Thursday, April 22, 2010

સૂફીમત : અદભૂત ગ્રન્થ : ડો.મહેબૂબ દેસાઈ

મારા મિત્ર ડો. મુગટલાલ બાવીસીએ મને ફારસી ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન સદગત ડો. છોટુભાઈ નાયક(૧૯૧૩-૧૯૭૬)નું પુસ્તક “સૂફીમત” ભેટમાં મોકલ્યું. ”સૂફીમત” મૂળ ફારસી ગ્રંથોનો અભ્યાસ કરી ડો.ચીનુભાઈ નાયકે લખેલ મૂલ્યવાન પુસ્તક છે. આ અંગે જાણીતા સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલ લખે છે,
“સૂફીમતના સિદ્ધાંતો અને સૂફી શાયરીઓનો સમ્યક પરિચય આપતો આ એક માત્ર મૌલિક ગ્રન્થ છે. આ ગ્રન્થમાં લેખકે સૂફીઓમા વપરાતા એ વિષયને લગતા પારિભાષિક શબ્દોના વ્યવસ્થિત અર્થ આપ્યા છે. ગ્રથમાં સૂફીમતની પ્રગતીનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ આપવામાં આવ્યો છે.”
આ પુસ્તક સૂફીવાદને વિગતે જાણવા માંગતા સૌએ વાંચવા જેવું છે. ૧૯૫૯માં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તકની બીજી આવૃત્તિ ૨૦૦૯મા ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ દ્વારા પ્રકાશિત થઈ છે. સૂફી વિચારને મૂળભૂત સિદ્ધાંતો દ્વારા વાચા આપતા આ પુસ્તકમા તસ્વ્વુફ ,ઈશ્ક, તૌબા,સબ્ર, કલ્બ, રૂહ, તવક્કુલ , રીઝા ,વહી, ઇલ્હામ, ફના, જેવા શબ્દોની સુંદર અને સરળ સમજ આપવામાં આવી છે. ઇસ્લામના પાંચ સિદ્ધાંતિ તોહીદ, સૌમ, સલાત , ઝકાત અને હજ અંગેની સાચી સમજ પણ તેમાં આપવામાં આવી છે. ઇસ્લામના આ પાંચ સિદ્ધાંતો પાછળનો આધ્યત્મિક અભિગમ આ ગ્રન્થની જણસ છે.તેની સાક્ષી પુરતો હજના આધ્યાત્મિક ઉદેશને વ્યક્ત કરતો એક પ્રસંગ જાણવા જેવો છે.
એક માણસ હજયાત્રા કરીને પાછો ફર્યો અને સૂફી સંત હઝરત જુનૈદ પાસે આવ્યો. ઘણા ઉત્સાહમાં પોતાના હજયાત્રાના સ્મરણો કહેવા લાગ્યો. ત્યારે હઝરત જુનૈદ અને તે મુસ્લિમ વચ્ચે જે પ્રશ્નોતરી થઈ તે હજ યાત્રાએ જતા દરેક મુસ્લિમેં જાણવા અને સમજાવ જેવી છે.
જુનૈદ : તમે જે ધડીએ હજ માટે તમારા ઘરથી નીકળીયા ત્યારે તમે તમારા પાપોની ક્ષમા યાચના કરી હતી? ”
હાજી : ના
જુનૈદ : જ્યાં જ્યાં તમે રાતવાસો કર્યો ત્યાં ત્યાં તમે અલ્લાહના માર્ગે જ ચાલવાનો પાકો નિર્ધાર કર્યો
હતો ?”
હાજી: ના.
જુનૈદ : તમે અહેરામ બાંધ્યો ત્યારે તમે ઈન્સાની ઈચ્છાઓને કપડાની જેમ ઉતારી નાખી હતી ?
હાજી : ના
જુનૈદ : તમે કાબાનો તવાફ (પરિક્રમા ) કર્યો ત્યારે ખુદાનું પરમ સોંદર્ય એ પવિત્ર સ્થાનમાં દિલોજાન થી મહેસુસ કર્યું હતું ?
હાજી : ના
જુનૈદ : તમેં સફા અને મરવા નામક બે ટેકરીઓ વચ્ચે પ્રદક્ષિણા કરી ત્યારે દિલની સફાઈ કરી હતી ?
હાજી : ના
જુનૈદ : તમેં અરફાતમા અલ્લાહના ધ્યાનમાં ઉભા હતા ત્યારે દિલોજાનથી ખુદાની ઈબાદત કરી હતી ?
હાજી : ના
જુનૈદ : જયારે તમે મુઝ્દલીફા પહોચ્યા ત્યારે તમારી નફાસની મુરદોનો ત્યાગ કર્યો હતો ?
હાજી : ના
જુનૈદ : તમે મીના આવ્યા ત્યારે તમારી તમામ વાસનાઓ છૂટી ગઈ હતી ?
હાજી : ના
જુનૈદ : તમે કુરબાની આપી ત્યારે તમે તમારી નફસાની ઇચ્છાઓની પણ કુરબાની આપી હતી ?
હાજી : ના
જુનૈદ : તમે જમારત ઉપર કાંકરી મારી ત્યારે જે વાસનામય વિચારો તમારામાં હતાં તે તમે એ કાંકરી સાથે ફેકી દીધા હતાં ?
હાજી ; ના
જુનૈદ : ત્યારે તો તમારી હજ થઈ જ નથી. ઇસ્લામમાં આવી હજનું કોઈ જ મહત્વ નથી.
પોતાની જિંદગીની કમાણી ખર્ચીને અને પૈસાની છતને કારણે અનેકવાર હજયાત્રા એ જતા હાજીઓ, સૌ માટે ઉપરોક્ત દ્રષ્ટાંતમા ઘણું સમજવા જેવું છે.
“સૂફીમત” પુસ્તકના કુલ ૧૫ પ્રકરણોમાં સૂફીમતનો સંક્ષિપ્ત ઇતિહાસ,સૂફી સાહિત્યના ખાસ અંગો,ફારસી સાહિત્યમાં સૂફીમત , સૂફી સીલસિલાઓ, સૂફીમતના વિકાસમાં અન્યનો ફાળો અને ભારતમાં સૂફીમત જેવા સંસોધનાત્મક પ્રકરણો સૂફીમતના અભ્યાસુઓ માટે રસપ્રદ શૈલીમાં લખાયેલા છે.આવા ગ્રંથનું ૫૩ વર્ષ પછી પુનઃ પ્રકાશન કરવા બદલ ગુજરાત વિદ્યાસભાને આકાશ ભરીને અભિનંદન.

No comments:

Post a Comment