Wednesday, November 24, 2010

મક્કાથી મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી પત્ર : ડો.મહેબૂબ દેસાઈ

મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી,

સાદર નમસ્કાર.

છેલ્લા એક માસની મક્કા-મદીના (સાઉદી અરેબિયા)ની હજયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના સંપર્કમાં આવવાનું થયું છે. પ્રારંભમાં મદીનામાં આઠ દિવસ રોકાયો હતો. ત્યારે નિયમિત મસ્જિત-એ-નબવીમા ચાલીસ નમાઝો અદા કરવા જતો. પરિણામે વિશ્વના અનેક મુસ્લિમો સાથે સંપર્કમા આવવાનું બન્યું. બે નમાઝોની વચ્ચેના સમયમાં અનેક દેશોના મુસ્લિમો સાથે વિવિધ વિષયો પર ચર્ચા થતી. જેમાં ગુજરાતના વતની તરીકેની મારી ઓળખ પામ્યા પછી સૌ કોઈ આપને નામ સહીત યાદ કરવાનું ચુકતા ન હતા. અને એટલે જ કોઈ પણ દેશનો મુસ્લિમ ગુજરાતનું નામ સાંભળી આપને “મોદીવાલા ગુજરાત” કહીને અચૂક યાદ કરે છે. અને એ સાથે જ ગુજરાતના મુસ્લિમોની તત્કાલીન સ્થિતિ અને આપનું ગુજરાતના મુસ્લિમો પ્રત્યેનું તાજું વલણ જાણવા સૌ ઉત્સુકતા વ્યક્ત કરે છે.

સૌ પ્રથમ તો વિશ્વના મુસ્લિમો ૨૦૦૨ના સંદર્ભમાં ગુજરાતના મુસ્લિમો પ્રત્યે ઘણી કરુણાની દ્રષ્ટિથી જુવે છે. ૨૦૦૨ની ઘટના અને તેના કારણે ગુજરાતના મુસ્લિમોને વેઠવી પડેલી યાતનાઓના અનેક કિસ્સાઓ વિશ્વભરના મુસ્લિમો અંત્યંત દુઃખ સાથે વાગોળે છે. અલબત્ત તેમાં કયાંક કયાંક અતિશયોક્તિ હોઈ છે. પણ એ સત્યને નકારી ન શકાય કે ૨૦૦૨ની ઘટનાએ ગુજરાતના મુસ્લિમોને વિશ્વભરના મુસ્લિમોની સહાનુભુતીનું મુખ્ય કેન્દ્ર બનાવી દીધેલ છે. પરિણામે આજે ગુજરાતની નાનામાં નાની ઘટના પર વિશ્વના મુસ્લિમોની નજર મંડાયેલી રહે છે. જેમ કે ગુજરાતની હાલની ચુંટણીઓ પર પણ વિશ્વના મુસ્લિમો મીટ માંડી બેઠા હતા. અને જયારે ટીવી પરનું આપનું વિધાન એક મદીનાવાસીએ તેની દુકાનમા થતી ચર્ચામાં જાહેરમાં દોહરાવતા કહ્યું કે મોદીને ખુલકર કહા કી ભાજપ કે વિજયમેં મુસ્લિમોકા હિસ્સા ભી હૈ.” ત્યારે સૌ મુસ્લિમો જંગ જીત્ય હોઈ તેટલા રાજી થયા હતા. જો કે આપના આ વિધાનથી હું માહિતગાર ન હતો. એટલે મેં તેના ઉત્તરમાં એટલુ જ કહ્યું “ યે તો મુઝે પતા નહિ, પર ઇતના ઝરૂર કહુંગા કી ઇસ બાર ભાજપને મુસ્લિમો કો ભી ટિકટ દિયા થા”
“લેકિન હમને તો ટીવી પર ઉન્હેં યહી કહેતે સુના હૈ કી હમારી જીત મેં મુસલમાનો કા ભી હિસ્સા હૈ”
હું તેમના આ વિધાનને સાંભળી રહ્યો.

મલેશિયા, ઇન્ડોનેશિયા,બાંગ્લાદેશ, તુર્કસ્તાન, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રોના હાજીઓ અવારનવાર મક્કાની બઝારમાં મળી જતા. અને ત્યારે પોતાના દેશના મુસ્લિમો સાથે ભારત અને ખાસ કરીને ગુજરાતના મુસ્લિમોની તુલના થતી. એવા સમયે ભારત અને ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ બહેતર હોવાનું સૌ સહર્ષ સ્વીકારતા. મક્કામા કાબા શરીફની સામે નમાઝ માટે બેઠો હતો ત્યારે એક શિક્ષીત અફઘાનિસ્તાની સાથે ચર્ચા થઈ. તેણે તેની ભાંગી તૂટી હિન્દી-ઉર્દૂમાં કહ્યું “જો હુવા સૌ હુવા પર ફિરભી ગુજરાત કે મુસ્લિમ આજ ફિર ખડે હો ગયે હૈ. ઇસકા મતલબ હૈ સરકાર કા રવૈયા જરૂર બદલા હૈ વરના ઇતને બડે હાદશે કે બાદ ખડા હોના યકીનન મુશ્કેલ થા” હું તેની વાતને સાંભળી રહ્યો. મેં તેની વાતને જરા વધારે બેહેલાવવા કયું, “પર આજ ભી ગુજરાત મેં જ્યાદાતર મુસ્લિમો પર સરકાર ભરોસા નહિ કર રહી” એ અફઘાનિસ્તાની મારી વાત સાંભળી બોલી ઉઠ્યો, “ વો વક્ત ભી ઇન્શાહાલ્લાહ જરૂર આયગા. એક પૂરી કોમ કો જયાદા દેર તક અલગ રખ કર કોઈ સિયાસત નહી કર સકતા”

મદીના અને મક્કામાં બે દેશના મુસ્લિમોથી સૌ દુર રહેવાનું પસંદ કરે છે. એક પાકિસ્તાની અને બીજા નાયજેરીયા, ઈજીપ્ત, કંબોડિયા , યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના ઉંચા લાંબા હબશીઓ. પાકિસ્તાનના મુસ્લિમો મોટે ભાગે અશિક્ષિત અને વ્યવહારમાં તોછડા હોય છે. જયારે હબશીઓ વ્યવહારમાં ઝનુની હોઈ છે. મક્કામાં તવાફ (કાબા શરીફની પ્રદક્ષિણા) દરમિયાન બધાને ધક્કા મારી આગળ નીકળવાની તેમની નીતિને કારણે સૌ તેમનાથી દૂર ચાલવાનું પસંદ કરે છે. જો કે તેમાં પણ કોઈ શિક્ષીત અને સંસ્કારી હબશી અલગ તરી આવે છે. એવા જ એક શિક્ષીત હબશી એકવાર મક્કાની મસ્જિતમા મારી બાજુમાં આવી બેઠા. મેં તેમને આવકાર્ય અને સલામ કરી. તેમણે પણ સસ્મિત મને સલામનો જવાબ આપી પૂછ્યું, “આર યુ ફ્રોમ ?”
“ઇન્ડિયા”
“ગુડ કન્ટરી”
“વીચ સ્ટેટ ?”
“ગુજરાત”
‘ઓહ, મોડી (મોદી) !”
“યસ’ મેં એ તકનો લાભ લેતા પૂછ્યું “વોટ ડુ યુ થીંક અબાઉટ મોદી ?”
“હી ડીઝર્વ વન ચાન્સ ટુ જસ્ટીફાય મુસ્લિમસ”
મેં સસ્મિત કયું, “રાઈટ સર” અને નમાઝ માટેની અઝાન થઈ એટલે અમારી વાત ત્યાં જ અટકી ગઈ.
આવી નાની નાની ઘટનાઓ ગુજરાતને વિઘટનથી વિકાસના માર્ગે વાળનાર આપ જેવા મુખ્યમંત્રી તરફ એક જ અપેક્ષા વ્યક્ત કરે છે. વિશ્વનો સમગ્ર મુસ્લિમ સમુદાય ગુજરાતના વિકાસમાં ગુજરાતના મુસ્લિમોને પણ માન અને સ્થાન મળે તેમ ઈચ્છે છે. આપ એ આશાને ભળીભૂત કરશો એજ મક્કામા કાબા શરીફ સામે મારી એક માત્ર દુવા છે-આમીન.

મહેબૂબ દેસાઈ
લખ્યા તારીખ ૩૦-૧૦-૨૦૧૦