ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. "હે અલ્લાહ મને પ્રકાશ આપ" ખુદા-ઈશ્વર સર્વવ્યાપી છે. તે ચારે દિશામાં પોતાની દ્રષ્ટિ રાખે છે. તેની નજરથી કશું દૂર

નથી. ગીતાના દસમાં અધ્યાયના ૩૩મા શ્લોકમાં ઈશ્વર માટે "વિશ્વતોમુખ" શબ્દ પ્રયોજાયો છે. અર્થાત ઈશ્વર સર્વ તરફ દ્રષ્ટિ રાખનાર છે. કુરાને શરીફમા પણ આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે,

"પૂર્વ અને પશ્ચિમ સર્વ દિશાઓ અલ્લાહની જ છે. માટે તમે જે દિશા તરફ મુખ કરો છો તે દિશા તરફ અલ્લાહ પોતાની રહેમત (કૃપા) કરે છે." (૧૬)

૬. કર્મ અર્થાત આમાલનો સિધ્ધાંત:

ઇસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે.માનવીના કર્મના આધારે જ ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી
ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મનો સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

"કર્મણયેવાધીકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી"

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪. તારો અકર્મમાં સંગ ના થશો.(૧૭)

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે. ઇસ્લામમાં કર્મને "આમાલ" કહેલ છે. કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. "અલ આમલ બીન નિયતે" અર્થાત "સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે" દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે "ફી સબીલિલ્લાહ" અર્થાત "ખુદાના માર્ગે કર્મ કર" અને તારા એ નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

"અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યાજ આપીશું.
અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું"(૧૮)

"જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ"(૧૯)
"એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે"(૨૦)

ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
"આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે"(૨૧)

૭. એકેશ્વરવાદ અર્થાત તોહીદ:

ઇસ્લામના મૂળભૂત સિધાંતોમા બે બાબતો પાયાની છે.
૧. તોહીદ એટલે એકેશ્વરવાદ.
૨. સત્કાર્યો.
તોહીદ એટલે એકેશ્વરવાદ ઈસ્લામનો સૌથી મોટો સિધ્ધાંત છે. અને કુરાનના બધા જ ઉપદેશોનો અર્ક છે. ઇસ્લામના પ્રથમ કલમામાં જ કહ્યું છે "લાહી લાહા ઇલલ્લાહ મહંમદુર રસુલીલ્લાહ" અર્થાત ઈશ્વર એક છે અને મહંમદ તેના પયગમ્બર છે. પણ આ માન્યતાને અન્ય ધર્મીઓ પર બળજબરીથી લાદવાની ઇસ્લામમાં સખત મનાઈ કરવામાં આવેલ છે. કુરાને શરીફમાં એ માટે ખાસ કહ્યું છે,
“લા ઇકરા ફીદ્દીન” અર્થાત ધર્મની બાબતમાં કોઈ પણ પ્રકારની જબરજસ્તી ન કરશો”(૨૨)
ગીતાના ભક્તિયોગ અધ્યાય ૭ થી ૧૨મા પણ એકેશ્વરવાદ ને પર પ્રાધાન્ય આપેલ છે. સર્વ શક્તિમાન એક માત્ર ઈશ્વર છે. તેને ગમે તે સ્વરૂપે કે નામે પૂજો કે ઈબાદત કરો, તે તમને સાંભળે છે, તમારી મદદ કરે છે. ગીતાના નવમાં અધ્યાયના ૨૭મા શ્લોકમાં કહ્યું છે,

"હે કુંતી પુત્ર, જે ભક્તો શ્રધ્ધાથી યુક્ત થઈ બીજા દેવોને પુજે છે. તેઓ પણ અવિધિ પૂર્વક મને જ પુજે છે"
અર્થાત શાસ્ત્રોમાં જે જે દેવોનું વર્ણન આવે છે તે તમામ દેવો આખરે તો પરમાત્માના અંગભૂત છે. પરમાત્મા જ આ તમામ દેવોના સ્વામી છે.(૨૩) અવતારો,પયગમ્બરો દરેક યુગમાં પ્રજાને ધર્મનો માર્ગ ચીંધવા પૃથ્વી પર અવતર્યા છે. અલબત્ત તેમના નામ, સ્વરૂપ ,સમાજ, સ્થાન અને યુગ ભિન્ન છે. પણ

તેમનું મુખ્ય કાર્ય માનવજાતને સદ્ માર્ગે ચલાવવાનું છે. કુરાને શરીફમાં આ જ અર્થને સાકાર કરતી આયાતો કહ્યું છે,

"દરેક ઉમ્મત માટે પયગમ્બર અને ધર્મનો માર્ગ દેખાડનાર થયા છે"
"અને જે પયગમ્બર જે પ્રજા માટે મોકલવામાં આવેલ છે તેને તે પ્રજાની ભાષામાં સંદેશ આપીને મોકલવામાં આવેલ છે, જેથી તે સ્પષ્ટ રીતે સમજાવી શકે"(૨૪)

ઈશ્વરની એકતા સાથે જ ઇબાદત-ભક્તિની રીત પણ દરેક ધર્મમા ભિન્ન છે. તેનો ઉલ્લેખ પણ ગીતાના આ શ્લોકમાં સ્પષ્ટ થાય છે,

"જેઓ જે પ્રકારે (રીતે) મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું. અર્થાત ફળ આપું છું. હે પાર્થ મનુષ્ય સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે(૨૫)

કુરાને શરીફમાં આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે,
"અલ્લાહે સર્વ માટે નિતનિરાળા રીતરીવાજો તથા પૂજા વિધિઓ નિર્માણ કરી છે. અલ્લાહની ઈચ્છા હોત તો તમને સૌને એક જ કોમના બનાવી દેત.પરંતુ અલ્લાહની ઈચ્છા હતી કે જેને જે માર્ગ દેખાડ્યો છે તે રસ્તે તે ચાલે. તેથી ભેદભાવોમા ન પડો ને સત્કાર્યોની હોડ કરો. સર્વને અંતે તો અલ્લાહની શરણમાં જ જવાનું છે" (૨૬)

૮. ઇલ્મ કે જ્ઞાનનો મહિમા:

ગીતા અને કુરાન બંનેમા જ્ઞાનનો મહિમા વ્યક્ત થયો છે. જ્ઞાન વગરનો માનવી ધર્મ કે સમાજના વિકાસમા સહભાગી બની શકતો નથી. કુરાનમાં તો ઇલ્મ અર્થાત જ્ઞાનનું મુલ્ય મહંમદ સાહેબે તેમના પર ઉતરેલ પ્રથમ આયાતમાં જ વ્યક્ત કર્યું છે. મહંમદ સાહેબ હંમેશા રમઝાન માસમા સંસારથી અલગ થઈ ગારે હીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં ગુજારતા. દર વર્ષની જેમ એ રમઝાન માસમાં પણ મહંમદ સાહેબ રમઝાન માસના આરંભે જ ગારે હીરામાં આવી ચડ્યા હતા. મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વ્હાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું હતું. છતાં પુત્રના અવસાનના ગમમાં જરા પણ વિચલિત થયા વગર તેઓ ખુદાની ઇબાદતમાં રત રહ્યા. અને ત્યારે મહંમદ સાહેબ પર રમઝાન ૨૧ મંગળવાર, ૧૦ ઓગસ્ટ ઇ.સ.૬૧૧ના રોજ પ્રથમ વહી ઉતારી. "વહી" એટલે છુપી વાતચીત,ઈશારો. ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ,પયગામ. અંગ્રેજીમાં તેને રીવીલેશન (Revelation) અર્થાત સાક્ષાત્કાર કહે છે. એ મનઝર ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬ માસ અને ૧૨ દિવસની હતી. રમજાન માસનો એક્વીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા.ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર

એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને "રુહુલ કુદ્સ" અને "રુહુલ અમીન" કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત
હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબને કહ્યું, "ઇકરાહ". એ ઘટનાનું વર્ણન કરતા ઇબ્ને હિશામી તેમના ગ્રંથ "સીરતુન-નબી"મા લખે છે,

"ત્યારે આવ્યા જિબ્રીલ મારી પાસે તે વેળા હું ઊંઘમા હતો. તેઓ એક રેશમી કપડું લાવ્યા હતા. તેમાં કંઈક લખેલું હતું. પછી તેમણે મને કહ્યું, પઢો(ઇકારહ). મેં કહ્યું હું પઢેલો નથી. ત્યારે તેમણે મને પકડીને

ભીંસમાં લીધો. ત્યાં સુધી કે મને થયું હું જાનથી ગયો. પછી તેમણે મને છોડી દીધો. અને ફરીવાર કહ્યું કે પઢો. મેં કહ્યું કે કેવી રીતે પઢું ? મને પઢતા નથી આવડતું ( ‘મા અના તિ-કારિ-ઇન)"(૨૭)

આવું ત્રણ વાર થયું. ચોથીવાર ફરિશ્તાએ આખી આયાત સંભળાવી અને તે પઢવા મહંમદ સાહેબ(સ.અ.વ.)ને કહ્યું. ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર
ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાત ન તો ઇસ્લામના નિયમો વ્યક્ત કરે છે. ન ઈબાદત ની ક્રિયા.
એ આયાતમાં કોઈ ધાર્મિક રીતરીવાજો કે ક્રીયાકાંડોની વાત નથી. એ આયાત માત્રને માત્ર ખુદાએ કરેલ વિશ્વ અને માનવીના સર્જન સાથે શિક્ષણ અને જ્ઞાનને વાચા આપે છે. તે તરફ ચાલવાનો માનવીને આદેશ આપે છે. એ પ્રથમ આયાતમાં કહ્યું છે,

"પઢ-વાંચ પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાથી ઇન્સાનનું સર્જન કર્યું છે, એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે. અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે તમામ તેને શીખવી છે.".(૨૮)

એજ બાબત ગીતામા પણ વ્યક્ત થયેલી છે. ગીતાના ૧૩ થી ૧૮મા અધ્યાયને જ્ઞાનયોગ કહ્યો છે. તેમાં જ્ઞાનીના લક્ષણોની ચર્ચા ૧૩મા અધ્યાયના ૮ થી ૧૨ શ્લોકોમાં વિસ્તૃત રીતે કરવામા આવી છે. એ મુખ્ય લક્ષણોમાં અદંભીપણું, ક્ષમા, અનાસક્તિ, સરળતા, ચિત્તની શાંતિ, નિરાભિમાની, સ્થિરતા, પવિત્રતા, અહિંસાનો સમાવેશ થાય છે.(૨૯) એ જ રીતે કર્મયોગમાં પણ વારંવાર જ્ઞાનની વાત કરેલી છે. ચોથા અધ્યાયના ૩૭ થી ૪૨નાં અંતિમ અધ્યાયમાં જ્ઞાન અંગેના શ્લોકો જોવા મળે છે. એ બાબત સૂચવે છે કે ગીતા અને કુરાન એ માત્ર ધર્મગ્રંથો નથી. પણ જીવન જીવવાની કળા શીખવતા આધ્યાત્મિક ગ્રંથો છે. ગીતાના ચોથા અધ્યાયના કેટલાક શ્લોકો કુરાનની મહંમદ સાહેબ પર ઉતરેલ ઉપરોક્ત પ્રથમ આયાતની વધુ નજીક લાગે છે . એ શ્લોકોમાં કહ્યું છે,

“હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે, કારણ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાય જાય છે.”
“કારણ કે જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કશું જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ પોતામાં પામે છે”(૩૦)

૯. માનવીય અભિગમ:

આમ તો દરેક ધર્મ અને તેના ગ્રંથોમા માનવ અને માનવતા કેન્દ્રમાં છે. પણ તેની અભિવ્યક્તિ જુદા જુદા શબ્દો અને વિચાર દ્વારા થઈ છે. ગીતાના ૧૬મા અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકોમા દૈવી સંપતિ
વાળા માનવીના લક્ષણો આલેખ્યા છે. એ લક્ષણો માનવીને માનવતા તરફ દોરે છે. નિર્ભયતા,જ્ઞાન, સંયમ,અહિંસા, અક્રોધ,શાંતિ, સ્વાધ્યાય,દાન,નિષ્ઠા અને સરળતા જેવા ગુણો માનવીને દૈવી પુરુષ
બનાવવા કરતા માનવી બનાવવા તરફ નિર્દેશ કરે છે. પ્રભુને પામવાની સૌ પ્રથમ શરત માનવ માનવ વચ્ચે પ્રેમ છે. એ વાતને સાકાર કરતા ગીતાના કેટલાક શ્લોક જાણવા જેવા છે.

"હે પાંડવ, જે મારો ભક્ત મારા માટે કાર્ય કરનારો, મારે પરાયણ રહેનારો, આસ્તિક વિનાનો અને સર્વ પ્રત્યે વેર રહિત હોઈ, તે મને પામે છે." (૩૧)
અર્થાત તે જ માનવી પ્રભુ નજદીક પહોંચી શકે છે જે પ્રાણી માત્રથી વેર રાખતો નથી.

"સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે યજ્ઞ દ્વારા સર્વ પ્રાણીમાત્રને ઉત્પન કરી, તેમને કહ્યું કે આ યજ્ઞથી જ (એટલે એકમેકની ભલાઈના કર્મોથી જ) સમૃદ્ધ થજો. ભલાઈના કર્મો જ તમને સારી સારી વસ્તુઓ અપાવનારા નીવડશે"(૩૨)
ઇસ્લામમાં આવી જ વિભાવનાને હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબ અને બીજા અનેક સંતોએ સાકાર કરી છે. હદીસોમાં મહંમદ સાહેબના માનવીય વ્યવહારના અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે.

એકવાર એક અનુયાયીએ મહંમદ સાહેબને પૂછ્યું,
"હે પયગમ્બર, ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"ભુખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું."
મહંમદ સાહેબ હંમેશા કહેતા,
"પોતાનો પડોશી ભૂખ્યો હોઈ ત્યારે જે માણસ પેટ ભરીને જમે છે, તે મોમીન (મુસ્લિમ) નથી"(૩૩)

અલબત્ત ઇસ્લામના અન્ય સંતોમાં સૂફીસંતોનો માનવીય અભિગમ જાણીતો છે.તેમના જીવન કવનનો

અભ્યાસ કરતા તેમની કેટલીક વિશિષ્ટતાઓ તરફ આપણું ધ્યાન જાય છે. જેમ કે,
૧. સાદગી પૂર્ણ જીવન
૨. સંયમી શુદ્ધ ચારિત્ર
૩. સેવાભાવી વૃતિ
૪. નિસ્વાર્થ અને પરોપકારીતા
૫. સામાજિક-ધાર્મિક સમાનતા.(૩૪)

મુસ્લિમ સંતોના આ લક્ષણો કુરાનમાં વ્યક્ત થયેલા અનેક માનવીય આયાતોના મૂળમાં છે. કુરાનમાં"ઇનલ્લાહ યુહીબ્બ્લ મુહ્સનીન" અર્થાત ખરેખર ખુદા તેને જ ચાહે છે જે બીજાની સાથે ભલાઈથી વર્તે છે. આ જ વિચાર કુરાનની અનેક આયાતોમાં વ્યક્ત થયો છે.
" આ એ લોકો છે જે ખુશી અને ગમ દરેક હાલતમાં ખુદાના નામે, ખુદાના માર્ગે ખર્ચ કરે છે અને ક્રોધને કાબુમાં રાખે છે. અને લોકોને ક્ષમા આપે છે. ભલાઈ કરનાર આવા લોકોને જ અલ્લાહ ચાહે છે, પ્રેમ કરે છે"(૩૫)
"અલ્લાહ એ આપેલ રોઝી રોટી ખાઓ. અને જમીન(દુનિયા-સમાજમાં)મા ફસાદ ન કરો"(૩૬)

"નિસંદેહ, મુસલમાન,યહુદી,ઇસાઈ, સાબીઈ આમાંથી જે લોકો એ અલ્લાહ અને તેના અંતિમ ન્યાયના દિવસ પર વિશ્વાસ કર્યો અને સદ્કાર્યો કર્યા તેને તેના ખુદા દ્વારા અવશ્ય પ્રતિફલ મળશે."(૩૭)

"જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા તેઓને અલ્લાહે વાયદો કર્યો છે કે તેઓના ગુનાહોને માફ કરી દેશે અને તેઓને પુણ્યના હક્કદાર બનાવશે"(૩૮)

ઇસ્લામમાં માનવીય સિધ્ધાંતને સાકાર કરવાના ઉદેશથી જ ઝકાત અને ખૈરાતને સ્વીકારવામાં આવેલ છે. ઝકાત એટલે ફરજીયાત દાન. જયારે ખેરાત એ મરજિયાત દાન છે. દરેક મુસ્લિમે પોતાની વાર્ષિક જંગમ અને સ્થાવર મિલકતના કુલ અઢી ટકા ઝકાત તરીકે ફરજીયાત કાઢવાના હોય છે.
ફરજીયાત દાન આપવાના આ સિધ્ધાંતમા પણ માનવતાને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. કુરાને શરીફમા કહ્યું છે,
“જે લોકો અલ્લાહ્નના માર્ગ પર પોતાનો માલ ખર્ચે છે(દાન આપે છે), અને લેનાર પર અહેસાન જતાવતા નથી તે જ ખુદા પાસેથી તેનો બદલો પામે છે”(૩૯)
“જે વ્યક્તિ માંગનાર સાથે નમ્રતાથી વર્તન કરે છે અને માંગનાર દુરાગ્રહ કરે તો પણ તેને દરગુજર કરે છે તે દાન કરતા પણ વિશેષ પુણ્નો હક્કદાર બને છે.”(૪૦)

આ આયાતોનો ઉદેશ પણ જરૂરતમંદો સુધી માનવીય માર્ગે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો છે. એ દ્વારા સમાન સમાજ રચનનો આદર્શ પણ સાકાર કરવાનો નેમ તેમાં રહેલો છે.

૧૦. ઇન્દ્રીઓ પર સંયમ:

ઈબાદત કે ભક્તિનો મહિમા બન્ને ગ્રંથોમાં વિશેષ આંકવામા આવ્યો છે. ઈબાદત કે ભક્તિના મીઠા ફળ ત્યારે જ પ્રાપ્ત થયા છે જયારે માનવી ઇન્દ્રીઓ પર સંયમ કેળવે છે. અને એટલે જ માનવીના કામ, ક્રોધ પર કાબુ રાખવા અંગે બંને ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. માનવ ઇન્દ્રીઓને વશ કરવા અંગે ગીતા કહ્યું છે,

"તે સર્વ ઇન્દ્રીઓને વશ કરી યોગીએ મારામાં લીન રહેવું, કેમ કે જેની ઇન્દ્રીઓ વશ (કાબુમાં)મા હોય છે, તેની બુદ્ધિ સ્થિર હોય છે." (૪૧)

કુરાનમાં આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે,
"જેઓ સુખમાં અને દુઃખમાં પણ દાન આપે છે અને ક્રોધ પી જાય છે, તેમજ લોકોના અપરાધોને માફ કરે છે,અલ્લાહ એવા ભલાઈ કરનારાઓને ચાહે છે." (૪૨)

"અલ્લાહ ઈચ્છે છે કે તમારા પર દયા કરે પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમે ખુદાના માર્ગેથી ઉલટા માર્ગે ભટકતા રહો." (૪૩)

એક હદીસમાં પણ મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે, આપણામાં બળવાન એ છે જે પોતાના ગુસ્સાને કાબુમાં રાખે છે"(૪૪)

આ જ વાતને ગીતાના નીચેના શ્લોકમાં વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
"ઇન્દ્રીઓ એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષોના મનને પણ તેઓ બળાત્કારે વાસનાઓ તરફ ખેંચે છે." (૪૫)
ખુદા કે ઈશ્વરની ઈબાદત-ભક્તિ માટે ઇદ્ન્રીઓને વશમાં રાખવી કે તેના પર સંયમ રાખવો એ બન્ને ધર્મ ગ્રંથોનો હાર્દ છે. અને તો જ ઈશ્વર કે ખુદાની નજીક જવાનો માર્ગ મોકળો બને છે. એ સત્યને વાચા
આપતા આ ગ્રંથો ભલે ભિન્ન સંપ્રદાયના હોય પણ તેમનો ઉદેશ એક જ છે.

૧૧. કથા સામ્ય:

ગીતા અને કુરાનની કથાઓમાં પણ સામ્યતા ઉડીને આંખે વળગે છે. તેનું એક દ્રષ્ટાંત અત્રે આપી આ અલ્પ તુલના પર પૂર્ણ વિરામ મુકીશ. ગીતાના કેન્દ્રમાં માત્ર ઉપદેશ છે. તેમા કોઈ કથા કે પાત્રોના વિવરણને સ્થાન નથી. પણ તેના પાત્રોની કથાઓ મહાભારત સાથે આનુષંગી રીતે જોડાયલી છે. એવી જ એક કથા છે કર્ણની. કર્ણના માતુશ્રી કુંતી મહાભારતનું અદભૂત પાત્ર છે. દત્તક પિતા કુંતીભોજને ત્યાં ઉછરેલી કુંતીએ યજ્ઞ માટે પધારેલ ઋષિ દુર્વાસાની ખુબ સેવા કરી.તેના બદલામાં ઋષિ દુર્વાસાએ કુંવારી કુંતીને વરદાન આપ્યું,

"તું જે દેવનું સ્મરણ કરીશ તે દેવ તારા ઉદરમાં પોતાના જેવો જ દૈવી પુત્ર નિર્માણ કરશે." (૪૬)

અને કુંવારી કુંતીને સુર્યદેવના માત્ર સ્મરણથી કર્ણ નામક પુત્રનો જન્મ થયો. આમ કોઈ પણ પુરુષના સ્પર્શ વગર પુત્રની પ્રાપ્તિ કુંતીને થઈ. કુરાને શરીફમાં આવી જ ઘટના હઝરત મરિયમ સાથે ઘટે છે. જેનું વર્ણન કુરાનના પ્રકરણ-૩ની સુરે આલે ઈમરાનમાં આપવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે,

"અને જયારે ફરિશ્તાએ કહ્યું ' હે મરિયમ અલ્લાહ તને એક ફરમાનથી ખુશ ખબર આપે છે. તને એક પુત્ર થશે.તેનું નામ ઇસા ઇબ્ને મરિયમ હશે. દુનિયા અને આખિરતમાં સન્માનિત થશે. અલ્લાહના સમીપવર્તી બંદાઓમાં તેને ગણવામાં આવશે' આ સાંભળી મરીયમે કહ્યું ' પરવરદિગાર, મને પુત્ર કેવી રીતે થશે ? મને તો કોઈ પુરુષે હાથ સુધ્ધા અડાડ્યો નથી' ઉત્તર મળ્યો 'આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે તે પૈદા કરે છે. તે જ્યારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર કહે છે થઈ જા(કુન) અને તે થઈ જાય છે"(૪૭)

અને આમ દુનિયામાં હઝરત ઇસા અલ્ય્સલ્લામનો જન્મ થયો. અલબત્ત કર્ણ અને ઇસા મસીહની તુલના ન કરી શકાય. કારણ કે બંનેની ભૂમિકા અને સ્થાન ભિન્ન છે. હઝરત ઇસા મસીહા ઇસ્લામના મોટા પયગમ્બર છે. અને ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુ છે. પણ અત્રે તો તેમનો ઉલ્લેખ બંને ગ્રંથોમાં વ્યક્ત થયેલી કથાની સામ્યતા ને વ્યક્ત કરવા પુરતો જ કરવામા આવ્યો છે.

૧૨. તારતમ્ય:

ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. આ તુલના પાછળનો મકસદ ભારતની સાંસ્કૃતિક વિરાસતમા વ્યક્ત થતી સદભાવના અને એકતા છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે. એ જ ઉદેશને સાકાર કરતા આ લેખને પૂર્ણ કરતા અંતમાં એટલું જ કહીશ,

"ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન"

અસ્તુ.પાદટીપ

૧. વિનોબા, કુરાનસાર, યજ્ઞ પ્રકાશન,વડોદરા, ૧૯૯૪,પૃ. ૧૮.
૨. દેરાસરી, ડાહ્યાભાઈ બેરિસ્ટર, પૌરાણિક કથા કોશ,ખંડ-૧, ગ્રંથલોક અમદાવાદ, જુન ૧૯૮૮, પૃ. ૧૫૮.
૩. પંડિત, સુંદરલાલ, હઝરત મહંમદ અને ઇસ્લામ,નવજીવન પ્રકાશન,અમદાવાદ,૧૯૬૪,પૃ.૧૦૬-૧૧૨.
૪. ઠક્કર હીરાભાઈ, શ્રીમદ ભગવદગીતા ભાવાર્થ,અધ્યાય-૧,શ્લોક-૩૬,કુસુમ પ્રકાશન,અમદાવાદ,
૨૦૦૧,પૃ ૧.
૫. દિવ્ય કુરાન (ગુજરાતી),અનુ. શેખ,ઝહીરૂદ્દીન,પ્ર,ઇસ્લામી સાહિત્ય પ્રકાશન,અહમદાબાદ,૧૯૮૬,
પૃ.૫૨,૫૩.
૬. ત્યારથી હિજરી સંવતનો આરંભ થયો
૭ . ઠક્કર હીરાભાઈ, શ્રીમદ ભગવદગીતા ભાવાર્થ,અધ્યાય-૧,પૃ ૩૨
૮. કુરાન-એ-શરીફ, પારા-૨૨, સુરે હજજ,આયાત-૩૯.
૯. સોની,ગુલાબરાય દેવજી, શ્રીમદ્દ ભગવત ગીતા,નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ,૨૦૧૧,પૃ. ૨૨
૧૦. કુરાન-એ-શરીફ, પારા-૮, સૂર-એ-અન્ફાલ, આયાત-૫
૧૧. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકારહ, આયાત-૨૧૬
૧૨. કુરાન-એ-શરીફ, પારા-૯ ,સુરે તવબહ, આયાત-૧૨
૧૩. હઈ, ડો. મુહંમદ અબ્દુલ (અનુ. નદવી અહમદ નદીમ),ઉસ્વા-એ-રસુલ અકરમ,ઇદારા ઈશાઅતે
દીનીયત,દિલ્હી,૨૦૦૯, પૃ.૩૦
૧૪. સોની,ગુલાબરાય દેવજી, શ્રીમદ્દ ભગવત ગીતા,પૃ.૧૫૮.
૧૫. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકરાહ, આયાત-૨૫૭.
૧૬. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકરાહ, આયાત-૧૧૫.
૧૭. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ.૧૩૭.
૧૮. કુરાન-એ-શરીફ, પારા-૩ ,સુરે આલે ઈમરાન, આયાત-૧૪૫ .
૧૯. કુરાન-એ-શરીફ, પારા-૬ ,સુરે અનઆમ , આયાત-૧૬૦.
૨૦. કુરાન-એ-શરીફ, પારા-૭ ,સુરે અઅરફ , આયાત-૧૪૭ .
૨૧. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ.૨૮૩.
૨૨. કુરાન-એ-શરીફ, પારા-૨,સુરે બકારહ, આયાત-૨૫૬
૨૩. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૭ થી ૧૨, પૃ.૧૪૬.
૨૪. દિવ્ય કુરાન (ગુજરાતી),અનુ. શેખ,ઝહીરૂદ્દીન,પૂર્વોક્ત ગ્રંથ, પૃ.૪૪૨ અને ૪૮૮
૨૫. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ ૧ થી ૬, પૃ.૨૮૧.
૨૬. કુરાન-એ-શરીફ, પારા-૫ ,સુરે માદઇહ,આયાત-૪૮.
૨૭. ઇબ્ન હિશામી, સીરતુન નબી-૧, નથુરાની અહમદ મુહંમદ (અનુવાદક-સંપાદક), પ્ર.મહંમ યુસુફ સીદાત
ચાસવાલા, સુરત, ૨૦૦૨,પૃ.૨૨૩
૨૮. દેસાઈ, મહેબૂબ, મુલ્યનિષ્ઠ મઝહબ ઇસ્લામ, ગુર્જર ગ્રંથ રતન કાર્યાલય, અમદાવાદ.૨૦૦૪,પૃ.૨૧૭.
૨૯. દવે,રક્ષાબહેન, ગીતા સુગીતા કર્તવ્યા,પ્ર.લેખક,૨૦૦૪, પૃ ૪૦.
૩૦. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ, ભાગ- ૧ થી ૬, પૃ. ૩૧૩ અને ૩૪૧.
૩૧. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ,ભાગ ૨, ૧૩ થી ૬, પૃ૩૩.
૩૨. પંડિત,સુંદરલાલ,(અનુ.ભટ્ટ ગોકુલભાઈ દોલતભાઈ), ગીતા અને કુરાન.નવજીવન
પ્રકાશન,અમદાવાદ.૧૯૬૩,પ્રુ૩૮
૩૩. પંડિત,સુંદરલાલ, હઝરત મહંમદ અને ઇસ્લામ,નવજીવન પ્રકાશન મંદિર,અમદાવાદ,૧૯૬૪,પૃ ૧૩૧.
૩૪. પાઠક,જગજીવન કાલિદાસ,મુસ્લિમ મહાત્માઓ, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ,૧૯૪૦.પુસ્તકમાં
આપેલ સૂફી સંતોના જીવન ચરિત્રોના અભ્યાસનું તારણ.
૩૫. કુરાને શરીફ, પારા-૪ ,આલી ઈમરાન,આયાત-૧૩૪.
૩૬. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ ,આયાત-૬૦.
૩૭. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ ,આયાત-૬૨.
૩૮. કુરાને શરીફ, પારા-૨,સુરે માઈદહ ,આયાત-૬૨.
૩૯. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ,આયાત-૨૬૧.
૪૦. કુરાને શરીફ, પારા-૨,સુરે બકરાહ,આયાત-૨૬૨.
૪૧. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ,ભાગ- ૧, થી ૬, પૃ.૧૬૬.
૪૨. કુરાને શરીફ, પારા-૩,સુરે આલે ઈમરાન,આયાત-૧૩૪.
૪૩. કુરાને શરીફ, પારા-૪,સુરે નિસાઅ,આયાત-૨૭.
૪૪. પંડિત,સુંદરલાલ, હઝરત મહંમદ અને ઇસ્લામ, પૃ ૧૩૧.
૪૫. ઠક્કર, હીરાભાઈ,પૂર્વોક્ત ગ્રંથ,ભાગ- ૧, થી ૬, પૃ.૧૬૫.
૪૬. દેરાસરી, ડાહ્યાભાઈ બેરિસ્ટર, પૌરાણિક કથા કોશ,ખંડ-૧, ગ્રંથલોક અમદાવાદ, જુન ૧૯૮૮, પૃ. ૧૪૨.
૪૭. કુરાને શરીફ, પારા-૩, સુરે આલે ઈમરાન, આયાત-૪૪ થી ૪૭.


----------------------------------------------------
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાન માળામા ૩૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ સવારે
૯.૪૫ કલાકે પાટકર હોલ, મુંબઈમાં આપેલ વ્યાખ્યાન.


No comments:

Post a Comment