Monday, January 3, 2011

“ઝમઝમના જળમાં રોટલો બનાવીને જમીશ” : પૂ. મોરારીબાપુ : ડો. મહેબૂબ દેસાઈ




પૂ.મોરારીબાપુને ઝમઝમનું જળ આપતા ડો.મહેબૂબ દેસાઈ

"ઝમઝમના જળમાં રોટલો બનાવી જમીશ" પૂ. મોરારીબાપુ

હજયાત્રા અંગેની લેખમાળા તો પૂર્ણ થઈ ગઈ છે. પણ હજયાત્રા પછી તે અંગે આવેલા પ્રતિભાવો આપણી ધર્મની સામાન્ય વિભાવનામા આમુલ પરિવર્તન આણે તેવા છે. જે સાચ્ચે જ માણવા જેવા છે. હજયાત્રા કરીને આવેલ હાજી ૪૦ દિવસ સુધી ખુદા-ઈશ્વરને જે કઈ પાર્થના કે ઈચ્છા કરે તે કબુલ થાય છે. હજયાત્રા પછી યુનિવર્સીટીના એક કાર્યક્રમ અંગે મેં પૂ. મોરારીબાપુને એક પત્ર પાઠવ્યો. જેમાં લખ્યું હતું,
“હજયાત્રાએથી પરત આવ્યા પછી પ્રથમ પત્ર આપને પાઠવી રહ્યો છું. હજયાત્રાની પ્રસાદી ઝમઝમનું જળ અને ખજુર આપને રૂબરૂ આપવા આવવાની ઈચ્છા છે.”
પત્ર બાપુને મળ્યો કે તુરત બાપુનો ફોન આવ્યો,
“મહેબૂબભાઈ, હજયાત્રાએથી આવી ગયા તે જાણ્યું. ઈશ્વર આપની હજ કબુલ ફરમાવે”
આ વાતને લગભગ દસેક દિવસ થઈ ગયા. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના એક કાર્યક્રમ માટે મારે બાપુને રૂબરૂ મળવા જવાનું નક્કી થયું. અને બાપુને રૂબરૂમાં ઝમઝમનું જળ અને આજવા ખજુર આપવાની મારી ઈચ્છા વધુ પ્રબળ બની.
તા. ૩ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે હું જયારે તલગાજરડા(મહુવા)મા આવેલ બાપુના ચિત્રકૂટ આશ્રમમાં પહોંચ્યો, ત્યારે બાપુ એક સૌ જેટલા ભક્તોથી ઘેરાયેલા હતા. આટલી મોટી બેઠકમાં બાપુને કેમ મળવું, તેની મીઠી મુંઝવણ હું અનુભવી રહ્યો હતો. અંતે હિંમત કરી મારી પાસે ઉભેલા એક સ્વયંમ સેવકને મેં મારી ઓળખાણ આપી અને મારા આગમનનો ઉદેશ કહ્યો. એ ભાઈએ મને કહ્યું,
“તમેં બાપુ ને મળી લો. બપોરે ૧૨ થી ૧ બાપુ બધાને મળે છે” પણ આટલા બધા ભક્તોની વચ્ચે બાપુને મળતા મારા પગો સંકોચ અનુભવી રહ્યા હતાં. છતાં હિમત કરી મેં કદમો માંડ્યા. બાપુ હિંચકા પર બેઠા હતા.જયારે ભક્તજનો નીચે બેઠા હતાં. મેં હિંચકા તરફ ચાલવા માંડ્યું. એ સમયે બાપુનું ધ્યાન ભક્તો સાથેના વાર્તાલાપમાં હતુ. એટલે હિંચકા પાસે જઈ મેં મારો પરિચય આપતા કહ્યું,
“મારું નામ મહેબૂબ દેસાઈ છે. આપને મળવા ભાવનગરથી આવ્યો છું.”
નામ સાંભળી બાપુએ મારા તરફ જોયું. અને તેમના ચેહરા પર સ્મિત ફરી વળ્યું. મારા પર એક નજર નાખી તેઓ બોલ્યા,
“આવો આવો,મહેબૂબભાઈ , અરે કોઈ જરા ખુરસી લાવશો”
બાપુના આવા આદેશથી હું થોડો વધારે મૂંઝાયો. આટલા બધા ભક્તો ભોય પર બેઠા હોઈ અને હું બાપુ સામે ખુરશી પર બેસું તે કેવું લાગે ? પણ બાપુ સામે કઈ જ દલીલ કરવાની મારી માનસિક સ્થિતિ ન હતી. એટલે ખુરશી આવતા મેં તેમાં ચુપચાપ સ્થાન લીધું. અને મારા થેલામાંથી ઝમઝમના જળની બોટલ અને ખજૂરનું બોક્સ કાઢી બાપુને આપતા કહ્યું,
“આપને મક્કાની આ બે પ્રસાદી રૂબરૂ આપવાની ઘણી ઈચ્છા હતી”
બાપુએ પ્રથમ આજવા ખજૂરનું બોક્સ મારા હાથમાંથી લીધું. અને હિચકા પર પોતાની બાજુમાં મુક્યું. પછી મેં ઝમઝમની બોટલ તેમના હાથમાં મુક્તા કહ્યું,
“ઝમઝમનું જળ ઇસ્લામમાં અત્યંત પવિત્ર ગણાય છે. સો તેનું આચમન કરે છે. આપ પણ તેનું આચમન કરી શકો છો”
મારી વાત સાંભળી ચહેરા પર સ્મિત પાથરી બાપુ બોલ્યા,
“તમે જ મને તેનું આચમન કરવો ને ” અને બાપુએ તેમના હાથની હથેળી મારી સામે ધરી.મેં બોટલ ખોલી બાપુના હાથમાં ઝમઝમનું પાણી રેડ્યું. અને ગંગા જળ જેટલા જ શ્રધ્ધા ભાવથી બાપુએ ઝમઝમનું આચમન કર્યું. ત્યારે સો ભક્તો બાપુની આ ચેષ્ઠાને જોઈ રહ્યા હતા. ઝમઝમના આચમન પછી ભક્તજનોને સંબોધતા બાપુ બોલ્યા,
“મહેબૂબભાઈ સાથે આજે મારી પણ હજ થઈ ગઈ” અને ત્યારે ભક્તજનોએ બાપુના એ વિધાનને તાળીઓથી વધાવી લીધું.પણ બાપુ આટલેથી ન અટક્યા.તેમણે મારી સામે જોઈ પોતાની ઈચ્છાને વ્યક્ત કરતા કહ્યું,
“મહેબૂબભાઈ, આ બોટલમાં વધેલા ઝમઝમના જળમાં રોટલો બનાવીને હું જમીશ”
અને ત્યારે તો ભક્તોની તાળીયો વધુ ગુંજી ઉઠી. પણ એ તરફ હવે મારું બિલકુલ ધ્યાન ન હતુ. એ સમયે મારી આંખોમા બાપુની અન્ય ધર્મ પ્રત્યેની શ્રધ્ધા જોઈ ભીનાશ પ્રસરી ગઈ હતી. કદાચ બાપુ મારી એ સ્થિતિને પામી ગયા હશે. અને એટલે જ વાતને વાળતા બોલાય,
“મહેબૂબભાઈ ,પ્રસાદ તૈયારે છે. જમીને જજો” મારી આંખોની ભીનાશને છુપાવતા મેં કયું.
“બાપુ, પવિત્ર મક્કા શહેરમાં જમું કે આપના આશ્રમમા જમું , બંને મારા માટે સરખું જ છે”
અને મારી આંખની ભીનાશ મારા ચહેરા પર વહેવા લાગે એ પહેલા મેં બાપુને નમસ્કાર કરી ભોજન શાળા તરફ કદમો માંડ્યા.

1 comment:

  1. આપની "બાપૂ " સાથે ની મુલાકાત વાંચી મને પણ મળવાનું મન થાય છે.તમને બન્ને ને!સુંદર

    ReplyDelete