Monday, August 16, 2010

તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા : ઝકાત : ડૉ.મહેબૂબ દેસાઈ

રમઝાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય ખુલ્લા હાથે અને દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં પણ દાનને ફરજિયાત ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં બે પ્રકારના દાનનો ઉલ્લેખ છે. ઝકાત અને ખેરાત. ઝકાતએ ફરજિયાત દાન છે. આપણે વેપાર,નોકરી કે વ્યવસાયમા જે આવક મેળવીએ છીએ તેના બદલામાં સરકારને ફરજિયાત કર ચૂકવીએ છીએ. એ જ રીતે ઇસ્લામે પણ ફરજિયાત ઝકાત આપવાનો આદેશ આપ્યો છે.સરકાર દ્વારા વસુલ થતો કર રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી બને છે. જયારે મુસ્લિમ બિરાદરો દ્વારા આપવામાં આવતી ફરજિયાત ઝકાત પણ સમાજના વિકાસમાં ઉપયોગી બને છે. દરેક મુસ્લિમ પોતાની જંગમ કે સ્થાવર મિલકત અને પોતાની કુલ આવકના અઢી ટકા રકમ ખુદાના નામે ઝકાત તરીકે ફરજિયાત આપે છે. ઝકાતની રકમ ગરીબ,અનાથ સગા સબંધીઓ કે પડોશીઓની આર્થિક અવદશાને દૂર કરવામાં ઉપયોગી બને છે. બીજું દાન છે ખેરાત. ખેરાતએ સ્વેચ્છિક દાન છે.
આ બને પ્રકારના દાનો માટે કુરાને શરીફમાં ઠેરઠેર જે વિધાનો આપ્યા છે તે જાણવા અને માણવા જેવા છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શું ખર્ચીએ ?”
“કહો, જે કઈ તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”
“અને એમના માલમા માંગનાર અને વંચિત રહેનારાઓનો હક્ક છે”
“જે લોકો અલ્લાહએ આપેલા ધનમાં કંજુસાઈ કરે છે, તેઓ એ સમજી લે કે આ કામ તેમના માટે સારું નથી”
“જે લોકો પોતાનું ધન ખુદાના માર્ગમાં વાપરે છે. તેમનું ઉદાહરણ એક દાણા જેવું છે. જેમાથી સાત ડુંડી ઉગે છે. અને એ દરેક ડુંડીમાં સો સો દાણા હોય છે”
“અલ્લાહના નામે પોતાનું ધન સગાઓ, અનાથો, મોહતાજો, મુસાફરો,મદદ માટે હાથ લંબાવનાર સૌ માટે ખર્ચ કરો”
લોકો પૂછે છે,
“અમે અલ્લાહના માર્ગે શું ખરચીએ ?”
એમને કહી દો,
“જે તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગે જરૂરતમંદોને આપો”
દાન આપવાની ક્રિયા પણ ઇસ્લામમાં મહત્વની છે. હિંદુ શાસ્ત્રોમા કહ્યું છે “દાન એવી રીતે કરો કે તમારા જમણાં હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ ન થાય”
ઇસ્લામ પણ છુપા દાનને વિશેષ મહત્વ આપેલ છે. કારણ કે આવું દાન ગરીબ છતાં ખુદ્દાર માનવીના સન્માનની હિફાઝત કરે છે. અને એટલે જ કુરાને શરીફમાં કહ્યું છે,
“જો તમે દાન જાહેરમાં આપો તો તે સારું છે. પરંતુ જો તમે દાન છુપાવીને આપો તો એ તમારા માટે વધુ સારું છે. તમારા ઘણાં ગુનાહ આ વર્તન વડે ધોવાઈ જાય છે”

“વિશેષ રૂપે મદદના હક્કદાર એ જરૂરતમંદો છે જેઓ અલ્લાહના માર્ગમાં એવા ધેરાઈ ગયા છે કે પોતાના રોજગાર માટે ધરતીપર કોઈ દોડધામ કારી સકતા નથી. એમનું સ્વમાન જોઈ અજાણી વ્યક્તિ કલ્પના કરે છે કે તેઓ સુખી છે. તમે તેમના ચહેરા પરથી તેમની આંતરિક સ્થિતિ ઓળખી શકો છો. પરંતુ તેઓ એવા લોકો નથી છે જે લોકોની પાછળ પડી જઈ કઈ માંગે છે. આવા લોકો માટે જે કઈ માલ ખર્ચ કરશો તે અલ્લાહથી છુપું રહેશે નહિ”

ઇસ્લામનો બીજો મહત્વનો દાનનો સિધ્ધાંત પણ સમગ્ર માનવજાતે અપનાવવા જેવો છે. મોટે ભાગે આપણા ઘરે કે ધંધાના સ્થળે આવનાર ભિખારી, ફકીર કે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર મોટે ભાગે તુચ્છ હોય છે. ઇસ્લામમાં ઘર આંગણે આવનાર કોઈ પણ જરૂરતમંદ સાથેનો વ્યવહાર સંપૂર્ણ માનવીય રાખવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“કોઈ યતીમ (અનાથ)ને અન્યાય ન કરશો. અને કોઈ માંગનાર જરૂરતમંદને ધુતકારશો નહિ. અને જે નેમતો તમને તમારા પાલનહારે આપી છે તેનો શુક્ર(આભાર)અદા કરતા રહો”
કુરાને શરીફના આ આદેશનું પાલન મહંમદ સાહેબે જીવનભર કર્યું હતું. જયારે કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસે આવતો ત્યારે આપ જે કઈ હાથવગું હોઈ તે તેને આપી દેતા. કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસેથી કયારેય ખાલી હાથે પાછો ફર્યો ન હતો. આ અંગે હઝરત જાબીર ફરમાવે છે,
“મહંમદ સાહેબ પાસે આવતા જરૂરતમંદને કયારેય મહંમદ સાહેબ ઇન્કાર કરતા નહિ. કયારેક એવું બનતું કે જરૂરતમંદને આપવા તેમની પાસે કઈ ન હોઈ, એવા સંજોગોમાં જરૂરતમંદને બીજે દિવસે આવવા કહેતા. અને તેના માટે દુઆ માંગતા”

ટૂંકમાં આપના આંગણે આવનાર જરૂરતમંદને તેની મજબુરી જ આપને ત્યાં દોરી લાવે છે. આજે એ મજબુર છે, કાલે આપ પણ એ સ્થિતિમાં હોઈ શકો. માટે મજબૂર માનવીની મજબુરીને કયારેય ધીકારશો નહિ. ઇસ્લામના આવા માનવીય સિધ્ધાંતોએ જ ઇસ્લામને માનવધર્મનો દરજ્જો આપ્યો છે. રમઝાન માસમાં આવા માનવીય વ્યવહારો જ પુણ્યની બારીશ કરવા પૂરતા બની રહે છે.

No comments:

Post a Comment