Sunday, December 26, 2010

બુખારી શરીફના સર્જક હઝરત ઈમામ બુખારી : ડો.મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં કુરાન-એ-શરીફ પાયાનો આધારભૂત ગ્રંથ છે. એ પછી ઇસ્લામમાં જે દ્વિતીય કક્ષાના ગ્રંથો છે તેમાં બુખારી શરીફને મોટાભાગના મુસ્લિમો અત્યંત માન અને આદર આપે છે. બુખારી શરીફ હદીસ છે. હદીસ એટલે એવું ઇસ્લામી સાહિત્ય જેનું સર્જન હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના સહાબીઓ (અનુયાયીઓ)ના કથન દ્વારા થયું છે. મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના સહાબીઓ(અનુયાયીઓ) એ જોયેલ, જાણેલ અને અનુભવેલ મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના જીવન પ્રસંગો, કથનો, ખાસિયતો, નિયમો અને ઉપદેશોનો સંગ્રહ એટલે હદીસ. આવી હદીસો જીવનભર એકત્રિત કરી ગ્રંથસ્ત કરનાર હઝરત ઈમામ બુખારીનું નામ ઇસ્લામી ઇતિહાસમાં ઘાટા અક્ષરોમાં નોંધાયેલ છે. ૧૯ જુલાઈ ઈ.સ. ૮૧૦, હિજરી સન ૧૯૪ના શવ્વાલ માસની ત્રીજી તારીખે જુમ્મા(શુક્રવાર)ની નમાઝ બાદ બુખારા (ઉઝેબેકીસ્તાન-રશિયા)માં જન્મેલ હઝરત ઈમામ બુખારીનું મૂળ નામ તો મુહંમદ ઇબ્ન ઈસ્માઈલ ઇબ્ન ઈબ્રાહીમ ઇબ્ન મુગીરા જુઅફી બુખારી (ઈ.સ. ૮૧૦-૮૭૦)હતુ.પણ તઓ ઇસ્લામી ઇતિહાસમાં ઈમામ બુખારી તરીકે જાણીતા છે.તેમના પિતા ઈસ્માઈલ ઇબ્ન ઈબ્રાહીમ પણ હદીસના મોટા વિદ્વાન હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર હઝરત ઈમામ બુખારીનું જીવનચરિત્ર ઇસ્લામી ઇતિહાસકાર અલ ધહાવીએ વિસ્તૃત રીતે આલેખ્યું છે.

માત્ર દસ વર્ષની ઉંમરે(હિજરી ૨૦૫) હઝરત ઈમામ બુખારીએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જીવનકવનની વિગતો તેમના સહાબીઓ પાસેથી એકત્રિત કરવાનો આરંભ કર્યો હતો.નાનપણથી તેમની યાદ શક્તિ અંત્યંત તીવ્ર હતી.અબ્દુલા ઇબ્ન મુબારકના મહંમદ સાહેબ પરના મોટાભાગના સંશોધનો તેમને મોઢે હતાં. આ અંગે તેમના સહપાઠી હશીબ ઇબ્ન ઈસ્માઈલ કહે છે,
“ઈમામ બુખારી બસરાના ઉસ્તાદો પાસે શિક્ષણ લેવા અમારી સાથે જ આવતા. વર્ગમાં અમે બધા હદીસો નોંધતા. જયારે ઈમામ બુખારી મોઢે યાદ રાખતા. એક દિવસ અમે તેમને કહ્યું કે તમે લખતા કેમ નથી ? તેમણે જવાબમાં અમને પોતે મોઢે કરેલી પંદર હજાર હદીસો એવી સંભળાવી કે જે અમારી પાસે લખેલી ન હતી”

૧૫ વર્ષની વયે(હિજરી ૨૦૧૦) તો તેમની માતા અને ભાઈ સાથે તેમણે મક્કા અને મહંમદ સાહેબ (સ.અ.વ.)ના મુબારક કદમો જ્યાં જ્યાં પડ્યા હતાં તે તમામ સ્થાનોની મુલાકાત લીધી હતી. એક હજાર જેટલા સહાબીઓની મુલાકાત લઈ સાત લાખ જેટલી હદીસો ભેગી કરી હતી. આ અંગે હઝરત ઈમામ બુખારી લખે છે,
“૧૬ વર્ષની ઉંમરે મેં અનેક સહબીઓના મંતવ્યો અને અનુભવોનું લેખન મારા ગુરુ ઉબ્ન અલ્લાહ ઇબ્ન મુસાના માર્ગદર્શન તળે આરંભ્યું હતુ. અને એ જ સમયે મેં ગારે હીરા અંગે પણ એક ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો”

જીદગીના ૧૬ વર્ષની એકધારી રઝળપાટમા તેમણે ઈજીપ્ત, પેલેસ્ટાઈન, સિરીયા, ઈરાક,અને પર્સિયાની મુલાકાત લીધી. અને હદીસોનો બહોળો સંગ્રહ ભેગો કયો. પછી પોતાના વતન પાછા ફર્યા હતા. તેમણે ભેગી કરેલ હદીસોમા કેટલીક સહીહ (આધારભૂત-સત્ય)હતી, તો કેટલીક “ગલત” હતી. કેટલીક “કવી” હતી તો કેટલીક “ઝઈફ”પણ હતી. એટલે તેનું સંપાદન કરવું જરૂરી હતુ. ઈમામ બુખારીએ પોતે એકત્રિત કરેલ સાત લાખ હદીસોનું અંત્યંત તકેદારીથી સંપાદન કર્યું. પણ તેના પ્રકાશનો વિચાર હજુ તેમના મનમાં આવ્યો ન હતો. એક દિવસ તેઓ તેમના મિત્ર ઈસહાક ઇબ્ન રાહવૈહ સાથે બેઠા હતા અને એક મિત્રએ તેમને કહ્યું,
“તમે સહીહ હદીસની એક નાનકડી કિતાબ કેમ નથી લખતા ?”
આ વાત તેમના દિલમાં ઘર કરી ગઈ. અને તેમણે તમામ હદીસોને “સહીહ હદીસો”ના નામે કિતાબના સ્વરૂપે પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. જો કે નાનકડી કિતાબ લખવાના વિચાર સાથે આરંભાયેલ આ યાત્રા હઝરત ઈમામ બુખારીને પૂર્ણ કરતા ૧૬ વર્ષ લાગ્યા. ઈમામ બુખારીએ એકત્રિત કરેલ સાત લાખ હદીસોમાંથી પસંદગીની સહીહ (આધારભૂત-સત્ય)હદીસો જ ગ્રંથમા મુકવામાં આવી. અને એટલે જ ઈમામ બુખારીના હદીસોના આ સંગ્રહને “સહીહ હદીસો” પણ કહે છે. સહીહ હદીસ અથવા બુખારી શરીફ ૯૭ ગ્રંથોમા ફેલાયેલ છે. જેમા કુલ ૩૪૫૦ પ્રકરણો છે અને ૭૨૭૫ હદીસો આપવામાં આવી છે. ઇસ્લામના નાના મોટા અનેક વિષય અંગેના મહંમદ સાહેબના વિચારો, આચારો અને ઉપદેશો તેમાં આલેખવામાં આવ્યા છે. જેમ કે ઇલ્મ , ઈમાન, વઝું, હૈઝ, તયમ્મુમ, નમાઝ, અઝાન, જુમ્મા, સલાતુલ ખોંફ (ભયની નમાઝ), ઇદૈન, ઇસિત્સફા, કુસૂફ (સૂર્યગ્રહણ), તહજજુદ જેવા અનેક જાણીતા અજાણ્યા વિષયો પર હઝરત મુહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની આજ્ઞાઓ આ સંગ્રહની સંગ્રહાયેલી છે. દુનિયાની અનેક ભાષાઓમાં આ ગ્રંથોનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં પણ તે ઉપલબ્ધ છે.

બુખારી શરીફ સિવાય પણ હઝરત ઈમામ બુખારીએ કિતાબ-અલ-જામી, કિતાબ-અલ-તવારીખ-અલ-કબીર, જેવા વીસેક ઇસ્લામિક ગ્રંથો લખ્યા છે. જેમાના આજે કેટલાક જ ઉપલબ્ધ છે. જીવનના છેલ્લા વર્ષો (ઈ.સ.૮૬૪-હિજરી ૨૫૦)મા ઈમામ બુખારી સાહેબ નીશાપુર(નિસ્બતપુર)માં સ્થાહી થયા હતા.પણ રાજકીય કારણોસર અંતિમ દિવસો તેમણે સમરકંદ પાસેના ખરતંક ગામમાં પસાર કર્યા . ૬૨ વર્ષ અને ૧૩ દિવસનું આયુષ્ય ભોગવી ૩૧ ઓગસ્ટ ૮૭૦, હિજરી સન ૨૫૬ની ઈદ-ઉલ-ફિત્રની રાત્રે તેમનું અવસાન થયું. તેમની મઝાર ખરતંક ગામના પાદરે આજે પણ હયાત છે. પણ એથી વિશેષ તેમના “સહીહ હદીસો” ના ૯૭ ગ્રંથો તેમને હંમેશા જીવંત રાખવા પૂરતા છે.

Sunday, December 12, 2010

“પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે” : ફરીદ- ડો.મહેબૂબ દેસાઈ

સૂફીસંત હઝરત ફરીદે અનેક વર્ષો જંગલના ઝાડપાન ખાઈ ખુદાની ઈબાદત કરી.પછી તેઓ પોતાના ઘરે આવ્યા.વર્ષો પછી પુત્રને જોઈ ફરીદની માં અત્યંત ખુશ થયા. પુત્રનું માથું ખોળામાં મૂકી તેમના વાળમાં પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ફરીદ બોલી ઉઠ્યા,
“મા, માથામાં હાથ ન ફેરવ. મારા વાળ ખેંચાય છે. મને પીડા થાય છે”
ત્યારે ફરીદના મા બોલી ઉઠ્યા,
“બેટા,તે વર્ષો જંગલના ઝાડપાન તોડીને ખાધા ત્યારે એ વૃક્ષોને પીડા નહિ થઈ હોઈ ?” અને ફરીદને જ્ઞાન લાધ્યું,

“અન્યને કષ્ઠ આપ્યા વગર પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે.”

હઝરત ફરીદનું આ વિધાન મને હજયાત્રાના એક પ્રસંગે યાદ આવી ગયું. એ પ્રસંગ હતો મીનાથી શૈતાનને કાંકરી મારી મક્કા જવાનો. અમે બપોરના ભોજન પછી શૈતાનને કાંકરી મારવા નીકળ્યા. ત્યારે પ્રવાસના આયોજક યુસુફભાઈએ અમને સલાહ આપતા કહ્યું,
“અત્યારે ન જાવ તો સારું. ત્રણ વાગ્યે નીકળજો. ત્યારે ભીડ ઓછી હશે” પણ અમે તેમની સલાહ ન માની. અને બપોરે એક વાગ્યે નીકળી પડ્યા. એ સમયે સમગ્ર મીનાના હાજીઓ શૈતાનને કાંકરી મારવા ઉમટ્યા હતાં. પરિણામે અમે પ્રથમ શૈતાનને માંડમાંડ કાંકરી મારી શક્યા. અંતે થાકીને અમે બંન્ને માનવ ભીડમાંથી બહાર આવ્યા. અને દૂર એક પીલર પાસે બેસી ગયા. અમારી પાસે જ એ તુર્કી સ્ત્રી તેની યુવાન પુત્રીના માથે હાથ ફેરવતી બેઠી હતી. બન્નેના ચહેરા પર આંસુ હતા. માનવભીડની યાતનાઓથી કંટાળી તેઓ પણ કાંકરી માર્યા વગર રડમસ ચહેરે બેઠા હતાં. મેં સાબેરાને કહ્યું,
“તું અહિયા જ બેસ હું આવું છું”
શૈતાનને કાંકરી મારવા પાંચ માળ સુધી હાજીઓ જઈ શકે છે. જેથી હાજીઓને ભીડનો ત્રાસ સહેવો ન પડે. પણ મોટા ભાગના હાજીઓ આ સગવડનો લાભ માનવ ભીડના પ્રવાહમાં લેવાનું ચુકી જાય છે. એટલે મેં ઉપરના માળેથી શૈતાનને કાંકરી મારવા લીફ્ટની શોધ આરંભી. લીફ્ટ પાસે જ હતી. હું અને સાબેરા લીફ્ટમાં ત્રીજે માળ પહોંચી ગયા. અને શૈતાનને આરામથી બરાબર કચકચાવીને કાંકરી મારી. પછી અમે મક્કા તરફ પ્રયાણ કર્યું. મીનાથી મક્કાનું અંતર લગભગ દસેક કિલોમીટર છે. અહીંથી મોટે ભાગે કોઈ વાહન મળતું નથી. એટલે હાજીઓને પગપાળા જ મક્કા જવું પડે છે. મેં અને સાબેરાએ પણ સૌની સાથે ચાલવા માંડ્યું. એકાદ કિલોમીટરનું અંતર કાપ્યું હશે અને વરસાદનો આરંભ થયો. મને એમ કે ઝાંટા આવી બંધ થઈ જશે. પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા વરસાદ વધતો ગયો. અને પછી તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એક દુકાનના દરવાજા પાસે અમે વરસાદ બંધ થવાની રાહમાં ઉભા રહી ગયા. લગભગ ત્રીસેક મિનિટના ધોધમાર વરસાદ પછી અમે પુનઃ ઝડપથી મક્કા તરફ ચાલવા માંડ્યું. કારણ કે મક્કા પહોંચી અમારે કાબા શરીફનો તવાફ (પરિક્રમા) કરવાનો હતો. અહીંથી જ મારી ઇબાદતની કસોટી આરંભાઈ. હાજીઓ મોટે ભાગે હજ દરમિયાન સ્લીપર જ પહેરતા હોઈ છે. મારા પગમાં પણ સાદા સ્લીપર હતા. વરસાદને કારણે તે લપસવા લાગ્યા. એક કિલોમીટરના પગપાળા પ્રવાસમાં દસવાર હું લપસ્યો. એ વખતે સાબેરાએ મજાક કરતા કહ્યું પણ ખરું,

“તમે શૈતાનને કચકચાવીને કાંકરી મારી છે એટલે શૈતાન તમારી પાછળ પડી ગયો છે”

પણ સાબેરા સાથે ચાલતી હોઈ તેના ટેકાને કારણે હું દરેક વખતે પડતા પડતા બચી ગયો. એકવાર અમે બન્ને આગળ પાછળ થઈ ગયા. અને પુનઃ મારા સ્લીપર લપસ્યા. હું ફૂટપાથ પર પછડાયો. શરીરનું વજન ડાબા હાથની હથેળી પર આવતા હાથનો અંગુઠો મચકોડાયો. સાબેરા દોડી આવી.મારી આસપાસ ચાલતા હાજીઓ પણ દોડી આવ્યા. બધાએ મને ઉભો કર્યો. મેં મારી જાતને તપાસી. કઈ વધારે તો વાગ્યું નથી ને. અને પછી મેં મારા પગ અને તેમાં પહેરેલા સ્લીપર પર એક નજર કરી. આ એ જ પગો છે જેણે હંમેશા ઉત્તમ બુટ-મોજા, સેન્ડલ અને ચંપલ જ પહેર્યા છે. પણ આજે સામાન્ય સ્લીપર તેને ફાવતા નથી. પરિણામે મને વારવાર પછાડવા પ્રયાસ કરે છે. આ વિચાર એક પળ મારા મનમાં આવ્યો અને બીજી જ પળે મેં પગમાના સ્લીપર કાઢી નાખ્યા. તેને રોડ ઉપર જ મૂકીને મેં ખુલ્લા પગે ચાલવા માંડ્યું. રોડ પર અને એ પણ વરસાદના ભરાયેલા પાણીમાં પગરખા વગર ચાલવાનો એ મારો પ્રથમ અનુભવ હતો. ખુલ્લા પગે મને ચાલતો જોઈ સાબેરાથી ન રહેવાયું. તે બોલી,
“બીજા સારા ચંપલ લઈ લો ને. ખુલ્લા પગમાં પથ્થર કે કાચ વાગી જશે તો તમે વધારે હેરાન થશો”
પણ મેં તેની વાત ન માની અને કહ્યું,
“આ પગોને સારા સારા બુટ-મોજા,ચંપલ અને સેન્ડલની આદત પડી ગઈ છે. પણ આજે તેણે ઇબાદતની કસોટીમાંથી પસાર થવું પડશે. પગરખા વગર જ તેણે મને મક્કા પહોંચાડવો પડશે”
અને મન મક્કમ કરી મેં ચાલવા માંડ્યું. મારા પગો પણ જાણે મારા નિર્ધારથી વાકેફ થઈ ગયા હોઈ તેમ મારો સાથ આપવા લાગ્યા. ઉઘાડા પગે પાંચેક કિલોમીટરનું અંતર કાપી હું હેમખેમ મક્કા પહોંચ્યો. ત્યારે મારા મનમાં જંગ જીત્યા જેટલો આનંદ હતો. અને જયારે મેં કાબા શરીફના દીદાર કર્યા ત્યારે મારા મનમાં સુફી સંત હઝરત ફરીદના શબ્દો ઉપસી આવ્યા,

“અન્યને કષ્ઠ આપ્યા વગર પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે.”

અને મારો ચહેરો ખુશીની રેખાઓથી ભરાઈ ગયો.

Friday, December 10, 2010

ખુદા તને અગણિત હજ કરાવે : એક સફળ દુવા - ડો.મહેબૂબ દેસાઈ

મક્કા-મદીનાના નિવાસીઓ ભલે હાજીઓને પ્રવાસીઓ સમજવા લાગ્યા. પણ હજયાત્રા દરમિયાન એક હાજી બીજા હાજીને આજે પણ મદદ કરવા ઉત્સુક રહે છે. પછી તે ગમે તે દેશનો કેમ ન હોઈ. કારણ કે હાજીને મદદ કરવાનો સવાબ (પુણ્ય) અનેક હજજો સમાન છે. તેનું એક સત્ય દ્રષ્ટાંત માણવા જેવું છે. આજથી લગભગ પચ્ચીસેક વર્ષ પૂર્વે ભરુચ જિલ્લાના એક નાનકડા ગામના વતની ૭૦ વર્ષના દાઉદભાઈ, તેમની પત્ની હાજરા અને ભત્રીજો ઇકબાલ હજ પઢવા ગયા. સાત ચોપડી પાસ દાઉદભાઈ હજના પાંચ દિવસો માટે ખુશી ખુશી મીના પહોંચ્યા. મીનામાં એક સરખા તંબુઓને કારણે ભલભલા ભણેલા હાજીઓ ભુલા પડી જાય છે. એ ભુલા પડતા ભણેલા હાજીઓમાં આ વર્ષે મારો પણ સમાવેશ થયો હતો. માટે જ મોટા ભાગના હાજીઓ તંબુનો નંબર અને તેનું કાર્ડ અવશ્ય સાથે રાખે છે. પણ દાઉદભાઈને એમ કે મારે ક્યાં આઘે જવું છે. એમ વિચારી તેઓ પોતાના તંબુમાંથી પાણીની બોટલ લેવા રોડ પર આવ્યા. બોટલ તો તેમને મળી ગઈ. પણ એક સરખા તંબુઓની હારમાળામાં એવા અટવાયા કે પોતાનો તંબુ ભૂલી ગયા. અને એવા તો ભુલા પડ્યા કે ત્રણ દિવસ મીનામાં અને સાતેક દિવસ મક્કામાં “હું ક્યાં છું, હું કોણ છું” એમ માનસિક રીતે અસ્વસ્થ અવસ્થામાં સૌને પૂછતાં રહ્યા. તેમની વૃદ્ધ પત્ની અને ભત્રીજો તેમને શોધી શોધીને થાકી ગયા. પત્નીની આંખો રડી રડીને સોજી ગઈ. આમ છતાં હજની ક્રિયાઓ તો પૂરી કરવાની જ હતી. એટલે જેમ તેમ કરી મીના,અરફાત અને મુદલફામા હજની ક્રિયાઓ પૂર્ણ કરી પત્ની હાજરા અને ભત્રીજો ઇકબાલ મક્કા પાછા આવ્યા.

એક દિવસ મક્કામા કાબા શરીફના ૮૦ નંબરના દરવાજા પાસે એક વૃદ્ધ આવતા જતા સૌ હાજીઓને પૂછી રહ્યો હતો, “હું કોણ છું, હું ક્યાં છું ?” વધી ગયેલી દાઢી, મોમાંથી ટપકતી લાળ અને ફાટેલા કપડા. માનસિક અસંતુલનને કારણે કુદરતી હાજતો કપડામાં જ કરી હોઈ તેમનું આખું શરીર દુર્ગંધ મારતું હતુ. ભરૂચના જ એક હાજી બશીરભાઈની નજર એ વૃદ્ધ પર પડી. તેમનામાંનો ઇન્સાન જાગ્યો અને બશરીભાઈ એ વૃદ્ધને સમજાવીને પોતાના ઉતારે લઈ ગયા. દસેક દિવસથી ગંદકીમાં સબડતા એ વૃધ્ધને પોતાના હાથે નવડાવી, સ્વચ્છ કપડા પહેરાવ્યા. ભોજન કરાવ્યું. પણ માનસિક અસ્વસ્થાને કારણે એ વૃદ્ધ હજુ પણ કુદરતી હાજત કપડામાં જ કરી જતા. બશીરભાઈ વારંવાર તેમને નવડાવે અને પાક કરે. એકાદ બે દિવસ બશીરભાઈએ તેમની બરાબર સેવા કરી. એટલે પેલા વૃદ્ધ થોડા સ્વસ્થ થયા. ત્રીજા દિવસે બશરીભાઈ એ વૃદ્ધને લઈને કાબા શરીફના ૭૯ના દરવાજામાં પ્રવેશી રહ્યા હતા ત્યારે એક છોકરાની બુમ તેમના કાને પડી,
“આ તો મારા કાકા દાઉદભાઈ છે”

અવાજની દિશામાં બશીરભાઈએ નજર કરી. બશીરભાઈને જોઈ પેલો છોકરો તેમની પાસે દોડી આવ્યો અને બોલી ઉઠ્યો,
“આ મારા કાકા છે. તેમને છેલ્લા દસ દિવસથી અમે શોધીએ છીએ”
બશીરભાઈએ એ છોકરા પાસેથી દાઉદભાઈ વિશે બધી માહિતી મેળવી લીધી. પણ તેઓ દાઉદભાઈને સોંપવા તૈયાર ન થયા. તેમણે એ છોકરાને કહ્યું,
“તું મને તારા ઉતારે લઈ જા. ત્યાં તારા કાકી તારા કાકાને ઓળખી લે તો જ હું તેમને સોંપીશ”
અને છોકરો બશીરભાઈને તેના ઉતારે લઈ ગયો. દાઉદભાઈની વૃદ્ધ પત્ની હાજરાબહેન હજુ નમાઝ પઢીને ઉઠ્યા જ હતાં. અને પોતાના રૂમના દરવાજા પર એક અજાણ્યા માનવી સાથે પોતાના પતિને ઉભેલા જોઈ તેમના મોઢામાંથી આછી ચીસ નીકળી ગઈ. દોડીને દાઉદભાઈને તેઓ બાઝી પડ્યા અને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. બશીરભાઈએ તેમને શાંત પાડતા કહ્યું,
“અમ્મા, ખુદાના વાસ્તે શાંત થઈ જાવ. ખુદાએ તમને તમારા ખાવિંદ(પતી) પાછા આપ્યા છે. એટલે ખુદાનો શુક્ર અદા કરો અને બે રકાત શુક્રનાની નમાઝ પઢો”
પણ અમ્માના ધ્રુસ્કાઓ અને આંખના આંસુઓ અવિરત ચાલુ રહ્યા. તેમના ભત્રીજા ઇકબાલે તેમને પાણી આપ્યું. દાઉદભાઈ પણ પત્નીનું રુદન જોઈ રડી પડ્યા અને રડતા રડતા બોલ્યા,
“હાજરા, તારા વગર તો હું ગાંડો થઈ ગયો હતો. પણ ખુદાને મારા પર દયા આવી ગઈ.અને બશીરભાઈ જેવો ફરિશ્તો મારી મદદ માટે મોકલી આપ્યો”
દાઉદભાઈના શબ્દો સાંભળી પત્ની હાજરાબહેન થોડા સ્વસ્થ થયા.પતિને પોતાની પાસે બેસાડતા તેમણે બશીરભાઈ તરફ નજર કરી અને કહ્યું,
“તમે મારા ખાવિંદને મારા સુધી પહોચાડી મને નવું જીવન આપ્યું છે” પછી કાબા શરીફ તરફ દુવા માટે બન્ને હાથ ઉંચા કરી હાજરાબહેન બોલ્યા,
“યા અલ્લાહ, તારા આ બંદાને એટલીવાર હજ કરાવજે કે તે ગણી ગણીને થાકી જાય- આમીન”

આજે દાઉદભાઈ અને તેમના પત્ની હાજરાબહેન આ દુનિયામાં નથી રહ્યા. પણ તેમની દુવા જેમના જીવનમાં સાકાર થઈ છે તે બશીરભાઈ ૬૫ વર્ષની વયે પણ તંદુરસ્ત છે. અને દર વર્ષે હજયાત્રાએ આવે છે. પચ્ચીસેક વર્ષ પૂર્વેની આ ઘટના અત્યંત નમ્ર સ્વરે આંસુ ભરી આંખે કહેનાર પાંચ વખતના નમાઝી બશીરભાઈએ આ ઘટના પછી સત્તર હજ અને એકસોથી પણ વધારે ઉમરાહ કર્યા છે.

Wednesday, December 8, 2010

એઝાઝ-કૌસર : ઇસ્લામી સંસ્કારોની સુગંધ - ડો. મહેબૂબ દેસાઈ

હજયાત્રા એ ઈબાદત તો છે જ . પણ સાથે સાથે વિવિધ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય પણ છે. ઇસ્લામને માનનાર વિવિધ દેશોની પ્રજાની સાંસ્કૃતિક ઓળખ પણ હજયાત્રાની ફલશ્રુતિ છે. ઇસ્લામી સંસ્કારો અને સભ્યતાને સાકાર કરતા અનેક વડીલો અને વૃધ્ધો મક્કા-મદીનાની સરઝમી પર મને જોવા મળ્યા છે. તેમના વ્યવહાર વર્તનમાં અલબત ઇસ્લામિક વિવેક અને સભ્યતા હતા. પણ નિર્દોષ-નિસ્વાર્થ પ્રેમસભર ઇસ્લામિક સંસ્કારો મને ગુજરાતના એક યુવા યુગલમાં જોવા મળ્યા. સૌ પ્રથમ મુંબઈના આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર અમારી આંખો ચાર થઈ. સાઉદી અરબિયાના હજ ટર્મિનલ પર અમે દુવા-સલામ કરી. મારી જ હોટેલ અલ ફિરદોસમાં તેમનો ઉતારો હતો. એટલે અમે અવારનવાર ડાયનિંગ હોલમાં મળતા.પરિણામે અમારી વચ્ચેના સંવાદો વિસ્તરતા ગયા. પરિચય વધતો ગયો. અને નિકટતા કેળવાતી ગઈ.
એ યુગલનું નામ એઝાઝ અને કૌસર.

એઝાઝ એક બિઝનેસ મેન છે. પ્લાસ્ટિકના દાણા અને તેમાંથી વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી ચલાવે છે. ત્રેવીસેક વર્ષનો એઝાઝ અત્યંત ખુબસુરત ગભરુ જવાન છે. ગોરોવાન, સફેદ ફ્રેમના નંબર ગ્લાસ અને હોઠો પર હંમેશા સ્મિત સાથે મળતો એઝાઝ પુણે યુનિવર્સીટીનો ઇલેક્ટ્રોનિક ઇજનેર છે. અત્યંત શ્રીમંત પરિવારનો નબીરો હોવા છતાં બિલકુલ નિરાભિમાની છે. ડાઉન ટુ અર્થ છે. ઇસ્લામિક સંસ્કારો અને સભ્યતા તેના સરળ વ્યક્તિત્વને વધુ ઉજાગર કરે છે. જયારે પણ અમે મળતા ત્યારે “ અસ્સ્લામુઅલ્યકુમ અંકલ ”કહી હાથને ચૂમી અચૂક સ્મિત કરતો. તેના નિકાહ છ માસ પુર્વેજ થયા છે. બંને પતિ-પત્ની શાદી પછી હજ કરવા આવ્યા છે. તેની પત્ની કૌસર પણ દુબળી પાતળી નમણી ખુબસુરત દીકરી છે. એમ.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર કૌસરને અમે હજયાત્રા દરમિયાન મોટે ભાગે ખુલ્લા ચહેરા સાથે કાળા બુરખામા જ જોઈ. એટલે એકવાર મારી પત્ની સાબેરાએ પૂછ્યું,
“કૌસર બેટા, તું હંમેશા બુરખો પહેરે છે ?”
ચહેરા પર મીઠું સ્મિત પાથરતા કૌસર બોલી, “ના આંટી, હું નોર્મલી બુરખો નથી પહેરતી. પણ અહિયા હજના આરકાન(ક્રિયા)મા હાથ-પગ ખુલ્લા ન રખાય માટે જ બુરખો પહેરું છું” તેની ઇસ્લામિક તેહજીબ અમને ગમી ગઈ. એક દિવસ નાસ્તાના ટેબલ ઉપર અમે મળી ગયા. એઝાઝે ઉભા થઈ અમને આવકાર્ય. અને નાસ્તાને ન્યાય આપતા કહ્યું,
“અંકલ અમે મોટો ઉમરાહ કરવા જવાનું વિચારીએ છીએ. તમારે આવવું હોઈ તો આપણે ચારે સાથે જઈએ?” મેં સાબેરા સામે જોયું અને કહ્યું, “વિચાર સારો છે.”
અને મક્કાથી લગભગ ૩૧ કિલોમીટર દૂર આવેલ મસ્જિત-એ-જઅરાના જવા આવવાની ટેક્સીની એઝાઝે વ્યવસ્થા કરી. એ એક ઐતિહાસિક મસ્જિત છે. અહીંયા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) પોતાના સહાબીઓ સાથે આવ્યા ત્યારે બિલકુલ પાણી ન હતુ. કહેવાય છે કે આપે વઝું કરવા થોડું પાણી લીધું અને કુલ્લી (કોગળો) કરી. પરિણામે અહિયા પાણીનો કુવો બની ગયો. આજે પણ એ કુવો પાણીથી ભરેલો છે. તેના પાણીમાં લોખંડનું તત્વ વધારે છે. અહીંથી પણ અહેરામ બાંધી ઉમરાહ કરવામાં આવે છે. જેને મોટો ઉમરાહનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમે પણ ત્યાંથી જ અહેરામ બાંધી મોટો ઉમરાહ કર્યો. ઉમરાહ પછી જયારે મેં ટેક્સીનો આવન જાવાન ખર્ચ આપવાનો એઝાઝને પ્રયાસ કર્યો ત્યારે એઝાઝ અત્યંત નમ્રતાથી બોલ્યો,
“અંકલ , તમે તો અમારા વડીલ છો તમારી પાસેથી પૈસા ન લેવાય”
અને તે સાથે જ કૌસર પણ બોલી ઉઠી, “ અંકલ, આપે અમને થોડી ખિદમત કરવાની તક આપી એ જ અમારા માટે મોટી દુઆ છે”
હજના દિવસો નજીક આવતા અમારે હોટેલ બદલવાનો સમય આવ્યો. હોટેલ ફિરદોસમા એ અમારી છેલ્લી રાત હતી. માટે હું કાબા શરીફમા તવાફ(પરિક્રમા) માટે ગયો હતો. રૂમ પર સાબેરા એકલી હતી. ત્યારે એઝાઝ મારી રૂમ પર આવ્યો. અને ત્રણ અંગ્રજી ઇસ્લામિક ગ્રંથો સાબેરાને આપતો ગયો. અત્યંત મૂલ્યવાન એ ત્રણ પુસ્તકોમાં “વ્હેન મૂન સ્પ્લીટ” (મુહંમદ સાહેબનું આધારભૂત જીવનચરિત્ર), “સિવિલાયઝેસન ઓફ ટ્રુથ” અને “સિક્રેટ ઓફ લીડરશીપ એન્ડ ઇન્ફ્લુયન્સ”(ઇસ્લામિક ઇતિહાસના સંદર્ભમાં). આ ત્રણે ગ્રંથોના પ્રથમ પૃષ્ઠ પર લખ્યું હતુ,
“ પ્રિય મહેબૂબ અંકલ, આપની દુવા(પ્રાર્થના)માં અમને પણ યાદ કરશો. - એઝાઝ-કૌસર”
એઝાઝ અને કૌસરની આવી ઉમદા ભેટે મને ગળગળો કરી મુક્યો. રાતના અગિયાર વાગ્યા હતા. છતાં તેમના પ્રેમના પ્રતિભાવ અર્થે મેં એઝાઝ અને કૌસરની રૂમે જવાનું નક્કી કર્યું. એક પળ ગુમાવ્યા વગર હું તેમની રૂમે પહોંચ્યો. થોડા સંકોચ સાથે મેં તેમના રૂમનો દરવાજો ખખડવ્યો. એઝાઝે દરવાજો ખોલ્યો. મને જોઈને બંને બાળકો આનંદિત થઈ ગયા.
“આવો આવો અંકલ, આપ અમારી રૂમે આવ્યા એ જ અમારા માટે આનંદની વાત છે”
મેં કહ્યું, “ તમારા બંનેનો પ્રેમ મને અડધી રાત્રે અહીંયા ખેંચી લાવ્યો. આટલા કિંમતી ગ્રંથો તમે મને ભેટ આપ્યા અને હું તમારો આભાર માનવા પણ ન આવું તો ન ગુણો ગણાઉ”
એ સાંભળી એઝાઝ બોલી ઉઠ્યો,
“અંકલ, આપ જેવા વડીલને કઈક આપતા અમને કેટલી ખુશી થઈ તેનો અંદાઝ આપને ન હોય. બસ આપતો અમારા માટે દુવા (પ્રાર્થના) કરો”
થોડીવાર બંને બાળકો સાથે વાતો કરી તેમની વિદાય લઈ હું રૂમની બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય ઇસ્લામી સંસ્કારો અને સભ્યતાની મિશાલ સમા એઝાઝ-કૌસરના પ્રેમથી ભીંજાય ગયું હતુ.

Tuesday, December 7, 2010

સરદાર પટેલ : સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક ? : ડૉ. મહેબૂબ દેસાઈ

૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું,

“હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ છે. એને કેટલાય વખત સુધી અતિશય સંભાળથી પોષવું પડશે. હજુ આપણા મન જોઈએ તેટલા સ્વચ્છ નથી. દરેક બાબતમાં એક બીજાનો અવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે. તે નથી જતી. એ એકતાને તોડી પાડવાના પ્રપંચો અને પ્રયત્નો થશે. એ એકતાને કાયમ માટે મજબુત બનાવવાનો રૂડો અવસર હિન્દુઓના હાથમાં આવી પડેલો છે. હિન્દુઓનો ધર્મ છે કે મુસ્લિમ ધર્મનું રક્ષણ કરવામા તેમને અત્યારે આપણે પૂરી મદદ કરવી અને મુસલમાન કોમની ખાનદાની ઉપર વિશ્વાસ રાખવો”

સરદાર પટેલના ૮૯ વર્ષ પૂર્વેના આ શબ્દો બે બાબતો સ્પષ્ટ કરે છે. પ્રથમ,સરદાર પટેલની ભારતીય મુસ્લિમો પ્રત્યેની નીતિ. બીજું, આ શબ્દોમાં રહેલી આજના સંદર્ભની યથાર્થતા. સરદાર પટેલને મુસ્લિમ વિરોધી ચિતરનાર સમાજવાદીઓ અને કોમવાદીઓએ સરદારના કોમી એકતાના આ પાસાને ઉજાગર થવા દીધો જ નથી. પરિણામે ભારતીય ઇતિહાસના પાનાઓ પર સરદારના તટસ્થ મુસ્લિમ અભિગમને ઝાઝું સ્થાન નથી મળ્યું. અલબત્ત, એ સત્યને નકારી ન શકાય કે સરદારની ઇસ્લામ ધર્મ અંગેની સમજ અત્યંત માર્યાદિત હતી. ઇસ્લામના સિદ્ધાંતોને સમજવા તેમણે ન તો કોઈ પુસ્તક વાંચ્યું હતું , ન એ માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો હતો. ઇસ્લામ અંગે તેમણે જે કઈ થોડું ઘણું જાણ્યું હતું તે તેમના મુસ્લિમ સાથીઓ સાથેના સંપર્કને કારણે જ. પરતું તેનો અર્થ કદાપી એવો ન થાય કે તેમને ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો પ્રત્યે અરુચિ હતી. આ વાતનું સમર્થન કરતા રાજમોહન ગાંધી લખે છે,

“ખુદ સરદારે પોતે પણ મુસ્લિમ સમાજમાં બહુ ઓછું કામ કર્યું હતું. બાકરોલમાં મુસ્લિમ નોકર, કરમસદનો ભાડુત, સાબરમતી આશ્રમના કુરેશી (ગુલામરસુલ કુરેશી),દા. અન્સારી
(ડૉ. એસ.એન.અન્સારી),અબ્બાસ સાહેબ, ગફારખાન અને મૌલાના આઝાદ જેવા કેટલાક મુસ્લિમો જ તેમના સંપર્કમાં હતા.”
જો કે સરદાર પટેલની મુસ્લિમો પ્રત્યેની વિચારધારાને સ્પષ્ટ અને તટસ્થ કરવામાં ગાંધીજી સાથેનો ૧૬ માસનો યરવડા જેલનો નિવાસ અત્યંત કારણભૂત બન્યો હતો. જેલમાં નિરાંતના સમયે બંને નેતાઓ વચ્ચે થયેલા કેટલાક સંવાદો તેની સાક્ષી પૂરે છે.

એકવાર સરદાર પટેલે ગાંધીજીને કહ્યું,
“પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે.તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેમ રહી શકાય ?”
ગાંધીજીએ સરદારની આ ગેરસમજને દૂર કરતા કહ્યું,
“ના, ના. ગુજરાત સિવાય બીજે ક્યાય હિન્દુઓ શાકાહારી હોતા નથી. પંજાબ, સિંધ , ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમા હિન્દુઓ માસ ખાય છે.”
એકવાર સરદારે ટકોર કરતા ગાંધીજીને કહ્યું,
“ એવો કોઈ મુસ્લિમ છે, જે તમારી વાત સાંભળે છે”
ગાંધીજીએ અત્યંત સ્વસ્થ સ્વરે કહ્યું,
“ભલે કોઈ ન હોઈ . તેથી કશો ફેર પડતો નથી. આપણે આશા રાખીએ કે એ લોકો (મુસ્લિમો)પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવ સ્વભાવ પર વિશ્વાસ મુકવો.”

ગાંધીજી અને સરદાર પટેલની આવી ગુફ્તગુ એ સરદારના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સ્પષ્ટ કરવામાં નોંધપાત્ર ભાગ ભજ્વ્યો હતો. પરિણામે સરદાર પટેલની ભારતના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યેની દ્રષ્ટિ તટસ્થ અને સંયમિત બની હતી. ૧૯૩૭ના ડીસેમ્બરમાં મહંમદઅલી જિન્નાએ કોંગ્રસની હિંદુ તરફી નીતિને વ્યક્ત કરતા જાહેરમા કહ્યું,
“કોંગ્રસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે”
અને ત્યારે સરદાર પટેલે (૨૫.૧૨.૧૯૩૭ના રોજ) રાજપીપળાની જાહેર સભામા તેનો ઉત્તર
વાળ્યો હતો,

“રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ માત્ર પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા નથી શોધતી. પણ પાંત્રીસ કરોડની આઝાદી માટે લડે છે. જેમાં હિંદુ, મુસ્લિમ,પારસી, ખ્રિસ્તી તમામનો સમાવેશ થાય છે.”

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથેના સરદારના સબંધો પણ પ્રેમાળ અને પ્રોત્સાહક રહ્યા હતા. ધંધુકા જેવા નાનકડા ગામના યુવાન ગુલામ રસુલ કુરેશીને રાષ્ટ્રીય ફલક પર આણવામાં સરદારનો ફાળો નાનો સુનો ન હતો. એકવાર રચનાત્મક કાર્યો માટે માંગેલા રુ.૨૦૦૦ની વ્યવસ્થા કરી આપતા સરદાર પટેલે (૬.૨.૧૯૪૨ના રોજ હજીરાથી) ગુલામરસુલ કુરેશીને લખ્યું હતું,

“મુસલમાનોમા તમારે કામ કરવાનું રહ્યું. એટલે એ વિશેની જરૂરિયાત અને મુશ્કેલીઓ તમે જ સમજી શકો. એમાં મારે ખાસ કઈ કહેવાનું ન હોઈ. તમેં માંગો છો તે પ્રમાણે સગવડ કરી દેવી એટલું જ હું કરી શકું. બાકી કામની જવાબદારી તો તમારી જ રહે. તમે ૨૦૦૦નો અંદાજ બતાવ્યો છે.તેટલી રકમ આવતા વર્ષ માટે તમારે જેમ જેમ જોઈએ તેમ તેમ ઉપાડવા માટે માવળંકરદાદાને ત્યાં સગવડ કરી છે. ત્યાંથી તમારી જરૂરિયાત પ્રમાણે ઉપાડજો”

ઈ.સ.૧૯૩૮મા સુભાષબાબુ એ કોંગ્રસના પ્રમુખ તરીકે બીજીવાર ચાલુ રહેવાની જાહેરાત કરી. ત્યારે તેનો વિરોધ કરી તેના સ્થાને મૌલાના આઝાદના નામને આગળ કરનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે તે માટે સંમત ન હતા. ગાંધીજીને તેમણે કોંગ્રેસ પ્રમુખ થવાની ના પાડી. ત્યારે મૌલાનાને મનાવવાનું કપરું કાર્ય સરદાર પટેલે ઉપાડી લીધું હતું. આ અંગે રાજેન્દ્રબાબુને લખેલા એક પત્રમાં સરદાર પટેલ લખે છે,

“જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાનાને સમજાવી શક્ય છીએ....ઘણો વખત અચકાયા પછી તેમણે વાત કબુલ રાખી છે.”

ઈ.સ.૧૯૩૯મા પુનઃ કોંગ્રેસના પ્રમુખપદનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે મહાદેવભાઈ દેસાઈની ઈચ્છા સરદાર પટેલને કોંગ્રસના પ્રમુખ બનાવવાની હતી. પરંતુ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી સરદાર પટેલે પુનઃ મૌલાના આઝાદનું નામ આગળ કર્યું. અને આમ ૧૯.૩.૧૯૪૦ના કોંગ્રસ અધિવેશનના પ્રમુખ મૌલાના આઝાદ બન્યા.
ભાવનગર રાજ્ય પરિષદના પાંચમાં અધિવેશનમાં ભાગ લેવા ૧૪ મેં ૧૯૩૯ના રોજ સરદાર પટેલ ભાવનગર આવ્યા હતા. ત્યારે તેમની હત્યાનું કાવતરું રાજ્યના દીવાન દ્વારા ઘડાયું હતું. એ માટે ભાવનગરના ખારગેટ વિસ્તામાં આવેલ નગીના મસ્જીતનો કાવતરાખોરોએ ઉપયોગ કર્યો. સરદાર પટેલનું સરઘસ નગીના મસ્જિત પાસેથી પસાર થયું ત્યારે મસ્જીતમાંથી હથિયાર સાથે સરઘસ પર હુમલો થયો. સરદાર અલબત્ત બચી ગયા. આ ઘટનાને અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સન અને ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ મુસ્લિમોના હુમલા તરીકે ખપાવવા ઘણી કોશિશ કરી. પણ સરદાર પટેલે ૧૬.૫.૧૯૩૯ના રોજ ભાવનગર પ્રજા પરિષદના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યની ગુંડાગીરીને ખુલ્લી પાડતા કહ્યું હતું,

“અંદર અંદરના કજિયા કંકાસ સમાવીને આવા તોફાની તત્વોને અલગ કરી દબાવી દેવા કશું ન કરીએ તો આપણા આખા સમાજ પર તે ચડી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યો પર ચડી બેસે છે. આજે બધે વાયુ મંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવી કરેલું કામ નથી. આની પાછળ તો બુદ્ધિ પૂર્વકની ગોઠવણી છે. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં. આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. આજે કેવળ રાજ સત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.”

છેક ૧૮૫૭થી આરંભાએલી હિંદુ-મુસ્લિમોને લડાવી “ભાગલા પાડો અને શાસન કરો”ની અંગ્રેજોની કૂટનીતિથી સરદાર પટેલ બખૂબી વાકેફ હતા. અને એટલે જ અંગ્રેજોની અલગ કોમી મતદાર મંડળોની નીતિને ખુલ્લી પાડતા ૧૦.૩.૧૯૪૦ની નવસારીની દુધિયા તળાવની જાહેરસભામાં તેમણે કહ્યું હતું,

“અલ્લાહાબાદમાં હિંદુ,મુસ્લિમ,શીખ, ખ્રિસ્તી બધા એક થયા અને ફેસલો કર્યો કે આપણે કોમી મતદાર મંડળો ન જોઈએ. અને મુસલમાનો જે માંગે તે આપવું. પણ તુરત અંગ્રેજોએ મુસ્લિમોને તાર કર્યો કે તમે તેમાં ભળશો નહિ. અમે તમને વધારે આપીશું. અમે તો દાખલા સાથે સિદ્ધ કરીએ છીએ કે અંગ્રેજો જ લડાવે છે. એ તો કહે છે કે તમે બે લડો ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપ્રત કરેલું છે.”

ભારતના ભાગલા સમયે પણ ગૃહમંત્રી તરીકેની સરદારની ભૂમિકા અત્યંત સંતુલિત હતી. પતિયાણામા રાજપુર અને લુધિયાણા વચ્ચે, તેમજ રાજપુર અને ભટિંડા વચ્ચે મુસ્લિમોની સામુહિક હત્યા,કતલ અને લુંટફાટના બનાવોની વણઝાર સર્જાય હતી.તેની જાણ સરદાર પટેલને થતા તેમણે પતિયાણાના મહારાજાને ૨૬.૮.૧૯૪૭ના રોજ તે અટકાવવાની સુચના આપતા લખ્યું હતુ,

“પરિસ્થિતિ તદન કાબુ બહાર થઈ ગઈ છે.મહેરબાની કરીને કંઇક કરો અને તે તુરત અટકાવો. લઘુમતીઓના રક્ષણ માટે અને તેમનામાં વિશ્વાસ પેદા કરવા તમામ સક્રિય પગલા ભરશો તો આભારી થઇશ.”

એજ રીતે રામપુરના નવાબે તેમની પ્રજાનું અશાંત દિલ્હીમાથી રામપુર સ્થળાંતર કરવા સરદારને વિનંતી કરી, ત્યારે પણ સરદારે દિલ્હીના કલુષિત વાતાવરણને ધ્યાનમાં રાખી રામપુરના હજારેક જેટલા મુસ્લિમ નિવાસીઓને સ્પેશિઅલ ટ્રેનમા રામપુર મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભોપાલના નવાબની માંદગીથી પીડાતી દીકરીને અશાંત દિલ્હીમાં શોધીને તેની સારસંભાળ કરવાની તકેદારી પણ સરદાર કરવાનું ચુક્યા ન હતા.મુસ્લિમ હિજરતીઓ સહીસલામત રીતે પાકિસ્તાન પહોચી જાય તેની દરકાર પણ ગૃહમંત્રીએ રાખી હતી. શ્રી.વી.પી.મેનને અમૃતસરમાંથી પસાર થતી હિજરતી મુસ્લિમોની ટ્રેનો પર શીખોના હુમલાઓ અંગે સરદારની ભૂમિકાની પ્રસંસા કરી છે. ત્યારે અમૃતસરમાં વિશાળ સભાને સરદારે સંબોધી હતી. અને પાકિસ્તાન જતા મુસ્લિમો આપણા જ ભાઈઓ છે. તેમની હિંસા એ આપણા જ ભાઈઓની હત્યા છે. એમ એક કલાક લાગણીસભર ભાષણ કરી અમૃતસરના શીખોને શાંત પાડ્યા હતા. અને હિજરતી મુસ્લિમોને સહી સલામત પાકિસ્તાન જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સ્વતંત્ર ભારતના સશક્ત મધ્યમાં તરીકે રેડીઓમાં ઉર્દૂ ભાષાને સ્થાન આપવામા પણ સરદારનો ફાળો અગ્ર હતો. ૧૪.૧૨.૧૯૪૯ન રોજ માહિતી પ્રધાન આર.આર.દિવાકરને સરદાર પટેલે લખે છે,

“પણ આપણે રેડિઓને પ્રચારનું, મુસ્લિમો અને નિરાશ્રીતોમાંથી ઘણાં ખરા લોકોને ધર્મનિરપેક્ષ રાજય અને સંસ્કૃતિના આદર્શ માટે પ્રોત્સાહન આપવાનું કામિયાબ સાધન બનાવવા ઇચ્છતા હોઈએ તો હાલ તુરત તો દિલ્હીના કાર્યક્રમમા પણ કેટલોક હિસ્સો ઉર્દુને આપવો પડશે”

આજે દિલ્હી રેડિઓ સ્ટેશન પરથી પ્રસારિત થતા ઉર્દૂ કાર્યક્રમો સરદાર પટેલની દેન છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.

આમ ભારતના રાષ્ટ્રીય મુસ્લિમો અને ઇસ્લામી સંસ્કૃતિ પ્રત્યેની સરદારની નીતિની નોંધ લેતા અનેક દ્રષ્ટાંતો ભારતના ઇતિહાસમા દટાયેલા પડ્યા છે. આ દ્રષ્ટાંતો જ સરદારને મુસ્લિમ વિરોધી કહેતા જૂથ માટે જવાબ રૂપ છે. ઇતિહાસનું વિશ્લેષણ ઘટનાઓના મૂલ્યાંકન અને તેના નિષ્કર્ષમાંથી થાય છે. એ દ્રષ્ટિએ આ તમામ ઘટનાઓ ઉપર સરદારને મુસ્લિમ વિરોધી કહેતું જૂથ થોડી તવજ્જો આપશે તો સરદારનું ભારતીય મુસ્લિમો પ્રત્યેનું વલણ અવશ્ય પામી શકશે. પણ એ મૂલ્યાંકન વેળાએ એટલી બાબત અચૂક યાદ રાખવી જોઈએ કે સરદારને બે મોઢા રાખી ભારતમાં વિચરતા મુસ્લિમો પ્રત્યે સખત નફરત હતી. તેઓ કહેતા,

“ભારતના મુસ્લિમોને મારે એક જ સવાલ પૂછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી ? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી ?... હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ પણ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોઈ તે જઈ શકે છે, અને સુખચેનથી રહી શકે છે”

પણ આ સાથો સાથ રાષ્ટ્રીય મુસ્લિમો પ્રત્યે સરદારને અંત્યંત આદર હતો. સ્વાતંત્ર સંગ્રામના તેમના મુસ્લિમ સાથીઓ અને નાનામા નાના રાષ્ટ્રવાદી મુસ્લિમ માટે તેઓ સમાન અને તટસ્થ વ્યવહાર કરવાને પોતાનો ધર્મ માનતા. અને તેમાં ક્યારેય ચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખતા. તેઓ હંમેશા કહેતા,

“રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈ પણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે”

આવા સરદારને આપણે સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક કહીશું તે વાચકો, વિચારકો અને રાજકારણીઓ પર છોડી દઈએ – અસ્તુ.