Wednesday, June 16, 2010

રાજકોટ જિલ્લાની મુસ્લિમ પ્રતિભાઓ : ડૉ. મહેબૂબ દેસાઈ

વિશ્વમાં ભારતની પ્રતિભા વિશિષ્ઠ છે. ભાષા, જાતિ,ધર્મ અને પર્યાવરણની ભિન્નતા હોવા છતાં તે ભારતની આગવી સંસ્કૃતિ અને ઓળખ બની ગયા છે. વિવિધતામાં એકતા એ આપણી પ્રચંડ શક્તિ છે. ભારતનો સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ મુસ્લિમ એકતાનું તે આદર્શ દ્રષ્ટાંત છે. ભારતની આઝાદીની લડત હોઈ કે વિકાસની સંધર્ષ ગાથા હોઈ સૌએ સાથે મળી ભારત માતાની મુક્તિ કાજે કે તેને સજાવવા- સંવારવા માટે બેશુમાર બલિદાનો આપ્યા છે. બહાદુરશાહ ઝફરથી આરંભીને અશ્ફાકુલ્લાહ જેવા અનેક મુસ્લિમોએ પોતાના બલીદાનથી ભારત માતાના મુક્તિ યજ્ઞમાં આહુતિ આપી છે. ભારતની આ પરંપરાથી રાજકોટ પણ અલિપ્ત નથી રહ્યું. આઝાદી પૂર્વે અને પછી સૌરાષ્ટ્રના વિકસિત શહેર અને જીલ્લા તરીકે રાજકોટે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેની પાછળ હિદુ-મુસ્લિમ બને સમુદાયનો સંઘર્ષ પાયામાં પડ્યો છે. આજે એવી કેટલીક મુસ્લિમ પ્રતિભાઓની વાત કરવી છે, જેણે રાજકોટ જીલ્લાની શાન વધારવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે.

ઈ.સ. ૧૬૬૭મા રાજુ નામના સિંધીએ વસાવેલ નાનકડી વસાહત ધીમે ધીમે ગામડું બન્યું. જેનું નામ રાજકોટ પડ્યું.ઈ.સ. ૧૭૦૨ સુધી રાજકોટ રાજુ સિંધીના વંશજોના કબજામાં રહ્યું. જાડેજા વંશના પરાક્રમી રાજા વિભાજીના રાજ્યમાં તેનો વિકાસ થયો. ઈ.સ. ૧૭૨૦મા રાજકોટનો મહાલ માંસુમખાનને જાગીરમાં મળ્યો. ઈ.સ. ૧૭૨૨મા માસુમખાને રાજકોટનો કિલ્લો બંધાવ્યો અને રાજકોટને “માસુમાબાદ” નામ આપ્યું.બસ ત્યારેથી રાજકોટ સાથેનો મુસ્લિમોનો નાતો આરંભાયો.જો કે ઈ.સ. ૧૭૮૯મા પાટવીકુંવર શ્રી રણમલજીએ માંસુમખાનને મારી રાજકોટ કબજે કરી લીધું. પણ માસુમખાને બંધાવેલો એ કિલ્લો વર્ષો સુધી માસુમખાનની યાદ અપાવતો રહ્યો.

આમ રાજકોટની ધરા સાથે આરંભાએલ મુસ્લિમ સંબંધો છેક ભારતના સ્વાતંત્ર સંગ્રામમા પણ યથાવત રહ્યા. ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન રાજકોટમાં ચાલેલ જવાબદાર રાજ્યતંત્રની લડત (૧૯૩૯)મા અસગરઅલી યુસુફઅલી ગાંધી(જન્મ ૫-૩-૧૯૨૦)ની સક્રિયતા આજે પણ રાજકોટની જૂની પેઢીની સ્મૃતિમાં ભંડારાયેલી પડી છે.ઈ.સ.૧૯૪૦-૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો. ઈ.સ. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં પણ તેઓ સક્રિય હતાં. જુનાગઢની આરઝી હકુમતની લડતમાં પણ એક સિપાઈ તરીકે જોડાયા હતા. એ જ રીતે ઈસ્માઈલભાઈ કાનજીભાઈ હીરાની(જન્મ ૧૯૦૮ આંબરડી)એ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની પ્રજાકીય સુધારણા અને લડતોમાં કેળવેલ સક્રિયતા પણ ઇતિહાસના પાનાઓ પર નોંધયેલી છે.તેઓ આગાખાની ખોજા હતા.સાચા સમાજ સુધારક હતાં.રૂઢીચુસ્ત ધાર્મિક રિવાજોના કટ્ટર વિરોધી હતા.સમાજવાદી વિચારધારાના પ્રખર હિમાયતી હોવા છતાં ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો પ્રત્યેની તેમની સક્રિયતા તારીફે કબીલ હતી. આઝાદી સંગ્રામના એ યુગમાં ધોરાજીના ઈસ્માઈલભાઈ જમાલભાઈ બેલીમના

અખબાર “”કાઠીયાવાડે”” પણ પ્રજાકીય લડતનો શંખ વગાડ્યો હતો.ગોંડલ રાજ્યની અમાનવીય શાશન પદ્ધિત સામે બંડ પોકારનાર ઈસ્માઈલભાઈનો અંત કરુણ હતો. રાજ્યની અંધારી જેલમાં છેલ્લા દિવસો અત્યંત યાતનામાં ગુજારનાર ઈસ્માઈલભાઈ આજે તો ઇતિહાસના પડળોમાં વિસરાઈ ગયા છે પણ તેમના બલિદાનને આ પળે યાદ કરી તેની કદર તો અવશ્ય કરીએ.એવા જ અન્ય એક ગાંધીજીના પરમ ભક્ત વાંકાનેરના વતની ઈસ્માઈલભાઈ નાગોરી (૧૯૦૪-૧૯૮૩) હતા. ૧૯૩૦ની લડતમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. ઈ.સ. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. આપણા જાણીતા ચિંતક અને લેખક મનુભાઈ પંચોલીના ખેતી વિષયક ગુરુ ઈસ્માઈલભાઈએ સૌરાષ્ટ્રમાં ગાંધીજીના રચનાત્મક કાર્યોને તરવડામાં અદભુત સાકાર કર્યા હતો.


જેતપુરના વતની અને મેમણ સમાજના પિતામહ જનાબ સર આદમજી અને ગાંધીજી પરમ મિત્ર હતા. ઇતિહાસમાં બંને વચ્ચેના ઘરોબાની સાક્ષી પુરતી અનેક ઘટનાઓ દટાયેલી પડી છે.૧૦ થી ૧૨ ઓક્ટોબર ૧૯૩૧ દરમિયાન સર આદમજીએ રાજકોટમાં “અખિલ મેમણ ગ્રેટ કોન્ફરન્સ” નું આયોજન કરી સમગ્ર વિશ્વના મેમણોને રાજકોટની ધરતી પર ભેગા કરી રાજકોટનું નામ વિશ્વના નકશામાં ઘાટા અક્ષરોમાં અંકિત કર્યું હતું. ૨૮ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ તેમનું અવસાન થયું. ભારતના ટોચના ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામ બિરલાએ તેમને શ્રધાંજલિ અર્પતા કહ્યું હતું,

“તેઓ ખરા અર્થમાં મહા પુરુષ હતા”

ભારતના પ્રથમ કક્ષાના નેતા અને આઝાદ હિન્દ ફોજના સરદાર સુભાષ ચંદ્ર બોઝના સાથી ધોરાજીના વતની અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાનીને ભલે ઝાઝી ઓળખ સાંપડી ન હોઈ.પણ ઇતિહાસના પાનાઓમાં તેમનું સ્થાન અગ્ર છે અને રહેશે. સુભાષ ચંદ્ર બોઝને રંગુનમાં આર્થિક મદદ પુરી પડનાર અબ્દુલ હબીબનું નામ રાજકોટ વાસીઓ ગર્વથી લઈ શકે તેમ છે. ધોરાજીના વતની સુલેમાન શાહ મુહંમદ લોધીયનું નામ ગુજરાતના પ્રથમ મુસ્લિમ વિશ્વ પ્રવાસી તરીકે જાણીતું છે. ૧૮૮૭ થી ૧૮૯૫ દરમિયાન તેમણે અરબસ્તાન, સિરિય, જેરુસાલેમ, તુર્કી, ઈજીપ્ત, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ, જાવા, સિંગાપોર, ચીન, હોંગકોંગ, જાપાન અને અમેરિકાનો પ્રવાસ કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.


સ્વાતંત્ર યુગ પછી આઝાદ ભારતના નવ પલ્લવિત વતાવરણમાં પણ રાજકોટ અને જીલ્લાની મુસ્લિમ પ્રતિભાઓએ વિશ્વમાં રાજકોટનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. પાજોદ (જિ જુનાગઢ) દરબાર અને ગુજરાતના ઉત્તમ કોટીના શાયર રુસ્વા મઝલુમી ભલે રાજકોટના વતની ન હોઈ પણ તેમનું નિવાસ રાજકોટ જ રહ્યું છે.એ નાતે રાજકોટના પ્રતિભાશાળી મુસ્લિમોમાં તેમનું નામ અસ્થાને નહિ ગણાય.

“રંગ છું હું ,રોશની છું, નૂર છું ,
માનવીના રૂપમાં મનસુર છું,

પાપ પુણ્યોની સીમાથી દૂર છું,
માફ કર ફિતરતથી હું મજબુર છું”

આ જ રુસ્વા સાહેબ રાજકોટના ગુણગાન ગાતા કહે છે,
“રાજકોટ આને કે બાદ અલ્લાહને મેરી ઇતની મદદ કી હૈ , કી મેરી કલમ ખુબ ચલને લગી હૈ”

આવા રુસ્વા સાહેબ પર કયા રાજકોટવાસીને ગર્વ ન હોઈ?.

સમગ્ર એશિયા ખંડમાં પાવર લીફટીંગમા ચાર સુવર્ણ ચંદ્રકો જીતનાર રાજકોટની વીરાંગના નીર્લોફર ચૌહાણને કદાચ રાજકોટની પ્રજા ઝાઝી નહિ ઓળખતી હોઈ. એ જ રીતે ભારતની પ્રથમ મહિલા, જેણે ૬૦૦૦ ફૂટની ઉંચાઈએથી પેરેશુટ જંપ મારી ઇતિહાસ સર્જ્યો હતો, તે રોશનબહેન ચૌહાણ પણ રાજકોટની ધરતીની દેન છે. શિક્ષણ ક્ષેત્રમાં રાજકોટનું નામ રોશન કરનાર સૌ પ્રથમ મુસ્લિમ પ્રોફેસર અઝીઝ મેમણનો વિગતે પરિચય પણ રાજકોટની પ્રજાને નથી.અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમા ૨૫ વર્ષ રત રહેનાર પ્રોફેસર અઝીઝે અરબીમાં લખેલા ૨૫ પુસ્તકો આજે આંતર રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ છે. મિસર અને સીરિયાની યુનિવર્સીટીઓમા તે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભણાવાય છે. પડધરીના વતની, નાગપુરના મોટા ઉદ્યોગપતિ અને ઇસ્લામના વિદ્વાન હઝરત મોલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ પણ રાજકોટની શાન છે. ધોરાજીના શિક્ષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સૈયદ અમીનબાપુ અહેમદમિયા બુખારી પણ રાજકોટ જીલ્લાની પ્રતિષ્ઠા છે. જેતપુરના વતની અને ગુજરાત લઘુમતી બોર્ડના અધ્યક્ષ શહેનાઝ બાબીએ પણ ગુજરાતના સામાજિક-રાજકીય ક્ષત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

રાજકોટના પ્રખર વિચારક, કોલમિસ્ટ,પત્રકારત્વના પ્રોફેસર ડો. યાસીન દલાલને કેમ ભુલાય ? સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગના વડા રહી ચુકેલા યાસીનભાઈએ સર્જેલ પત્રકારત્વના ૭૦ પુસ્તકોએ તેમને “લીમ્કા બુક ઓફ વર્ડ રેકોર્ડ” માં સ્થાન અપાવ્યું છે. તેમના પુસ્તકો સમગ્ર ગુજરાતના પત્રકારો માટે આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે. યાસીનભાઈ રાજકોટ અંગે પોતાનો લગાવ વ્યક્ત કરતા કહે છે,

“રાજકોટે મને માન,મરતબો અને ઈજ્જત બક્ષ્યા છે”

રાજકોટના સંધી મુસ્લિમોનું રેડીઓ,દૂરદર્શન અને ફિલ્મોના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ચલચિત્રની જાણીતી અભિનેત્રી મોના ઠેબા રાજકોટની વતની છે. મુખ્ય અભિનેત્રી તરીકેની તેની બે ગુજરાતી ફિલ્મો “દીકરીનો માંડવો” અને મીંઢળ છૂટ્યા માંડવે” જાણીતી છે.તેમના પિતા બાબુભાઈ ઠેબા

અનેક અભિનેતાઓના રહસ્ય સચિવ અને ફિલ્મ નિર્માતા રહી ચુક્યા છે.તેમના માસા ઓસ્માનભાઈ ઠેબા રાજકોટ રેડિઓ કેન્દ્ર અને દૂરદર્શનના આરંભના દિવસોમા તેના હેડ હતા. જયારે મોના ઠેબાના કાકા આસીફ ઠેબા આજે પણ રાજકોટ દૂરદર્શનમા કાર્યક્રમ આયોજક અને પ્રોપર્ટી સહાયક તરીકે સક્રિય છે.તેમણે દૂરદર્શન માટે અનેક લોકપ્રિય કાર્યક્રમોનું આયોજન કરેલ છે.આસીફ ઝેરીયા પણ ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોના જાણીતા ગાયક છે. રાજકોટના વાતની આસીફભાઈએ હિન્દી ફિલ્મોના ૪૦ જેટલા નામાંકિત ગાયકો સાથે ગીતો ગાયા છે.

આ ઉપરાંત શ્રી અહેમદભાઈ જીન્દાની,શ્રી ઇલીયાસ ખાન,શ્રી ગનીભાઈ કાળા,શ્રી કાદર સલોત (રાજકારણી), શ્રી એ.કે.લાલાણી (એડવોકેટ), શ્રી ઓસ્માન તાબાણી(વેપારી), શ્રી ફારુખ બાવણી (વર્ડ મેમણ ફેડરેશનના મંત્રી), શ્રી અબ્દુલ લતીફ ઈબ્રાહીમભાઈ બાવાની(જેતપુર),ડો.મુમતાઝ શેરસીયા (વાંકાનેર) , શ્રી સુલેમાન સંધાર(ગેબનશાહ પીરના ટ્રસ્ટી) જેવા ઘણા નામો હજુ આમા ઉમેરી શકાય.જેમણે રાજકોટ શહેર અને જીલ્લાની આન અને શાનમાં અભિવૃદ્ધિ કરી છે. પરંતુ લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી અત્રે થોડાક જ નામો મૂકી શકાયા છે. ઉલ્લેખ ન થઈ શકેલ એ સૌ મુસ્લિમ પ્રતિભાઓને નત મસ્તકે સલામ સાથે વિરમીશ.

No comments:

Post a Comment