Saturday, March 26, 2011

ઓસ્ટ્રેલિયામાં ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ


ઇસ્લામ વિશ્વમાં બીજો મોટા ધર્મ છે. તેના અનુયાયીઓ વિશ્વના દરેક દેશોમાં વત્તા ઓછા પ્રમાણમાં વસેલા છે.લગભગ ભારત જેટલો ભૂમિ વિસ્તાર અને સિંગાપોર જેટલી વસ્તી ધરાવનાર ઓસ્ટ્રેલિયામાં પણ ઇસ્લામના અનુયાયીઓ આવીને વસ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ઇસ્લામનું આગમન ૧૯મી સદીમાં થયાનું માનવામાં આવે છે. ઇ.સ. ૧૮૬૦ થી ૧૮૯૦ દરમિયાન મધ્ય આશિયાના અફધાનો ઓસ્ટ્રેલિયામાં આવ્યા હતા. કારણ કે ઈ.સ. ૧૮૪૦માં ઓસ્ટ્રેલિયામાં ઊંટોનું આગમન થયું. પણ તેની ઉપયોગીતા બાબત ઓસ્ટ્રેલિયન પ્રજા અજ્ઞાન હતી. જુન ૧૮૬૦માં થોડાક અફધાનો મેલબોર્નમાં આવ્યા. તેમણે ઉંટનો ઉપયોગ કરતા લોકોને શીખવ્યું. તેમણે સૌ પ્રથમ મેલબોર્નમાં ઉંટગાડીનો આરંભ કર્યો. એ પછી ૧૮૬૬માં ૩૧ અફઘાનો રાજસ્થાન અને બલુચિસ્તાનથી મેલબોર્ન આવ્યા. તેમણે ઉંટચાલકો તરીકેની કામગીરી ઉપાડી લીધી. આ ઉંટચાલકોમાં મોટા ભાગના મુસ્લિમો હતા. આમ ઓસ્ટ્રેલિયામાં મુસ્લિમોનું આગમન થયું. ૧૯મી સદીમાં ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ વિસ્તારમાં સૌથી પ્રથમ મસ્જીતનું નિર્માણ થયું. આજે તો ઓસ્ટ્રેલિયામાં એક સોથી વધુ મસ્જીતો છે. જેમાં મોટાભાગની મેલબોર્ન અને સિડનીમાં આવેલી છે. આમાંની કેટલીક મસ્જીતોમાં પાચ વક્તની નમાઝ થાય છે. જયારે કેટલીક મસ્જિતમાં માત્ર જુમ્માની નમાઝ જ થાય છે. કેટલીક મસ્જીતો વિશ્વ વિદ્યાલયોના કેમ્પસમાં આવેલી છે. જેનો લાભ વિદ્યાર્થીઓ ઉપરાંત એ વિસ્તાના મુસ્લિમો પણ લે છે. વળી, આવી મસ્જીતોમાં બાંગી(અઝાન આપનાર) કે મોલવી સાહેબ(નમાઝ પઢાવનાર) નથી હોતા. વિશ્વ વિદ્યાલયના મુસ્લિમ વિદ્યાર્થીઓ જ બાંગી અને મોલવીનું કાર્ય કરે છે. પરિણામે નમાઝની નિયમિતતા જળવાતી નથી. છેલ્લા ત્રણ શુક્રવારથી હું જુમ્માની નમાઝ હોબાર્ટમાં વોરવિક સ્ટ્રીટ પર આવેલ ઇસ્લામિક સ્ટડી સેન્ટરની મસ્જીતમાં પઢું છું. ઉંચા ટેકરા પર આવેલ આં મસ્જિત નાની પણ સગવડતાથી ભરપુર છે. અહિયા નમાઝ ઉપરાંત એક મદ્રેસો પણ ચાલે છે. અહીની દરેક મસ્જિત બે વિભાગમાં વહેચાયેલી છે. એક વિભાગમાં પુરુષો નમાઝ પઢે છે. જયારે બીજા ભાગમાં સ્ત્રીઓ માટે નમાઝની વ્યવસ્થા હોય છે. ભારતમાં સ્ત્રીઓ મસ્જીતમાં નમાઝ પઢતી નથી. જો કે મક્કા અને મદીનામાં પણ સ્ત્રીઓ માટે મસ્જીતમાં જ અલગ નમાઝ પઢવાની વ્યવસ્થા મેં જોઈ છે. એ જ રીતે માથે ટોપી પહેરવાનો આગ્રહ પણ માત્ર ભારતમાં જ જોવા મળે છે. મક્કા,મદીના,ઓસ્ટ્રેલિયા કે યુરોપના ઘણા દેશોમાં ટોપી વગર નમાઝ પઢતા અનેક મુસ્લીઓ મેં જોયા છે.

વિશ્વમાં સૌ પ્રથમ સુર્ય ન્યુઝીલેન્ડમાં નીકળે છે. એ પછી એક કલાકના અંતરે ઓસ્ટ્રેલિયામાં. એટલે અહિયા પાંચ વખતની નમાઝનો સમય અત્યંત વહેલો હોઈ છે. અહીનું વાતાવરણ બિલકુલ અનિશ્ચિત છે. માર્ચ માસ હોવા છતાં ઠંડીનું પ્રમાણ ૮ થી ૯ અને કયારેક તો ૨ ડીગ્રી જેટલું થઈ જાય છે. સાથે વરસાદ પણ ચાલુ હોય છે. પરિણામે ફ્ઝરની નમાઝ વખતે મસ્જીતોમાં કોઈ હોતું નથી. વળી.મોલવીઓના અભાવને કારણે પાંચ સમયની નમાઝ પણ ઘણી મસ્જીતોમાં થતી નથી. ઇસ્લામિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સતત સક્રિય રહેનાર વ્યક્તિઓ માટે આ ક્ષેત્ર વણ ખેડાયેલું છે. કારણ કે ૨૧મી સદીના આરંભમાં વિશ્વના ૬૦ દેશોના મુસ્લિમો ઓસ્ટ્રેલિયામાં આવી સ્થાહી થયા છે. જેમાં મુખ્ય છે તુર્કી, સુદાન, લેબેનોન, ઇન્ડોનેશિયા, બોસમીયા, ઈરાન, ઈરાક, ઈજીપ્ત, પેલેસ્ટાઇન, અફધાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત. ઓસ્ટ્રેલિયાના જુદા જુદા પ્રાંતોમાં મુસ્લિમોની વસ્તીના આંકડા ૨૦૦૬ની વસ્તી ગણતરી મુજબ નીચે પ્રમાણે હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ૧૯૪૫૬, નોર્થેન ટેરીટરીમાં ૯૪૫, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૭૪૭૮,ક્વીન્સલેન્ડમાં ૧૪૯૯૦, ન્યુ સાઉથ વેલ્સમાં ૧૪૦૦૯૭, વિક્ટોરિયામાં ૯૨૯૪૨ અને તાસ્માનિયામાં ૮૬૫ મુસ્લિમો વસતા હતા. એ મુજબ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના ૧.૭૧. ટકા અર્થાત ૩,૪૦,૩૯૨ મુસ્લિમો ઓસ્ટ્રેલિયામાં વસે છે. અલબત ૨૦૧૧ સુધીમાં તેમાં થોડો વધારો થયો હશે. આમ છતાં મુસ્લિમ વસ્તીના પ્રમાણમાં અહિયા મસ્જીતોની સંખ્યા જુજ જોવા મળે છે.

મુસ્લિમ સમાજે પોતાની સાંસ્કૃતિક, સામજિક અને ધાર્મિક પ્રવૃતિઓ માટે અહિયા કેટલાક સ્વેચ્છિક સંગઠનો ઉભા કર્યા છે. જેને અહીની સરકારનો સંપૂર્ણ સહકાર સાંપડ્યો છે. જેમાંનું એક છે યુનાઈટેડ મુસ્લિમ ઓફ ઓસ્ટ્રેલિયા. તેની સ્થાપના ૨૦૦૨માં થઈ હતી.ધીમે ધીમે તેનો વિસ્તાર વધતો ગયો છે. આજે ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેરોમાં તેની શાખાઓ છે. તે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ કરે છે.એન ઓસ્ટ્રેલિયન ફેડરેશન ઓફ ઇસ્લામિક કાઉન્સિલ (CAFIC)નામક સંસ્થા પણ સક્રિય છે. જેના પ્રમુખ ઇકબાલ મોહંમદ આદમ પટેલ છે. આ સંસ્થા પણ ઓસ્ટ્રેલિયાના મુસ્લીમોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે સજાગ છે. તેના દ્વારા મુસ્લિમસ ઓસ્ટ્રેલિયાનામક એક અંગ્રેજી સામાયિક પણ પ્રસિદ્ધ થાય છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતા મુસ્લિમ સંગઠનો અને તેમની વિવિધ પ્રવૃતિઓના સમાચારો સાથે ઇસ્લામિક લેખો પણ હોઈ છે. ઓસ્ટ્રેલિયાનું પાટનગર કેનબરો છે. ૭ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ત્યાં ઇસ્લામિક સ્કુલ ઓફ કેનબરોનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. વેસ્ટર્ન ગ્રીક કેમ્પસમાં યોજાયેલ આ સંભારંભમાં કેનબરોના મુખ્ય પ્રધાન શ્રી જોહન સ્ટન હોપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઓસ્ટ્રેલિયન મુસ્લિમોના શિક્ષણ માટે મુસ્લિમ દેશો પણ અત્રે ખુલ્લા હાથે સહાય કરે છે. જેને ઓસ્ટ્રેલિયન સરકારનો સંપૂર્ણ ટેકો હોય છે. હમણાં જ ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક જિધાહ (સાઉદી અરેબિયા) દ્વારા બ્રિસ્બનમાં ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસ્બન માટે ૩૫૦,૦૦૦ યુ.એસ. ડોલરની સહાયતા આપવામાં આવી છે.

No comments:

Post a Comment