Saturday, January 16, 2010

Frist Translation of Kura-ne-sharif in Hindi by Prof. Mehboob Desai

કુરાન-એ-શરીફનો સૌ પ્રથમ હિન્દીમાં અનુવાદ

ડો.મહેબૂબ દેસાઈ


"અરબ વ હિન્દ કે તાલ્લુકાત "ગ્રન્થના સર્જક સૈયદ સુલેમાન નદવીએ પોતાના ગ્રંથમાં
કેટલીક ચોંકાવનારી વિગતો આપી છે. આ વિગતો અરબસ્તાન અને હિન્દના સંબંધોમાં રહેલ સદભાવનાની મીઠાસ વ્યક્ત કરે છે. એક હજાર વર્ષ પૂર્વે
કુરાન-એ-શરીફનો સૌ પ્રથમ હિન્દીમાં તરજુમો -અનુવાદ કરાવનાર એક હિંદુ રાજા હતો, એ ઘટના સાચ્ચેજ સર્વધર્મ સમભાવની પરાકષ્ઠા છે.

નદવી સાહેબ આ ઘટનાને પોતાના પુસ્તકમાં આલેખતા લખે છે,
"હિજરી સન ૨૭૦મા અલવરમાં રાજા મહેરોગ શાશન કરતા હતા.તેનો રાજ્ય વિસ્તાર કાશ્મીર અને પંજાબની મધ્યમાં હતો. એ સમયે અલવરના રાજાની ગણના મોટા રાજાઓમાં થતી.રાજા મહેરોગ અત્યંત વિનમ્ર અને જ્ઞાની હતા. સૂફીસંતોના સતત સમાગમ અને વાતોને કારણે તેમને ઇસ્લામ વિષે જાણવાની ઈચ્છા જાગી.
એટલે તેમણે સિંધના હાકેમ (ગવર્નર) અબ્દુલ બિન ઉમરને લખ્યું,
"કોઈ મુસ્લિમ વિદ્વાન અલવર મોકલો. મારે હિન્દી ભાષામાં કુરાન-એ-શરીફની વિગતવાર સમજ મેળવવી છે."

હાકિમ અબ્દુલ બિન ઉમરે અલવરના રાજાની વિનંતીનો સહર્ષ સ્વીકારી,એક અત્યંત વિદ્વાન,શાયર ઈરાકીને હિન્દ જવા આદેશ આપ્યો. એ ઈરાકીએ સૌ પ્રથમ અલવરના રાજાની પ્રસંશા કરતુ કાવ્ય લખી મોકલ્યું. અલવરના રાજા તે વાંચી અત્યંત ખુશ થયા. અને તેમણે એ ઈરાકીને હિન્દ આવવાનો ખર્ચ મોકલી આપ્યો.અને આમ એ વિદ્વાન ઈરાકી અલવરના રાજાનો મહેમાન બન્યો.

એ ઈરાકી વિદ્વાન અલવરમાં ત્રણ વર્ષ રહ્યો. રોજ તે અલવરના રાજાને કુરાન-એ-શરીફનો તરજુમો કરી સંભળાવતો અને તેની રોજે રોજ નોંધ કરતો.અલવરના રાજા મહેરોગ ખુબ જ ધ્યાનથી કુરાન-એ-શરીફની આયાતોનો અનુવાદ સાંભળતા. અને મનોમન મુગ્ધ થતા.તેમાંથી બોધ ગ્રહણ કરતા.આમ ત્રણ વર્ષ સતત રાજા મહેરોગ
કુરાન-એ-શરીફનું આચમન કર્યું. આમ ત્રણ વર્ષના અંતે કુરાન-એ-શરીફનો સોં પ્રથમ અનુવાદ તૈયાર થઈ ગયો.

આ ઘટનાનું વર્ણન વિખ્યાત પ્રવાસી બિન શહયારે હિજરી સન ૩૦૦માં પોતાના ગ્રન્થ "શહયારે ખુબ હિન્દ"માં પણ કર્યું છે. અરબસ્તાન અને ભારતના આવા સંબંધો એ જ ઇતિહાસના પાનાઓને સદભાવનાના સાગરથી ભરી દીધા છે.

No comments:

Post a Comment