Sunday, January 10, 2010

Hazrat Jamil Shag

હઝરત જમીલ શાહ : કોમી એકતાનું પ્રતિક

ડો.મહેબૂબ દેસાઈ


ગીરનાર પર્વતમાળામાં લગભગ ૨૭૭૯ ફૂટની ઉંચાઈ પર આવેલ નાનકડા પહાડને
દાતારની ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. ભોગોલીક દ્રષ્ટીએ તે ટેકરીનું નામ
કાલચવન ટેકરી છે. પણ જમીલ શાહ બાવાના નિવાસ પછી તે આજદિન સુધી દાતારની
ટેકરી તરીકે જ ઓળખાય છે. સૂફીસંત જમીલ શાહ (ર.અ.) આ ટેકરી પર ક્યારે
આવ્યા તે અંગે જુદા જુદા મત મતાંતરો પ્રવર્તે છે. ફારસી વૃતાન્તો હઝરત
જમીલ શાહ ઈ.સ.૧૨૪૦મા ગીરનારમાં આવ્યાનું નોંધે છે. "તોહ્ફ્તુલ કીરામ"
નામક ઐતિહાસિક ગ્રંથમાં ઈ.સ.૧૭૦૦મા આવ્યાનું લખ્યું છે. જયારે કાઠીયાવાડ
ગેઝેટમાં નોંધ્યું છે,

"જમીલ શાહનું આગમન રા'માંડલિકના શાશનકાલ દરમિયાન થયું હતું."

આપણાં ઇતિહાસના આલેખનમાં આપણે સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસની આધારભૂતતા
પરત્વે ગંભીરતા દાખવતા નથી.પરિણામે આવા આધારો ને જ આપણે સ્વીકારવા પડે
છે. જમીલ શાહ હઝરત ઈમામ મુસા કાઝમના વંશમાંથી હતા.તેમનો જન્મ ઈરાનના
"તુસ" શહેરમાં થયો હતો. તેમનો મુખ્ય વ્યવસાય લુહારીકામનો હતો.જીવનભર
જીવનનિર્વાહ માટે તેઓ લુહારીકામ કરતા રહ્યા હતા.કહેવાય છે જમીલ શાહ સાત
વર્ષના હતા ત્યારે અઝાન (નમાઝ માટેનું કહેણ) સાંભળી ઇસ્લામનો પ્રથમ
કલમો બોલી ઉઠ્યા હતા,

"લાઈલાહા ઈલલાલ્લાહા મુહમદ દુર રસુલીલ્લાહ " અર્થાત " અલ્લાહ એક છે અને
મુહંમદ તેમના પયગમ્બર (સંદેશવાહક)છે."

સાત વર્ષની ઉંમરે જ જમીલને કુરાન-એ-શરીફ કંઠસ્ત હતું. કુરાન-એ શરીફના
ગુઢઅર્થોનું આપ સાત વર્ષની ઉંમરે બખૂબી બયાન કરતા. જમીલ શાહના પિતા સૂફી
સંપ્રદાયના ચિસ્તી પરંપરાના અનુયાયી હતા.
પિતા સાથે ૧૫ વર્ષની વયે જમીલ શાહે હજજયાત્રા કરી.હજ્જમાં આપે અત્યંત
કપરી ઈબાદત કરી.ખુદા આપની ઇબાદતથી પ્રસન્ન થયા.અને આપને ગીરનાર તરફ
પ્રયાણ કરવાની પ્રેણના મળી. ગિરનારની કાલચવન નામક ટેકરી પર આવી આપે
વસવાટ કર્યો. ધીમે ધીમે આમ પ્રજામાં આપની સેવા અનેસદભાવની સુવાસ પ્રસરવા
લાગી.
આપના સ્થાનકમાં ગરીબ -અમીર , હિંદુ-મુસ્લિમ સૌ સમાન હતા. નાતજાતના
ભેદભાવ વગર આપ સૌના દુ:ખ દર્દોને દુર કરવા ખુદાને દુઆ કરતા. આપની દુઓંની
અસર થતી.અને લોકોના દુ;ખો દુર થતા. આજે પણ એ સિલસિલો ચાલુ છે.ગિરનારની
યાત્રાએ આવનાર સૌ યાત્રીઓ પ્રથમ જમીલ શાહ બાપુને પ્રણામ કરે છે.

મોટે ભાગે સૂફી સંતોના અવસાન પછી તેમની કબર પર દરગાહનું સર્જન થાય છે. પણ
જમીલ શાહ તેમાં અપવાદ છે. જમીલ શાહ જીવનના અંતિમ દિવસોમાં ગીરનારથી હિજરત
કરી સિંધમાં જઈ વસ્યા હતા. ત્યાજ તેમની વફાત (અવસાન) થઇ. પણ ગિરનારી
ટેકરી પર તેમનો વસવાટ અને નિવાસ લાંબો સમય હોઈ તેમનું સ્થાનક ત્યાં જ
બનાવવામાં આવ્યું છે. સૂફી સંતોની એજ તો ખાસિયત છે કે તેમની સમાજ
ઉપયોગી સેવાઓ જ તેમને સમાજમાં હંમેશ જીવંત રાખે છે.

No comments:

Post a Comment