Monday, June 14, 2010

મારી જેલ યાત્રા : ડો.મહેબૂબ દેસાઈ

૯ જુનના રોજ ગુજરાતના જેલ અધિકારી શ્રી પી.સી.ઠાકુરસાહેબના આગ્રહથી મને સાબરમતી જેલના કેદીઓ સમક્ષ વાત કરવાની તક સાંપડી. જેલ કાર્યાલયમાં સ્થાનિક જેલ અધિકારી ચોધરી સાહેબે મારું સ્વાગત કર્યું. એ પછી જેલ સુરક્ષાના ભાગ રૂપે સૌ પ્રથમ મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. પછી ચોધરી સાહેબ મને એક મોટા ખંડમાં લઈ ગયા. લગભગ ૨૦૦ જેટલા કેદીઓ શિસ્તબધ રીતે હોલમાં બેઠા હતા. ચોધરી સાહેબે મારો ટૂંકો પરિચય આપ્યો અને મેં કવિ કલાપીના કાવ્ય,

“રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરીયું છે.
પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્ય શાળી બને છે.”

ની પંક્તિથી મારા વ્યાખ્યાનનો આરંભ કર્યો. વ્યાખ્યાન દરમિયાન હું દરેક કેદીના ચહેરા પર નજર નાખતો હતો . ત્યારે મને તેમના ચહેરા પર મારા શબ્દોની અસર વર્તાતી લાગતી. જેલ એ પ્રાયશ્ચિતનું ધામ છે. એવું મારુ વિધાન કેદીઓના ચહેરા પર ઝીલાતું મેં અનુભવ્યું. વ્યાખ્યાન પછી પ્રશ્નોત્તરી કરવાનો મેં આગ્રહ કર્યો ત્યારે મને તાદ્રશ્ય જોવા મળ્યું કે જેલમાં કેટલાય ઉચ્ચ શિક્ષણ પામેલ કેદીઓ છે. એક ભાઈ સ્નાતક હતા. એક ભાઈ યુનિવર્સીટીના સેનેટ સભ્ય હતા. એક ભાઈ વકીલ હતા. તેમના વ્યવહાર કે વર્તનમાં મને ક્યાય અસામાજિક તત્વ જેવો અણસાર સુદ્ધ ન લાગ્યો. અને ત્યારે મેં અનુભવ્યું કે આવેગ કે ઉશ્કેરાટની એકાદ નબળી પળને કારણે જ તેમને અત્રે આવવું પડ્યું છે. એ પળ તેમણે ગુસ્સાને સાચવી લીધો હોત તો આજે તેઓ સમાજના પ્રતિષ્ઠિત નાગરિક હોત. ગુસ્સો સૌને આવે છે પણ કોઈ તેને પચાવી લે છે. કોઈ તેને પી જાય છે. જયારે કોઈ ગુસ્સો આવે છે ત્યારે રામ રામ કે અલ્લાહ અલ્લાહ રટવા લાગે છે.પણ આ શિક્ષિત નાગરિકોએ એક પળ માટે આવેલા એ ગુસ્સાને હિંસક માર્ગે અભિવ્યક કર્યો. પરિણામે તેમને કેદી બનવું પડ્યું. પણ છતાં તેમનામાં પડેલ માનવી હજુ જીવંત હતો. જે તેમની રજૂઆતથી હું અનુભવી રહ્યો હતો. તેમણે જેલ જીવનની સમસ્યાઓ અંગે અત્યંત શિષ્ટ ભાષામાં પ્રશ્નો કર્યા.પણ તેમના એ પ્રશ્નોનો મારી પાસે કોઈ જ ઉકેલ ન હતો.અલબત્ત ચોધરી સાહેબે તેમને અત્યંત સૌમ્ય રીતે જવાબો આપ્યા. એકાદ કલાકનું વ્યાખ્યાન પૂર્ણ થયા પછી મેં જેલ અધિકારી શ્રી ચોધરી સાહેબને કહ્યું,

“ગાંધીજી અને સરદાર પટેલ જે કોટડીમાં રહ્યા હતા તે જોવાની મારી ઈચ્છા છે”

તેઓ મને સહર્ષ તે તરફ દોરી ગયા. સૌ પ્રથમ અમે સરદાર યાર્ડમાં ગયા. સરદાર પટેલ જે કોટડીમાં કેદ હતા, તેમાં પગરખા ઉતારી હું પ્રવેશ્યો. ટેબલ પર સરદારની છબી રાખી હતી.તેની બાજુમાં સરદારે જેલમાં ઉપયોગમાં લીધેલા વાસણો પડ્યા હતા. એક પળ હું આંખો બંધ કરી એ કોટડીમાં ઉભો રહ્યો. જાણે સરદાર પટેલની સુવાસ એ કોટડીમાં હું અનુભવી ન રહ્યો હોઉં. એ પછી અમે ગાંધીજી જે કોટડીમાં
રહ્યા હતા, ત્યાં ગયા. ગાંધીજીની સુંદર પ્રતિમા ઓરડાની બરાબર વચ્ચે રાખવામાં આવી હતી. તેની બાજુમાં ગાંધીજીનો મોટા ચક્રવાળો રેટિયો પડ્યો હતો. ચોધરી સાહેબે મને માહિતી આપતા કહ્યું,

“ગાંધીજી જેલમાં આ રેંટિયાથી કાંતતા હતા” હું ગાંધીજીની પ્રતિમા અને રેંટિયાને તાકી રહ્યો. જયારે મારું મન એ યુગમાં વિહરી રહ્યું હતું, જયારે ગાંધીજી આ રેંટિયા પર કાંતતા હતા. એક પળ હું આંખો બંધ કરી એ દ્રશ્યને કલ્પી રહ્યો. પછી કોઈ સંતની દરગાહમાંથી બહાર નીકળતો હોઉં તેમ પાછા પગલે કોટડીમાંથી બહાર આવ્યો. ચોધરી સાહેબ હવે મારી પસંદ નાપસંદને સમજવા લાગ્યા હતા. એટલે બોલ્યા,
“સામેની કોટડીમાં રવિશંકર મહારાજને રાખવામાં આવ્યા હતા” મારા માટે તો આ બોનસ સમાન સમાચાર હતા. મેં તુરત એ તરફ કદમો મળ્યા. એ કોટડીમાં રવિશંકર મહારાજના બે એક પુસ્તકો બાજઠ પર મુક્યા હતા. પગરખા ઉતારી હું અંદર પ્રવેશ્યો. ત્યારે પણ મને તેમાં સરદાર અને ગાંધીજીની કોટડી જેવીજ સુવાસનો અનુભવ થયો.

ત્યાંથી ચોધરી સાહેબ મને શ્રી પી.સી.ઠાકુર સાહેબ પાસે લઈ ગયા. ત્યારે ઠાકુર સાહેબ ફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યા હતા.
“ ભેંસમાં પણ જીવ હોઈ છે. તેને પણ દર્દ થાય છે. ત્રણ પગે ચાલતી ભેંસને જોઈને જ મને તો કઈંક થાય છે. તમેં કોઈ સારા ઓર્થોપીડીકને તાત્કાલિક બોલાવી તેની સારવાર કરાવો”

હું આશ્ચર્ય ચહેરે તેમની વાત સંભાળી રહ્યો. મારા ચેહરાની રેખાઓને પામી જતા તેઓ બોલી ઉઠ્યા,

“દેસાઈ સાહેબ, જેલની ગૌશાળામાં એક ભેંસનો પગ ભાંગી ગયો છે. મને તો તેની ખબર જ નહીં. પણ અચાનક એક દિવસ તે મારી સામે આવી ઉભી રહી ગઈ. જાણે મને પૂછતી ન હોઈ કે માત્ર જેલના માનવ કેદીઓનું જ ધ્યાન રાખવાનું તમારુ કામ છે ? ને હું અંદરથી ધ્રુજી ગયો મેં તાત્કાલિક તેનો ઈલાજ કરવાનો આદેશ આપ્યો. જેલના અધિકારીએ ઢોર દાક્તર પાસે સારવાર કરાવી.પણ તેથી કોઈ ફેર પડ્યો નહિ. એટલે મેં કોઈ સારા ઓર્થોપીડીકને તાત્કાલિક બતાવવા કહ્યું.”

મેં ઠાકુર સાહેબની સામેની ખુરસીમાં સ્થાન લીધું ત્યારે મારા હ્રદયમાં એક જ પ્રાર્થના વારંવાર ઉદ્ભવી રહી હતી “દરેક માનવીની માનવતા આટલીજ પ્રજ્વલિત થાય તો જેલોની સમાજમાં જરૂરજ ન રહે-આમીન”

No comments:

Post a Comment