Saturday, January 15, 2011

કાયમુદ્દીન ચિશ્તી : સમરસતાના પ્રતિક : ડો. મહેબૂબ દેસાઈ

સૂફી વિચારધારાના ચિશ્તીયા સિલસિલાનો આરંભ કરનાર ખ્વાજા અબુ અબ્દુલ્લાહ ચિશ્તી
(વફાત ઈ.સ.૯૯૬) હતા. ગુજરાતમાં પણ એ સીલસીલાના અનેક સંતો થઈ ગયા છે. જેમાં શાહ કાયમુદ્દીન ચીશ્તી(ઈ.સ.૧૬૯૦-૧૭૬૮)નું નામ અગ્ર છે.તેમના પિતા બદરુદ્દીન પણ ખુદાના પરમ આશિક હતા. અનેકવાર ખુદાની ઇબાદતમાં લીન થઈ જતા.કડીમાં જન્મેલ કાયમુદ્દીનના જન્મ સમયની એક ઘટના જાણવા જેવી છે. તે દિવસે પણ પિતા બદરુદ્દીન ખુદાની ઇબાદતમાં લીન બેઠા હતા અને દાઈએ આવી કહ્યું,
“આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે”
ખુદાની ઇબાદતમાં મસ્ત એવા પિતાએ બંધ આંખો સાથે જ કહ્યું,
”બાળકને મારી પાસે લાવો”
દાઈ તાજા જ્ન્મેલા પુત્રને લઇ બદરુદ્દીન પાસે આવી. બદરુદ્દીન તાજા જન્મેલા એ બાળકને હાથમાં લઇ કહ્યું,
“આ બાળક દિને ઇસ્લામ કાયમ કરશે. પોતાના પિતાનું નામ કાયમ રાખશે.પોતે ધર્મ (સુલુક)ના માર્ગ પર કાયમ રહેશે. જેથી તેનું નામ કાયમુદ્દીન રાખવું’
એમ કહી પાસેના ઠંડા પાણીના હોજમાં એ બાળકને છ વાર ડુબાડીને બહાર કાઢ્યું. દાયણ આ જોઈ હેબતાઈ ગઈ. મનોમન તેણે માની લીધું કે આ બાળક હવે નહિ જીવે. પણ બદરુદ્દીન તો બાળકને છ વાર પાણીમાં ડુબાડીને સ્મિત કરતા બોલ્યા,
“છ ડુબકીમાં મારા પુત્રના છ તબકા (દરજ્જા) રોશન થઈ ગયા છે. પણ સાતમો દરજ્જો તેણે ખુદ ખુદાની ઈબાદત કરીને ખોલવો પડશે”
પિતાની આવી ઈબાદત અને જ્ઞાન કાયમુદ્દીનને વારસમાં મળ્યા હતા. અને એટલે જ આઠમાં વર્ષે તો બાળક કયામુદ્દીનને આખું કુરાન-એ-શરીફ મોઢે હતું. ઉમર સાથે તેમનું જ્ઞાન અને પ્રભાવ વધતો ગયો. ગુજરાતી, ફારસી,અરબી,અને સંસ્કૃત પરનો તેમનો પ્રભાવ અદભૂત હતો. ગુજરાતના ખૂણે ખૂણે ફરી તેમણે સૂફી વિચારધારાના સમભાવના આદર્શેને પ્રસરાવવા ખાસ્સી જહેમત લીધી હતી.અને જયારે તેઓ પીરની ગાદી પર બિરાજ્યા ત્યારે તો તેમની સેવા અને હિંદુ મુસ્લિમ સમભાવની વિચારધાર સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગઈ હતી. જીવનમાં માત્ર બે કિતાબો “નૂરે રોશન” અને “દિલે રોશન” લખનાર કાયમુદ્દીન સાહેબની હાલ એક જ કિતાબ “નૂરે રોશન” ઉપલબ્ધ છે. જેનું પ્રકાશન હાલમાં જ થયું છે. નૂરે રોશન એ સાચા અર્થમાં નૂર અર્થાત પ્રકાશનું પ્રતિક છે. તેમાં હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાનો અદભૂત સમન્વય જોવા મળે છે. ભાષાની આવી સમન્વયકારી મીઠાશ બહુ ઓછા સંતોની કલમમા જોવા મળે છે.
જો કે ભાષાની મીઠાસ જ “નૂરે રોશન”ની વિશિષ્ટતા નથી. પણ હિંદુ મુસ્લિમ ધર્મ અને પ્રજાના સમન્વયકારી વ્યવહાર અને વર્તનની અભિવ્યક્તિ પણ તેના પાયામાં છે. મોટાભાગના સંતોનું સાહિત્ય તેમના ભક્તો દ્વારા તેમના ઉપદેશોનું સંકલન હોઈ છે. જયારે નૂરે રોશન ગ્રન્થ કાયમુદ્દીને સાહેબે ઈ.સ.૧૬૯૯-૧૭૦૦ દરમિયાન ખુદ લખેલ ગ્રન્થ છે. જેનો ગુજરાતી, ઉર્દૂ અને હિન્દીમાં અનુવાદ શ્રી ભગત સુલેમાન મહંમદે ઈ.સ. ૧૭૫૫-૫માં કર્યો હતો. એ ગ્રંથનું ૨૦૦૯માં તેમના અનુયાયીઓ દ્વારા ગુજરાતીમાં પ્રકાશન થયું છે. તેની રચનાઓની મૌલિકતા અને અભિવ્યક્તિ સાચ્ચે જ માણવા જેવા છે.

“કાયમુદ્દીન , કલજુગમેં પંથ પેદા હોગે જાન,
સોહી ખલકકો નરક કર અધિકારી કરેંગે માન.

કાયમુદ્દીન, સોના લેકર પિત્તલ દેવેંગે જાન,
ઉસ વાસ્તે અસલ કે મહા પુરુષ કહે ગયે હૈ શબ્દ પીછાણ.

કાયમુદ્દીન,બીજ પંથી નુરી વરત બતાવે જાન ,
અસલ કે શબ્દ વજન કર, સત્ ગુરુ પિછાન.

કાયમુદ્દીન,શબ્દ માફક મિલે તો સત્ ગુરુ જાન,
નહિ તો વો પંથ યું જાનકે પાખંડી હે માન.

કાયમુદ્દીન,બેદ સાખી, દો એક હે જાન
સાખી ખુલી હે, બેદપડદા હે માન”

અર્થાત, કાયમુદ્દીન,આ કળયુગમાં અનેક પંથો ઉત્પન થશે, જે લોકોને નરકના અધિકારી કરશે. સોનું લઇ પીતળ આપશે. અને તેથી જ સાચા મહાપુરુષો કહી ગયા છે કે શબ્દ (જ્ઞાન)નો રસ્તો પકડજે, દા.ત. બીજા પંથઓ વીર્યમાંથી જ શક્તિ આવી છે તેમ માને છે અને તે પ્રમાણે અમલ કરે છ. એવા પાખંડીઓ આ દુનિયામાં ઘણા જોવા મળશે. માટે આગળના સત ગુરુઓ શબ્દ (જ્ઞાન)આપીને ખુદાઈ રસ્તા દેખાડતા હતા તેમ જે ગુરુઓ દેખાડે તેમને જ સાચા ગુરુ સમજજે.
સૂફી પરંપરામાં ગુરુનો મહિમા વિશેષ છે.તેણે સાકાર કરતા કાયમુદ્દીન લખે છે,

“કયામુદ્દીન ખલક ક્યાં કરે,પકડા અંધે કા હાથ,
પીર આપ ભૂલે પડે,ચેલા કયું પાવે બાટ”

આવી તોહીદ અને કોમી એખલાસને સાકાર કરતી અનેક વિષય પરની સાખીઓનો સંગ્રહ “નૂરે રોશન” આપનાર કયામુદ્દીન ચિશ્તીએ ગુજરાતને ચિશ્તી પરંપરાના અનેક શિષ્યો આપ્યા છે. જેમાં અભરામબાવા, રતનબાઈ (ઈ.સ.૧૭૦૦),જીવન મસ્તાન (ઈ.સ.૧૭૦૦), સુલેમાન ભગત,(ઈ.સ.૧૬૯૯),ઉમર બાવા,નબી મિયા, પુંજાબાવા વગેરેનો સમાવેશ થાય છે. આજે પણ કોમી સદભાવની જ્યોત પ્રગટાવતી તેમની મઝાર અને લોકોને રાહ ચીંધી રહી છે.

No comments:

Post a Comment