Saturday, March 20, 2010

સાચો ઇસ્લામ ક્યાં છે ? પ્રોફે.મહેબૂબ દેસાઈ

સાચો ઇસ્લામ ક્યાં છે ?

પ્રોફે.મહેબૂબ દેસાઈ



ઇસ્લામમાં નમાઝનું અત્યંત મહત્વ છે. પાંચ વક્તની નમાઝ ઇસ્લામમાં ફરજીયાત પઢવાનો આદેશ છે. એથી પણ વિશેષ પ્રાધન્ય ઇસ્લામમાં માનવતાનું છે. એ વાત ક્યારેક વિસરાય જાય છે. ઇસ્લામમાં ગરીબને મદદ કરવી, બિમારની સેવા કરવી અને ભૂખ્યાને ભોજન આપવાનું કાર્ય ખુદાની ઈબાદત જેટલું જ મહત્વનું છે. કુરાન-એ-શરીફમાં અને મોહંમદ સાહેબના ઉપદેશોમાં તેનો વારંવાર ઉલ્લેખ થયો છે. એક વાર મોહંમદ સાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે વાતો કરી રહ્યા હતા. મોહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
" મૃત્યુ પછી અલ્લાહ પૂછશે, એ બંદા હું બીમાર હતો અને તું મને જોવા કે મારી સેવા કરવા ન આવ્યો"

બંદો કહેશે,
" એ મારા રબ હું જોવા કેવી રીતે આવી શકું ? આપ તો સારા જહાનના માલિક છો."

અલ્લાહ ફરી ફરમાવશે ,
" એ બંદા, મેં તારી પાસે ભોજન માંગ્યું હતું અને તે મને ભોજન નહોતું આપ્યું "

બંદો કહેશે ,
" એ મારા રબ આપતો આખી દુનિયાના માલિક છો . હું આપને ભોજન કેવી રીતે આપી શકું ? "

અલ્લાહ ફરીવાર પૂછશે ,
" એ બંદા, મેં તારી પાસે પાણી માંગ્યું હતું . અને તે મને પાણી નહોતું આપ્યું"

બંદો કહેશે,
એ મારા ખુદા, હું આપને પાણી કેવી રીતે આપી શકું ? આપ તો આખી દુનિયાના માલિક છો"

પછી અલ્લાહ જવાબ આપશે,
" શું તને ખબર ન હતી કે મારો એક બંદો બિમાર હતો ? તું તેને જોવા કે તેની સેવા માટે ન ગયો. શું તને ખબર ન હતી કે મારા એક બંદાએ તારી પાસે ભોજન માંગ્યું હતું ? અને તે એને ભોજન આપ્યું ન હતું. શું તને ખબર ન હતી કે તું તેને ભોજન આપત તો મને એની સાથે જોત. મારા એક બંદાએ તારી પાસે પાણી માંગ્યું અને તે એને પાણી ન આપ્યું . જો તું એને પાણી આપત તો ખરેખર તું મને તેની સાથે જોત. મારો એક બંદો બિમાર હતો . જો તું તેને જોવા કે સેવા કરવા ગયો હોત તો તું મને તેની સાથે જ જોત”

આમ ખુદાને પામવા માત્ર નમાઝને જ પ્રાધાન્ય આપતા ઇસ્લામના અનુયાયીઓ માટે આમાં મોટો સબક છે. ખુદાને પામવાનું એક અન્ય માધ્યમ માનવસેવા છે. અને એ ઇસ્લામના માનવીય સિદ્ધાંતોના મૂળમાં છે.દરેક મુસ્લિમે તે સમજવાની અને અન્યને સમજાવવાની તાતી જરૂર છે. એમ તાજેતરમાં ઘટેલ એક ઘટના પર થી પ્રતિપાદિત થાય છે.

ભાવનગરની ઘાંચીવાડ મસ્જિતમાં જુમ્માની નમાઝ (શુક્રવારની બપોરની નમાઝ) ચાલુ હતી ત્યારે, ત્રીજી હરોળમાં નમાઝ પઢતા ખાલીદ સીદ્દીકભાઈ શેખ (ઉ.૩૯, ધંધો : ફ્રીજ રીપેરીંગ) શરીરમાં સુગર ઘટી જતા અચાનક ચાલુ નમાઝે બેહોશ થઈ ઢળી પડ્યા. જો કે તેઓ દીવાલ પાસે હોવાને કારણે અન્ય નમાઝીઓને નમાઝમાં કોઈ ખાસ ખલેલ ન પડી. પણ બેહોશ ખાલીદના મોંમાંથી ફીણ નીકળતા હતા અને તેમની આંખો ચડી ગઈ હતી. છતાં કોઈ નમાઝીએ એ તરફ ધ્યાન ન આપ્યું. કદાચ નમાઝની ગંભીરતા અન્વયે તે સ્વીકારી લઈએ તો પણ એ પછીની ઘટના અત્યંત દુ:ખદ છે.
ફર્ઝ નમાઝ પૂર્ણ થયા પછી કેટલાક મુસ્લિમોએ બેહોશ ખાલીદભાઈને ઊંચકીને વઝું કરવાના હોજ પાસે મૂકી દીધા. ખાલીદભાઈ બેહોશ હાલતમાં લગભગ વીસેક મિનીટ હોજ પાસે પડ્યા રહ્યા.પણ કોઈએ તેમની દરકાર કરવાની તસ્દી સુધ્ધ લીધી નહિ. આટલું ઓછું હોઈ તેમ સુન્નત નમાઝો પૂર્ણ થતા,કેટલાક માણસોએ ખાલીદભાઈને ઊંચકીને મસ્જિતના પગથીયા પાસે મૂકી દીધા.ધીમે ધીમે મસ્જિત ખાલી થઈ ગઈ. છેલ્લે નમાઝ પઢાવનાર મોલવી સાહેબ મસ્જિત બહાર નીકળ્યા.તેમણે પણ મસ્જિતના પગથીયા પર બેહોશ પડેલા ખાલીદભાઈ પર નજર સુધ્ધા કર્યા વગર વિધાય લીધી.

આમ ખાલીદભાઈ મસ્જિતના પગથીયા પર સાડાચાર વાગ્યા સુધી પડ્યા રહ્યા. સાડાચારની આસપાસ કોઈ નેક મુસ્લિમની નજર તેમના પર પડી. અને તેણે બાજુના ગેરેજમાં કામ કરતા સત્તારભાઈને તેની જાણ કરી.સત્તારભાઈ પોતાનો ધંધો પડતો મૂકી દોડ્યા.ખાલીદભાઈની ગંભીર સ્થિતિ જોઈ તેમણે તુરત ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો. માત્ર પાંચ મીનીટમાં જ એબ્યુલન્સ આવી ચડી. અને પ્રાથમિક સારવાર આપી, ખાલીદભાઈને ઈસ્પિતાલમાં પહોંચતા કરવામાં આવ્યા. આજે ખાલીદભાઈ સ્વસ્થ છે. પણ ચાલુ નમાઝમાં ઘટેલી આ ઘટના અનેક પ્રશ્નો સર્જે છે.


ખાસ સંજોગોમાં નમાઝ કરતા બિમારની સેવા મહત્વની છે, એમ ઇસ્લામ અને તેના પયગમ્બર મોહંમદ સાહેબે વારંવાર તેમના ઉપદેશોમાં કહ્યું છે. વળી,બીમાર મોમીન માટે ફર્ઝ નમાઝ અને રોઝામાં પણ ઈસ્લામે ખાસ છૂટ આપી છે. છતાં ખાલીદભાઈને સારવાર આપવાની દરકાર કોઈ મુસ્લિમે ન કરી. ઈસ્લામને ઊંડાણ પૂર્વક સમજતા અને સમજાવતા મોલવી સાહેબ પણ આંખ આડા કાન કરી ચાલ્યા ગયા. આ બાબત ઈલ્સ્લામના સમગ્ર અનુયાયો માટે અત્યંત ગંભીર છે.ઇસ્લામના માનવીય સીધ્ધ્ન્તોની વાતો કરવા કરતા તેને સાકાર કરવાની દરેક મુસ્લિમની ફર્ઝ છે. એ ફર્ઝ પ્રત્યેની આપણી સભાનતા જ ઈસ્લામને માનવધર્મ તરીકે જીવંત રાખશે. અન્યથા સાચો ઇસ્લામ ધર્મ ઇસ્લામના અનુયાયીઓ શોધતા રહેશે અને ઇસ્લામ પ્રત્યેની ગેરસમજને આપણે સૌ યથાવત રાખવામાં સહભાગી બનીશું.

20-03-2010
Bhavnagar

3 comments:

  1. Very well said sir.

    I sincerely appreciate your thoughts.

    Via your articles in divyabhaskar i came to know about your blog. Your views are beyond dirty secularism.

    Please keep it up the Great work you are doing.

    Best regards,

    Mukesh Patel

    ReplyDelete
  2. THANKS , MUKESHBHAI EVERY WITTERS NEED MORAL SPPORT FROM MASS. AGAIN THANKS

    ReplyDelete
  3. bilkul sahi kaha aapne islam ko mokhtasar(short) me kaha jaye to mohabbat(humanity) hi islam he.


    aap din ka bahut achchha kaam kar rahe ho allah aapko kamyabi ata kare aameen

    ReplyDelete