Tuesday, July 27, 2010

ફિર વોહી મુબારક રમઝાન આયા હૈ, દુવાઓ ઔર સવાબોકી બારીશ લાયા હૈ : ડો. મહેબૂબ દેસાઈ

જે માસની ઇસ્લામનો દરેક અનુયાયી આતુરતાથી રાહ જોવે છે, તે મુબારક રમઝાન માસ દર વર્ષની જેમ પુનઃ સવાબ લુંટાવવા આવી ચડ્યો છે. આ જ માસમા કુરાન-એ-શરીફનું અવતરણ થયું છે. આ જ માસમાં ખુદા પોતાના કરોડો બંદાઓને બેહિસાબ સવાબ-પુણ્યની નવાજે છે. આ જ માસમાં કરેલી ઈબાદત અને જકાત-ખેરાતનો અનેક ગણો બદલો ખુદા તેના બંદાને આપે છે. પણ તે માટે ખુદાની બે શરતોનું પાલન દરેક મુસ્લિમે કરવું પડે છે. એક, સમગ્ર માસ દરમિયાન દરેક મુસ્લિમ ખુદાની ઈબાદતમા લીન રહે. અને બે, બુરા મત દેખો, બુરા મત સૂનો. બુરા મત કહો અને બૂરા મત સોચોના મૂલ્યોને ઈમાનદારીથી વળગી રહે. રોઝા અર્થાત ઉપવાસ- સોમમા આ બાબતોનું પાલન અનિવાર્ય છે. માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું એટલે રોઝો નહિ. એમ તો ગરીબ માનવી ઘણીવાર ભૂખ્યા-તરસ્યા રહે છે. પણ તેમને રોઝનો સવાબ (પુણ્ય) પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમની ભૂખ્યા- તરસ્યા રહેવાની એ ક્રિયામા ઈબાદત નથી, મજબૂરી છે. રમઝાન શબ્દમાં પણ ગુનાહોને ઈબાદત અને સદ્કાર્યો દ્વારા બાળવાનો ભાવ રહેલો છે. “રમઝ” અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે બાળવું.

ઇસ્લામના મહાન ગ્રન્થ કુરાન-એ-શરીફમાં કહ્યું છે,

“ “હે મુસ્લિમો, તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે””

અર્થાત નાના મોટા દરેક તંદુરસ્ત મુસ્લિમ માટે રોઝા ફરજીયાત છે. જો કે ઇસ્લામ માનવ ધર્મ છે. જેના નિયમોમાં કયાંય જડતા કે અમાનવીયતા નથી. એટલે જ કુરાન-એ-શરીફમા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે,
“ “રમઝાન માસમાં કોઈ બીમાર હોઈ કે મુસાફરીમાં હોઈ તો તે અન્ય દિવસોમાં જયારે તે તંદુરસ્ત હોઈ ત્યારે રોઝા રાખી પોતાના રોઝા પૂર્ણ કરી શકે છે””

એટલે કે ઇસ્લામે કોઈ મુસ્લિમને રોઝાથી મુક્તિ નથી આપી.રોઝા, ઉપવાસ કે સોમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. ગાંધીજીએ પણ ઇસ્લામના આ સિધ્ધાંતનો સ્વીકાર કર્યો છે. જયારે ગાંધીજીને કોઈ ભૂલ કે પાપ કર્યાનો અહેસાસ થતો ત્યારે તે પ્રાયશ્ચિત માટે ઉપવાસ કરતા. પણ આપણે તો ત્રણસો પાંસઠ દિવસોના ગુનાહોને ધોવા-પ્રાયશ્ચિત કરવા ખુદાની ઇબાદત સાથે માત્ર ત્રીસ દિવસના રોઝા કે ઉપવાસ કરવામાં પણ આળસ કરીએ છીએ.અને એટલે જ આપણા રોઝા ખુદા કબુલ કરે છે કે નહી તેની આપણને ખુદને ખબર નથી હોતી. અને એટલે જ રમઝાન માસના આરંભે દરેક મુસ્લિમે ત્રીસ દિવસ ઈબાદત અને રોઝાના સમન્વય સાથે સનિષ્ઠ રીતે જીવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જકાત-ખેરાત (દાન) કરી વધારેમાં વધારે સવાબ પુણ્ય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રમઝાન માસની પવિત્રતાને કારણે જ મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. તેનું પાલન કરવામાં સાચો મુસલમાન કયારેય અચકાતો નથી. જકાતમાં મનચોરી એ ગુનાહ છે.

રોઝાની ક્રિયા પણ પવિત્રતાનું પતિક છે. રોઝો રાખવાના સમયને શહેરી કહે છે. સૂર્યનો ઉદય થતાં પહેલાં નાહી, સ્વરછ વસ્ત્રો ધારણ કરી, પાક થઇ દરેક મુસ્લિમ રોઝાનો નિર્ધાર (નિયત) કરે છે અને પછી જરૂર પૂરતું જ જમી ઉપવાસ આરંભે છે. ઉપવાસ કરવો એટલે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કશું ખાવું પીવું નહીં. નમાજ દ્વારા સતત ખુદાની ઇબાદતમાં રત રહેવું. પણ આ તો તેનો સામાન્ય અર્થ છે. રોઝો રાખી કોઇની ગીબત એટલે કે નિંદા કરવી, ખોટું બોલવું, ચોરી કરવી, બદઇરાદો સેવવો એ પણ રોજાના ભંગ સમાન છે. એટલે રોઝોએ મન, વચન અને કર્મ દ્વારા નૈતિક મૂલ્યોનું જતન કરવાનો માર્ગ છે. ભૂખને મારીને, તરસને દબાવીને માત્ર આખો દિવસ જેમ તેમ કરી કાઢી નાખવો એટલે રોઝો નહીં. આવા શરીર અને મનને શુદ્ધ કરતાં રોઝાની સમાપ્તિ સૂર્યના અસ્ત પછી થાય છે. તેને ઇફતાર કહે છે. રોઝો પૂર્ણ થવાની ઘડીએ પણ સંયમ, પવિત્રતા અને શ્રદ્ધા આવશ્યક છે. નમક કે ખજૂરથી ઉપવાસ છોડવા પર ઇસ્લામે ભાર મુક્યો છે. ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોઝો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદભાવોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી રોઝાની સમાપ્તિ સમયે જમે છે.

મારા અનેક હિંદુ સ્વજનો પણ રોઝા રાખે છે. અમદાવાદના જીગનેશભાઈ મોદી, રણુંના મહંત મા. રાજેન્દ્રગીર મહારાજ અને ભાવનગરના હર્ષદભાઈ ત્રિવેદી રમઝાન માસનો ૨૭મો રોઝો હમેશા રાખે છે. અને તે માટેનું જરૂરી માર્ગદર્શન મેળવવા મારો સંપર્ક કરે છે.આપણા જાણીતા લેખક અને મારા વડીલ મિત્ર શ્રી ગુણવંત શાહને રોઝા અંગે તેમનો પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે બોલ્યા,

“ “અલ્લાહના સાનિધ્યમા રહેવાનો પ્રયાસ એટલે રોઝો”

ચાલો,આપણે સૌ આખો રમઝાન માસ આલાહના સાનિધ્યમાં રહેવાનો સંનિષ્ટ પ્રયાસ કરીએ. આપણા સૌના એ પ્રયાસને અલ્લાહ સફળ બનાવે એ જ દુઆ – આમીન .

Wednesday, July 21, 2010

વિશ્વનું મહાન ઇસ્લામિક વિશ્વ વિદ્યાલય દારુલ ઉલુમ દેવબંદ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામી વિશ્વમાં દારુલ ઉલુમ દેવબંદનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તેણે ભારતના જ નહિ,પરંતુ સમગ્ર વિશ્વના મુસ્લિમોને પોતાની શૈક્ષણિક સિધ્ધિઓથી પ્રભાવિત કર્યા છે. ૧૪૪ વર્ષની લાંબી વિકાસ યાત્રા પછી આજે દારુલ ઉલુમ દેવબંદ માત્ર ઇસ્લામિક વિશ્વ વિદ્યાલય નથી રહ્યું, પણ એક વિચારધારા બની ગયું છે. જેણે સમાજના અંધવિશ્વાસ, કુરિવાજો અને આડંબરો સામે ઇસ્લામના મૂળભૂત સ્વરૂપને વ્યક્ત કરી, સમાજ સુધારણાનું ઉત્તમ કાર્ય કર્યું છે. અને એટલે જ આ વિચારધારામાં માનનાર મુસ્લિમોને દેવબંદી કહેવામાં આવે છે. દેવબંદ ઉત્તર પ્રદેશનું એક નાનકડુ નગર છે. જેની વસ્તી માત્ર એકાદ લાખ જેટલી છે. પરંતુ દારુલ ઉલુમ વિશ્વ વિદ્યાલયને કારણે આજે તે ઉત્તર પ્રદેશનું વિશ્વ વિખ્યાત નગર બની ગયું છે. દારુલ ઉલુમ દેવબંદ વિશ્વ વિદ્યાલયને કારણે આજે દેવબંદ નગર ભારતીય અને ઇસ્લામી શિક્ષણ અને સંસ્કૃતિના સમન્વયનું ઉમદા પ્રતિક બની ગયું છે. વિશ્વમાં અરબી ઇસ્લામી શિક્ષણનું તે મુખ્ય કેન્દ્ર છે. તેમાં માત્ર ઇસ્લામી શિક્ષણ અને સંશોધનનું જ કાર્ય થતું નથી,પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ઊચ્ચ આદર્શોનું જતન પણ થાય છે.

૩૦ મેં ૧૮૬૬ન રોજ હાજી આબિદ હુસેન અને મોલાના કાસીમ નાનોતવી એ આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. એ સમયે ભારતના ઇતિહાસનો કપરો કાળ હતો. ૧૮૫૭નો પ્રથમ મુક્તિ સંગ્રામ નિષ્ફળ ગયો હતો. અંગ્રજોનો ભારતીય પ્રજા ઉપરનો રોષ હજુ શમ્યો ન હતો. ૧૮૫૭ના એ કપરા કાળમાં માત્ર દેવબંદ જેવા નાનકડા નગરમાં જ ૪૦ લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા.જયારે કેટલાકને જેલમાં નાખવામાં આવ્યા હતા.તો કેટલાક શહીદ થયા હતા. આમ છતાં અંગ્રેજોનો રોષ હજુ શમ્યો ન હતો. ૧૮૫૭ પછી ભારતીય અને ઇસ્લામી શિક્ષણ સંસ્થાઓ નામશેષ રહી ગઈ હતી. તેના અસ્તિત્વને ટકાવી રાખવાનું કાર્ય શિક્ષણવિદો માટે કપરું બન્યું હતું. આવા સમયમાં દારુલ ઉલુમ દેવબંદની સ્થાપના થઈ. જેણે ભારતીય અને ઇસ્લામી શિક્ષણને જીવંત રાખવામા મહત્વનું કાર્ય કર્યું.

જો કે આરંભના દિવસો દારુલ ઉલુમ માટે કપરા હતા. અંગ્રેજોની શિક્ષણ પ્રથાનો મુખ્ય ઉદેશ કારકુનો પેદા કરવાનો હતો. ભારતીય કે ઇસ્લામી સભ્યતા કે શિક્ષણના જતન અને વિકાસમાં તેમને કોઈ રસ ન હતો. પરિણામે આવી શિક્ષણ સંસ્થાઓ પ્રત્યે અંગ્રેજોની નીતિ અત્યંત ક્રૂર હતી.તેની સ્થાપના કે વિકાસમા બને તેટલા અવરોધો નાખવા અંગ્રેજો તત્પર રહેતા. એવા યુગમાં દેવબંદની એક નાનકડી મસ્જિતમા દારુલ ઉલુંમનો મદ્રેસો શરુ થયો. દેવબંદની જુમ્મા મસ્જીતમાં પણ તે થોડો સમય ચાલ્યો.

ઈ.સ. ૧૮૭૯મા દારુલ ઉલુમની પ્રથમ ઈમારત બની. એ પછી જરૂરિયાત મુજબ દારુલ ઉલુમની શૈક્ષણિક ઈમારતો બનતી ગઈ. મદ્રેસાનો ભવ્ય દરવાજો અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ બાદશાહ ઝહિર શાહના અનુદાનથી બનાવવામાં આવ્યો. જેથી તેનું નામ “બાબુલ ઝહિર” રાખવામાં આવ્યું. મદ્રેસાના પ્રથમ વર્ષમાં માત્ર ૧૬ વિદ્યાર્થીઓ એ પ્રવેશ લીધો હતો. એક સદીના અવિરત વિકાસ પછી આજે એ નાનકડો મદ્રેસો વિશાલ વિશ્વ વિદ્યાલય બની ગયો છે. જેમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઇસ્લામિક શિક્ષણ અને સંસ્કારોનું ભાથું લઈને વિશ્વમા પ્રવેશે છે.

આજદીન સુધી લગભગ ૯૫ હાજાર જેટલા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિદ્વાનો અર્પનાર દારુલ ઉલુમેં ભારતની આઝાદીની લડતમાં પણ પોતાનું આગવું પ્રદાન નોંધાવ્યુ છે. જેમાં અગ્ર છે દારુલ ઉલુમ દેવબંદના પ્રથમ સ્નાતક “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન (૧૮૫૧-૧૯૨૦). ૧૮૫૭ના મુક્તિ સંગ્રામના છ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૫૧મા બરેલીમાં જન્મેલ અને સમગ્ર વિશ્વમાં શૈખુલ હિન્દના નામે જાણીતા થયેલા મહમુદ હસનના પિતા ઝુલ્ફીકાર અલી પણ અરેબીકના ઉચ્ચ વિદ્વાન હતા. અને બરેલીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક હતા.મહમુદ હસનનું બચપણ બરેલીની ગલીઓમાં પસાર થયું હતું. મહમુદ હસન દારુલ-ઉલુમ-દેવબંદ” ના પ્રથમ વિદ્યાર્થી અને પ્રથમ સ્નાતક (ઈ.સ.૧૮૭૩) હતા. એ પછી ઈ.સ. ૧૮૭૪મા એ જ સંસ્થામા તેઓ શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૦મા દારુલ-ઉલ-દેવબંદના આચાર્ય તરીકે તેઓ નિયુક્ત થયા અને જીવનપર્યંત સંસ્થાની સેવા કરતા રહ્યા. શૈક્ષણિક સક્રિયતા ઉપરાંત મોલાના મહમુદ હસન ભારતના રાજકારણમા પણ સક્રિય હતા. અંગેજો સામેની લડતમાં ભારતીય અને મુસ્લિમ પ્રજાને જાગૃત કરવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. વીસમી સદીનો બીજો દસકો ભારતના રાજકારણ માટે અત્યંત મહત્વનો હતો. ભારતમાં ગાંધીજીનું આગમન થયું.પણ ગાંધીજીના અહીંસાના વિચારો પ્રત્યે પ્રજામાં હજુ વિશ્વાસ કેળવાયો ન હતો. એવા સમયે મહમુદ હસને અંગ્રજો સામે સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી કાઢી. અને તે માટેના સ્વયમસેવકોને તાલીમ આપવા ભારતમાં જુદા જુદા સ્થળોએ તાલીમ શાળાઓ યોજી. તેમના આ કાર્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી અને મોલાના મોહમદ મનસુર અન્સારી મોખરે હતા. આ બને પણ દેવબંદ દારુલ ઉલુમના જ વિદ્યાર્થીઓ હતા. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની તાલીમ શાળાઓ સાથે તેમણે વિદેશમાંથી પણ આ ક્રાંતિ માટે સહાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઈ.સ. ૧૯૧૫ના મધ્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી કાબુલ અને મોલાના મોહમદ મનસુર અન્સારી તુર્કી ગયા હતા. મોલાના મોહંમદ મનસુર અન્સારી હિજાબમાં તુર્કના ગવર્નર ગાલીબ પાશાને મળ્યા. ગાલીબ પાશાએ અંગ્રેજો સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પરિણામે મોલાના મહમુદ હસન તુર્કમા ગાલીબ પાશાને મળ્યા.


જયારે તુર્કીથી પાછા ફરતા મોલાના મોહમદ મનસુર અન્સારી બગદાદ અને બલુચિસ્તાન થઈ ભારત આવ્યા. આમ સશસ્ત્ર ક્રાંતિ માટેનો તખ્તો ગોઠવાયો. આ ક્રાંતિ માટે જે પત્ર વ્યવહાર થયો હતો, તે રેશમી રૂમાલ પર થયો હતો, એટલે ઇતિહાસમાં તે “રેશમી રૂમાલની ચળવળ”ના નામે ઓળખાય છે. જો કે આ સશસ્ત્ર ક્રાંતિની જાણ અંગ્રેજ સરકારને થઈ ગઈ. પરિણામે આખી યોજના નિષ્ફળ ગઈ હતી.

આ ઉપરાંત મોલાના મહમુદ હસને ખિલાફત ચળવળ માટે આપેલો રાષ્ટ્ર વ્યાપી ફતવો પણ ભારતના ઇતિહાસમાં જાણીતો છે. ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ કરવા તેઓ મક્કાના ગવર્નરને મળ્યા હતા. મક્કાના ગવર્નરે ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ થવા કેટલાક અગત્યના દસ્તાવેજો મોલાના મહેમુદ હસનને આપ્યા હતા. એ દસ્તાવેજોના આધારે જ મહેમુદ હસને પેલો ઐતિહાસિક ફતવો બહાર પડ્યો હતો. જેના કારણે મોલાના મહમુદ હસનની મક્કામાંથી ૧૯ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મક્કાથી કેરો થઈ માલ્ટા દરિયાઈ જહાંજમા લઈ જવામાં આવ્યા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ તેઓ માલ્ટા પહોચ્યા. ત્યાં તેમના પર દેશદ્રોહી ચળવળ ચલાવવા બદલ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ત્રણ વર્ષ અને ચાર માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. સજા ભોગવી ૮ જુન ૧૯૨૦ના રોજ તેઓ મુંબઈ આવ્યા. ત્યારે ભારતના વાતાવરણમાં અસહકાર આંદોલન પ્રસરેલું હતું. મહમુદ હસને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. ૧૯૨૦ના ઓકટોબર માસમાં તેમણે જામિયા મિલિય ઇસ્લામિયા યુનિવર્સીટી,અલીગઢનો પાયો નાખ્યો. અને ૩૦ નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું.

દારુલ ઉલુમ દેવબંદના આવ અનેક જાંબાઝ સીપાયોએ હિન્દોસ્તાનના મુક્તિ યજ્ઞમાં પોતાના બલિદાનો આપ્યા છે. એ બાબત જ નિર્દેશ કરે છે કે દારુલ ઉલુમ દેવબંદે શિક્ષણ સાથે ચારિત્ર ધડતરનું ઉમદા કાર્ય પણ કર્યું છે. અને એટલે જ અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, તુર્કી, કજાન, દગિસ્તાન,ચીન, બર્મા , મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા , નેપાળ, ઈરાક, કુવેત, હિજાબ , યમન ,અને દક્ષિણ-પૂર્વીય આફ્રિકી દેશોમાંથી અભ્યાસ અર્થે અહિયા વિદ્યાર્થીઓ આવે છે. દારુલ ઉલુંમમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ૫૦ વધુ વિષય ભણાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કુરાન અને તનું વ્યાકરણ,હદીસ, ઇસ્લામી કાનૂન, તેનું વ્યાકરણ અને તેની રચનાઓ, સાહિત્ય,તર્કશાસ્ત્ર , દર્શનશાસ્ત્ર ,ગણિતશાસ્ત્ર , ચિકિત્સાશાસ્ત્ર. ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ,સામાન્ય જ્ઞાન , નાગરિકશાસ્ત્ર , અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, રહસ્યવાદ, છંદશાસ્ત્ર,અલંકારશાસ્ત્ર, અંગ્રજી ,હિન્દી અને કોમ્પ્યુટર જેવા વિષયોનો અભ્યાસ અહિયા થયા છે.

દારુલ ઉલુમના કુલપતિને સરપરાસ્ત અને ઉપ કુલપતિને મોહતમીમ કહેવામાં આવે છે. જયારે વિભાગીય અધ્યક્ષને મદરીસ અને ધાર્મિક મસલા અને સમસ્યાના અધ્યક્ષને મુફ્તી કહેવામાં આવે છે.આ પદો પર ઉચ્ચ શિક્ષણવિદો જેવા કે મોલાના મોહમદ કાસમ નનોતવી , હાજી મોહમદ આબિદ હુસેન, મોલાના રસીદ અહમદ ગંગોહી, મોલાના મોહમદ યાકુબ, મોલાના અશરફ અલી થાનવી, “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન કાર્ય કરી ચુક્યા છે.

દારુલ ઉલુંમમાં ઇસ્લામી અધ્યયનનો અગિયાર વર્ષનો અભ્યાસક્રમ છે.જે નિઝામી પાઠ્યક્રમ પર આધરિત છે. અગિયાર વર્ષમાં નવ વર્ષ નિર્ધારિત પુસ્તકોનું અધ્યયન અને બે વર્ષ ભાષા,સાહિત્ય અને ધર્મ અંગેનો અભ્યાસ કરવાનો હોય છે. આલીમની પદવી સાત વર્ષે અને ફાજિલની પદવી નવ વર્ષે આપવામાં આવે છે. જયારે કામિલની પદવી અગિયાર વર્ષના સઘન અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. આ તમામ પદવીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયોમાં માન્ય છે. આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય “અલ અજહર(કાહિરા), સાઉદી અરબ અને મદીના વિશ્વ વિદ્યાલયમા આ પદવીઓ બહુમૂલ્ય ગણાય છે. ભારતમાં અલીગઢ વિશ્વ વિદ્યાલય અને જામિયા મિલિય વિશ્વ વિદ્યાલયમા પણ આ પદવીઓ સ્વીકાર્ય છે.

દારુલ ઉલુમ દેવબંદની સ્થાપના કાળથી જ તેના સ્થાપકોએ એક નિયમ સ્વીકાર્યો છે.સરકારી અનુદાન કે શરતી દાન સ્વીકારવું નહિ. પરિણામે આજ દિન સુધી શૈક્ષણિક મૂલ્યો અને સંસ્થાના ઉદેશોનું સ્વતંત્ર પણે જતન કરવામાં કોઈ સમસ્યા ઉત્પન થઈ નથી. આવા આવાસી વિશ્વ વિદ્યાલયમા પ્રવેશ માટે વિદ્યાર્થીએ ટેસ્ટ આપવી પડે છે. એ પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય તો તેને પ્રવેશ મળે છે. સંસ્થામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીને અભ્યાસ ફી, આવાસ- નિવાસ ખર્ચ કે પુસ્તકોનો ખર્ચ આપવાનો રહેતો નથી. ટૂંકમાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી દારુલ ઉલુમની રહે છે.

આવી ૧૪૪ વર્ષ જૂની અને ઇસ્લામિક શિક્ષણમાં નવો ચીલોચાતરનાર દારુલ ઉલુમ દેવબંદને સો સો સલામ.

Sunday, July 18, 2010

“શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન : ડૉ. મહેબૂબ દેસાઈ

ઓગસ્ટ માસ ભારતની આઝાદીની લડત માટે જાણીતો છે. ૧૫ ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિન છે. ૮ ઓગસ્ટના રોજ ગાંધીજીએ આઝાદીની અંતિમ લડત “હિન્દ છોડો”નો આરંભ કર્યો હતો. ભારતની આઝાદીમાં હિદુ મુસ્લિમ બંને પ્રજાએ પોતાના બલીદાનોથી આઝાદીના યજ્ઞને પ્રજ્વલિત રાખ્યો હતો. એવા જ એક મુસ્લિમ સેનાની હતા “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન ઈ.સ. ૧૯૨૦મા જામિયા મિલિયા યુનિવર્સીટીનો પાયો નાખનાર અને ભારતની આઝાદીની લડતના સક્રિય સેનાની મોલાના મહમુદ હસન (૧૮૫૧-૧૯૨૦)નો જન્મ ૧૮૫૭ના મુક્તિ સંગ્રામના છ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૫૧મા બરેલીમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં શૈખુલ હિન્દના નામે જાણીતા થયેલા મહમુદ હસનના પિતા ઝુલ્ફીકાર અલી પણ અરેબીકના ઉચ્ચ વિદ્વાન હતા અને બરેલીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક હતા.મહમુદ હસનનું બચપણ બરેલીની ગલીઓમાં પસાર થયું. ઇ.સ. ૧૮૬૬માં હાજી મોહંમદ આબિદ હુસેને ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લાના દેવબંદ ગામે ”દારુલ-ઉલુમ-દેવબંદ” નામક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાનો આરંભ કર્યો. મહમુદ હસન તેના પ્રથમ વિદ્યાર્થી બન્યા.ઈ.સ. ૧૮૭૩મા તેઓ સંસ્થાના પ્રથમ સ્નાતક બન્યા. અને ઈ.સ. ૧૮૭૪મા એ જ સંસ્થામા શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૦મા દારુલ-ઉલ-દેવબંદના આચાર્ય તરીકે તેઓ નિયુક્ત થયા અને જીવનપર્યંત સંસ્થાની સેવા કરતા રહ્યા.

આજે દારુલ-ઉલ-દેવબંદ ઇસ્લામિક શિક્ષણ આપતી એશિયાની બીજા ક્રમની વિશાળ શિક્ષણ સંસ્થા છે.તેના વિકાસમાં મોલાના મહમુદ હસનનો ફાળો નાનોસુનો નથી. જીવનના ૪૦ વર્ષો દારુલ-ઉલ-દેવબંદ પાછળ ખર્ચનાર મહમુદ હસને શૈક્ષણિક અને વહીવટી દ્રષ્ટિએ દારુલ-ઉલ-દેવબંદને નામાંકિત આંતરરાષ્ટ્રીય ઇસ્લામી શિક્ષણ સંસ્થા બનાવી છે. અફઘાનિસ્તાન,મધ્ય એશિયા, તુર્કી, કજાન, દગિસ્તાન,ચીન, બર્મા , મલેશિયા, ઇન્ડોનેશિયા,શ્રીલંકા , નેપાળ, ઈરાક, કુવેત, હિજાબ , યમન ,અને દક્ષિણ-પૂર્વીય આફ્રિકી દેશોમાંથી અનેક છાત્રો દારુલ-ઉલ-દેવબંદમાં ઇસ્લામિક શિક્ષણ લેવા આવે છે. શૈક્ષણિક સક્રિયતા ઉપરાંત મોલાના મહમુદ હસન ભારતના રાજકારણમા પણ સક્રિય હતા. અંગેજો સામેની લડતમાં ભારતીય અને મુસ્લિમ પ્રજાને જાગૃત કરવમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી.

વીસમી સદીનો બીજો દસકો ભારતના રાજકારણ માટે અત્યંત મહત્વનો હતો. ભારતમાં ગાંધીજીનું આગમન થયું.પણ ગાંધીજીના અહીંસાના વિચારો પ્રત્યે પ્રજામાં હજુ વિશ્વાસ કેળવાયો ન હતો. એવા સમયે મહમુદ હસને અંગ્રજો સામે સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી કાઢી. અને તે માટેના સ્વયમસેવકોને તાલીમ આપવા ભારતમાં જુદા જુદા સ્થળોએ તાલીમ શાળાઓ યોજી. તેમના આ કાર્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી અને મોલાના મોહમદ મનસુર અન્સારી મોખરે હતા. એ સમયે મોલાના મહમુદ હસન દ્રઢ પણે માનતા હતા કે અં આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિ જ એક માત્ર માર્ગ છે. અને એટલે જ તેમણે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની તાલીમ શાળાઓ સાથે તેમણે વિદેશમાંથી પણ આ ક્રાંતિ માટે સહાય મેળવવા ઈ.સ. ૧૯૧૫ના મધ્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધીને કાબુલ અને મોલાના મોહમદ મનસુર અન્સારીને તુર્કી મોકલ્યા. મોલાના મોહંમદ મનસુર અન્સારી હિજાબમાં તુર્કના ગવર્નર ગાલીબ પાશાને મળ્યા. ગાલીબ પાશાએ અંગ્રેજો સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પરિણામે મોલાના મહમુદ હસન તુર્કમા ગાલીબ પાશાને મળ્યા. જયારે તુર્કીથી પાછા ફરતા મોલાના મોહમદ મનસુર અન્સારી બગદાદ અને બલુચિસ્તાન થઈ ભારત આવ્યા. આમ સશસ્ત્ર ક્રાંતિ માટેનો તખ્તો ગોઠવાયો. આ ક્રાંતિ માટે જે કરારો થયા, તે રેશમી રૂમાલ પર થયા હતા. એટલે ઇતિહાસમાં તે “રેશમી રૂમાલની ચળવળ”ના નામે ઓળખાઈ. ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે. એ નાતે ૧૮૫૭ જેમ જ આ સશસ્ત્ર ક્રાંતિની યોજનાની જાણ પણ અંગ્રેજ સરકારને થઈ ગઈ. પરિણામે લડતની આખી યોજના નિષ્ફળ ગઈ.

આ ઉપરાંત મોલાના મહમુદ હસને ખિલાફત ચળવળ માટે આપેલો રાષ્ટ્ર વ્યાપી ફતવો પણ ઇતિહાસમાં જાણીતો છે. ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ કરવા તેઓ મક્કાના ગવર્નરને મળ્યા હતા. મક્કાના ગવર્નરે ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ થવા કેટલાક અગત્યના દસ્તાવેજો મોલાના મહેમુદ હસનને આપ્યા હતા. એ દસ્તાવેજોના આધારે જ મહેમુદ હસને પેલો ઐતિહાસિક ફતવો બહાર પડ્યો હતો. જેના કારણે મોલાના મહમુદ હસનની મક્કામાંથી ૧૯ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મક્કાથી કેરો થઈ માલ્ટા દરિયાઈ જહાંજમા લઈ જવામાં આવ્યા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ તેઓ માલ્ટા પહોચ્યા. ત્યાં તેમના પર દેશદ્રોહી ચળવળ ચલાવવા બદલ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ત્રણ વર્ષ અને ચાર માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. સજા ભોગવી ૮ જુન ૧૯૨૦ના રોજ તેઓ મુંબઈ આવ્યા. ત્યારે ભારતના વાતાવરણમાં અસહકાર આંદોલન પ્રસરેલું હતું. મહમુદ હસને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. એ સાથે તેમણે મુસ્લિમ સમાજમાં જાગૃતિનું ઉમદા કાર્ય પણ ઉપાડી લીધું. ઉલેમાઓની એક વિશાળ જાહેસભામાં તેમણે સાડા ત્રણ વર્ષના જેલમાં કરેલ મનોમંથનનો નિચોડ આપતા કહ્યું હતું,

“હું માલ્ટાની જેલમાં જીવનના બે મોટા પાઠો શીખ્યો છું.”
સૌ એક ધ્યાને ૮૦ વર્ષના વયોવૃદ્ધ નેતાનો નિચોડ જાણવા ઉત્સુક હતા. એક પળ અટકી તેઓ બોલ્યા,
“એક, કુરાનના અભ્યાસ, ચિંતન અને સમજની મુસ્લિમ સમાજમાં તાતી જરૂર છે. અને બીજું, મુસ્લિમ સમાજમાં એકતા અને સંગઠનની જરૂર છે”

૧૯૨૦ના ઓકટોબર માસમાં તેમણે જામિયા મિલિય ઇસ્લામિયા યુનિવર્સીટી,અલીગઢનો પાયો નાખ્યો. અને ૩૦ નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું.

(વધુ વિગતો માટે જુવો : Shaikh-ul-Hind Maulana Mahmud Hasan And The Indian Freedom Movement, Author: Rafiya Nisar Publisher: Jamiat Ulama-i-Hind / Manak Publication)

Tuesday, July 13, 2010

હિંદુસભા દ્વારા ગાંધીજીને માનપત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગાંધીજીનું ભારતમાં આગમન ૯ જાન્યુઆરી ૧૯૧૫,મુંબઈમા થયું. એ પછી તેમણે ભારતનું પરિભ્રમણ આરંભ્યું હતું. તેના ભાગ રૂપે ૨૮ થી ૩૧ માર્ચ ૧૯૧૫ દરમિયાન તેઓ કલકત્તામાં હતા. તેમનો ઉતારો રાષ્ટ્રીય નેતા સી.આર.દાસને ત્યાં હતો. આ મુલાકાત દરમિયાન ૨૯ માર્ચના રોજ ગાંધીજીને કલકત્તાની હિન્દુસભા દ્વારા માનપત્ર આપી તેમનું સન્માન કરવામ આવ્યું હતું. આ માનપત્રની કેટલીક વિશિષ્ટતાઓ નોંધપાત્ર હતી. સૌ પ્રથમ તો આ માનપત્ર શુદ્ધ હિન્દી ભાષામાં આપવામા આવ્યું હતું. માનપત્રમા સંસ્કૃત શબ્દોનો સુંદર પ્રયોગ થયો છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વિજયને વિશિષ્ટ શૈલીમાં બિરદાવવામાં આવ્યો છે. ગાંધીજી સાથે કસ્તુરબાનો પણ માનપત્રમા “સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ” તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનપત્ર પર ૨૬ માર્ચની તારીખ છે. જયારે તેની અર્પણ વિધિ ૨૯ માર્ચના રોજ થઈ છે. માનપત્રનું પ્રિન્ટીંગ ગોવિંદ પ્રેસ કલકત્તામાં થયું છે. જેનો ઉલ્લેખ માનપત્રના અંતે કરવામાં આવ્યો છે. આ માનપત્રની ભાષા અને રજૂઆત જાણવા અને માણવા જેવા છે.
માનપત્રનો આરંભ “ભારત માતા કે કર્મવીર શ્રીયુક્ત ગાન્ધી મહોદય કી સેવામે અભિનંદન પત્ર” જેવા વિશિષ્ટ મથાળાથી થયો છે. એ પછી માનપત્રનો આરંભ કરતા લખવામાં આવ્યું છે,

“શ્રીમાન,
હિન્દુસભા કે લીયે આજકા દિન બડે હી સૌભાગ્ય કા હૈ ઇસે આપકા ઔર આપકી સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ કા સ્વાગત કરનેકા ગૌરવ પ્રાપ્ત હુઆ. હિન્દુસભા આજ અપને કો નિશ્ચિત હી પરમ ધન્ય સમઝતી હૈ. ઔર બડે આદર કે સાથ આપકા અભિનંદન કરતી હૈ.આપને ઉસ દૂરદેશ દક્ષિણ આફ્રિકા મેં જાતીય સમ્માન ઔર દેશકા ગૌરવ ચિરકાલ તક સ્થાપિત કરને કે લીયે, સત્યા આગ્રહી લડાઈ મેં પ્રવૃત્ત હોકર જો વિજય પાઈ હૈ, ઉસસે ન કેવલ હિંદુ જાતિકા,પ્રત્યુત સમસ્ત ભારત વર્ષકા મુખ ઉજ્જવળ હુઆ હૈ. આપને સબકો દિખા દિયા હૈ કી અનેક વિઘ્ન બાધાઓ કે ઉપસ્થિત હોને પર ભી મનુષ્ય કો ઘબડાકર અપને કર્તવ્ય પાલન સે વિમુખ નહિ હોના ચાહિયે, યદી સંકલ્પ સચ્ચા હો તો ઉસમેં અવશ્ય હી સફળતા પ્રાપ્ત હોગી. આપકી દ્રઢ પ્રતિજ્ઞા, પરોપકારપરાયણ ઔર સદાચાર સમ્પન સાત્વિક સંતોષી મૂર્તિ કો દેખકર ભારત કે પ્રાચીન મહાપુરષો કા ચિત્ર અંકિત હો જતા હૈ.

શ્રીમાન, ઇસ ઘોર સમય મેં જબકી યહાં પ્રાશ્ચાત્ય વાયુ કે પ્રચંડ ઝકોરોસે પ્રાચીનતા કી મુલ ભક્તિ ડગમગા રહી હૈ, તબ એસે અવસર પર પતિ ભક્તિ કા સર્વોચ્ચ આદર્શ આપકી ધર્મપત્નીને દીખલાને કે લીયે આપકા છાયા કી ભાતી અનુગમન કર સંસાર કો યહ ભલીભાતી દિખલા દિયા હૈ કી ભારતીય લલનાઓ કા પતિ સર્વસ્વ હૈ ઔર પતિ કા સુખ દુઃખ હી ઉનકા સુખદુખ હૈ. આપકા અભિનંદન કરને મેં સભાકો અતુલનીય આનંદ હોતા હૈ.

મહોદય, યહ દિન હિંદુ જાતિ કે લીયે હી નહિ સમસ્ત ભારત વર્ષ કે લીયે બડે ગૌરવ કા હોગા જિસ દિન કી સ્વધર્મ્ય ,સ્વદેશી ઔર જાતીય સમ્માન કી રક્ષા કે લીયે આપકા ઉજ્જવલ આદર્શ સમક્ષ રખ કર લોગ અપને કર્તવ્ય પાલન મેં તત્પર હોંગે. કરુણામય ભગવાન હંમે આપસે આપકે દેશ-વિદેશાર્જિત પ્રભુત જ્ઞાન ઔર સદાચાર કો ગ્રહણ કરને યોગ્ય બનાયે.દેશ કે યુંવાકો કો આપકી ભાંતિ રાજનિષ્ઠ હોકર આપના ધર્મમય જીવન વ્યતીત કરનેકી સુમતિ ઔર સામર્થ્ય પ્રદાન કરે. ઔર આપકો એસી અતુલનીય ઔર મહાશક્તિ પ્રદાન કરે કી જિસસે આપકે દ્વારા જનની જન્મ ભૂમિ સદેવ અભૂતપૂર્વ સેવા હોતી રહે.
હિંદુ સભા કે સદસ્ય”
પંચાણું વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીજીના સત્કારમાં લખાયેલ આ માનપત્રમા ઉલ્લેખ થયેલ વિચારો આજે પણ એટલા જ સાચા અને માર્ગદર્શક ભાસે છે. આજે ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સભ્યતાના આક્રમણે આપણી સંસ્કૃતિ પર ધૂળના જાડા પડ પાથરી દીધા છે. ભક્તિ-ઈબાદતની સાચી શક્તિની અવગણના આપણા જીવન વ્યવહારનો ભાગ બની ગયા છે. આપણા કુટુંબ જીવનમાં પ્રસરેલ પશ્ચિમી લક્ષણોએ આપણા સંબંધોમાં આત્મીયતાના સ્થાને માત્ર ઓપચારિકતા આણી છે. એવા સમયે ગાંધીજી પ્રત્યેની કસ્તુરબાની પતી ભક્તિનું ચિત્ર માનપત્રમા ઉપસેલું જોવા મળે છે.વળી, આ માનપત્રમા આપણા યુવાનો માટે પણ એક ઉમદા સંદેશ વ્યક્ત થયો છે. યુવાનોનું સદાચારી , રાજનિષ્ઠા અને ધર્મમય જીવન દેશના વિકાસમાં માટે અત્યંત જરૂરી છે. ગાંધીજીને મળેલા આવા માનપત્રો માત્ર તેમના સન્માન અને ગુણગાનને જ અભિવ્યક્ત કરતા નથી , પણ પ્રવર્તમાન સ્થિતિમાં યુવાનો અને સમાજને માર્ગદર્શન પણ પૂરું પડે છે.