Friday, July 1, 2011

મધ્યકાલિન અમદાવાદની મસ્જિતો : આપણો સાંસ્કૃતિક વારસો : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૮ અપ્રિલ ૨૦૧૧ના દિવસને "વર્ડ હેરીટેજ ડે" અર્થાત "વિશ્વ વારસા દિન"તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત વિઝ્યુલ આર્ટીસ્ટ એસોસિયેશનના સહિયારા પ્રયાસથી તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની પોળોના સુંદર ચિત્રો ઉજવણીના ભાગ તરીકે દોરવામાં આવ્યા હતા. અમદાવાદની પોળો,તેની કલાત્મક બાંધણી અવશ્ય આપણી સાંસ્કૃતિક ધરોહર છે. તેનું જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ જ રીતે સલ્તનત યુગમાં અમદાવાદમાં સર્જાયેલ અદભૂત મસ્જીતો પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે આજે પણ હયાત છે. તેનું પણ આપણા વારસા અને પ્રવાસનના વિકાસ અર્થે જતન અત્યંત જરૂરી છે. આ મસ્જીતોનું સ્થાપત્ય હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિનું સુંદર સમન્વય છે. ગુજરાતના પ્રખર ઇતિહાસકાર રત્નમણિરાવ જોટે તેમના ગ્રંથ "ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઇસ્લામ યુગ)" મા લખે છે,
"બુલંદ કોમળતાનો, લાલિત્યથી પૂર્ણ મહાકાવ્યોનો,ભરપુર અલંકાર સાથે જ સ્વચ્છ અને સાદાઈનો,મજબુતાઈ સાથે લાવણ્યનો જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યોમાં સધાયો છે, એવો હિંદના અન્ય પ્રાંતોના કે બહારના દેશોના સ્થાપત્યોમા જડવો મુશ્કેલ છે"
આજે અમદાવાદમાં હયાત એવી સલ્તનતકાળની કેટલીક અદભૂત મસ્જીતોની વાત કરવી છે.
વિશ્વમાં જેની ગણના પથ્થરમાં કોતરાયેલ કાવ્ય તરીકે થાય છે, કલાકારીગરીના ઉત્તમ અને બારીક નમુના રૂપ થાય છે, તે વીજળી ઘર પાસે આવેલ સીદી સૈયદની મસ્જિતની જાળી છે. સીદી સૈયદ એ અમદાવાદ શહેરની સ્થાપના કરનાર બાદશાહ અહેમદશાહનો ગુલામ હતો. બાદશાહની તેના પર મીઠી નજર હતી.ધીરે ધીરે તે ધનવાન થયો. અને શાહી હદમાં તેણે એક સુંદર મસ્જિત બંધાવી. આ મસ્જીતની ઉત્તમ સ્થાપત્યકલા પથ્થરમાં કોતરાયેલી તેની સુંદર જાળીઓ છે. કહેવાય છે કે તેમાં કુલ ત્રણ જાળીઓ હતી. તેમાંથી એક લોર્ડ કર્ઝને ઇંગ્લેન્ડ લઇ જવા માટે કાઢી હતી. પણ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ.એ ભાંગેલ ટુકડાઓ પરથી પ્લાસ્ટર ઓફ પેરીસ પર લઈ લીધેલ છાપ આજે પણ મુંબઈના શેઠ પુરષોતમ માવજી કળાસંગ્રહમાં છે. હાલ બે જાળીઓ સુરક્ષિત અને યથાવત છે. આ જાળીઓ દસ ફૂટ પહોળી અને સાત ફૂટ ઉંચી છે. સમગ્ર એશિયામા આવી કળાકૃતિ જોવા મળતી નથી. સર જોહન માર્શલ આ જાળીઓ અંગે લખે છે,
"અમદાવાદના લાલ દરવાજે આવેલી સીદી સૈયદની મસ્જિતની જાળીઓ તો આખી દુનિયાની જાળીઓમા શ્રેષ્ટ ગણાય છે અને જગતના બધાએ કલાવિવેચકોએ એની મુક્ત કંઠે પ્રશંશા કરી છે. યુરોપ-અમેરિકા આદિ દેશોના કલારસિકો આ જાળીઓના આકર્ષણથી જ અમદાવાદ આવે છે."
શહેરની મધ્યમાં ત્રણ દરવાજાથી થોડે દુર આવેલી જામા મસ્જિત પણ ઇસ્લામી સ્થાપત્ય કલાનો બેનમુન નમુનો છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૪૧૨મા શરુ થયું હતું. બાર વર્ષના સખત પરિશ્રમ પછી પૂર્ણ થયેલ આ મસ્જિતની ત્રણ દિશમાં ત્રણ પ્રવેશ દ્વાર છે. અહેમદશાહના રોઝા પાસેનું દ્વાર મુખ્ય છે. ગાંધી માર્ગ પરની દુકાનોની હારમાળાએ મસ્જિતના સાચા સૌંદર્યને ઢાંકી દીધું છે. આજે એની સ્થિતિ કોથળામાં બાંધેલા રત્ન જેવી છે. બહારથી તેની ભવ્યતા માણી શકાતી નથી. તેથી પ્રવાસીઓ ત્યાં સુધી પહોંચવામા નિષ્ફળ જાય છે. જામા મસ્જિતનો વચ્ચેનો ભાગ વિશિષ્ટ રીતે આયોજિત કરેલો છે.ત્રણ ઉપરાઉપરી ગોઠવેલા થાંભલાઓ એના પાછલા મજલાને સુસંગત કરવા પ્રયોજાયા છે. આ મજલામા જાળી વડે મસ્જિતમા નીચેના ભાગને પ્રકાશિત કરવાનો ઇજીપ્તના મંદિરો જેમ કરેલો પ્રયાસ સ્પષ્ટ નજરે પડે છે. મસ્જિતના વચલા મિહરબ ઉપર અરબીમાં મસ્જિત બાંધ્યા અંગેનો લેખ છે.ઇતિહાસકાર રત્નમણીરાવ જોટે તેની બાંધણીમાં હિંદુ-ઇસ્લામિક સ્થાપત્ય કલાના સમન્વયનો ઉલ્લેખ કરતા લખે છે,
"અમદાવાદની જુમ્મા મસ્જિતમા અંદર અને બહારના દેખાવમાં મુસલમાન બાંધણીના સિદ્ધાંતોને હિંદુ મંદિરની બાંધણીની કલા સાથે એવી સુંદર રીતે મેળવી દીધી છે કે અંદર જાણે મંદિરોના મંડપોની માત્ર
પુનઃ રચના જ કરી હોઈ એવું લાગે છે."
સ્થાપત્ય કલાના પ્રખર વિદ્વાન સર જોહન માર્શલ આ મસ્જિત અંગે લખે છે,
"એકંદરે આ મસ્જિત દુનિયાના ઐતિહાસિક મકાનોની તુલનામાં શ્રેષ્ટ મકાન છે. એને જોઈને બંગાળની આદિના મસ્જિત પેઠે નીરસ અને એકસરખી ભાવના ઉત્પન થતી નથી"

આવી જ અન્ય એક ઈમારત છે શાહેઆલમનો રોજો.સુલતાન મહંમદ બેગડાના ગુરુ શાહઆલમ વટવા વાળા સૂફી સંત કુતુબઆલમ સાહેબના પુત્ર હતા. શાહઆલમ સાહેબ ઈ.સ. ૧૪૭૫મા ગુજરી ગયા. તેમનો રોજો (મકબરો) મહંમદ બેગડાના અમીર તાજખાન નરપાલીએ બંધાયો હતો. તાજખાને બંધાવેલો રોજો તેની આસપાસની ભૌમિતિક આકૃતિઓની જાળીઓથી ખુબ સુંદર ભાસે છે. દરવાજાના બારણાંની નકશી પણ ઉત્તમ છે. ૨૮,૨૦ અને ૧૨ થાંભલાઓના સમાંતર ચતુષ્કોણ એક બીજાની અંદર આવેલા છે. અંદરના ૧૨ થાંભલાના ચોરસ ઉપર ઘૂમટ છે. એની બહાર પડાળી છે. એમાં સુંદર જાળીઓ આવેલી છે. શાહઆલમના રોજની આ જાળીઓ એટલી જાણીતી હતી કે શહેરની અતલસના કાપડ ઉપર જો શાહઆલમની જાળીઓની ભાત છાપેલી હોય તો તે કાપડનો ભાવ વધારે ઉપજતા હતો. કબરની ઉપર લાકડાની છત્રીમાં છીપનું સુંદર જડતર કામ છે. ઘૂમટમાં પણ છીપનું જડતર કામ ગ્યાસુદ્દીન અલી અસફખાને કરાવેવું છે. રોજાની બાજુમાં મોટી મસ્જિત છે. એ પાછળથી મુહંમદ સાલેહ બદક્ષીએ બંધાવેલી છે. તેના કલાત્મક મિનારા નજાબતખાને બનાવવાનો આરંભ કર્યો હતો. તે જહાંગીરના સુબા સૈફખાને ઈ.સ.૧૬૨૦મા પુરા કરાવ્યા હતા.મસ્જિતનું ધાબુ કમાનો પર ગોઠવેલું છે. એથી તેની બાંધણી અન્ય મસ્જિતો કરતા જુદી પડે છે. એક થાંભલા પર ચાર કમાનો ઉતારેલી છે. જેના કારણે મસ્જિતની સુંદરતા બમણી થઈ જાય છે. મસ્જિત સામે મોટું ટાંકું છે. એનો વિસ્તાર ૭૨ ચોરસ ફૂટ છે.મેદાનની ઈશાને મોટુ જમાતખાનું અને દીવાનખાનું છે. જુના દીવાનખાનાની જગ્યાએ સુલતાન મુઝ્ફ્ફરે તે બંધાવ્યું છે. ઈ.સ. ૧૭૮૦માં જનરલ ગોડાર્ડના ઘેરા વખતે એના છાપરાનો ઉપયોગ થયો હતો. હાલ તેના ઉપર ધાબુ છે.પશ્ચિમના દરવાજાની બહાર મુસ્તફાસર તળાવ છે. જે તાજખાનની પત્નીએ બંધાવ્યું છે. શાહઆલમના સ્થાપત્યનો આ સમૂહ અમદાવાદના પ્રવાસીઓનું અનેરું આકર્ષણ છે.
સલ્તનતકાળના અમદાવાદના સ્થાપત્યોમા સરખેજના સ્થાપત્ય સમુહો મોખરે છે. સૂફી સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષ ૧૧૧ વર્ષની વયે ઈ.સ. ૧૪૪૬માં અવસાન પામ્યા. એમનો રોજો સુલતાન મુહંમદ શાહે એ જ વર્ષે બંધાવવાની શરૂઆત કરી હતી. તે ઈ.સ. ૧૪૫૧મા સુલતાન કુતુબુદ્દીનના સમયમાં પૂર્ણ થયો હતો. સુલતાન મહંમદ બેગડો સૂફી સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષનો પરમ ભક્ત હતો. પરિણામે તેણે તેમના સાનિધ્યમાં પોતાની અંતિમ આરામગાહ અર્થાત પોતાની કબર પોતાની હયાતીમાં બનાવી હતી. એ કબર સૂફી સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષના રોજાની બરાબર બાજુમાં જ હતી. મહમુદ સરખેજ આવતો ત્યારે આ કબર પાસે વિચાર મગ્ન અવસ્થમાં બેસી રહેતો અને પોતાના અનુયાયીઓને કહેતો,
“આ મહેમુદની અંતિમ છાવણી છે.” તેની પાછળ મોટું ૮૩૦ x ૭૦૦ ફૂટના વિસ્તારમાં તળાવ ખોદાવ્યું. એ તળાવના કિનારે એક ભવ્ય મહેલ બંધાવ્યો. આ તળાવની ચારે બાજુએ એ સમયે મકાનોનો સમૂહ હતો. સરખેજના મકાનોમાં સંત અહમદ ખટુ ગંજબક્ષનો રોજો મુખ્ય છે. તેનો ચોક ગુજરાતના રોજાઓમાં સૌથી મોટો છે. ૧૦૪ ફૂટ ચોરસમા એ ફેલાએલો છે. વચલા ઘૂમટની ચારે બાજુ છેક ભીંત સુધી થાંભલાની બેવડી હાર આવેલી છે. રોજાની અંદર અને બહારની ભીંતોમાં સુંદર ભૌમિતિક આકૃતિઓ દોરેલી છે. એમાં પૂર્વ તરફની બે જાળીઓ લાલ દરવાજાની પ્રસિદ્ધ સીદી સૈયદની જાળી જેવી જ છે. કળા વિવેચક ફર્ગ્યુસને આ જાળીઓની ખુબ તારીફ કરી છે. રોજાની સામે સોળ થાંભલાનો સાદો મંડપ સુંદર ભાસે છે. એ હિંદુ મંદિરના સ્થાપત્યની યાદ તાજી કરે છે. મુખ્ય રોજાની સામે ચોક ને એક ખૂણે સુલતાન મહમુદ બેગડાની દરગાહ છે. એનો રોજો પણ મોટો છે. તેની આસપાસ ભૌમિતિક જાળીઓ આવેલી છે. તેનું માપ ૭૫ x ૭૧ ફૂટ છે. મહમુદ બેગડાની કબર ખુબ સુંદર નકશીથી શણગારેલી છે. તેની બાજુમાં તેના પુત્ર સુલતાન મુજફ્ફર અને મહમુદ ત્રીજાની કબરો આવેલી છે. તેની બાજુના બીજા રોજામાં સુલતાનની બેગમોની કબરો આવેલી છે. મુખ્ય રાણી રાજબાઈની કબર પણ ત્યાં જ છે. રાણીઓના રોજાની જાળીઓમાં પક્ષીઓની અને શીરોઈની આકૃતિ નોંધપાત્ર છે. રોજાની પશ્ચિમની ભીંતમાં સુંદર નકશીવાળા નાના મહેરાબ મસ્જિતનો દેખાવ ઉભો કરે છે.
મોટા ચોકની પશ્ચિમે સરખેજના સમુહની મોટી મસ્જિત આવેલી છે. તેનું કદ જુમ્મા મસ્જિતથી થોડું નાનું છે. પણ સામાન્ય મસ્જિતથી અવશ્ય મોટું છે. ચોક સાથે મસ્જિતનો વિસ્તાર ૪૩૦૦ ચોરસ વાર છે. તેની આસપાસ પડાળીઓ છે. મસ્જિત સાદી છે. તેની બાંધણી એક સરખી છે. થાંભલા અને પાટડાનો સાદગીપૂર્ણ ઉપયોગ કરેલો છે. આ મસ્જિતમાં કમાન કે મિનારા નથી. લિવાલનું માપ ૧૫૦ x ૬૬ ફૂટ છે. બાદશાહી મસ્જિત પેઠે એમાં સ્ત્રીઓ માટે મુલુક્ખાનું પણ આપવામાં આવ્યું છે. ડો. બર્જેસ આ મસ્જિતને સુંદર માને છે. અને તેને આગ્રાની મોતી મસ્જિત કરતા સહેજ જ ઉતરતી માને છે. ડો. બર્જેસ સ્થાપત્ય કલાના મોટા વિવેચક અને જ્ઞાની છે. બાકી સામાન્ય માનવીને આ મસ્જીતમાં કોઈ આકર્ષણ દેખાય તેમ નથી. આમ છતાં એક બાજુ મુખ્ય રોજો, તેનો ચોક અને મસ્જિત. બીજી બાજુ મહમુદ શાહનો રોજો અને એ બંને વચ્ચેથી તળાવનો ખૂણો પાડીને કરેલ સુંદર ઘટના પગથીયા અને ત્યાંથી દેખાતું તળાવ અને તળાવના કિનારે આવેલા મહેલના ખંડેરો,તેનો ભવ્ય દરવાજો આજે પણ સુંદર ભાસે છે. આ સમગ્ર સ્થાપત્યોને ગુજરાત સરકારના પ્રવાસ વિભાગ અને પુરાતત્વ વિભાગ દ્વારા પ્રવાસી સ્થાન તરીકે જાળવીને વિકસાવી શકાય, તો વિદેશી પ્રવાસીઓથી આ સ્થાન અવશ્ય ભરાય જાય.
સલ્તનતકાળની નજાકત અને સૌદર્યને વાચા આપતી અન્ય એક મસ્જિત રાણી સીપ્રીની મસ્જિત છે. આ મસ્જિત મુઝ્ઝ્ફર શાહ બીજાના શાસનકાળમાં સુલતાન મુહંમદ બેગડાના પુત્ર અબુબકરખાનની મા રાણી અસની (સિપ્રી)એ હિજરી સન ૯૨૦ ઈ.સ. ૧૫૧૪મા બંધાવી હોવાનું મનાય છે. આ મસ્જિત એની સુંદર બાંધણીને કારણે "મસ્જિત-એ-નગીના" કહેવાય છે. આ મસ્જીતમાં કમાનો નથી. પરંતુ તેની છત રચનાની પદ્ધતિ અતિ સુંદર અને અસાધારણ નકશીવાળી છે. એને છેડે બે મિનારા છે.એ સુંદર અને નક્કર છે. તેના રસ્તા પર પડતા ઝરુખામા ઉત્તમ નકશી કામ છે. મસ્જિત અવશ્ય નાની છે. પણ નાનકડી જગ્યામા સુંદર અને કલાત્મક આયોજનને કારણે તેનું મુલ્ય વિશેષ છે. આસ્ટોડિયા ચકલામાં આવેલી આ મસ્જિતના બન્ને મિનારાઓ સ્થાપત્ય સૌદર્યની દ્રષ્ટિએ અતિશય મનોરમ્ય લાગે છે. અને એટલે જ આ મસ્જીતને "મસ્જિત-એ-નગીના" કહેવામા આવે છે.
સલ્તનતકાળમાં અમદાવાદના એક મોટા સૂફી સંત સૈયદ ઉસ્માન માટે સુલતાન મહમુદ બેગડાએ બનાવેલ મસ્જિત અને રોજો આજે પણ સ્થાપત્ય કલાના અદભૂત નમુના રૂપ હયાત છે. સૂફી સંત હઝરત ઉસ્માન સૂફી સંત કુતુબે આલમ સાહેબના પટ્ટ શિષ્ય હતા. એ સમયે ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલ ઉસ્માનપુરા વેરાના પ્રદેશ હતો. ઈબાદતના હેતુથી સૂફી સંત હઝરત ઉસ્માન અહિયા આવી વસ્યા હતા. ઇ.સ. ૧૪૫૮મા તેમનું અવસાન થયું. તેમની યાદમાં આ મસ્જીતનું સર્જન મહમુદ બેગડાએ કર્યું હતું. તેમનો રોજો ૭૮ ચોરસ ફૂટનો છે. મસ્જીતનું માપ ૭૫૯૬ ફૂટ છે. રોજાના સ્તંભોનું આયોજન સુંદર છે. તેને અનુરૂપ મસ્જીતના સ્તંભોની રચના કરવામા આવેલી છે. અહિયા કમાનની રચનાનો અભાવ છે. આ મસ્જીતની વિશિષ્ટતા એ છે કે તેના મિનારાની રચના છેડા ઉપર કરવામા આવેલ છે. મસ્જીતના પડખામા મુકેલ ઝરૂખામાં સીડીની રચના કરવામાં આવેલ છે. અગાસીથી ઉપરના ભાગમાં મિનારા સુંદર અને નક્કર ભાસે છે. મસ્જીતના ગોખલામા ઉત્તમ કોતરણી કામ છે. મિનારાની નીચેનો ભાગ હિંદુ સ્થાપત્યની યાદ અપાવે છે.

અમદાવાદની અતિ સુંદર મસ્જીતમાં જેની ગણના થાય છે તે મિર્ઝાપુરમાં આવેલી રાણી રૂપમતી અર્થાત રૂપ મંજરીની મસ્જિત છે. રાણી રૂપ મંજરી પ્રથમ સુલતાન કુતુબુદ્દીનની અને પછી મહમુદ બેગડાની પત્ની હતી. તેની બાંધણી એટલી કુશળ રીતે થઈ છે કે વિદ્વાન સ્થાપત્ય નિષ્ણાત પણ તેમાંથી ભૂલ કાઢી શકે તેમ નથી. ચોરસ હિંદુ સ્તંભો અને ઇસ્લામિક કમાનોનો આવો સુભગ સમન્વય અમદાવાદની બીજી એક પણ મસ્જીતમાં જોવા મળતો નથી. તેના મિનારા પડી ગયા છે. પણ તેનો બચી ગયેલો ભાગ પણ અત્યંત સુંદર ભાસે છે. મિનારાની કોતરણી અને મહોરમા મુકેલ ઝરુખાનું મિશ્રણ મસ્જિતના આખા દેખાવને સુંદર બનાવે છે. બાજુમા કેટલીક કબરો છે. પણ તેના પર કોઈ લખાણ નથી. જેથી તેની વિગતો પ્રાપ્ત થતી નથી. ઈ.સ. ૧૮૩૨મા આ મસ્જીતમાં કલેકટર વાઈબર્તે વાઘ માર્યો હતો. કલેકટર મિ. જેક્સને આ મસ્જિતનો લાકડાનો નમુનો રૂ. ૮૦૦ ખર્ચીને બનાવ્યો હતો. જે આજે કેપ ઓફ ગુડ હોપના મ્યુઝીયમમા છે.
આવી જ એક અન્ય મસ્જિત ઇસનપુરમાં આવેલી છે.મલિક ઇસને બનાવેલી આ મસ્જિત અમદાવાદની અન્ય મસ્જીતો કરતા જુદી પડે છે. તેનો મહોરો તદન જુદી ભાતનો છે. તેની વચ્ચે ત્રણ કમાનો જયપુરી ઘાટની છે.ચોક અને પડાળીઓની વચ્ચેના ભાગમાં રોજો આવેલો છે. એ પણ જુદી ભાતનો છે. મસ્જિતને મિનારા નથી. અને નકશી પણ નથી. છતાં તેની બાંધણી અત્યંત સુંદર લાગે છે.
ગુજરાતના સલ્તનત યુગના આવા તો અનેક સ્થાપત્યો કાળની ગર્કતામા ખંડેર બની રુદન કરી રહ્યા છે. તેમના એ આક્રંદમાં તેમના પ્રત્યેની આપણી ઉદાસીનતાની વ્યથા વ્યક્ત થાય છે. આપણે તેને પામીને તેની સંભાળ પ્રત્યે સભાન બનીશું તો ભવિષ્યની પેઢી આ વારસાથી અવશ્ય વંચિત નહિ રહે

No comments:

Post a Comment