Saturday, January 2, 2010

અલ્લાહ સૌના છે. : ડો. મહેબૂબ દેસાઈ

અલ્લાહ સૌના છે.

ડો. મહેબૂબ દેસાઈ


હમણાં મલેશયાની અદાલતે એક સુંદર ચુકાદો આપ્યો. અદાલતે કહ્યું,

" ગોડનો ઉલ્લેખ કરતી વખતે "અલ્લાહ" શબ્દનો પ્રયોગ કરવાનો મલેશયાના ખ્રિસ્તીઓને પણ અધિકાર છે. અલ્લાહ શબ્દ માત્ર મુસ્લિમો માટે જ નથી"

અલ્લાહ શબ્દ અને ખુદ અલ્લાહ સૌના છે. એટલી નાની વાત માટે પણ અદાલતમાં જવું પડે તે સાચ્ચે જ શરમજનક બાબત નથી લાગતી ? અલ્લાહ માત્ર મુસ્લીમોના જ નથી એ વાત કુરાન-એ -શરીફમાં વારંવાર કહેવામાં આવી છે. કુરાન-એ -શરીફમાં કહ્યું છે,

" રબ્બીલ આલમીન " અર્થાત " સમગ્ર માનવજાતના અલ્લાહ"
કુરાન-એ-શરીફમાં ક્યાંય "રબ્બીલ મુસ્લિમ" અર્થાત " મુસ્લિમોના અલ્લાહ " કહ્યું નથી.

જેમ અલ્લાહ શબ્દ સમગ્ર માનવજાત માટે છે તેમજ ઈશ્વર શબ્દ પણ દરેક માનવ માટે છે. ક્યારેક હું મારા લેખમાં ઈશ્વર શબ્દ લખું છું. ત્યારે કેટલાક મિત્રો મને ટોકે છે. એક મુસ્લિમ દાકતર મિત્રએ
તો એકવાર મને ફોન કરીને કહ્યું હતું,

" તમે વારંવાર અલ્લાહ શબ્દ સાથે ઈશ્વર શબ્દ શા માટે લખો છો ?"

ત્યારે મેં તેમને કહ્યું હતું ,
" અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે."
અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,

"અલ્લાહ શબ્દ નથી એક વચન , નથી બહુવચન. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે.તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે."

આમ છતાં અલ્લાહ પરમકૃપાળુ છે. કુરાન-એ-શરીફમાં કહ્યું છે,

" અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી "

અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિ,ધર્મ કે રંગભેદને સ્થાન નથી.અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે.અલ્લાહથી ડરનાર,તેની ઈબાદતમાં રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.કુરાન-એ-શરીફમાં આજ બાબતનો ઉલ્લેખ કરતા કહ્યું છે,
" વાસ્તવિકતા એ છે કે અલ્લાહથી ડરનાર, તેની ઈબાદત કરનાર સર્વ માટે જન્નતમાં બક્ષિશોના ભંડાર છે."
ટૂંકમાં , અલ્લાહ શબ્દ માત્ર ઇસ્લામની જાગીર નથી. તે તો "રબ્બીલ આલમીન" છે. સમગ્ર માનવજાતનો અલ્લાહ છે. અને એટલેજ ઈસ્લામને વિશ્વમાં "માનવધર્મ ઇસ્લામ" તરીખે ઓળખવામાં આવે છે.

3-01-2010

No comments:

Post a Comment