Monday, August 22, 2011

બે પ્રસંગો : ડૉ. મહેબૂબ દેસાઈ

વિવેકાનંદ હિન્દોસ્તાનથી અમેરિકા જતા હતા. રામ કૃષ્ણ પરમહંસના પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામ કૃષ્ણ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યા હતા. વિવેકાનંદ જી એ આવીને કહ્યું,
" મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું"
શારદા મા એ પૂછ્યું,
"અમેરિકા જઈને શું કરશો ?"
"હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ"
શારદા માએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ચુપ રહ્યા. થોડી પળ પછી પોતાનું કામ કરતા કરતા બોલ્યા,
"પેલી શાક સુધારવી છરી મને આપશો ?"
વિવેકાનંદ જી એ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદ જીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદ જીના હાથમાંથી છરી લેતા બોલ્યા,
"જાઓ મારા આશીર્વાદ છે તમને"
હવે વિવેકાનંદ જીથી ન રહેવાયું.
"મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબધ છે ?"
શારદા મા એ કહ્યું,
"હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઈ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતા પૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુઃખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો."

*******************************

સિકંદર હિન્દુસ્તાન આવવા નીકયો. રસ્તામાં તેને સંત ડાયોજિનસ મળ્યા. તેમણે સિકંદરને પૂછ્યું,
"કયા જાય છે ?"
સિકંદર બોલ્યો,
"પહેલા એશિયા માઈનોર જીતવું છે. પછી હિન્દુસ્તાન જીતીશ."
"પછી ?" ડાયોજિનસ પૂછ્યું
"પછી આખી દુનિયા જીતીશ"
"પછી ?"
"બસ, પછી આરામ કરીશ"
રેતીના પટ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામા સુતેલા ડાયોજિનસ મલકાયા. પોતાના કુતરાને સંબોધીને બોલ્યો,
"આ પાગલ સિકંદરને જો, આપણે અત્યારે આરામ કરી રહ્યા છીએ, જ્યારે તે આટલા બધા ઉપદ્રવ પછી આરામ કરશે" પછી સિકંદરને સંબોધીને બોલ્યો,
"આટલા ઉપદ્રવ પછી આરામ જ કરવો છે, તો અત્યારે જ આવીજા આપણે બન્ને આરામ કરીએ"
"ના, અત્યારે હું અડધે રસ્તે છું. પહેલા હું વિશ્વ વિજેતા તરીકે મારી યાત્રા પૂર્ણ કરી લઉં. પછી દેશ પાછો ફરી આરામ ફરમાવીશ"
અને ત્યારે ડાયોજિનસ બોલી ઉઠ્યો,
"કોની યાત્રા પૂરી થઈ છે તો તારી થશે ?"
અને સાચ્ચે જ હિન્દુસ્તાનથી પાછા ફરતા સિકંદર અવસાન પામ્યો. ન તો તે આરામ ફરમાવી શક્યો, ન પોતાની યાત્રા પૂરી કરી શક્યો.

**********************************************************

No comments:

Post a Comment