Wednesday, January 19, 2011

શાહ કાયમુદ્દીન ચિસ્તીના શિષ્યો : ડૉ.મહેબૂબ દેસાઈ

કાયમુદ્દીન ચિસ્તીના નવ સંસ્કરણ પામેલ અનુવાદિત ગુજરાતી ગ્રંથ “નૂરે રોશન “ અંગે પૂ. મોરારિબાપુ લખે છે,
“નૂરે રોશન” સમયના અભાવે બહુ જોઈ શક્યો નથી. પરંતુ ગ્રંથમાં “તોહીદ” બ્રહ્મજ્ઞાનનું ઉર્દૂમાં વિવેચન થયું છે. એમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને જે રીતે દુર્લભ વસ્તુને સુલભ કરવાનો ફકીરી પ્રયાસ થયો છે, એથી આનંદ થયા એ સહજ છે.”
ગુજરાતમાં સૂફી વિચારના પ્રચારમાં અગ્ર એવા શાહ કાયમુદ્દીન ચિસ્તીના જીવન-કવનમાંથી પ્રેરણા લઇ, તેમના અનેક શિષ્યોએ તેમના પછી પણ ગુજરાતમાં સૂફી વિચારને જીવંત રાખ્યો હતો.કાયમુદ્દીન ચિસ્તીના શિષ્યોએ “હું” ને ઓગાળી ખુદામય થવાની સૂફી પદ્ધતિને પોતાના જીવન અને રચનાઓમાં સાકાર કરી છે.

“ દહીં સો આપસ ગુજર ગયા,
તબ વો મસ્કા હો રહા
દહીં ગયા સો છાછ હુઈ આપ,
તબ મસ્કા હો રાહ સાફ
જો કોઈ આપસ યુ હો જાયે
સોઈ મીતા સુરીજન પાઈ”

કયામુદ્દીનની આ વિચારધારાને તેમના શિષ્ય ભરુચ જીલ્લાના પરીયેજ ગામના વતની , નિરક્ષર અભરામ બાવાએ પોતાની રચનાઓમાં સુંદર રીતે સાકાર કરી છે. ઈશ્ક-એ-ઈલાહીમાં સંપૂર્ણપણે રંગાયેલા અભરામ બાવા પોતાની રચાનોમાં પોતાને સ્ત્રી સ્વરૂપે વ્યક્ત કરે છે. ખુદાને પોતાના આશિક તરીકે સ્વીકારી અભરામ બાવા લખે છે,

“હું તો ચિસ્તી ઘરણાની ચેલી,
મેં લાજ શરમ સર્વે મેલી,
મને લોક કહે છે ઘેલી,
મને ઈસ્ક ઇલાહી લાગ્યો છે,
મારા મનનો ધોકો ભાંગ્યો છે,
પેલો અભરામ નિદ્રાથી જાગ્યો છે.”

એ જ રીતે વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહેવાસી,પાટીદાર જ્ઞાતિના રતનબાઈ પણ કાયમુદ્દીન ચિસ્તીના પરમ શિષ્યા હતા. તેમણે પણ “ખુદ”ને ઓગાળી ખુદામય થવાના પોતાના પ્રયાસોને વ્યક્ત કરતા લખ્યું છે,

“ પ્યાલો મેં તો પીધો કાયમુદ્દીન પીરનો રે જી,
પીતા હું તો થઇ ગઈ ગુલતાન,
લહેર મને આવે રે અંતરથી ઉછેળી રે જી
ટળ્યા મારા દેહી તણા અભિમાન ”

રતન બાઈના પિતરાઈ જીવન મસ્તાન પણ પાછીયાપુરા ગામના પાટીદાર હતા. તેમણે પણ કાયમુદ્દીન પીરનો પ્યાલો પીધો હતો. તેમની રચાનોમાં પણ સૂફી વિચારની મહેક જોવા મળે છે. તેમની રચનાઓમાં ગુજરાતી-હિન્દી મિશ્રિત ભાષાનો સુંદર પ્રયોગ થયો છે.

“લોકો એમ કહે છે રે, પીર તો મુસલમાન છે,
અમે છીએ હિન્દી રે , આભારી તો જુદી સાન છે,
હિંદુ મુસલમાન બંને એ તો, છે ખોળિયાની વાત,
આત્મા અંદર બિરાજી રહ્યો છે, તેની કહો કોણ જાત
સઉમા એ તો સરખો રે, સમજો તમે એ જ ગ્યાન છે

ઈશ્વર તો છે સઉ નો સરખો , એને નથી કોઈ ભેદ
રોકી શકે એને નહી કોઈ, જોઈ લો ચારે વેદ
ખોળિયાને ભુલાવે રે, ઉભું થયું એવું ભાન છે
સજનો કસાઈ, સુપચ ભંગી રોહિદાસ ચમાર
એવા લોકો મોટા ગણાય, એ ભક્તિનો સાર”

ભરુચ જીલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના રહેવાસી સુલેમાન ભગતે ઇ.સ. ૧૭૫૫-૫૬મા તેમના ગુરુ કાયમુદ્દીન ચિસ્તીના ગ્રંથ “નૂરે રોશન”નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે પણ ગુરુની શાનમા અનેક રચનાઓ લખી હતી. એક અન્ય શિષ્ય ઉમર બાવાએ અભરામ બાવા પાસેથી દીક્ષા લીધી હતી. અભરામ બાવાના શિષ્ય નબી મિયાં ભરૂચના કાઝી ખાનદાનના સૈયદ હતા.

“ગુરુ અભરામે મહેર કરી ,
તેના દાસ નબી ગુણ ગાય,
પાણીનો સંગ રે
લુણ જોને ગયું ગળી”
જેવી તેમની રચનાઓમા સૂફી વિચારણા મૂળ જોવા મળે છે. અભરામ બાવાના અન્ય એક શિષ્ય પુંજા બાવા હતા. તેઓ ખંભાતના મૂળ રહેવાસી હતા. જાતીએ ખારવા-ખલાસી હતા. તેમનો અનુયાયી વર્ગ ખંભાત, વડોદરા, અમદાવાદ, ભરુચ, સુરત, અને મુંબઈમા વસતા ખલાસી, ગોલા, કણબી, કાછીયા,સોની,અને પારસીઓ હતા. તેમની રચનો પણ ઘણી લોકભોગ્ય બની હતી.

“હું રંગારી રંગ ચઢયો,
કુંદનમાં હીરો જાડીયો
જેમ સાગરમાં નીર ભર્યો
અનુભવી વરને વર્યો”

શેખ કાયમુદ્દીન ચિસ્તીની આ શિષ્ય પરંપરા એ ગુજરાતના તળ પ્રદેશોમાં સૂફી વિચારને લોકોના આચાર વિચારમાં સ્થાન આપ્યું હતું. આજે પણ શેખ કાયમુદ્દીન અને તેમના શિષ્યોની રચનાઓ તેમના અનુયાયીઓના મુખે અભિવ્યક્ત થતી રાહે છે.

1 comment:

  1. શાહ કાયમુદ્દીન ચિસ્તીના શિષ્યો લેખ થી તેમના જીવન અને શિષ્યો વિશે ની રસપ્રદ માહિતી મળી આભાર

    ReplyDelete