Saturday, February 19, 2011

“અલ ફાતિહા”ની આયાતનું કાવ્ય રૂપાંતર : ડૉ.મહેબૂબ દેસાઈ


એ દિવસે સવારે મારા બેઠક ખંડમાં હું લેપટોપ પર મારો લેખ સુધારી રહ્યો હતો. અને મારો ડોરબેલ વાગ્યો. મેં બેઠા બેઠા જ કમ ઇન કહ્યું. અને એક વ્યક્તિ રૂમમાં પ્રવેશી. સાધારણ પેન્ટ-શર્ટ,પગમાં ચંપલ, હાથમાં કપડાની થેલી,ચહેરા પર સ્મિત અને ભાલ પર સુંદર લાલ તિલક સાથે એ વ્યક્તિ મારી સામે આવી ઉભી રહી.મેં તેમના તરફ નજર કરી પૂછ્યું,

બોલો સાહેબ, આપને મારું શું કામ છે?

તે વ્યક્તિએ ઉભા ઉભા જ એક કાગળ મારી તરફ ધરતા કહ્યું,

મારું નામ પ્રહલાદભાઈ કે. મહેતા છે. હું ભાવનગર જીલ્લા પંચાયતમાં સીનીયર કલાર્ક હતો.હાલ નિવૃત છું. મેં કુરાન-એ-શરીફની પ્રથમ આયાત અલ્હમ્દોનું કાવ્યાત્મક રૂપાંતર કર્યું છે. તે આપને બતાવવા આવ્યો છું હું એક પળ પ્રહલાદભાઈને તાકી રહ્યો.એક હિંદુ કુરાને શરીફની આયાતનું કાવ્યાત્મક રૂપાંતર કરે એ વાત જ તંદુરસ્ત સમાજનું ઉમદા લક્ષણ છે. મેં તેમના હાથમાંથી કાગળ લઈ ,તેમને મારી સામેના સોફામાં બેસવા વિનંતી કરી.

કુરાન-એ-શરીફમાં અલ્હામ્દોની આયાત સૌ પ્રથમ છે. તેને અલ ફાતિહા’ તરીકે ઓળખવામાં આવેલ છે. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ અલ ફાતિહા આયાતને ઉમ્મુલ કુરાન અર્થાત કુરાનની માંતરીકે ઓળખાવે છે.આ આયાતની વિશિષ્ટ એ છે કે તેમાં માત્ર ખુદાની તારીફ અને તેને શરણે જવાની બંદાની તત્પતાની દુઆ જ છે.તેમાં કયાંય ધર્મના ભેદ નથી. ઇબાદતની ભિન્નતાની વાત નથી. બસ, માત્ર ઈશ્વર-ખુદા ના શરણે જવાની અને સત્ય માર્ગે ચાલવાની પાર્થના જ છે. માટે જ ગાંધીજીએ આશ્રમ ભજનાવલીમાં આ આયાતનો સમાવેશ કર્યો હતો. એ આયાત એરેબીકમાં આ પ્રમાણે છે,

બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર રહીમ,

અલ્હામ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન,

અર્ રહેમાન નિર રહીમ,

માલિકી યૈમૂદ્દીન ઇયાકા ન બુદો , વ્ઇયકા નસ્તઇન

અહેદનલ સીરતાલ મુસ્તકીમ ,સીરતાલ લઝીમ

અન અમતા અલે હિમ , ગયરીલ મગદુબી અલેહીમ

વલ્દ્દાઆલીમ – આમીન

આ આયાતનું ગુજરાતી ભાષાંતર થાય છે,

સૌ પ્રથમ અલ્લાહનું નામ લઉં છું , જે પરમ કૃપાળું અને મહેરબાન છે. દરેક તારીફ માત્ર અલ્લાહની જ છે. તે જ વિશ્વનો પાલનહાર અને ઉધ્ધારક છે. તે જ પરમ કૃપાળુ અને દયાવાન છે. તે જ અંતિમ દિવસનો માલિક છે. અમે માત્રને માત્ર તારી જ ઈબાદત કરીએ છીએ. તારી પાસે જ મદદની યાચના કરીએ છીએ. અમને તું નેક માર્ગ પર ચલાવ જે, એવા માર્ગ પર કે જેના કારણે અમારા પર તારી કૃપા દ્રષ્ટિ ઉતરે. એવા માર્ગ પર કયારેય ન ચલાવીશ કે જ્યાં તારી અપ્રસન્નતા-નારાજગી હોઈ-આમીન

આ આયાતનું કાવ્ય રૂપાંતર પ્રહલાદભાઈ મહેતા નામક એક બ્રાહ્મણ શ્રધ્ધા પૂર્વક કરે, અને એક મુસ્લિમને તે બતાવવા ઘર શોધતા શોધતા પ્રભાતના સમયે આવે, એ ઘટના મને સાચ્ચે જ સ્પર્શી ગઈ.મેં પ્રહલાદભાઈને પૂછ્યું,

કુરાને શરીફની આયાતનું કાવ્ય રૂપાંતર કરવાની ઈચ્છા આપને કેમ થઈ ?

ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં મેં આ આયાત જોઈ અને મને ઇચ્છા થઈ આવી કે આ આયાતનું કાવ્ય રૂપાંતર કરીએ તો કેમ? એટલે મેં પ્રથમ તેનું ગુજરાતી કર્યું. પછી તેનું કાવ્ય રૂપાંતર કર્યું. તે બરાબર થયું છે કે નહિ તે આપ જોઈ આપો એવી વિનંતી છે.મેં એ કાવ્ય રૂપાંતર પર નજર કરી.પ્રહલાદભાઈએ કરેલ કાવ્ય રૂપાંતર સરળ અને અર્થસભર હતું.

સબસે પહેલે લેતા હું અલ્લાહ કા નામ ,

જો હૈ નિહાયત રહમવાલા ઔર હૈ મહેરબાન

કરતા હું ઈબાદત ઉસ પરવારદિગાર કી,

હર તરહ કી બંદગી હોતી હૈ ઉસી કે નામ કી

વો હૈ સારે જહાં કા પાલનહાર,

કયામત કે દિન વોહી હૈ તારણહાર

માંગે તો કિસકી માંગે મદદ ઇસ જહાન મેં

કરતે હૈ ઈબાદત,મદદ મિલે તેરી પરવરદિગાર

હંમે સીધી રાહ પર લે ચલો, ખુદાજાન

જિસ રાહ પ ચલે હૈ તેરે કૃપાનિધાન

હંમે વહાં ન લેજાના, જહા જાને વાલો પર,

તુમ હો નારાજ, ઔર ભૂલે હમ અપની શાન

સામીના તખ્ખલુસથી લખતા પ્રહલાદભાઈ મહેતાનો અલ ફાતિહાનો કાવ્યાત્મક અનુવાદ ભલે શુદ્ધ કાવ્યાત્મક ન હોઈ, પણ શુદ્ધ ભાવનાત્મક જરૂર છે. કોમી એખલાસની શુદ્ધ ભાવના તેના એકએક શબ્દમાંથી નીતરે છે. જે આપણી બિનસાંપ્રદાયિકતાનું આદર્શ પ્રતિક છે.

No comments:

Post a Comment