Sunday, December 12, 2010

“પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે” : ફરીદ- ડો.મહેબૂબ દેસાઈ

સૂફીસંત હઝરત ફરીદે અનેક વર્ષો જંગલના ઝાડપાન ખાઈ ખુદાની ઈબાદત કરી.પછી તેઓ પોતાના ઘરે આવ્યા.વર્ષો પછી પુત્રને જોઈ ફરીદની માં અત્યંત ખુશ થયા. પુત્રનું માથું ખોળામાં મૂકી તેમના વાળમાં પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ફરીદ બોલી ઉઠ્યા,
“મા, માથામાં હાથ ન ફેરવ. મારા વાળ ખેંચાય છે. મને પીડા થાય છે”
ત્યારે ફરીદના મા બોલી ઉઠ્યા,
“બેટા,તે વર્ષો જંગલના ઝાડપાન તોડીને ખાધા ત્યારે એ વૃક્ષોને પીડા નહિ થઈ હોઈ ?” અને ફરીદને જ્ઞાન લાધ્યું,

“અન્યને કષ્ઠ આપ્યા વગર પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે.”

હઝરત ફરીદનું આ વિધાન મને હજયાત્રાના એક પ્રસંગે યાદ આવી ગયું. એ પ્રસંગ હતો મીનાથી શૈતાનને કાંકરી મારી મક્કા જવાનો. અમે બપોરના ભોજન પછી શૈતાનને કાંકરી મારવા નીકળ્યા. ત્યારે પ્રવાસના આયોજક યુસુફભાઈએ અમને સલાહ આપતા કહ્યું,
“અત્યારે ન જાવ તો સારું. ત્રણ વાગ્યે નીકળજો. ત્યારે ભીડ ઓછી હશે” પણ અમે તેમની સલાહ ન માની. અને બપોરે એક વાગ્યે નીકળી પડ્યા. એ સમયે સમગ્ર મીનાના હાજીઓ શૈતાનને કાંકરી મારવા ઉમટ્યા હતાં. પરિણામે અમે પ્રથમ શૈતાનને માંડમાંડ કાંકરી મારી શક્યા. અંતે થાકીને અમે બંન્ને માનવ ભીડમાંથી બહાર આવ્યા. અને દૂર એક પીલર પાસે બેસી ગયા. અમારી પાસે જ એ તુર્કી સ્ત્રી તેની યુવાન પુત્રીના માથે હાથ ફેરવતી બેઠી હતી. બન્નેના ચહેરા પર આંસુ હતા. માનવભીડની યાતનાઓથી કંટાળી તેઓ પણ કાંકરી માર્યા વગર રડમસ ચહેરે બેઠા હતાં. મેં સાબેરાને કહ્યું,
“તું અહિયા જ બેસ હું આવું છું”
શૈતાનને કાંકરી મારવા પાંચ માળ સુધી હાજીઓ જઈ શકે છે. જેથી હાજીઓને ભીડનો ત્રાસ સહેવો ન પડે. પણ મોટા ભાગના હાજીઓ આ સગવડનો લાભ માનવ ભીડના પ્રવાહમાં લેવાનું ચુકી જાય છે. એટલે મેં ઉપરના માળેથી શૈતાનને કાંકરી મારવા લીફ્ટની શોધ આરંભી. લીફ્ટ પાસે જ હતી. હું અને સાબેરા લીફ્ટમાં ત્રીજે માળ પહોંચી ગયા. અને શૈતાનને આરામથી બરાબર કચકચાવીને કાંકરી મારી. પછી અમે મક્કા તરફ પ્રયાણ કર્યું. મીનાથી મક્કાનું અંતર લગભગ દસેક કિલોમીટર છે. અહીંથી મોટે ભાગે કોઈ વાહન મળતું નથી. એટલે હાજીઓને પગપાળા જ મક્કા જવું પડે છે. મેં અને સાબેરાએ પણ સૌની સાથે ચાલવા માંડ્યું. એકાદ કિલોમીટરનું અંતર કાપ્યું હશે અને વરસાદનો આરંભ થયો. મને એમ કે ઝાંટા આવી બંધ થઈ જશે. પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા વરસાદ વધતો ગયો. અને પછી તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એક દુકાનના દરવાજા પાસે અમે વરસાદ બંધ થવાની રાહમાં ઉભા રહી ગયા. લગભગ ત્રીસેક મિનિટના ધોધમાર વરસાદ પછી અમે પુનઃ ઝડપથી મક્કા તરફ ચાલવા માંડ્યું. કારણ કે મક્કા પહોંચી અમારે કાબા શરીફનો તવાફ (પરિક્રમા) કરવાનો હતો. અહીંથી જ મારી ઇબાદતની કસોટી આરંભાઈ. હાજીઓ મોટે ભાગે હજ દરમિયાન સ્લીપર જ પહેરતા હોઈ છે. મારા પગમાં પણ સાદા સ્લીપર હતા. વરસાદને કારણે તે લપસવા લાગ્યા. એક કિલોમીટરના પગપાળા પ્રવાસમાં દસવાર હું લપસ્યો. એ વખતે સાબેરાએ મજાક કરતા કહ્યું પણ ખરું,

“તમે શૈતાનને કચકચાવીને કાંકરી મારી છે એટલે શૈતાન તમારી પાછળ પડી ગયો છે”

પણ સાબેરા સાથે ચાલતી હોઈ તેના ટેકાને કારણે હું દરેક વખતે પડતા પડતા બચી ગયો. એકવાર અમે બન્ને આગળ પાછળ થઈ ગયા. અને પુનઃ મારા સ્લીપર લપસ્યા. હું ફૂટપાથ પર પછડાયો. શરીરનું વજન ડાબા હાથની હથેળી પર આવતા હાથનો અંગુઠો મચકોડાયો. સાબેરા દોડી આવી.મારી આસપાસ ચાલતા હાજીઓ પણ દોડી આવ્યા. બધાએ મને ઉભો કર્યો. મેં મારી જાતને તપાસી. કઈ વધારે તો વાગ્યું નથી ને. અને પછી મેં મારા પગ અને તેમાં પહેરેલા સ્લીપર પર એક નજર કરી. આ એ જ પગો છે જેણે હંમેશા ઉત્તમ બુટ-મોજા, સેન્ડલ અને ચંપલ જ પહેર્યા છે. પણ આજે સામાન્ય સ્લીપર તેને ફાવતા નથી. પરિણામે મને વારવાર પછાડવા પ્રયાસ કરે છે. આ વિચાર એક પળ મારા મનમાં આવ્યો અને બીજી જ પળે મેં પગમાના સ્લીપર કાઢી નાખ્યા. તેને રોડ ઉપર જ મૂકીને મેં ખુલ્લા પગે ચાલવા માંડ્યું. રોડ પર અને એ પણ વરસાદના ભરાયેલા પાણીમાં પગરખા વગર ચાલવાનો એ મારો પ્રથમ અનુભવ હતો. ખુલ્લા પગે મને ચાલતો જોઈ સાબેરાથી ન રહેવાયું. તે બોલી,
“બીજા સારા ચંપલ લઈ લો ને. ખુલ્લા પગમાં પથ્થર કે કાચ વાગી જશે તો તમે વધારે હેરાન થશો”
પણ મેં તેની વાત ન માની અને કહ્યું,
“આ પગોને સારા સારા બુટ-મોજા,ચંપલ અને સેન્ડલની આદત પડી ગઈ છે. પણ આજે તેણે ઇબાદતની કસોટીમાંથી પસાર થવું પડશે. પગરખા વગર જ તેણે મને મક્કા પહોંચાડવો પડશે”
અને મન મક્કમ કરી મેં ચાલવા માંડ્યું. મારા પગો પણ જાણે મારા નિર્ધારથી વાકેફ થઈ ગયા હોઈ તેમ મારો સાથ આપવા લાગ્યા. ઉઘાડા પગે પાંચેક કિલોમીટરનું અંતર કાપી હું હેમખેમ મક્કા પહોંચ્યો. ત્યારે મારા મનમાં જંગ જીત્યા જેટલો આનંદ હતો. અને જયારે મેં કાબા શરીફના દીદાર કર્યા ત્યારે મારા મનમાં સુફી સંત હઝરત ફરીદના શબ્દો ઉપસી આવ્યા,

“અન્યને કષ્ઠ આપ્યા વગર પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે.”

અને મારો ચહેરો ખુશીની રેખાઓથી ભરાઈ ગયો.

No comments:

Post a Comment