Wednesday, April 13, 2011

મરીઝની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના ગાલીબ મરીઝની ગઝલોનો રસસ્વાદ કરાવતું જનાબ ગુલામ અબ્બાસ નાશાદનું પુસ્તક અવિસ્મરણીય મરીઝ હાલમાં જ મારા વાંચવામાં આવ્યું. મરીઝની ચૂંટેલી ગઝલોનો રસપ્રદ સ્વાદ કરાવનાર ગુલામ અબ્બાસ નાશાદ એક અચ્છા શાયર અને વિવેચક છે. તેમણે મરીઝની ગઝલોનો સરળ અને અસરકારક શૈલીમાં વાચકોને રસસ્વાદ કરાવ્યો છે. પણ તેના વાંચન દરમિયાન મારું ધ્યાન મરીઝની ગઝલોમાં ડોકયા કરતી સૂફી વિચારોધારા તરફ ગયું. ઈશ્ક-એ-અકીકીને વાચા આપતી મરીઝની ગઝલોના શેરોમાં સૂફી વિચારના પાયાના સિધાંતો ખુબસુરત રીતે અભિવ્યક્ત થયા છે.

જિંદગી જીવવાની ફિલસુફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી

સબ્ર કે સંતોષનો મહિમા સૂફીવાદના પાયામાં છે. ખુદાએ જે કઈ માનવીને આપ્યું છે તે નેમત છે.તે ખુદાની અમુલ્ય ભેટ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. એમા જ જીવનની સાચી ખુશી રહેલી છે. દરેક નાનામાં નાની ખુશીને અંતિમ ખુશી સમજી મનભરીને માણી લેવાનો ઉપદેશ અનેક સૂફીસંતોએ આપ્યો છે. કારણ કે સામાન સો બરસકા પલકી ખબર નહિઉક્તિને સૂફીસંતોએ જીવનમાં સાકાર કરી છે. મરીઝ એ જ વાતને પોતાના ઉપરોક્ત શેરમાં સરળ ભાષામાં કહે છે. બીજા શેરમાં મરીઝ કહે છે,

આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું

તારા દિલની આછી લાગણી સમજી લીધી

અર્થાત જિંદગીમા મળતી નાની મોટી દરેક ખુશીનું મુલ્ય સરખું છે. એટલે દરેક ખુશીને પેટ ભરીને માણી લેવાની તારી લાગણી આટલા વર્ષો પછી મને સમજાય છે. ગમએ માનવીની અંગત બાબત છે. પણ ખુશીએ વહેચવાની,બાંટવાની અનુભૂતિ છે. સૂફીસંતોએ ખુદાએ બક્ષેલ ખુશીને આમ સમાજમાં પ્રસરાવી છે. પણ ઈબાદતના દુઃખ અને કષ્ટોને કયારેય સમાજમાં અભિવ્યક્ત નથી કર્યા. અને છતાં ખુદાને ખુશ કરવા તેઓ સૂફી સંગીત અને ગીતોને મગ્ન બની માણે છે. આમ સમાજને પણ તેનો સ્વાદ ચખાડે છે. મરીઝ એ વાતને પોતાની ગઝલમાં રજુ કરતા લખે છે,

બસ એટલી સમાજ મને પરવરદિગાર દે

સુખ જ્યાં મળે ત્યા બધાના વિચાર દે

ઈશ્ક-પ્રેમ એ સૂફી વિચારના મૂળમાં છે. માનવી માનવી વચ્ચેનો પ્રેમ સૂફી વિચારની પ્રથમ શરત છે. જે માનવી માનવીને પ્રેમ નથી કરી શકતો, તે ખુદાને શું પ્રેમ કરશે ? પ્રેમ જેટલો આપશો એનાથી બમણો મળશે.પણ પ્રેમ સાથે જીવનનું દર્દ પણ સમાયેલું છે. સૂફીઓ એ દર્દની દવા શોધતા રહ્યા છે. મરીઝ બીજા શેરમાં કહે છે,

માની લીધી પ્રેમની કોઈ દવા નથી

જીવનમાં દર્દની તો કોઈ સારવાર દે

સૂફીસંતોને ખુદા પ્રત્યે અદમ્ય દીવાનગી હોઈ છે. ખુદાની ઈબાદતમા અમાપ કષ્ટો હસતાં હસતાં સહેવાની સૂફીસંતોની તડપ તીવ્ર હોય છે. એ વિચારને શબ્દોમાં સાકાર કરતા મરીઝ લખે છે.

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે

જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે

દીવાનગીના વિચારને વધુ આગળ લઇ જતા મરીઝ લખે છે,

હતા દીવાનગી ઉપર સમજદારીના પરદા

તને પૂછી રહ્યો છું હું તને મળવાના રસ્તો

જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ,

મરણની બાદ પણ બાકી રહી હસ્ત રેખાઓ

ખુદાને મળવાના રસ્તાઓ દરેક માનવી શોધતો હોઈ છે. પણ દરેકને ખુદા મળતા નથી. સૂફીઓ માટે ખુદાને પામવાનું મુખ્ય કારણે છે મુક્તિ. મુક્તિ એટલે મિલનનો અપાર આનંદ. પણ સામાન્ય માનવી માટે ખુદાને પામવાનો અર્થ છે દોઝક(નર્ક)માંથી મુક્તિ અને જન્નત(સ્વર્ગ)ની પ્રાપ્તિ. મરીઝ અહિયા એવાત સ્પષ્ટ કરે છે કે મુત્યુ એ અંત નથી. મૃત્યુ પછી પણ આપણી કર્મની હસ્તરેખાઓ આપણી સાથે જ ચાલે છે. એટલે હે, માનવી જીવનમાં સદ્કાર્યોથી તારી હસ્ત રેખાઓને મુત્યુ પછીના અંતિમ ન્યાયના દિવસ માટે તૈયાર કર. સૂફીસંતો પણ તેમના ઉપદેશો અને જીવન દ્વારા આજ બાબત તરફ ધ્યાન દોરતા રહ્યા છે.

ગાંધીજીએ સત્ય એ જ ઈશ્વરકહ્યું હતું. જ્યાં સત્ય છે , મુલ્ય છે , નીતિમત્તા છે ત્યાં જ ઈશ્વર છે. મઝહબ છે. તેને પામવાની ક્રિયા એટલે ઈબાદત-ભક્તિ. અને ઈબાદત માટેનું સ્થાન એટલે મસ્જિત (મંદિર).મસ્જીતને ખુદાનું ઘર પણ કહેવામાં આવે છે. અને એટલે જ મસ્જીતની તામીર(બાંધકામ) અને તાજીમ (દેખરેખ)મા તકેદારી અનિવાર્ય છે. ઇસ્લામમાં મસ્જિત એ માનવીની અંતિમ યાત્રાનો આરંભ પણ છે. કોઈ પણ મુસ્લિમને દફનાવતા પહેલા તેની જનાજાની નમાઝ મસ્જિતમા થાય છે. મરીઝ આ વાત બરાબર જાણે છે. અને એટલે જ તે લખે છે,

રાખો મસ્જિતને સાફ કે એક દિન

મુજ જનાજાની ત્યાં નમાઝ હશે

અહિ માત્ર મસ્જિતની ભૌતિક સ્વછતાનો નિર્દેશ નથી. મરીઝ મસ્જિતની આધ્યત્મિક સ્વચ્છતાની પણ વાત કરે છે. મસ્જિત એ ખુદાનું ઘર હોઈને , અંતિમ યાત્રાનું છેલ્લો મકામ હોઈને તેમાં દુનિયાદારીની પ્રવૃતિઓને બિલકુલ સ્થાન નથી. માત્ર અધ્યાત્મિક સ્વછતા અને શાંતિ ત્યાં અનિવાર્ય છે.

મરીઝની આવી સુંદર રચનો સાથે મારી અનાયસે પણ મુલાકાત કરાવનાર જનાબ ગુલામ અબ્બાસ નાશાદનો આકાશ ભરીને આભાર.

1 comment:

  1. સાહેબ, ભાવનગરી જ છું અને સૌરાષ્ટ્ર સમાચાર ની સાથે ઉછર્યો છું એટલે તમારાથી પરિચિત છું.
    પણ આ વખતે તમે મારા પ્રિય મરીઝ ની વાત કરી એમાં મજા આવી ગઈ . .
    "કેવી મજાની એ પ્રેમ ની દીવાનગી હશે !
    જ્યાં "મરીઝ" જેવો સમજદાર પણ ગયો. "

    મારી સૌથી પ્રિય રચના છે :
    "મેં ત્યજી તારી તમન્ના એનો આ અંજામ છે,
    કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે . . ."
    પુરુષોત્તમ ઉપાધ્યાય ના સ્વર માં . .

    ReplyDelete