Thursday, April 28, 2011

સૂફીસંત સલમાન ફારસી : ડો. મહેબૂબ દેસાઈ

સૂફીસંત સલમાન ફારસી હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના સમકાલીન સંત હતા. અત્યંત અમીર અને ઉચ્ચ ખાનદાનના નબીરા સલમાન ફારસી લખે છે,

હું ઈરાન દેશનો વતની હતો. ઇસ્ફહાન પ્રાંતમાં જૈન નામના નાનકડા ગામમાં મારો જન્મ થયો. અમે પારસી ધર્મ પાળતા હતા. અમારા ઘરમાં ચોવીસ કલાક અગ્નિ પ્રગટેલો રહેતો.અમે અગ્નિને ખુદા માનતા.

ઉચ્ચ શિક્ષણ મેળવી સલમાન મદાઈના ગવર્નર બન્યા. આમ છતાં સાદગી અને સ્વાવલંબન તેમના જીવન વ્યવહારમાં પ્રથમથી જ વણાયેલા હતા. ગવર્નર સલમાન ફારસી એક દિવસ બજારમાં જઈ રહ્યા હતા. તેમનો અત્યંત સાદો પોષક જોઈ એક વ્યક્તિએ તેમને મજુર માની લીધા.અને ઘાસનો ભારો ઉપાડવા કહ્યું. સલમાન ફારસી ચુપચાપ ઘાસનો ભારો ઉપાડી તે વ્યક્તિને ત્યાં મૂકી આવ્યા. અને મજુરીના દિરહમ લઇ લીધા. અને રાજ્યની તિજોરીમાં જમા કરવી દીધા. જયારે પેલા માણસને ખબર પડી ,તે દોડી આવ્યો. કરગરીને માફી માગવા લાગ્યો. પણ સલમાન ફારસી એટલું જ કહ્યું,

હું તો રાજ્યનો નોકર છું. મારા માટે રાજ્યનું દરેક કામ મહત્વનું છે.

ગવર્નર બન્યા છતાં તેમનું મન ખુદાની તલાશમાં ભટક્યા કરતુ. એક દિવસ ખુદાની તલાશમા તેમણે ગવર્નર પદ છોડ્યું. ઘરબાર છોડ્યા. અને દેશ વિદેશમાં રઝળપાટ શરુ કરી. સિરિયા અને રોમ ગયા. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો. અનેક પાદરીઓ સાથે ખુદા અંગે ચર્ચા વિચારણા કરી. પણ તેમને સંતોષ થયો નહિ. અંતે ખુદાની તલાશનો તેમનો સીલસીલો કૂબામાં આવી અટક્યો. મહંમદ સાહેબ જયારે મક્કાથી મદીના આવ્યા ત્યારે માર્ગમાં થોડો સમય કુબા નામના સ્થળે રોકાયા હતા. તેની જાણ સલમાન ફારસીને થતા તેઓ કુબા પહોંચી ગયા. એ ઘટનાને વ્યક્ત કરતા સલમાન પોતાની આત્મકથામાં લખે છે,

હું સલામ કરી તેમની પાસે બેસી ગયો. મેં આપની ખિદમતમા મારી જાતને પેશ કરતા કહ્યું, હુઝુર, મેં સાંભળ્યું છે કે આપ મક્કાથી પધારેલા છો. આપના વિચારોએ મને ઘણો પ્રભાવિત કર્યો છે. આપ મારી ખિદમતનો સ્વીકાર કરો એવી ગુજારીશ છે.

અને આમ મહંમદ સાહેબ(સ.અ.વ)ના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વિચારોથી પ્રભાવિત થઈ સલમાન ફારસીએ ઇસ્લામનો અંગીકાર કર્યો. એ સમયે તેઓ એક યહૂદીના ગુલામ હતા. મહંમદ સાહેબ (સ.અ.વ.)ને તેની જાણ થઈ. આપે ફરમાવ્યું,

સલમાન, તમારા માલિકની ગુલામીમાંથી મુક્ત થઈ જાવ

સલમાન ફારસીએ પોતાના યહુદી માલિક સાથે એ અંગે વાત કરી. માલિકે કહ્યું,

મને ૪૦ ઉકીયાહ (૧ ઉકીયાહ બરાબર ત્રણ તોલા)સોનું અને ૩૦૦ ખજૂરના છોડવા આપ તો તને મુક્ત કરું

સલમાન ફારસી પાસે તો ઇસ્લામની દોલત સિવાય કશું ન હતું. એટલે તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ)ને વાત કરી. મહંમદ સાહેબ(સ.અ.વ)એ સોના અને ખજૂરના છોડવા માટે સહાબીઓને અપીલ કરી,

કોઈ આ ગરીબ મુસ્લિમને મદદ કરો

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની અપીલ સંભાળતા જ એક સહાબીએ સોનાની વ્યવસ્થા કરી આપી. અને જોત જોતામાં ૩૦૦ છોડવા પણ ભેગા થઈ ગયા. પછી મહંમદ સાહેબ (સ.અ.વ.)કહ્યું,

સલમાન, જાવ ખાડો કરો. હું પોતે આ છોડવા રોપીશ

મહંમદ સાહેબ (સ.અ.વ)એ રોપેલા ખજૂરના એ છોડવામાંથી આજે પણ બે છોડવા ખજૂરના મોટા વૃક્ષો બની ઉભા છે. તેના પર અંત્યંત મીઠી અને ભરપુર ખજુર થાય છે.મદીનાથી આશરે બે કિલોમીટર અંતરે આવેલ એ વાડી આજે સાઉદી સરકાર હસ્તક છે.

મહંમદ સાહેબ(સ.અ.વ)ને સલમાન ફારસીના જ્ઞાન અને ઈબાદત પ્રત્યે ખુબ માન હતું. એકવાર કેટલાક સહાબીઓ સલમાન ફારસી અંગે વિવાદ કરી રહ્યા હતા.

સલમાન કોનો પુત્ર છે. તે કયા ખાનદાનનો છે?

મહંમદ સાહેબ(સ.અ.વ)ને તેની જાણ થતા જ આપ બોલી ઉઠ્યા,

સલમાન અમારા અહલે બૌતમાંથી છે.

પણ જયારે સલમાન ફારસીને કોઈ પૂછતું કે તમે કોના પુત્ર છો ?

ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વગર તેઓ બોલી ઉઠ્યા,

હું તો ઇસ્લામનો પુત્ર છું

સલમાન ફારસી એક દિવસ તેમના મિત્ર હઝરત અબુ દરદાને મળવા તેમના ઘરે ગયા. તેમના પત્નીએ વિખરાયેલા વાળ અને મેલા અસ્તવ્યસ્ત કાપડમાં તેમને આવકાર્ય. એ જોઈ સલમાન ફારસીએ પૂછ્યું,

ભાભી સાહેબા, આપ આવી હાલતમાં કેમ રહો છો ?

ભાઈસાહબ, તમારા ભાઈને ઇબદાતમાંથી ફુરસત જ નથી મળતી. પછી કોના માટે સજીધજીને રહું?

અને સલમાન ફારસી બધો મામલો સમજી ગયા. અને તે રાત્રી અબુ દરદાની ત્યાજ રોકાઈ ગયા.આખા દિવસનો રોઝો છોડીને અબુ દરદા તો આખી રાત ઇબાદતમાં લગી ગયા. સલમાન આ બધું ચુપચાપ જોઈ રહ્યા. સવારે ફઝરની નમાઝ પછી સલમાન ફારસીએ અબુ દરદાને કહ્યું,

તમારા પર માત્ર અલ્લાહનો જ હક્ક નથી. તમારી પત્ની, બાળકો, મહેમાનો અને સગાવહાલાઓનો પણ અધિકાર છે. તમે તો અલ્લાહનો હક્ક અદા કરવામાં બીજાના હક્કો ભૂલી ગયા છો.

અને સલમાન ફારસી ચાલ્યા ગયા.તેમના આ કથનની જાણ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ)ને થઇ ત્યારે આપ બોલી ઉઠ્યા,

સલમાન સાચ્ચે જ જ્ઞાની છે

No comments:

Post a Comment