Sunday, June 5, 2011

ફિઝીબિલીટી અને ઇસ્લામ : ડો. મહેબૂબ દેસાઈઇસ્લામમાં ઉદેશની પ્રાપ્તિ અર્થે શક્યતા અને સંભાવનાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અંગ્રજીમાં જેને ફિઝીબિલીટી કહે છે. મેનેજમેન્ટમાં પણ ફિઝીબિલીટી- શક્યતા કે સંભાવના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ઉદેશની પ્રાપ્તિ અર્થે સંભવિત અને શક્ય તમામ પ્રયાસો કરવા અનિવાર્ય છે. પણ એ પ્રયાસોમાં કયાંય જડતા, રૂઢિચુસ્તતા કે અમાનવીયતાને સ્થાન નથી.મેનેજમેન્ટમાં પણ ઉદેશની પ્રાપ્તિ અર્થેના પ્રયાસો માનવતા પૂર્ણ અને પરિસ્થિતિને અનુરૂપ સંભવિત રીતે કરવાનો સિધ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"અલ્લાહ માનવી પર એટલું જ ભારણ આપે છે, જેટલું તે સહેવાની શક્તિ ધરાવે છે."
અર્થાત સંભવિત કે શકય સ્થિતિને નજર અંદાજ કરી,માત્ર જડવલણને વળગી રહેતો એક પણ સિધ્ધાંત ઇસ્લામમાં જોવા મળતો નથી. જેમ કે  નમાઝ અને રોઝા ઇસ્લામમાં ફરજીયાત છે. ઈબાદતનો તે ફરજીયાત પ્રકાર છે. દરેક પુક્ત મુસ્લિમ માટે તે ફરજીયાત છે. પણ શક્ય અને સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માંદા માનવી માટે તેમાંથી મુક્તિનો આદેશ ઇસ્લામમાં આપવામાં આવ્યો છે. પણ જયારે તે પુનઃ સ્વસ્થ થઈ જાય પછી માંદગીને કારણે છૂટી ગયેલા રોઝા અને નમાઝ અદા કરવાનો આદેશ પણ  ઇસ્લામમાં આપવામાં છે.
હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ પોતાના જીવન અને ઉપદેશોમાં આ જ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું હતું. હઝરત મહંમદ સાહેબે ઉત્તર સિરિયાની સરહદેથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો હતો. આ વિશાલ રાજ્યના જુદા જુદા પ્રાંતોમાં પ્રજાપ્રિય શાસનતંત્ર સ્થાપવા પ્ર્ન્તના હાકેમોની પસંદગી મહંમદ સાહેબ ખુદ કરતા. હાકેમ ઇસ્લામના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી પ્રજાકીય શાસન ચલાવવા કાબેલ છે કે નહીં તેની ચકાસણી પણ મહંમદ સાહેબ કરતા હતા. જબલના પુત્ર મુઆઝને યમન પ્રાંતના હાકેમ તરીકે મોકલવાનું મહંમદ સાહેબે નક્કી કર્યું. પણ એ પહેલા મુઆઝનો ઇન્ટરવ્યૂ લેવા માટે મહંમદસાહેબ(સ.અ.વ.)એ તેને બોલાવ્યો અને વાતચીત આરંભ કરતા પૂછ્યું,
"તારા પ્રાંતના રાજ્યકારભારમાં કઈ વસ્તુને પ્રમાણ માનીને નિર્ણય કરીશ ?"
મુઆઝએ જવાબ આપ્યો,
"કુરાને શરીફની આયાતોને"
"પરંતુ કોઈ પ્રસંગને અનુરૂપ બંધબેસતી આજ્ઞા કુરાને શરીફમાં ન મળે તો ?"
"ત્યારે હું પયગમ્બરનો દાખલો મારી સમક્ષ રાખીને વર્તીશ"
"પણ જો પયગમ્બરના આદેશમાં પણ એ મુજબની બંધબેસતી આજ્ઞા ના મળે તો ?" મહંમદ સાહેબ(સ.અ.વ.)એ પૂછ્યું.
"મુઆઝએ જવાબ આપ્યો,
"ત્યારે હું મારી અક્કલ હોંશિયારીથી નૈતિક રીતે નિર્ણય લઈશ"
મહંમદસાહેબ(સ.અ.વ.) મુઆઝનો જવાબ સાંભળી ખુશ થયા. અને તેને ઉપદેશ આપતા કહ્યું,
"જયારે બે માનવીઓ તારી પાસે ન્યાય મેળવવા આવે ત્યારે બંનેને સારી રીતે સંભાળ્યા પછી જ તારી વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય કરજે"
મેનેજમેન્ટના નિષ્ણાતો આજે આ જ નિર્ણય શક્તિની વાત વારંવાર કરે છે. જેમાં ફિઝીબિલીટી- શક્યતા કે સંભાવનાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઇસ્લામના પ્રચાર પ્રસારમાં પણ આ જ ફિઝીબિલીટી- શક્યતા કે સંભાવનાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. ઇસ્લામના દુશ્મનો સામે યુદ્ધ અનિવાર્ય હતું. યુધ્ધમાં  યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેમ મહંમદસાહેબ ખુદ ઇચ્છતા હતા. એવા કપરા સંજોગોમાં પણ મહંમદ સાહેબે જડતા નથી દાખવી. દરેક નાનામાં નાના માનવીના સંજોગો અને સંભાવનાઓનો મહંમદ સાહેબે વિચાર કર્યો હતો. યુધ્ધના એ દિવસોમાં એક યુવાન મહંમદ સાહેબ પાસે આવ્યો અને બોલ્યો,
"હે પયગમ્બર, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છું છું"
મહંમદ સાહેબે તેને પૂછ્યું,
"તારી માં જીવે છે ?"
યુવાન બોલ્યો, " હા "
મહંમદ સાહેબે પૂછ્યું, "શું કોઈ તેની સંભાળ રાખનાર છે ?"
પેલા યુવાને જવાબ આપ્યો, "ના"
મહમંદ સાહેબે કહ્યું, "તો જા તારી માની સંભાળ રાખ, કારણકે તેના પગોમાં જ જન્નત છે."
ઇસ્લામમાં વઝુ અર્થાત પાણી દ્વારા પવિત્ર થવાની ક્રિયા કર્યા પછી જ કુરાને શરીફને સ્પર્શ, તેનું વાંચન, નમાઝ કે મસ્જિત પ્રવેશ શક્ય બને છે. પણ અરબસ્તાનમાં વઝુ માટે પાણી અછતની સંભાવના અને શક્યતાઓને સ્વીકારી કુરાને શરીફમાં પાણી વગર પવિત્ર થવાની ક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને તયમ્મુમ કહેવામાં આવે છે. આ અંગે કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
"જો તમે બીમાર છો, મુસાફરીમાં છો, કે કોઈ અપવિત્ર ક્રિયા જેવી કે હાજત કે પત્ની સાથે હમબિસ્તર  કરીને આવ્યા છો. એવા સમયે પવિત્ર થવા પાણી ઉપલબ્ધ ન હોય તો પવિત્ર મિટ્ટી કે માટીથી તયમ્મુમ કરો"
અર્થાત માટી પર હાથ મૂકી તે હાથો ચહેરા અને હાથો પર ફેરવો. તમે પવિત્ર થઈ જશો. તયમ્મુમ માટે ઇસ્લામે અગ્નિથી સળગી જાય કે ઓગળી જાય તેવી વસ્તુઓ માન્ય કરેલ નથી. એ માટે રેત, પથ્થર, કંકર, માટીની કાચી કે પાકી ઈંટોનો ઉપયોગ થઈ શકે. ઉપરોકત વસ્તુઓ જો ઉપલબ્ધ ન હોય ત્યારે તમારા ચહેરા કે હાથો પર જામી ગયેલ ધૂળ કે રેતી પર હાથ ફેરવી તે હાથ મો અને હાથો પર ફેરવવાથી પણ પવિત્ર થઈ જવાશે.
ઇસ્લામના આવા અનેક વ્યવહારુ નિયમો અને આદેશો તેની શક્યતા અને સંભાવનાઓ અંગેની પાકી સમજ પર આધારિત છે. અને એટલે જ આજના આધુનિક મેનેજમેન્ટના નિયમોને ઇસ્લામે આજથી સાડા ચૌદસો વર્ષ પૂર્વે સાકાર કાર્ય હતા, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.

No comments:

Post a Comment