Friday, May 21, 2010

શ્રધ્ધા એ જ મહાશક્તિ : સ્વામી વિવેકાનંદ : ડૉ. મહેબૂબ દેસાઈ

શ્રધ્ધા એટલે ઈમાન. આપણા સંતો , આલિમો, કવિઓ, ગઝલકારો અને કથાકારોએ પોતાના વ્યાખ્યાનો અને સાહિત્યોમાં શ્રધ્ધા શબ્દનો અઢળક પ્રયોગ કર્યો છે.તેનો હાર્દ બે વાક્યોમાં કહેવો હોઈ તો કહી શકાય, “માનવજીવનમાં શ્રધ્ધા શ્વાસ સમાન છે. શ્રધ્ધા વગરનું જીવન ધબકારા વગરના શરીર જેવું છે.” આટલા મહત્વના આપણા જીવન અંગ સમા ઈમાન કે શ્રધ્ધાને કોઈ ભૌતિક સ્વરૂપ નથી. તેના અસ્તિત્વનો કોઈ આધાર નથી. તે માટે કોઈ બુદ્ધિગમ્ય દલીલ નથી.

“શ્ર્ધ્ધનો જો હો વિષય, તો પુરાવાની શી જરૂર છે,
કુરાનમાં તો ક્યાય પયમ્બરની સહી નથી”

જલન માતરીના આ શેરમાં શ્રધ્ધાની પરાકાષ્ટા અભિવ્યક થાય છે. કુરાને શરીફનું અવતરણ ખુદાએ હઝરત મોહંમદ પયગમ્બર(સ.અ.વ.) પર વહી (ખુદના સંદેશ) દ્વારા કર્યું હતું. અને છતાં તેમાં ક્યાય મોહંમદ સાહેબનું પ્રકથન કે નામ-સહી નથી. આમ છતા સમગ્ર વિશ્વના મુસ્લિમો આજે પણ કુરાને શરીફને ખુદાનો આદેશ માનીને તેમાં અતુટ શ્રધ્ધા અને આદર ધરાવે છે. કારણે કુરાને શરીફમાં તેમનું ઈમાન કોઈ આધાર કે સાક્ષીને મોહતાજ નથી.રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રન્થો માટે પણ એવી જ અતુટ શ્રધ્ધા હિંદુ સમાજ ધરાવે છે. કારણ કે ખુદા કે ઈશ્વેરનું અસ્તિત્વે એ ઈમાન-શ્રધ્ધાનો વિષય છે. તેમા કોઈ દલીલ ને અવકાશ નથી.

હિંદુધર્મ ગ્રંથોમાં ઈશ્વરને નિરંજન નિરાકાર તરીકે આલેખવામાં આવ્યા છે. ઇસ્લામમાં પણ ખુદાને કોઈ આકાર કે સ્વરૂપમાં સ્વીકારવાની મનાય છે. વળી, બને ધર્મમાં ઈશ્વર કે ખુદાના અસ્તિતવનો આધાર માત્રને માત્ર ઈમાન કે શ્રધ્ધા જ છે. અને એટલે જ સમગ્ર બ્રમાંડમા “યા અલ્લાહ” “ હે ઈશ્વર”ના પોકારો સદા ગુંજતા રહે છે. તેના મૂળમાં આપણી અતુટ શ્રધ્ધા અને ઈમાન છે. એક વાર આચાર્ય રજનીશ પાસે એક ભક્ત આવ્યો. તેણે આચાર્યને કહ્યું,

“મારે ઈશ્વેરને જોવા છે. મને તેમને બતાવો તો જ માંનું કે આપ મોટા સંત છો”
આચાર્ય રજનીશે એ સંતને એટલુ જ કહ્યું,
“ મહર્ષિ અરવિંદે કહ્યું છે, ભગવાનને જોઈ ન શકાય, માત્ર મહેસુસ કરી શકાય. કારણકે ભગવાન એ શ્રધ્ધા છે, શક્તિ છે.”
એ જ લયમાં સ્વામી વિવેકાનંદ કહે છે,
“ પોતાનામાં અને પરમાત્મામાં શ્રધ્ધા એ જ મહાશક્તિનું રહસ્ય છે”

આવી શ્રધ્ધાની શક્તિને આપણે વારંવાર યાદ કરીએ છીએ. જલન માતરી લખે છે,

“જરા સરખો પરદો હટાવી તો જો
ખુદા છે કે નહિ હાંક મારી તો જો”

ખુદા- ઈશ્વરને હાંક મારવાની ક્રિયા એ જ મંદિરો, મસ્જીતો, ચર્ચો અને ગુરુદ્વારોનું સર્જન કર્યું છે. જેમાં માનવી પોતાની ઈચ્છાઓ,કામનાઓ અને જરૂરીયાતો માટે ખુદાને દુઆ કરે છે, હાંક મારે છે. પણ આમ ઇન્સાનની દુઓં કરવાના સંજોગો સ્વાર્થ પર નિર્ભર છે.

સુખમે સુમિરન સબ કરે, દુ:ખમે કરે ન કોઈ
જો સુખમે સુમિરન કરે,ફીર કાહે દુ:ખ હોઈ”

ઇન્સાનની દુ:ખમાં ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા ધારદાર બની જાય છે. જયારે સુખમાંએ જ શ્રધ્ધા પર ધૂળના પડ જામી જાય છે. આવી અધકચરી શ્રધ્ધાની જ ભગવાન –ખુદા કસોટી કરે છે.
એક સૂફીસંત પાસે લોકો દોડી આવ્યા. અને વિનંતી કરતા કહ્યું,
“ચોમાસું બેસી ગયું, છતાં હજુ વરસાદ નથી આવ્યો. આપ ખુદાને દુઆ કરો કે વરસાદ આવે”
“સારું તમે બધા સાંજે ગામના પાદરે આવો. આપણે સૌ એક સાથે પ્રાથના કરીશું”
સાંજે આખું ગામ પાદરે ભેગું થયું. એક માત્ર સૂફીસંત હાથમાં છત્રી લઈ આવ્યા હતાં.સૌના હાથ ખાલી જોઈ તે બોલી ઉઠ્યા,
“તમે વરસાદ માટે દુઆ (પ્રાર્થના) કરવા આવ્યા છો અને સાથે છત્રી નથી લાવ્યા ! તમને તમારી દુઆમાં જ શ્રધ્ધા નથી, પછી ખુદા તે કયાથી સાંભળશે ?

આવી અધકચરી શ્રધ્ધા કસોટીને પાત્ર છે. જો કે ખુદાની આવી કસોટીનું સ્વરૂપ વ્યક્તિ દીઠ ભિન્ન હોઈ છે. જ્યાં નાણાની રેલમછેલ છે, ત્યાં ઈશ્વર માનસિક શારીરિક વ્યથાઓના પોટલા ખડકી દે છે. અને જ્યાં માનસિક શારીરિક તંદુરસ્તી આપે છે ત્યાં નાણાની ભીડ આપી દે છે. જો કે શ્રધ્ધાની આ કસોટીમાંથી પાર ઉતરવાનો માર્ગ પણ ઈશ્વરે જ ચીધ્યો છે. અને તે છે સંતોષ. ઇસ્લામમાં તેને શુક્ર કહે છે. હરિવંશરાય બચ્ચને બે જ લીટીમાં સંતોષની વ્યાખ્યા કરી છે,

“મનકા હો તો અચ્છા
ના હોતો જ્યાદા અચ્છા”

ઈશ્વેર પાસે અત્યંત શ્રધ્ધાથી હાથ ઊંચા કરી માંગનાર ઇન્સાન ઈશ્વર પાસે જયારે દુરાગાહી બને છે, ત્યારે ઈશ્વર તેની કસોટીની માત્ર વધારે છે. કારણકે માગણીની તીવ્રતા ખુદાની નિકટતાનું પ્રતિક છે. ખુદા-ઈશ્વર તેના પ્યારા બંદાઓની વધુ કસોટી લે છે. પણ ઈશ્વરને તેના સંતોષી બંદા વધારે પસંદ છે. કારણકે તેઓ માને છે કે મારી ઈચ્છા મુજબનું થાય તો સારું અને ન થાય તો પણ વધુ સારુ. કારણ કે મારી ઈચ્છા મુજબનું નહિ થવા પાછળનું મૂળ કારણ ખુદા-ઈશ્વરની ઈચ્છા મુજબ થવું છે.

શ્રધ્ધાની આવી પરિભાષા આમ ઇન્સાન માટે પામવી મુશ્કેલ છે. પણ જો એકવાર પામી લઈશું તો જરૂર આપણે સૌ સુખના સમુદ્રમાં મહાલતા થઈ જઈશું.

------------------------------------------------------

No comments:

Post a Comment