Tuesday, August 9, 2011

મીટ્ટીનો મહિમા : ડૉ.મહેબૂબ દેસાઈ


વડોદરાના "રાહે રોશન" ના નિયમિત વાચક શ્રી ઈસ્માઈલભાઈ ગાંધીએ રમઝાન માસના સંદર્ભે કેટલાક જાણીતા સંતોના મીટ્ટીના મૂલ્યને સમજાવતા દોહાઓ મોકલ્યા છે. રમઝાન માસમા ચાલો તેનું થોડું મનન કરીએ.
કબીર(૧૩૯૮ થી ૧૫૧૮) આપણા સંતોમાં અલગ ભાતનું વ્યક્તિત્વ ધરાવે છે. રામ અને અલ્લાહના આ ઉપાસકે ખુદાની પ્રાપ્તિનો એક નવો રાજ માર્ગ સૂચવ્યો છે. કબીર રૂઢીવાદી પ્રથા અને જાતિવાદી અન્યાયી સમાજનું પ્રતિક છે. ગુરુ નાનકે તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ કહ્યા છે. ગુરુગ્રંથ સાહિબમાં કબીરના ૫૦૦થી પણ વધાર પદો છે. તેમની શૈલીમાં પ્રતીકોનો દેખાડો નથી. પણ પ્રતિકોને વાચા છે.
"माटी कहे कुंभार से, तू क्या रौदे मोह
इक दिन ऐसा आयगा, मै रौंदूगी तोहे"
તેમનો આ દુહો જીવનનની નશ્વરતાને વ્યક્ત કરે છે. માટી પર બંને પગો રાખી કુંભાર માટીની રોંદી રહ્યો છે. અને ત્યારે માટી કહે છે આજે તું તારા પગો વડે મને રોંદી રહ્યો છે, પણ એક દિવસ એવો આવશે જયારે હું તને રોંદીશ. મૃત્યુ પછીની માનવીની માટીમાં મળી જવાની અંતિમ ક્રિયાને અભિવ્યક્ત કરતો આ દુહો જીવનની ક્ષણ ભંગુતાને બોલતા પ્રતીકો દ્વારા વ્યક્ત કરે છે. જીવનની આ કડવી સચ્ચાઈ જાણનાર જ્ઞાની બની જાય છે. અને તે જાણવા છતાં જીવનની મસ્તીમાં રત રહે છે તે જીવનનો સાચો મકસદ પામી શકતો નથી. આવા એ અન્ય સચોટ સંત છે બહિણાબાઈ(૧૮૮૦ થી ૧૯૫૧)મહારાષ્ટ્રના જલગાવના એક ખેડૂત પરિવારની આ કન્યાનો લગાવ ખેતી અને માટી સાથે અનહદ હતો. તેની રચનાઓમાં માટીના પ્રતીકો અદભૂત રીતે અભિવ્યક્ત થયા છે. તેમની રચનાઓ તળપદી મરાઠીમા જોવા મળે છે. તેમની એક રચાનમાં તેઓ લખે છે.
"अशी धरती ची माया , अरे तिल नाही सीमा
दुनिया चे सर्वे पोटें, तिच्या मधी जाले जमा"
અર્થાત "ધરતીની માયા અસીમ છે, અપાર છે. દુનિયાના દરેક માનવી માટે તેમાં પર્યાપ્ત અન્ન ભંડાર છે." ધરતીની આવી વિશાળતા અને દરેકને સાચવવાની વૃતિ માનવીના જીવન માટે મોટો સબક છે. માટીના મૂલ્યને વ્યક્ત કરતા એક અન્ય સંત ઉસ્તાદ દામન(૧૯૧૧ થી ૧૯૮૪) પંજાબના મહાન કવિઓમાં સ્થાન ધરાવે છે.મૂળ લાહોરના આ કવિએ ભારતની આઝાદીની લડતમાં પોતાની રચનોઓ દ્વારા અમુલ્ય પ્રદાન કર્યું હતું. તેઓ અનેક ભાષાઓના જાણકાર ઉપરાંત સારા દરજી હતા આઝાદી પછીના હિંસા કાળમાં તેમની દુકાન સળગાવી નાખવામાં આવી હતી. જેના કારણે તેમની અનેક કૃતિઓ નષ્ટ થઈ ગઈ હતી. તેમની એક રચનામા તેઓ કહે છે,
लुकयाँ छुपियाँ कड़े नां रहंदिया, सांजा एस जहाँ दियां
मिटटी दे विच मिटटी होइयां, सांजा सब इन्सान दियां

અર્થાત, આ દુનિયામાં જે કઈ છે તે સૌનું છે, સહિયારું છે. તેને કદાપી ઝુપાવી-સંતાડી શકાતું નથી.તે માટીમાંથી જ નીકળ્યું છે અને માટીમા જ ભળી જવાનું છે. મોગલ કાળમાં થઈ ગયેલા સંત સાહિત્યના શિરોમણી રહીમ (૧૫૫૬ થી ૧૬૨૭) તુલસીદાસના પરમ મિત્ર હતા. અકબરના નવ રત્નોમાંના એક રહીમ સારા રાજનેતા, ઉત્તમ વિદ્વાન,સાહસિક યોધ્ધા, ઉદાર દાતા અને અસાધારણ કવિ હતા. અબ્દુર રહીમ ખાનખાના નામે પણ જાણીતા આ કવિએ ફારસી,સંસ્કૃત,હિન્દી,તુર્કી, વગેરે અનેક ભાષાઓમાં લખ્યું છે. અવધી વ્રજભાષા અને ખડી બોલીમાં લખ્યેલા તેમના પાદો આજે પણ લોકજીભે વાગોળાય છે.
એવા જ તેમના એક પદમા તેઓ લખે છે,
"रहिमन अब वे बिरछ कंहाँ, जिनकी छाँव गंभीर
बागन बिच बिच देखियत सेहुड कुंज करीर"
આ દોહામાં રહીમ કહે છે હવે ઘટ છાયડો આપે તેવા વૃક્ષો કયા છે. હવે તો બાગના વચ્ચે સેહુડ(લાંબા પાંદડાનું ઝાડ) કુંજ (વેલ) અને કરીલ ઝાડો જ આ મીટ્ટીમા જોવા મળે છે. અર્થાત સત કાર્યોનો છાયો હવે નથી રહ્યો.હવે તો દેખાય છે માત્ર એવા કાર્યો જેમાં છાયા આપવાનો એક પણ ગુણ નથી. બારમી સદીના સૂફી સંત બાબા ફરીદ(૧૧૭૩ થી ૧૨૬૫)ને પંજાબી ભાષાના પ્રથમ કવિ માનવામાં આવે છે. તેમણે ફારસી,અરબી, હિન્દવી અને ઉર્દૂ ભાષામાં લખ્યું છે. સચ્ચાઈ અને માનવતાના તેમના વિચારોને કારણે તેમને અનેકવાર દંડિત કરવામાં આવ્યા છે. ચિસ્તી પરંપરાના આ સંતની સાદગીની મિશાલ હતા. ઘાસની ઝૂંપડી, એક કંબલ (કામળો) ,નારીયેળના ઝાલની ચટાઈ અને જંગલના વૃક્ષોના ફળ ફૂલ તેમનો ખોરાક હતા. એવા સૂફી સંત લખે છે,
"फरीदा खाक न निंदिये , खाकु जेडू न कोई
जिवदिया पैर टेल , मुइआ उपरि होई"
અર્થાત માટીની કયારેય નિંદા ન કરશો. કારણ કે માટી જેવું બીજુ કશું જ મૂલ્યવાન નથી. જીવતા એ આપણા પગોમાં હોઈ છે અને મૃત્યુ બાદ એ આપણા ઉપર હોઈ છે. ફરીદના આ દોહા જેવો જ માટીનો મહિમા બુલ્લેશાહ(૧૬૮૦ થી ૧૭૪૮)ના એક દુહામાં પણ વ્યક્ત થાય છે. પંજાબના વિખ્યાત સૂફી સંત બુલ્લેશાહને તેમના રૂઢીવાદી વિરોધી વિચારોને કારણે અનેક વાર કટ્ટર પંથીઓનો રોષ સહેવો પડ્યો હતો. પરિણામે તેમના અવસાન પછી રૂઢિચુસ્તોએ તેની "જનાજાની નમાઝ" પઢાવવાની ના પાડી દીધી હતી. આ જ બુલ્લેશાહ માટીની મહત્તા આંકતા લખે છે,
"माटी कुदम करंदी यारा,
माटी माटी नु मरण लगी,
माटी दे हथियार,
जिस माटी पर बहुती माटी, तिस माटी हंकार"
અર્થાત, માટી અત્યંત વ્યગ્ર છે. માનવીના જ બનાવેલા હથિયારથી માનવી માનવીને મારી રહ્યો છે. જેની પાસે વધુ માટી એટલે કે સંપતિ તે અહંકારથી ભરેલો,વધુ અત્યાચારી છે. માટીનો આ મહિમા માટીના બનેલા માનવીને જરા પણ વિચલિત કરશે તો આંનદ થશે.


No comments:

Post a Comment