Friday, March 18, 2011

મારી ગ્રંથ આસક્તિ : ડૉ.મહેબૂબ દેસાઈ


ગ્રંથો પ્રત્યેનો અનુરાગ અને વાંચન –લેખનની લગની મને ચોક્કસ પણે કયારે લાગી એ તો મને ખબર નથી. પણ કોલેજકાળ દરમિયાન મોટા વિદ્વાનો, વક્તાઓ, લેખકો અંગે જાણવાનું મને ગમતું. તેમના પુસ્તકો વાંચવાનું ગમતું. તેમના જેમ જ અખબારો, સમાયિકો અને ઉચ્ચ કોટીના સંશોધન પત્રોમાં મારા લેખો પ્રસિદ્ધ થાય તેવી ઈચ્છા મનમાં થયા કરતી. કદાચ એ માટે મારા પિતાજીના સંસ્કારો જવાબદાર હશે. મારા પિતાજી ઉસ્માનભાઈ દેસાઈ ગાંધી યુગમા ઇન્ટર પાસ થયા હતા. આગળ ભણવાની ઈચ્છા હતી. પણ તેમના પિતાજી હુસેનભાઈની ઈચ્છાને કારણે તેમને કમને પોલીસ ખાતામાં જોડાવું પડ્યું. આમ પોલીસ અધિકારી બન્યા. છતાં સંપૂર્ણપણે ગાંધી રંગે રંગાયેલા હતા. પોલીસનો પોષક પણ ખાદીનો જ પહેરતા. તેમને વાંચન-લેખનનો જબરો શોખ હતો. તેમના વાંચન શોખને પોષવામા પોલીસ ખાતાએ તેમને ખાસ્સી મદદ કરી હતી. સ્વભાવે ઈમાનદાર અને પાંચ વકતના નમાઝી પિતાજી પોલીસ ખાતની રિશ્વતથી ભરપુર વ્યવસ્થા માટે ગેરલાયક હતા. એટલે આવા અધિકારીને એવા પોલીસ સ્ટેશનમા જ મુકવામાં આવતા જ્યાં કશું કરવાનું ન હોય. એ સ્થિતિનો લાભ લઇ પિતાજી પાંચ વકતની નમાઝ સાથે પોતાનો મોટા ભાગનો સમય જે તે ગામડાના ગ્રંથાલયના પુસ્તકો વાંચવામા કાઢતા. કદાચ એ ગુણો મને વારસામાં મળ્યા હતા.

૧૯૭૭મા હું વાંકાનેર (જિ.રાજકોટ)ની દોશી આર્ટસ કોલેજમાં ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે જોડાયો. અને મારા નામ આગળ ગર્વથી મેં પ્રોફેસર લગાડવાનો આરંભ કર્યો. જો કે મને એ વખતે ખબર ન હતી કે પ્રોફેસર શબ્દ સાથે વાંચન અને જ્ઞાનનો વિશાળ દરિયો જોડાયેલા છે. પ્રોફેસરની એ જ ખુમારી સાથે એક વર્ષ વ્યાખ્યાતા તરીકે કાર્ય કરી હું ભાવનગર પરત આવ્યો. અને ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે જોડાયો. એ વર્ષ હતું ૧૯૭૮નું. એ વર્ષે જ પ્રોફેસર તરીકેના મારા અભિમાનને જબરજસ્ત ઠેસ લાગી. એ દિવસે હું એક વિદ્વાન અધ્યાપકના મૂડમા વર્ગમાં ગાંધીયુગ ભણાવી રહ્યો હતો. અને એક વિદ્યાર્થીનીએ મારા વ્યાખ્યાનને અટકાવીને પૂછ્યું,

સર, ફ્રિડમ એટ મીડ નાઈટમા ગાંધીજીની સાદગીને લેખકોએ દંભ તરીકે આલેખી છે. એ અંગે આપનું શું માનવું છે ?

આકસ્મિક પ્રશ્ને મને અસ્વસ્થ કરી મુક્યો. કારણકે મેં ફ્રિડમ એટ મીડ નાઈટ” (Freedom at Midnight : Larry Collins and Dominique Lapierre, 1975)પુસ્તક વાંચ્યું તો શું, પણ તેનું નામ સુધ્ધા સાંભળ્યું ન હતું. પ્રોફેસર તરીકેની મારી ખુમારી ઠેસ લાગી. એક પળ મોન રહી મેં ચહેરા પર પ્રોફેસરનું મોહરું બરાબર ચોટાડી રાખીને કહ્યું,

આ વિષય અંગે લંબાણથી વાત કરવી પડશે. માટે આપણે કાલે વાત કરીશું

એ દિવસે જેમ તેમ કરી તાસ પૂર્ણ કરી હું સિધ્ધો કોલેજના ગ્રંથાલયમા ગયો. અને ફ્રિડમ એટ મીડ નાઈટપુસ્તકની તલાશ આરંભી. મારા સદભાગ્યે તે મને મળી ગયું. ચુપચાપ થેલામાં નાખી હું ઘરે આવ્યો.આખી રાત તેનું અધ્યન કર્યું. અંગ્રેજીમાં લખાયેલ એ પુસ્તક થોડુ સમજાયું , થોડુ ન સમજાયું. પણ તેમાંથી મેં એટલું જાણી લીધું કે ગાંધીજીની સાદગીને લેખકોએ શા માટે દંભ કહ્યો હતો.

આ ઘટનાએ મને હચમાચવી મુક્યો. પ્રોફેસર તરીકેના મારા અહમને ભાંગી નાખ્યો. ઇતિહાસના ગ્રંથોના વાંચનની જરૂરિયાત મને સમજાય. પણ તે મેળવવાનું કાર્ય મારા માટે થોડું કપરું હતું. પ્રથમ તો ગ્રંથાલયમાંથી ગ્રંથો શોધવાની પ્રક્રિયાથી હું થોડો અપરિચિત હતો. વળી, ઇતિહાસના તાજા ગ્રંથોની મને જોઈએ તેવી જાણકારી ન હતી. એ કપરા સમયમા મને મદદરૂપ થનાર ભાવનગરની ગાંધી મહિલા કોલેજના ગ્રંથપાલ કુ.સ્વરૂપબહેન વિરાણી હતા.ગ્રંથાલયના પુસ્તકો સાથેનો તેમનો નાતો ઘનિષ્ટ હતો. કયું પુસ્તક કયા કબાટમાં છે અને તેમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. તેની સંપૂર્ણ વિગતો તેમના કોમ્પુટર જેવા દિમાગમાં હોય જ. આમ મારી પ્રારંભિક વાંચન યાત્રામાં સ્વરૂપબહેન મારા ઉત્તમ સહાયક બન્યા. તેમના સહકારથી હું ઇતિહાસના ગ્રંથો વાંચતો થયો. પણ ગ્રંથોના વાંચનની જરૂરિયાત અને વાંચનપ્રેમ વચ્ચેનો ભેદ સમજતા મને બીજા દસ વર્ષ લાગ્યા. ઇતિહાસના ગ્રંથોના વાંચન સાથે મેં એ વાત મહેસુસ કરી કે ભાષા અને ઈતિહાસને ગાઢ સંબંધ છે. સારી, સરળ અને અસરકારક ભાષામાં લખાયેલા ઇતિહાસ ગ્રંથો વાચક પ્રિય બને છે. જયારે માત્ર ઇતિહાસના માહિતીપ્રદ ગ્રંથો અમુક વર્ગ સુધી જ સીમિત રહે છે. આ વિચારે મારા મનમાં પડેલી રસપ્રદ લેખનની ઈચ્છાને જીવંત કરી. એ ઈચ્છાની પૂર્તિ માટે મેં સૌ પ્રથમ ઐતિહાસિક વિષયો પર આધારિત ક.મા.મુનશીની નવલકથાઓ વાંચવા માંડી. ઇતિહાસના વિષયને કેન્દ્રમાં રાખી સાહિત્યના રંગે રંગાયેલી તેમની નવલકથા પાટણની પ્રભુતામને ખુબ ગમી. તેમની ઐતિહાસિક પાત્રોને સર્જવાની અને કથાપ્રવાહમાં તેને રમાડવાની કલા અદભૂત હતી. તેમાંથી મને ઐતિહાસિક ચરિત્રો લખવાની પ્રેરણા મળી. કાફી મહેનત કરી, અનેક પુસ્તકો તપાસી મેં ૧૮૫૭ના બહુ ઓછા જાણીતા પણ અગત્યના પાત્ર અઝીમુલ્લાખા વિશે નાનકડું ચરિત્ર લખ્યું. હોંશે હોંશે તે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને વિવેચક આચાર્ય શ્રી યશવંતભાઈ શુકલને વાંચવા મોકલ્યું. યશવંતભાઈ સાથે મારો પરિચય ભોપાલમાં થયો હતો. સૌ પ્રથમ અમે નેશનલ એડલ્ટ એજ્યુકેશનના પરિસંવાદમાં મળ્યા હતા. ત્યારથી તેમનો મારા પ્રત્યે શિષ્યભાવ હતો. મને જરૂર પડે માર્ગદર્શન આપતા. બે ત્રણ દિવસ પછી હું તેમનો અભિપ્રાય જાણવા ખાસ અમદાવાદ ગયો. એચ.કે કોલેજની તેમની ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે તેઓ મને જોઈને મલકાયા.અન્ય વાતચીત પછી મેં પૂછ્યું,

મેં મોકલેલ ચરિત્ર આપે વાંચ્યું હશે ?

મારી સામે સ્મિત કરતા તેઓ બોલ્યા,

મહેબૂબભાઈ, તમે સારી મહેનત કરી છે. પણ ગ્રંથોને આત્મસાત કરો તો આથી પણ સરસ અને અસરકારક લખી શકશો.

તેમનું આ વિધાન એ સમયે તો મને ન સમજાયું. પણ જેમ જેમ હું એ વિધાન અંગે વિચાર તો ગયો તેમ તેમ મને તેની ગેહરાઈ મને સમજાતી ગઈ. થોડાં દિવસ પછી મેં તેમને પત્ર પાઠવ્યો,

આપની ટકોર સમજ્યો છું. હવે પછી પુસ્તકોને આત્મસાત કરી માણવાની કોશિશ કરીશ

એ દિવસથી મેં ગ્રંથોને મિત્ર જેમ મળવાનું શરુ કર્યું.

આજે ગ્રંથો સાથે મારી દિલી મહોબ્બત છે.વાંચન મારી જરૂરિયાત નથી, મારો શોખ, મારો પ્રેમ બની ગયા છે. કારણ કે યશવંતભાઈએ પુસ્તકો સાથે મારી દોસ્તી કરાવી છે. જેણે મારી કલમને નવું બળ આપ્યું છે. નવી તાજગી આપી છે. તેઓ જીવ્યા ત્યાં સુધી મને તેમનો આવો જ પ્રેમ મળતો રહ્યો હતો. મારા બે પુસ્તકો સ્વાતંત્ર્ય સંગ્રામમા અમરેલી અને હિન્દોસ્તાં હમારાની પ્રસ્તાવના તેમણે સહર્ષ લખી આપી હતી.એટલું જ નહિ , બંને પુસ્તકોના વિમોચન સંભારંભમા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારા એક પુસ્તક શમ્મે ફરોઝાનું અવલોકન તેમની સંદેશની કોલમ સમયના વહેણમાં તેમણે સવિસ્તાર કર્યું હતું. એ ઘટનાઓ મારા જીવનની સુખદ પળો છે.

આજે નવી પેઢીમાં ગ્રંથો પ્રત્યેનો લગાવ-મહોબ્બત ઓછા થતા જાય છે. થોડા માસ પૂર્વે અહા જિંદગી !ના સહ સંપાદક અને પત્રકાર શ્રી દીપક સોલીયા સાથે ફોન પર ગાંધીજીના માનપત્રો વિષયક મારા એક લેખ અંગે વાત થતી હતી. ત્યારે મેં કહ્યું હતું,

આજે પુસ્તકો પ્રત્યેનો યુવાનોનો લગાવ નહીવત થતો જાય છે

આપની વાત સાચી છે મહેબૂબભાઈ, હું પોતે ઈન્ટરનેટ પરથી જ બધું મેળવી લઉં છું. અમારી પેઢી તો ઈન્ટરનેટને જ જ્ઞાનનું માધ્યમ માને છે.”

પણ એ સાચું નથી. ગ્રંથો કે પુસ્તકો આજે પણ જ્ઞાનના જીવંત માધ્યમો છે. હું મારા અંગત ગ્રંથાલયના પુસ્તકોને આજે પણ મારા મિત્રો જેમ જ મળું છું

દીપકભાઈ મારી વાત સાંભળી રહ્યા. પછી થોડું વિચારીને બોલ્યા,

કદાચ તમારી અને અમારી પેઢી વચ્ચે આ જ મોટો તફાવત છે

અને અમે ફોન પર વાત પૂરી કરી.પણ આ વિચાર અહિયા પૂર્ણ થતો નથી. નવી પેઢીએ ગ્રંથો સાથે મોહબ્બત કરવાની તાતી જરુર છે. કારણકે આપણા સાહિત્યક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસના જતન માટે એ જરૂરી છે. યુવાનો એકવાર ગ્રંથો સાથે સહવાસ કેળવશે, તો એ સહવાસ મહોબ્બતમાં અવશ્ય પરિણમશે તેની મને ખાતરી છે.*

*ડૉ. નિવ્યા પટેલ દ્વારા સંપાદિત ગ્રંથ મારો ગ્રંથરાગ માટે લખાયેલો લેખ. તા. ૧૯ માર્ચ ૨૦૧૧ હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)

No comments:

Post a Comment