Saturday, April 17, 2010

અમીર ખુસરો : ડો.મહેબૂબ દેસાઈ

સૂફીસંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના જીવન પ્રસંગો જાણીતા છે. પણ તેમના અને તેમના પ્યારા શિષ્ય અમીર ખુસરો વચ્ચેના પ્રસંગો જાણવા અને માણવા જેવા છે. ઈ.સ. ૧૨૫૩મા જન્મેલ અમીર ખુસરોને તેમના પિતાએ આઠ વર્ષની ઉંમરે નિઝામુદ્દીન ઓલિયાને સોંપી દીધા હતા. અને ત્યારે બાળક અમીરને નીઝામુદ્દીને શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. એ પછી ચાલીસ વર્ષની ઉંમરે અમીર ખુસરોએ પુનઃ એજ ગુરુ પાસે દીક્ષા લીધી હતી. ત્યારે તેનું કારણ તેમના અન્ય શિષ્ય જાણવા ઉત્સુક થયા. નિઝામુદ્દીને શિષ્યની ઉત્સુકતાને ઠરતાં કહ્યું હતું,

“કયામતને દિવસે અલ્લાહ મને પુછશે , ‘ બેટા, નીઝામીદ્દીન દુનિયામાંથી તું મારા માટે શું લાવ્યો છે? ત્યારે હું કહીશ “ મારો અતિ પ્યારો શિષ્ય અમીર ખુશરો લાવ્યો છું, જે હર પળ દુવા કરે છેકે ”હે અલ્લાહ, આ તુર્કના ઉત્કટ પ્રેમને ધ્યાનમાં લઈ મને માફી બક્ષજે “

ગુરુ શિષ્યના આવા અમરપ્રેમના અનેક પ્રસંગો સૂફી સાહિત્યમાં દટાયેલા પડ્યા છે.અમીર ખુસરો દિલ્હીના બાદશાહના માનીતા અધિકારી હતાં.બાદશાહ તેમને તેમની ગુપ્ત વાતો પણ કરતા. એકવાર બાદશાહે અમીર ખુશરોને પોતાની આંતિરક ઈચ્છા જાહેર કરતા કહ્યું,
“નિઝામુદ્દીન ઓલિયા મને મળવા આવતા નથી કે મને મળવાનો સમય પણ આપતા નથી. એટલે હું તેમને વેશપલટો કરીને મળવા જઈશ.”
અમીર ખુસરોએ આ ગુપ્ત વાત એ જ દિવસે સાંજે નીઝામુદ્દીન ઓલિયાને જઈને કહી દીધી. શિષ્યની વાત સાંભળી ગુરુ બોલ્યા,
“ તે તારા બાદશાહની આવી ખાનગી વાત મને શામાટે કરી?”
અમીર ખુસરોએ જવાબ વાળ્યો,” ગુરુથી કશુજ છુપાવવું પાપ છે, ગુનાહ છે”
આ વાતની જાણ જ્યારે બાદશાહને થઈ, ત્યારે તે અમીર ખુસરો પર ગુસ્સે થતા તેઓ બોલ્યા,
“ખુસરો , તમને ખબર છે, બાદશાહની ગુપ્ત વાત જાહેર કરવાની સજા મોત છે.”
“નામદાર, મને જીન્દગી કરતા મારું ઈમાન વધારે વહાલું છે.આપ ખુશીથી મારો શિરચ્છેદ કરો, પણ ગુરુ ભક્તિથી મને ચલિત નહિ કરી સકો.”

એકવાર હઝરત નિઝામુદ્દીન પાસે એક ફકીર આવ્યો અને કઈક આપવની જીદ પકડીને બેઠો. પ્રથમ તો નિઝામુદ્દીન સાહેબે તેને ટાળવાનો પ્રયાસ કર્યો. પણ તે હગીઝ ન માન્યો. અંતે કંટાળીને નિઝામુદ્દીન સાહેબે તેને પોતાના પગરખા આપી દીધા. અને પેલો ફકીર ખુશ થઈ ચાલ્યો ગયો. એ ફકીર એક દિવસ અનાયાસે અમીર ખુસરોને મળી ગયો. અને ગર્વભેર તેણે ખુસરોને કહ્યું,
“મારી પાસે તો નિઝામુદ્દીન ઓલિયાના પગરખા છે. તેમણે મને ભેટ આપ્યા છે.”
અમીર ખુસરોએ એ પગરખા પર નજર કરી. ગુરુના પગરખાં તેઓ તુરત ઓળખી ગયા.તેમણે એ ફકીરને કહ્યું,
“ આ પગરખાં તું મને આપી દે. તેના બદલામાં તું જે માંગીશ તે તને હું આપીશ”
ફકીરે તકનો લાભ લેતા કહ્યું,
” મને પાંચ લાખ ચાંદીના સિક્કા આપો તો આ પગરખાં તમને આપું”
અમીર ખુસરોએ તાત્કાલિક પાંચ લાખ ચાંદીના સિક્કા તે ફકીરને આપી ગુરુના પગરખાં લઈ લીધા. પગરખાં લઈ તેઓ સિધ્ધાં નિઝામુદ્દીન ઓલિયા પાસે આવ્યા. અને ચુપચાપ ગુરુના ચરણોમાં બેસી પગરખાં પહેરાવવા લાગ્યા. એ જોઈ ગુરુ બોલી ઉઠ્યા,
”બેટા, મારા મામુલી પગરખાં માટે આટલા ચાંદીના સીક્ક્સ તે શા માટે ખર્ચ્યા ?”
પગરખાં પહેરાવતા પહેરાવતા અમીર ખુસોર એટલું જ બોલ્યા ,
“ પગરખાંના બદલે મારું જીવન માંગ્યું હોત તો તે પણ આપી હું ધન્ય થઈ જાત”

એકવાર અમીર ખુસરો બાદશાહ સાથે બંગાળના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમને પોતાના ગુરુ નીઝામુદ્દીન સાહેબના અવસાનના સમાચાર મળ્યા. તેથી તેમણે બાદશાહ પાસે તુરત દિલ્હી જવાની રજા માંગી.બાદશાહે તેમને રજા ન આપી. એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે બાદશાહને સંભળાવી દીધું,
“ હું આ જ પળથી આપની નોકરીમાંથી મુક્ત થાઉં છું.”
અને બાદશાહની ઉંચા પગારની વગદાર નોકરી ત્યાગી તેઓ દિલ્હી પહોંચી ગયા. પણ ત્યારે તો ગુરુને દફનાવી દેવામાં આવ્યા હતાં.એટલે ગુરુની કબર પાસે તેઓ ખુબ રડ્યા. રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ કાર્ય તેમણે પોતાની સમગ્ર મિલકત ગુરુના નામે ગરીબોને વહેચી દેવાનું કર્યું .અને કાળા વસ્ત્રો ધારણ કરી ગુરુની મઝારની ખિદમતમા લાગી ગયા. ગુરુની મઝાર પર આખી ઝીન્દગી તે એક જ સાખી ગાતા રહ્યા,

“ ગોરી સોએ સેજ પર, મુખ પર ડાલે ખેસ
ચલ ખુસરો ઘર અપને , સાંજ ભઈ ચહું દેશ”

અર્થાત ગુરુના અવસાનથી જીવનની સંધ્યા થઈ ગઈ છે. જીવન અંધકારમય થઈ ગયું છે. બસ હવેતો ઉપરવાળાના ઘરે જવાનો સમય પાકી ગયો છે.
આ જ સાખી રટતાં રટતા તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યાગયા અને ગુરુ- શિષ્યની અદભૂત પરંપરા એક મિશાલ તરીકે આપણા સૌ માટે મુકતા ગયા.

No comments:

Post a Comment