Saturday, March 26, 2011

ઓસ્ટ્રેલિયામાં ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ


ઇસ્લામ વિશ્વમાં બીજો મોટા ધર્મ છે. તેના અનુયાયીઓ વિશ્વના દરેક દેશોમાં વત્તા ઓછા પ્રમાણમાં વસેલા છે.લગભગ ભારત જેટલો ભૂમિ વિસ્તાર અને સિંગાપોર જેટલી વસ્તી ધરાવનાર ઓસ્ટ્રેલિયામાં પણ ઇસ્લામના અનુયાયીઓ આવીને વસ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ઇસ્લામનું આગમન ૧૯મી સદીમાં થયાનું માનવામાં આવે છે. ઇ.સ. ૧૮૬૦ થી ૧૮૯૦ દરમિયાન મધ્ય આશિયાના અફધાનો ઓસ્ટ્રેલિયામાં આવ્યા હતા. કારણ કે ઈ.સ. ૧૮૪૦માં ઓસ્ટ્રેલિયામાં ઊંટોનું આગમન થયું. પણ તેની ઉપયોગીતા બાબત ઓસ્ટ્રેલિયન પ્રજા અજ્ઞાન હતી. જુન ૧૮૬૦માં થોડાક અફધાનો મેલબોર્નમાં આવ્યા. તેમણે ઉંટનો ઉપયોગ કરતા લોકોને શીખવ્યું. તેમણે સૌ પ્રથમ મેલબોર્નમાં ઉંટગાડીનો આરંભ કર્યો. એ પછી ૧૮૬૬માં ૩૧ અફઘાનો રાજસ્થાન અને બલુચિસ્તાનથી મેલબોર્ન આવ્યા. તેમણે ઉંટચાલકો તરીકેની કામગીરી ઉપાડી લીધી. આ ઉંટચાલકોમાં મોટા ભાગના મુસ્લિમો હતા. આમ ઓસ્ટ્રેલિયામાં મુસ્લિમોનું આગમન થયું. ૧૯મી સદીમાં ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ વિસ્તારમાં સૌથી પ્રથમ મસ્જીતનું નિર્માણ થયું. આજે તો ઓસ્ટ્રેલિયામાં એક સોથી વધુ મસ્જીતો છે. જેમાં મોટાભાગની મેલબોર્ન અને સિડનીમાં આવેલી છે. આમાંની કેટલીક મસ્જીતોમાં પાચ વક્તની નમાઝ થાય છે. જયારે કેટલીક મસ્જિતમાં માત્ર જુમ્માની નમાઝ જ થાય છે. કેટલીક મસ્જીતો વિશ્વ વિદ્યાલયોના કેમ્પસમાં આવેલી છે. જેનો લાભ વિદ્યાર્થીઓ ઉપરાંત એ વિસ્તાના મુસ્લિમો પણ લે છે. વળી, આવી મસ્જીતોમાં બાંગી(અઝાન આપનાર) કે મોલવી સાહેબ(નમાઝ પઢાવનાર) નથી હોતા. વિશ્વ વિદ્યાલયના મુસ્લિમ વિદ્યાર્થીઓ જ બાંગી અને મોલવીનું કાર્ય કરે છે. પરિણામે નમાઝની નિયમિતતા જળવાતી નથી. છેલ્લા ત્રણ શુક્રવારથી હું જુમ્માની નમાઝ હોબાર્ટમાં વોરવિક સ્ટ્રીટ પર આવેલ ઇસ્લામિક સ્ટડી સેન્ટરની મસ્જીતમાં પઢું છું. ઉંચા ટેકરા પર આવેલ આં મસ્જિત નાની પણ સગવડતાથી ભરપુર છે. અહિયા નમાઝ ઉપરાંત એક મદ્રેસો પણ ચાલે છે. અહીની દરેક મસ્જિત બે વિભાગમાં વહેચાયેલી છે. એક વિભાગમાં પુરુષો નમાઝ પઢે છે. જયારે બીજા ભાગમાં સ્ત્રીઓ માટે નમાઝની વ્યવસ્થા હોય છે. ભારતમાં સ્ત્રીઓ મસ્જીતમાં નમાઝ પઢતી નથી. જો કે મક્કા અને મદીનામાં પણ સ્ત્રીઓ માટે મસ્જીતમાં જ અલગ નમાઝ પઢવાની વ્યવસ્થા મેં જોઈ છે. એ જ રીતે માથે ટોપી પહેરવાનો આગ્રહ પણ માત્ર ભારતમાં જ જોવા મળે છે. મક્કા,મદીના,ઓસ્ટ્રેલિયા કે યુરોપના ઘણા દેશોમાં ટોપી વગર નમાઝ પઢતા અનેક મુસ્લીઓ મેં જોયા છે.

વિશ્વમાં સૌ પ્રથમ સુર્ય ન્યુઝીલેન્ડમાં નીકળે છે. એ પછી એક કલાકના અંતરે ઓસ્ટ્રેલિયામાં. એટલે અહિયા પાંચ વખતની નમાઝનો સમય અત્યંત વહેલો હોઈ છે. અહીનું વાતાવરણ બિલકુલ અનિશ્ચિત છે. માર્ચ માસ હોવા છતાં ઠંડીનું પ્રમાણ ૮ થી ૯ અને કયારેક તો ૨ ડીગ્રી જેટલું થઈ જાય છે. સાથે વરસાદ પણ ચાલુ હોય છે. પરિણામે ફ્ઝરની નમાઝ વખતે મસ્જીતોમાં કોઈ હોતું નથી. વળી.મોલવીઓના અભાવને કારણે પાંચ સમયની નમાઝ પણ ઘણી મસ્જીતોમાં થતી નથી. ઇસ્લામિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સતત સક્રિય રહેનાર વ્યક્તિઓ માટે આ ક્ષેત્ર વણ ખેડાયેલું છે. કારણ કે ૨૧મી સદીના આરંભમાં વિશ્વના ૬૦ દેશોના મુસ્લિમો ઓસ્ટ્રેલિયામાં આવી સ્થાહી થયા છે. જેમાં મુખ્ય છે તુર્કી, સુદાન, લેબેનોન, ઇન્ડોનેશિયા, બોસમીયા, ઈરાન, ઈરાક, ઈજીપ્ત, પેલેસ્ટાઇન, અફધાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત. ઓસ્ટ્રેલિયાના જુદા જુદા પ્રાંતોમાં મુસ્લિમોની વસ્તીના આંકડા ૨૦૦૬ની વસ્તી ગણતરી મુજબ નીચે પ્રમાણે હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ૧૯૪૫૬, નોર્થેન ટેરીટરીમાં ૯૪૫, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૭૪૭૮,ક્વીન્સલેન્ડમાં ૧૪૯૯૦, ન્યુ સાઉથ વેલ્સમાં ૧૪૦૦૯૭, વિક્ટોરિયામાં ૯૨૯૪૨ અને તાસ્માનિયામાં ૮૬૫ મુસ્લિમો વસતા હતા. એ મુજબ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના ૧.૭૧. ટકા અર્થાત ૩,૪૦,૩૯૨ મુસ્લિમો ઓસ્ટ્રેલિયામાં વસે છે. અલબત ૨૦૧૧ સુધીમાં તેમાં થોડો વધારો થયો હશે. આમ છતાં મુસ્લિમ વસ્તીના પ્રમાણમાં અહિયા મસ્જીતોની સંખ્યા જુજ જોવા મળે છે.

મુસ્લિમ સમાજે પોતાની સાંસ્કૃતિક, સામજિક અને ધાર્મિક પ્રવૃતિઓ માટે અહિયા કેટલાક સ્વેચ્છિક સંગઠનો ઉભા કર્યા છે. જેને અહીની સરકારનો સંપૂર્ણ સહકાર સાંપડ્યો છે. જેમાંનું એક છે યુનાઈટેડ મુસ્લિમ ઓફ ઓસ્ટ્રેલિયા. તેની સ્થાપના ૨૦૦૨માં થઈ હતી.ધીમે ધીમે તેનો વિસ્તાર વધતો ગયો છે. આજે ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેરોમાં તેની શાખાઓ છે. તે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ કરે છે.એન ઓસ્ટ્રેલિયન ફેડરેશન ઓફ ઇસ્લામિક કાઉન્સિલ (CAFIC)નામક સંસ્થા પણ સક્રિય છે. જેના પ્રમુખ ઇકબાલ મોહંમદ આદમ પટેલ છે. આ સંસ્થા પણ ઓસ્ટ્રેલિયાના મુસ્લીમોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે સજાગ છે. તેના દ્વારા મુસ્લિમસ ઓસ્ટ્રેલિયાનામક એક અંગ્રેજી સામાયિક પણ પ્રસિદ્ધ થાય છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતા મુસ્લિમ સંગઠનો અને તેમની વિવિધ પ્રવૃતિઓના સમાચારો સાથે ઇસ્લામિક લેખો પણ હોઈ છે. ઓસ્ટ્રેલિયાનું પાટનગર કેનબરો છે. ૭ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ત્યાં ઇસ્લામિક સ્કુલ ઓફ કેનબરોનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. વેસ્ટર્ન ગ્રીક કેમ્પસમાં યોજાયેલ આ સંભારંભમાં કેનબરોના મુખ્ય પ્રધાન શ્રી જોહન સ્ટન હોપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઓસ્ટ્રેલિયન મુસ્લિમોના શિક્ષણ માટે મુસ્લિમ દેશો પણ અત્રે ખુલ્લા હાથે સહાય કરે છે. જેને ઓસ્ટ્રેલિયન સરકારનો સંપૂર્ણ ટેકો હોય છે. હમણાં જ ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક જિધાહ (સાઉદી અરેબિયા) દ્વારા બ્રિસ્બનમાં ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસ્બન માટે ૩૫૦,૦૦૦ યુ.એસ. ડોલરની સહાયતા આપવામાં આવી છે.

Friday, March 18, 2011

મારી ગ્રંથ આસક્તિ : ડૉ.મહેબૂબ દેસાઈ


ગ્રંથો પ્રત્યેનો અનુરાગ અને વાંચન –લેખનની લગની મને ચોક્કસ પણે કયારે લાગી એ તો મને ખબર નથી. પણ કોલેજકાળ દરમિયાન મોટા વિદ્વાનો, વક્તાઓ, લેખકો અંગે જાણવાનું મને ગમતું. તેમના પુસ્તકો વાંચવાનું ગમતું. તેમના જેમ જ અખબારો, સમાયિકો અને ઉચ્ચ કોટીના સંશોધન પત્રોમાં મારા લેખો પ્રસિદ્ધ થાય તેવી ઈચ્છા મનમાં થયા કરતી. કદાચ એ માટે મારા પિતાજીના સંસ્કારો જવાબદાર હશે. મારા પિતાજી ઉસ્માનભાઈ દેસાઈ ગાંધી યુગમા ઇન્ટર પાસ થયા હતા. આગળ ભણવાની ઈચ્છા હતી. પણ તેમના પિતાજી હુસેનભાઈની ઈચ્છાને કારણે તેમને કમને પોલીસ ખાતામાં જોડાવું પડ્યું. આમ પોલીસ અધિકારી બન્યા. છતાં સંપૂર્ણપણે ગાંધી રંગે રંગાયેલા હતા. પોલીસનો પોષક પણ ખાદીનો જ પહેરતા. તેમને વાંચન-લેખનનો જબરો શોખ હતો. તેમના વાંચન શોખને પોષવામા પોલીસ ખાતાએ તેમને ખાસ્સી મદદ કરી હતી. સ્વભાવે ઈમાનદાર અને પાંચ વકતના નમાઝી પિતાજી પોલીસ ખાતની રિશ્વતથી ભરપુર વ્યવસ્થા માટે ગેરલાયક હતા. એટલે આવા અધિકારીને એવા પોલીસ સ્ટેશનમા જ મુકવામાં આવતા જ્યાં કશું કરવાનું ન હોય. એ સ્થિતિનો લાભ લઇ પિતાજી પાંચ વકતની નમાઝ સાથે પોતાનો મોટા ભાગનો સમય જે તે ગામડાના ગ્રંથાલયના પુસ્તકો વાંચવામા કાઢતા. કદાચ એ ગુણો મને વારસામાં મળ્યા હતા.

૧૯૭૭મા હું વાંકાનેર (જિ.રાજકોટ)ની દોશી આર્ટસ કોલેજમાં ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે જોડાયો. અને મારા નામ આગળ ગર્વથી મેં પ્રોફેસર લગાડવાનો આરંભ કર્યો. જો કે મને એ વખતે ખબર ન હતી કે પ્રોફેસર શબ્દ સાથે વાંચન અને જ્ઞાનનો વિશાળ દરિયો જોડાયેલા છે. પ્રોફેસરની એ જ ખુમારી સાથે એક વર્ષ વ્યાખ્યાતા તરીકે કાર્ય કરી હું ભાવનગર પરત આવ્યો. અને ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે જોડાયો. એ વર્ષ હતું ૧૯૭૮નું. એ વર્ષે જ પ્રોફેસર તરીકેના મારા અભિમાનને જબરજસ્ત ઠેસ લાગી. એ દિવસે હું એક વિદ્વાન અધ્યાપકના મૂડમા વર્ગમાં ગાંધીયુગ ભણાવી રહ્યો હતો. અને એક વિદ્યાર્થીનીએ મારા વ્યાખ્યાનને અટકાવીને પૂછ્યું,

સર, ફ્રિડમ એટ મીડ નાઈટમા ગાંધીજીની સાદગીને લેખકોએ દંભ તરીકે આલેખી છે. એ અંગે આપનું શું માનવું છે ?

આકસ્મિક પ્રશ્ને મને અસ્વસ્થ કરી મુક્યો. કારણકે મેં ફ્રિડમ એટ મીડ નાઈટ” (Freedom at Midnight : Larry Collins and Dominique Lapierre, 1975)પુસ્તક વાંચ્યું તો શું, પણ તેનું નામ સુધ્ધા સાંભળ્યું ન હતું. પ્રોફેસર તરીકેની મારી ખુમારી ઠેસ લાગી. એક પળ મોન રહી મેં ચહેરા પર પ્રોફેસરનું મોહરું બરાબર ચોટાડી રાખીને કહ્યું,

આ વિષય અંગે લંબાણથી વાત કરવી પડશે. માટે આપણે કાલે વાત કરીશું

એ દિવસે જેમ તેમ કરી તાસ પૂર્ણ કરી હું સિધ્ધો કોલેજના ગ્રંથાલયમા ગયો. અને ફ્રિડમ એટ મીડ નાઈટપુસ્તકની તલાશ આરંભી. મારા સદભાગ્યે તે મને મળી ગયું. ચુપચાપ થેલામાં નાખી હું ઘરે આવ્યો.આખી રાત તેનું અધ્યન કર્યું. અંગ્રેજીમાં લખાયેલ એ પુસ્તક થોડુ સમજાયું , થોડુ ન સમજાયું. પણ તેમાંથી મેં એટલું જાણી લીધું કે ગાંધીજીની સાદગીને લેખકોએ શા માટે દંભ કહ્યો હતો.

આ ઘટનાએ મને હચમાચવી મુક્યો. પ્રોફેસર તરીકેના મારા અહમને ભાંગી નાખ્યો. ઇતિહાસના ગ્રંથોના વાંચનની જરૂરિયાત મને સમજાય. પણ તે મેળવવાનું કાર્ય મારા માટે થોડું કપરું હતું. પ્રથમ તો ગ્રંથાલયમાંથી ગ્રંથો શોધવાની પ્રક્રિયાથી હું થોડો અપરિચિત હતો. વળી, ઇતિહાસના તાજા ગ્રંથોની મને જોઈએ તેવી જાણકારી ન હતી. એ કપરા સમયમા મને મદદરૂપ થનાર ભાવનગરની ગાંધી મહિલા કોલેજના ગ્રંથપાલ કુ.સ્વરૂપબહેન વિરાણી હતા.ગ્રંથાલયના પુસ્તકો સાથેનો તેમનો નાતો ઘનિષ્ટ હતો. કયું પુસ્તક કયા કબાટમાં છે અને તેમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. તેની સંપૂર્ણ વિગતો તેમના કોમ્પુટર જેવા દિમાગમાં હોય જ. આમ મારી પ્રારંભિક વાંચન યાત્રામાં સ્વરૂપબહેન મારા ઉત્તમ સહાયક બન્યા. તેમના સહકારથી હું ઇતિહાસના ગ્રંથો વાંચતો થયો. પણ ગ્રંથોના વાંચનની જરૂરિયાત અને વાંચનપ્રેમ વચ્ચેનો ભેદ સમજતા મને બીજા દસ વર્ષ લાગ્યા. ઇતિહાસના ગ્રંથોના વાંચન સાથે મેં એ વાત મહેસુસ કરી કે ભાષા અને ઈતિહાસને ગાઢ સંબંધ છે. સારી, સરળ અને અસરકારક ભાષામાં લખાયેલા ઇતિહાસ ગ્રંથો વાચક પ્રિય બને છે. જયારે માત્ર ઇતિહાસના માહિતીપ્રદ ગ્રંથો અમુક વર્ગ સુધી જ સીમિત રહે છે. આ વિચારે મારા મનમાં પડેલી રસપ્રદ લેખનની ઈચ્છાને જીવંત કરી. એ ઈચ્છાની પૂર્તિ માટે મેં સૌ પ્રથમ ઐતિહાસિક વિષયો પર આધારિત ક.મા.મુનશીની નવલકથાઓ વાંચવા માંડી. ઇતિહાસના વિષયને કેન્દ્રમાં રાખી સાહિત્યના રંગે રંગાયેલી તેમની નવલકથા પાટણની પ્રભુતામને ખુબ ગમી. તેમની ઐતિહાસિક પાત્રોને સર્જવાની અને કથાપ્રવાહમાં તેને રમાડવાની કલા અદભૂત હતી. તેમાંથી મને ઐતિહાસિક ચરિત્રો લખવાની પ્રેરણા મળી. કાફી મહેનત કરી, અનેક પુસ્તકો તપાસી મેં ૧૮૫૭ના બહુ ઓછા જાણીતા પણ અગત્યના પાત્ર અઝીમુલ્લાખા વિશે નાનકડું ચરિત્ર લખ્યું. હોંશે હોંશે તે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને વિવેચક આચાર્ય શ્રી યશવંતભાઈ શુકલને વાંચવા મોકલ્યું. યશવંતભાઈ સાથે મારો પરિચય ભોપાલમાં થયો હતો. સૌ પ્રથમ અમે નેશનલ એડલ્ટ એજ્યુકેશનના પરિસંવાદમાં મળ્યા હતા. ત્યારથી તેમનો મારા પ્રત્યે શિષ્યભાવ હતો. મને જરૂર પડે માર્ગદર્શન આપતા. બે ત્રણ દિવસ પછી હું તેમનો અભિપ્રાય જાણવા ખાસ અમદાવાદ ગયો. એચ.કે કોલેજની તેમની ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે તેઓ મને જોઈને મલકાયા.અન્ય વાતચીત પછી મેં પૂછ્યું,

મેં મોકલેલ ચરિત્ર આપે વાંચ્યું હશે ?

મારી સામે સ્મિત કરતા તેઓ બોલ્યા,

મહેબૂબભાઈ, તમે સારી મહેનત કરી છે. પણ ગ્રંથોને આત્મસાત કરો તો આથી પણ સરસ અને અસરકારક લખી શકશો.

તેમનું આ વિધાન એ સમયે તો મને ન સમજાયું. પણ જેમ જેમ હું એ વિધાન અંગે વિચાર તો ગયો તેમ તેમ મને તેની ગેહરાઈ મને સમજાતી ગઈ. થોડાં દિવસ પછી મેં તેમને પત્ર પાઠવ્યો,

આપની ટકોર સમજ્યો છું. હવે પછી પુસ્તકોને આત્મસાત કરી માણવાની કોશિશ કરીશ

એ દિવસથી મેં ગ્રંથોને મિત્ર જેમ મળવાનું શરુ કર્યું.

આજે ગ્રંથો સાથે મારી દિલી મહોબ્બત છે.વાંચન મારી જરૂરિયાત નથી, મારો શોખ, મારો પ્રેમ બની ગયા છે. કારણ કે યશવંતભાઈએ પુસ્તકો સાથે મારી દોસ્તી કરાવી છે. જેણે મારી કલમને નવું બળ આપ્યું છે. નવી તાજગી આપી છે. તેઓ જીવ્યા ત્યાં સુધી મને તેમનો આવો જ પ્રેમ મળતો રહ્યો હતો. મારા બે પુસ્તકો સ્વાતંત્ર્ય સંગ્રામમા અમરેલી અને હિન્દોસ્તાં હમારાની પ્રસ્તાવના તેમણે સહર્ષ લખી આપી હતી.એટલું જ નહિ , બંને પુસ્તકોના વિમોચન સંભારંભમા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારા એક પુસ્તક શમ્મે ફરોઝાનું અવલોકન તેમની સંદેશની કોલમ સમયના વહેણમાં તેમણે સવિસ્તાર કર્યું હતું. એ ઘટનાઓ મારા જીવનની સુખદ પળો છે.

આજે નવી પેઢીમાં ગ્રંથો પ્રત્યેનો લગાવ-મહોબ્બત ઓછા થતા જાય છે. થોડા માસ પૂર્વે અહા જિંદગી !ના સહ સંપાદક અને પત્રકાર શ્રી દીપક સોલીયા સાથે ફોન પર ગાંધીજીના માનપત્રો વિષયક મારા એક લેખ અંગે વાત થતી હતી. ત્યારે મેં કહ્યું હતું,

આજે પુસ્તકો પ્રત્યેનો યુવાનોનો લગાવ નહીવત થતો જાય છે

આપની વાત સાચી છે મહેબૂબભાઈ, હું પોતે ઈન્ટરનેટ પરથી જ બધું મેળવી લઉં છું. અમારી પેઢી તો ઈન્ટરનેટને જ જ્ઞાનનું માધ્યમ માને છે.”

પણ એ સાચું નથી. ગ્રંથો કે પુસ્તકો આજે પણ જ્ઞાનના જીવંત માધ્યમો છે. હું મારા અંગત ગ્રંથાલયના પુસ્તકોને આજે પણ મારા મિત્રો જેમ જ મળું છું

દીપકભાઈ મારી વાત સાંભળી રહ્યા. પછી થોડું વિચારીને બોલ્યા,

કદાચ તમારી અને અમારી પેઢી વચ્ચે આ જ મોટો તફાવત છે

અને અમે ફોન પર વાત પૂરી કરી.પણ આ વિચાર અહિયા પૂર્ણ થતો નથી. નવી પેઢીએ ગ્રંથો સાથે મોહબ્બત કરવાની તાતી જરુર છે. કારણકે આપણા સાહિત્યક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસના જતન માટે એ જરૂરી છે. યુવાનો એકવાર ગ્રંથો સાથે સહવાસ કેળવશે, તો એ સહવાસ મહોબ્બતમાં અવશ્ય પરિણમશે તેની મને ખાતરી છે.*

*ડૉ. નિવ્યા પટેલ દ્વારા સંપાદિત ગ્રંથ મારો ગ્રંથરાગ માટે લખાયેલો લેખ. તા. ૧૯ માર્ચ ૨૦૧૧ હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)

Sunday, March 13, 2011

“સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે” હશીમ આમલા : ડૉ.મહેબૂબ દેસાઈ

૧૨ માર્ચ ૨૦૧૧ના રોજ હોબાર્ટ(ઓસ્ટ્રેલિયા)મા મારા પુત્ર ઝાહિદના નિવાસ સ્થાનમા સાઉથ આફ્રિકા અને ભારતની મેચ જોઈ રહ્યો હતો. અચાનક મારી નજર દક્ષિણ આફ્રિકાની ટીમના ઇસ્લામિક દાઢીધારી મુસ્લિમ ખેલાડી પર પડી. અને મને તેનો કોમેન્ટેટર ડીન જોન્સ સાથેનો વિવાદ યાદ આવી ગયો. મૂળ સુરત (ગુજરાત)નો હશીમ આમલા દક્ષિણ આફ્રિકાનો ઉત્તમ બેટ્સમેન અને મીડીયમ પેસ બોલર છે. હાશીમ મોહમ્મદ આમલા મુળ સુરતી મુસ્લિમ સુન્ની વહોરા છે. સુન્નિ વ્હોરાઓ મોટી સંખ્યામાં ઝિમ્બાબ્વે, કેન્યા, બર્મા (મ્યાનમાર) કેનેડા, મોરેશિયસ, ઇંગ્લેંડ,અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં સ્થાહી થયા છે. તે પૈકી હાશીમ આમલાના દાદા સુરતથી ડરબન આવીને એક પરચૂરણની દુકાનમાં નોકરીએ રહ્યા હતા. તેની દાદીમા દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં સુન્ની મુસ્લિમ હતા. તે પણ મૂળ સુરતનાં જ હતાં.આમલાના પિતા મોહમ્મદ એચ. આમલા ડોક્ટર છે. ત્રણ પેઢીથી સુરતથી હિજરત કરીને ૧૯૨૭થી આમલા ફેમિલી ડરબનમા રહે છે.તેમના બે પુત્રો પૈકીનો એક હાશીમ છે. આજે પણ તેઓ ઘરમાં સુરતી-ગુજરાતી જ બોલે છે. આમલા કુટુંબ મુળ સુરતના હરીપુરા વિસ્તારમા રહેતું હતું. હરીપુરા વિસ્તારમાં વર્ષોથી સુન્ની વ્હોરા વસે છે. હરીપુરામાં આજે પણ હાશિમ આમલાના દુર ના સગાઓ રહે છે. ૩૧ માર્ચ ૧૯૮૩મા જન્મેલ હશીમ મોટે ભાગે ત્રીજા ક્રમે રમે છે. ડર્બન સ્કુલમાંથી સ્નાતક થયેલ હશીમએ તેની કારકિદી ભારતમાંથી શરુ કરી હતી. ૨૮ નવેમ્બર ૨૦૦૪ કોલકાત્તાના ઇડર ગાર્ડનમાથી પ્રથમ મેચ રમનાર હશીમ પાંચ વખતના નમાઝી અને પાબંધ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેને જન્મજાત મળેલ ઇસ્લામિક સંસ્કારો તેની કારકિર્દીના દરેક વણાંક પર જોવા મળે છે.

૨૦૦૬ના ઓગસ્ટમા સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી હતી. ટેન સ્પોર્ટ્સના કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ અંત્યંત ઉત્સાહમાં કોમેન્ટ્રી આપી રહ્યા હતા. એ જ ક્ષણે હશીમે બીજી વિકેટ લીધી. અને કોમેન્ટેટર ડીન જોન્સ બોલી ઉઠ્યા,

ધી ટેરરીસ્ટ ગેટ્સ અનધર વિકેટ્સ અર્થાત આતંકવાદીએ વધુ એક વિકેટ લીધી

એક મુસ્લિમ ખેલાડીને વિશ્વ સમક્ષ આતંકવાદી તરીકે સંબોધવો, એ કોઈ પણ વ્યક્તિને ન ગમે. અને એ પણ એવા સમયે કે જયારે કેટલાક કહેવાતા મુસ્લિમો જેહાદના નામે સમગ્ર વિશ્વમા ઇસ્લામને બદનામ કરી રહ્યા હોઈ. પરિણામે મોટો વિવાદ સર્જાયો. એ વિવાદ એટલો વકર્યો કે ટેન સ્પોર્ટ્સના સંચાલકોએ કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ સાથેનો કરાર રદ કર્યો. ડીન જોન્સને ટેન સ્પોર્ટ્સ છોડવું પડ્યું. આમ છતાં હશીમએ આ ઘટના અંગે કોઈ જ પ્રત્યાઘાત ન આપ્યા કે કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ માટે એક પણ ઘસાતો શબ્દ ન ઉચાર્યો. એક પત્રકારે આં અંગે તેને પૂછ્યું,

આપને આતંકવાદી કહેનાર કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ પર આપને જરા પણ ગુસ્સો નથી આવતો ?

ત્યારે અત્યંત શાંત સ્વરે હશીમ બોલ્યો,

ઇસ્લામમાં ક્ષમા અને સબ્ર મોટા આભૂષણો છે. તે દરેક માનવીએ અપનાવવા જેવા છે. એટલે હું તો તેમના એ વિધાનને ક્યારનો ભૂલી ગયો છું.

મુંબઈમાં આતંકવાદી હુમલો થયો. તેના સમાચાર વિશ્વમાં પ્રસરી ગયા. અને પુનઃ હશીમના ઇસ્લામી સંસ્કારો બોલી ઉઠ્યા,

આવી માનવ હિંસા કરનાર ઇન્સાન મુસ્લિમ નથી. કોઈ સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે

હશીમની ઇસ્લામ ધર્મની વિભાવના અને શ્રધ્ધાના કેન્દ્રમાં શુદ્ધ માનવતા છે. ઇસ્લામના પાંચ નિયમો ઈમાન (વિશ્વાસ), નમાઝ, ઝકાત(ફરજીયાત દાન), રોઝા(ઉપવાસ) અને હજજનું ચુસ્ત પણે પાલન કરનાર હશીમ એક મુસ્લિમને છાજે તેવી સુંદર દાઢી રાખે છે. ગમે તે સંજોગોમાં એ પાંચ વખતની નમાઝ પઢવાનું ચૂકતો નથી. શરાબનું બિલકુલ સેવન નથી કરતો. એટલું જ નહિ શરાબનું ઉત્પાદન કરતા વ્યવસાય સાથે પોતાનું નામ જાણ્યે અજાણ્યે પણ ન જોડાઈ જાય તેની ખાસ તકેદારી પણ રાખે છે. તેના ક્રિકેટર તરીકેના જીવનમાં તેનું સુંદર અને પ્રસંસનીય દ્રષ્ટાંત મળે છે.

આજકાલ ક્રિકેટરોનો મૈદાન પરનો પોષક જાહેરાતનું હરતું ફરતું બોર્ડ બની ગયો છે. તેના પર અનેક કંપનીઓ-સ્પોન્સરોના લોગો અને નામો ચારે બાજુ ચિતરાયેલા હોય છે. જેના અઢળક નાણા ક્રિકેટરોને મળે છે. દક્ષિણ આફ્રિકમાં રાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હશીમની પસંદગી થઈ. અને તેના મૈદાન પરના પોષક પર દારૂ અને બીયર બનાવતી દક્ષિણ આફ્રિકાની મોટી કંપની કેસ્ટલનો લોગો આવ્યો. દરેક ક્રિકેટરે તે સ્વીકારી લીધો. પણ હશીમે તેનો વિરોધ કર્યો. દારૂ અને બીયરનો પ્રચાર કરતી કંપનીનો લોગો પોતાના પોષક પર ન રાખવા તેણે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી. આં અંગે પણ દક્ષિણ આફ્રિકામાં કાફી વિવાદ થયો. પણ હશીમ મક્કમ રહ્યો. તેણે ક્રિકેટ બોર્ડને કહ્યું,

ઇસ્લામના નિયમ મુજબ દારૂનું સેવન કરવું, તે સેવન કરનારની મદદ કરવી, તેનું નિર્માણ કે વેચાણ કરનારને તેના કાર્યમાં કોઈ પણ રીતે મદદ કરવી એ મોટો ગુનાહ છે. એટલે હું મારા પોષક પર કેસ્ટલકંપનીનો લોગો નહિ લગાડું.

અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે હશીમની વાત સ્વીકારી. અને હશીમના મૈદાન પરના તમામ પોશાકો પરથી કેસ્ટલકંપનીનો લોગો દૂર કરવામાં આવ્યો. ઇસ્લામના આવા માનવીય સિદ્ધાતોને જીવનમાં સાકાર કરનાર રમતવીરને તેમના આવા વલણ અંગે એક પત્રકારે કહ્યું,

તમે તો એક રમતવીર કરતા એક સંત જેવી વાતો કરો છો

અને ત્યારે સહેજ સ્મિત કરતા હશીમેં કહ્યું,

હું સાચ્ચે જ સંત નથી. પણ ઇસ્લામની જીવન પદ્ધતિએ મને સારા ક્રિકેટર બનવામાં અવશ્ય મદદ કરી છે. હું દારૂ નથી પીતો.પાંચ વખતની નમાઝ પઢું છું , જે મને માનસિક શાંતિ અને સ્વસ્થતા આપે છે. જેના કારણે મારી રમતમા હું મારું પૂર્ણ સત્વ રેડી શકું છું.

સૂફીવાદની ચિશ્તીયા શાખા : ડૉ. મહેબૂબ દેસાઈ

ભારતમાં સૂફીવાદના પ્રચાર-પ્રસારમાં સૂફીસંતો અને તેમના ફીરકાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વિશ્વમાં સૂફીવાદના ચાર ફીરકાઓ(શાખાઓ) જાણીતા છે. જેમાં કાદારીયા, ચિસ્તીયા, સુહાવર્દીયા અને નક્શબંદીનો સમાવેશ થાય છે. ભારતમાં આ ચાર શાખાઓમાંથી ચિસ્તીયા શાખા અને તેના સંતો વધુ પ્રચલિત છે. સૂફીવાદના ચિસ્તીયા શાખાની સ્થાપના અફઘાનિસ્તાનના હેરાત શહેરથી ૯૫ માઈલ દૂર આવેલા નાનકડા શહેર ચિશ્તીયામા થઈ હતી. તેના સ્થાપક સીરિયાના વતની અબુ ઈશાક સામી હતા. તેમણે સૂફી વિચારની સૌ પ્રથમ ઓળખ ચિશ્તીય શહેરના લોકોને કરાવી હતી. એ પછી સીરિયાના સુલતાનના પુત્ર અબુ અહેમદ અબ્દુલને પોતાનો શિષ્ય બનાવી, તેને સૂફી વિચારનું જ્ઞાન આપ્યું. જેણે સૂફીવાદના ચિશ્તીય ફિરકાનો પ્રચાર કર્યો.

ભારતમાં સૂફીવાદની ચિશ્તીયા શાખાની સ્થાપના કરનાર સૂફીસંત હઝરત ખ્વાજા મોઇયુદ્દીન ચિશ્તી(ઈ.સ.૧૧૪૧-૧૨૩૦) હતા. જેમને ભારતના મુસ્લિમો ખ્વાજા ગરીબ નવાઝ (અજમેર)અર્થાત ગરીબોના બેલી તરીકે ઓળખે છે.જયારે પશ્ચિમમાં ચિશ્તીયા શાખાનો પ્રસાર કરનાર ઈનાયત ખાન ચિશ્તી (ઈ.સ.૧૮૮૨-૧૯૨૭) હતા. ઈ.સ. ૧૯૧૦મા તેઓ અમેરિકામાં આવ્યા. અને પછી પેરીસ (ફ્રાંસ)મા સ્થાહી થયા. સૂફીસંત હઝરત ખ્વાજા મોઇયુદ્દીન ચિશ્તીએ ભારતની હિંદુ-મુસ્લિમ બંને પ્રજા પર પોતાનો પ્રભાવ પાડ્યો હતો. આજે પણ એ પ્રભાવ યથાવત છે. તેમના પિતા હુસૈન પરિવારના હતા. જયારે તેમના માતા ઈમામ હસન પરિવારમાંથી હતા. તેમની રહેણીકરણી અત્યંત સાદી હતી. સાવ મામુલી કપડા અને ભોજનમાં સૂકી રોટી સિવાય કશું ન ખાતા. ગરીબ નાવાઝનું જીવન સબ્રથી ભરપુર હતું. તેમનો ઉપદેશ સરળ હતો. તેઓ કહેતા,

ખુદાનો પ્રકાશ તો સર્વત્ર છે. દરેક વસ્તુમાં છે. પણ તેને જોવાની,સમજવાની દ્રષ્ટિ જોઈએ

કોઈ નમાઝ પઢે છે ત્યારે તે ખુદાની નજીક હોઈ છે. માટે જ સ્વસ્થતાથી, શાંતિથી અને એકાગ્રતાથી નમાઝ પઢો

ભારતમાં ચિશ્તીયા શાખાના અન્ય સૂફી સંતોમાં હઝરત ખ્વાજા કુત્બુદ્દીન બખ્તિયાર કાકી (ઈ.સ.૧૧૭૩-૧૨૩૫),હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મસઉદ ગંજશકર (ઈ.સ. ૧૧૭૩-૧૨૬૬), હઝરત ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા મહેબૂબ-એ-ઇલાહી, અમીર ખુશરો(ઈ.સ. ૧૨૫૩-૧૩૨૫) અને હઝરત ખ્વાજા સલીમ ચિસ્તી(૧૪૮૦-૧૫૭૨)જાણીતા છે. હઝરત ખ્વાજા સલીમ ચિશ્તીનો ખુદા સાથે લગાવ અત્યન્ત ઘનિષ્ટ હતો. મોઘલ સમ્રાટ અકબરે જોધાબાઈ સાથે નિકાહ કર્યા પછી ઘણા વર્ષો સુધી તેને કોઈ સંતાન ન થયું. અનેક મન્નતો માની. છતાં કોઈ સંતાન ન થતા અકબર ઘણો નિરાશ થયો. એવા સમયે તેને સૂફીસંત સલીમ ચિસ્તી પાસે જવાની કોઈકે સલાહ આપી. અને અકબર પોતાના લાવા લશ્કર સાથે તપતી રેતમાં ખુલ્લા પગે ચાલતો સલીમ ચિશ્તીની ઝુંપડીએ ગયો.સૂફીસંત સલીમ ચિશ્તીએ અકબરને સંતાન પ્રાપ્તિ થાય એ માટે ખુદાને દુઆ માંગી. અને એક ફકીરની દુઆ સાંભળી ખુદાએ મોગલ સમ્રાટ અકબરને પુત્ર આપ્યો. અકબરે તેનું નામ સલીમ રાખ્યું. જે ઇતિહાસમાં જહાંગીરના નામે જાણીતો થયો. આજે પણ ઉત્તેરપ્રદેશના ફતેહપુર સીકરીમા આવેલ મોઘલ અદાલતના ભવ્ય કિલ્લામાં સલીમ ચિશ્તીની દરગાહ પર ભક્તોની ભીડ જામે છે.

સૂફી સંત હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મસઉદ ગંજશકરપછી ચિશ્તીયા સિલસિલામાં બે ફાંટા પડ્યા. પ્રથમ ફાંટાને ચિશ્તી નીઝામીયા કહે છે. જેના મુખ્ય સંત નિઝામુદ્દીન ઓલિયા હતા. જયારે બીજા ફાંટાને ચિશ્તી સાબીરી કહે છે. જેના મુખ્ય સંત અલ્લાઉદ્દીન સાબરી હતા. આજે તો આવા ભેદ વિસરાઈ ગયા છે. અને રહી ગયા છે માત્ર સૂફીસંતોના આદર્શ જીવન કવન. જેણે આજે પણ પ્રજામાનસ પર જબરી અસર કરી છે. તેનું મુખ્ય કારણ તેના સિધાંતો અને સંતોનું આદર્શ જીવન હતા.એ દ્રષ્ટિએ ચિશ્તીયા ફીરકાના સિધાંતો જાણવા જેવા છે. માનવીને માનવી બનાવવાના મૂળ તેમાં પડેલા છે. આ ફીરકાના સંતોએ પોતાનું સમગ્ર જીવન સાદગી અને સબ્રને કેન્દ્રમાં રાખી વિતાવ્યું હતું. પરિણામે તેઓ સમાજના આમ અને ખાસ માનવીના હદય સુધી પહોંચ્યા હતા. માનવીય અભિગમને વ્યક્ત કરતા ચિશ્તીયા ફીરકાના મુલ્ય નિષ્ટ સિધાંતો નીચે મુજબ હતા.

૧. પોતાના ગુરુ કે પીરને સંપૂર્ણ વફાદાર રહેવું.

૨. દુનિયાના ભૌતિક સુખોથી દૂર રહેવું.

૩.. શાશકો કે સત્તાધીશોથી દૂર રહેવું.

૪. સમાજના આમ અને ખાસ દરેક ઇન્સાનને પ્યાર કરવો.

૫. માનવ સેવા એજ ખુદાની સાચી ઈબાદત છે.

૬. અન્ય ધર્મ અને તેના રીતરીવાજોને માન આપવું.

૭. દુનિયાના સર્જક ખુદાની ઈબાદત કરવી. ખુદાના સર્જનની ઈબાદત ન કરવી.

૮. ચમત્કારોથી દૂર રહેવું.

આ ફીરકાના સૂફીસંતોની ઈબાદત પદ્ધતિ પણ અનોખી છે. તેઓ માને છે કે ખુદાની ઇબાદતમાં એકાગ્રતા અનિવાર્ય છે. માટે એકાગ્રતા પામવા તેઓ ચિલ્લાહ મા બેસે છે. ચિલ્લાહ એક એવી ક્રિયા છે જેમાં સૂફીસંત ચાલીસ દિવસ સુધી એકાંતમાં માત્ર ખુદાની આકરી ઈબાદત કરે છે. એ દરમિયાન જીવન જરૂરી ક્રિયાઓ અને જરૂર પૂરતું ભોજન લેવા પુરતા જ તેઓ અટકે છે. એ સિવાય દિવસ રાત માત્ર ખુદાની ઈબાદત જ કરતા રહે છે. આ ઉપરાંત ચિશ્તીયા ફીરકાના સંતો ઇબાદતમાં સંગીતને પણ પ્રાધાન્ય આપે છે.ખુદા અને હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની શાન અને પ્રશંશા વ્યક્ત કરતા સંગીતમાં તેઓ મસ્ત રહે છે.

Monday, March 7, 2011

“જન્નત અને દોઝકને સળગાવવા જઉ છું”: શિબલી : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફીસંત શિબલી એ મન્સૂર યુગના સૂફી હતા. મન્સૂર અને શિબલીના વિચારોમાં અંત્યંત સામ્યતા હતી. મન્સુરને તેના વિચારોને કારણે શૂળી પર ચઢવું પડ્યું. જયારે શિબલીને માત્ર જેલ મળી. આ રંજ શિબલીને જિંદગીભર રહ્યો. તેને વ્યક્ત કરતા શિબલી હંમેશા કહેતા,

લોકો એ મને નાદાન સમજીને છોડી દીધો. જયારે મન્સૂરને લોકોએ દાના (બુદ્ધિમાન) સમજીને શૂળી પર ચઢાવી દીધો

શિબલીના વિચારો અત્યંત ઉંચા અને ગહન હતા. ખુદાની ખાલિસ(શુદ્ધ) ઈબાદત અને તેમની પાસે પહોંચવાની તેમની તડપ અનહદ હતી. એકવાર બે સળગતી લાકડીઓ લઈને તેઓ ઝડપથી જઈ રહ્યા હતા. કોઈકે પૂછ્યું,

સળગતી લાકડીઓ લઈને ક્યાં જાવ છો ?

શિબલીએ ચાલતા ચાલતા જ જવાબ આપ્યો,

જન્નત(સ્વર્ગ) અને દોઝક(નર્ક)ને સળગાવવા જઉ છું

પેલો સામાન્ય માનવી શિબલીની વાત ન સમજ્યો. તે શીબલીને આશ્ચર્ય નજરે તાકી રહ્યો. એટલે શિબલીએ ફોડ પડતા કહ્યું,

જેથી લોકો વિના સ્વાર્થે ખુદાની ઈબાદત કરે

શિબલી પોતાના પ્રારંભિક દિવસોમાં ખુબ અમીર હતા. પણ ખલીફાના દરબારમાં એક એવી ઘટના બની જેણે શિબલીના સમગ્ર જીવનને બદલી નાખ્યું. એ દિવસે ખલીફાએ નગરના અમીરોને ભેટ સોગાતો આપી.એમાં શિબલી પણ હતા. એક અમીર ભેટ સોગાત લઇ પોતાના સ્થાને પાછા ફરતા હતા,ત્યારે તેમને છીંક આવી.તેમણે ખલીફા એ આપેલા ભવ્ય પોશાકથી પોતાનું નાક લુછ્યું. ખલીફા એ જોઈ અત્યંત નારાજ થયા.તેમણે એ અમીર પાસેથી બધીજ ભેટ સોગાતો પરત લઇ લીધી.એ જોઈ શિબલી પોતાના સ્થાન પરથી ઉઠ્યા. અને તેમણે ખલીફાએ આપેલ ભેટ સોગાતો પરત કરતા કહ્યું,

તમારી આપેલ ભેટ સોગતોનું અપમાન તમે નથી સહી શકતા. તો પછી ખુદાએ બક્ષેલ નેમત છીંકનું અપમાન હું કેવી રીતે સહી લઉં ?

અને એ દિવસે શિબલીએ દુનિયાનો દમામ છોડી સૂફીસંત ખૈર નિસારની વાટ લીધી. ત્યાં થોડો સમય રહી તેઓ સૂફી સંત જુનૈદ બગદાદી પાસે ગયા. વર્ષો તેમની અને તેમને ત્યાં આવતા સૂફીસંતોની ખિદમત કરતા રહ્યા. એક દિવસ સંત જુનૈદ બગદાદીએ શીબલીને પૂછ્યું,

શિબલી, તમારા અહંમનો દરજ્જો તમારી નજરમાં શું છે?

શિબલીએ આંખો બંધ કરી પોતાના જહેનમાં એક નજર કરતા કહ્યું,

હું મારી જાતને સમગ્ર દુનિયાના જીવોથી નાની માનું છું અને નાની અનુભવું છું

શિબલીનો જવાબ સાંભળી જુનૈદ બગદાદી બોલ્યા,

શિબલી, તારો ખુદા તારો મિત્ર બની ગયો છે. હવે તારે મારી જરુર નથી.

એક સમય હતો જયારે શિબલી સામે કોઈ અલ્લાહનું નામ લેતું, તો શિબલી તેનું મો મીઠાઈથી ભરી દેતા. તેને અશરફીઓ ભેટમાં આપતા. પછી સમય બદલાયો. શિબલી ખુલ્લી તલવાર લઈને ફરતા. કોઈ અલ્લાહનું નામ તો તેનું માથું વાઢી નાખવાની ધમકી આપતા. એક જણે તેમને પૂછ્યું,

આવું શા માટે કરો છો ?

શિબલી વાણી,

પહેલા હું સમજતો હતો કે લોકો અલ્લાહનું નામ તેમના પ્રત્યેની પાક ઈબાદત કે મહોબ્બતને કારણે લે છે. પણ મને હવે ખબર પડી કે લોકો અલ્લાહનું નામ તેના ખોફ (ભય)ને કારણે લે છે

એક દિવસ શિબલીને તેના અંતરઆત્માનો અવાજ સંભળાયો,

ક્યાં સુધી અલ્લાહના નામને ઈશ્ક કરતો રહીશ. જો અલ્લાહથી સાચી મહોબ્બત હોય તો અલ્લાહને ઈશ્ક કરઅને તે દિવસથી શિબલી ઈશ્કે ઇલાહીમા પાગલ થઈ ગયા. અલ્લાહને પ્રાપ્ત કરવાની તેમની તલબ એટલી વિસ્તરી કે તેમણે બગદાદની મોટી નદીના પડતું મુક્યું. ખુદાએ તેમને બચાવી લીધા. ભયંકર આગમાં કુદી પડ્યા.છતાં બચી ગયા. એક ઉંચી પહાડી પરથી કુદી પડ્યા. ત્યાંથી પણ ખુદાએ તેમને બચાવી લીધા.અંતે થાકીને તેમણે અલ્લાહને પોકારીને કહ્યું,

યા અલ્લાહ, તને પામવા મેં મૌતના તમામ પ્રયત્નો કર્યા, છતાં હજુ હું જીવતો છું

અને ગેબી અવાજ તેમના કાને પડ્યો,

જે અલ્લાહના નામ પર તું મરી ગયો છે તેને અલ્લાહની મખલુક(ઈશ્વરના સર્જનો) કેવી રીતે મારી શકે?

ઇદને દિવસે દુનિયાભરના મુસ્લિમો નવા વસ્ત્રો ધારણ કરી ખુશી ખુશી ઈદ મનાવતા હતા. ત્યારે શિબલી કાળા વસ્ત્રો ધારણ કરી ફરતા હતા. કોઈકે પૂછ્યું,

ઇદના દિવસે કાળા વસ્ત્રો ધારણ કરી શા માટે ફરો છો ?

ખુદાથી ગાફિલ (અજાણ્યા) માણસો ઈદ મનાવે છે. એના દુઃખમાં કાળા વસ્ત્રો ધારણ કર્યા છે

કહે છે કે શિબલીની ઈબાદત એટલી આકરી હતી કે ઈબાદત કરતા કરતા ઊંઘ ન આવી જાય માટે તેઓ આંખોમાં મીઠું (નમક) નાખતા.તેમનું જીવન ચરિત્ર આલેખનાર વિદ્વાનો લખે છે કે તેમણે જાગતા રહેવા

તેમની આંખોમાં સાત મણ મીઠું નાખ્યું હતું.

અંતિમ દિવસોમાં શિબલીની હાલત વિચિત્ર હતી. તેમને અલ્લાહના દુશ્મન શૈતાનની ઈર્ષા આવતી હતી. કોઈકે તેનું કારણ પૂછ્યું,

શૈતાન પર તો અલ્લાહે પોતાની લાનત (નફરત) ઉતારી છે. તેની ઈર્ષા ન હોઈ.તેની તો ખુશી હોઈ

અને શિબલી વાણી,

અલ્લાહની મોકલેલી દરેક વસ્તુ મારા માટે નેમત (ભેટ) છે. મારા પર અલ્લાહ લાનત મોકલશે તો પણ મને ખુશી થશે. કારણ કે એ રીતે પણ અલ્લાહની નજર મારા પર તો છે